અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયો વિશે વિદેશ મંત્રાલયે શું કહ્યું- ન્યૂઝ અપડેટ

પ્રકાશિત
વાંચવાનો સમય: 6 મિનિટ

ભારતીય વિદેશ મંત્રાલય તરફથી શુક્રવારના પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન વિદેશ મંત્રાલયના આધિકારિક પ્રવક્તા રણધીર જાયસ્વાલે ગેરકાયદેસર ઇમિગ્રેશન પર પ્રતિક્રિયા આપી છે.

પ્રેસ બ્રીફિંગમાં તેમણે કહ્યું, "અમે ગેરકાયદેસર ઇમિગ્રેશન વિરુદ્ધ છીએ. કારણ કે આ સંગઠિત અપરાધ સાથે અનેક રીતે જોડાયેલું છે."

તેમણે કહ્યું કે, "ભારતીયો માટે માત્ર અમેરિકા જ નહીં પરંતુ દુનિયામાં જ્યાં પણ તેઓ હોય, ભારતીય નાગરિક હોય અને તેઓ વધારે સમયથી રહી રહ્યા હોય અથવા કોઈ દેશમાં યોગ્ય દસ્તાવેજો વગર રહે છે, તો અમે તેમના પાછા લઈ આવીશું."

રણધીર જાયસ્વાલે કહ્યું કે, "શરત છે કે તેઓ પોતાના દસ્તાવેજો અમારી સાથે શેર કરે જેથી અમે તેમની રાષ્ટ્રીયતાની ચકાસણી કરી શકીએ અને અમે સુનિશ્ચિત કરી શકીએ કે તેઓ વાસ્તવમાં ભારતીય છે."

તેમણે કહ્યું કે, "જો આવું થશે તો અમે એ બાબતને આગળ વધારીશું અને તેમને ભારત લાવવામાં મદદ કરીશું."

વિદેશ મંત્રાલય તરફથી આ નિવેદન ત્યારે આવ્યું છે કે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદેસર ઇમિગ્રેશનને લઈને કડક વલણ અપનાવ્યું છે.

ગાઝા યુદ્ધવિરામ: શનિવારે ચાર મહિલા બંધકોને છોડી શકે છે હમાસ

ગાઝા યુદ્ધવિરામ સમજૂતી હેઠળ શનિવારના ચાર ઇઝરાયલી બંધકોને મુક્ત કરી શકાય છે.

માનવામાં આવી રહ્યું છે કે આમાંથી કેટલાક સૈનિકો અને કેટલાક સામાન્ય નાગરિકો હોઈ શકે છે. આ બધાં મહિલા બંધકો હોઈ શકે છે.

માનવામાં આવી રહ્યું છે કે હમાસ જલદી જ તેમનું નામ જાહેર કરી શકે છે.

આ બંધકોને બદલે ઇઝરાયલની જેલમાં બંધ 180 પેલેસ્ટાઇનિયન કેદિઓને છોડવામાં આવશે.

ગત રવિવારથી લાગુ થયેલા યુદ્ધવિરામની આ બીજી અદલાબદલી હશે. પ્રથમ વખતની અદલાબદલીમાં ત્રણ ઇઝરાયલી બંધકોને બદલે 90 પૅલેસ્ટાઇનિયન કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હતા.

આ યુદ્ધવિરામ સમજૂતી વડે યુદ્ધ રોકાયું છે જે સાત ઑક્ટોબર 2023ના હમાસ તરફથી ઇઝરાયલ પર હુમલા પછી શરૂ થયું હતું.

આ હુમલામાં લગભગ 1,200 લોકો માર્યા ગયા હતા અને 251 લોકોને બંધક બનાવીને પાછા ગાઝા લઈ જવાયા હતા.

ગાઝાના હમાસ તરફથ સંચાલિત આરોગ્ય મંત્રાયલે કહ્યું છે કે ઇઝરાયલના હુમલામાં 47,200થી વધુ પૅલેસ્ટાઇનિયન લોકો માર્યા ગયા છે, જેમાંથી મોટાભાગે સામાન્ય નાગરિક છે.

ઑસ્ટ્રેલિયન ઓપન: જોકોવિચ ઇજાને કારણે સેમિફાઇનલમાંથી બહાર, દર્શકોએ બોલાવ્યો હુરિયો

પગમાં સમસ્યાને કારણે નોવાક ઝોકોવિચના ઑસ્ટ્રેલિયન ઓપનના સેમિફાઇનલની મૅચને અધવચ્ચે છોડવા પર દર્શકોની નારાજગી જોવા મળી હતી. દર્શકોએ તેનો હુરિયો બોલાવ્યો હતો.

એલેક્ઝાન્ડર જેવરેવ જોકોવિચ ઇજાને કારણે સેમિફાઇનલની બહાર થતા ફાઇનલમાં પહોંચ્યા હતા.

જોકોવિચ સાથેની મૅચ બાદ ફાઇનલમાં પહોચીને કહ્યું, "હું પહેલા તો કહેવા માગુ છું કે કૃપા કરીને જ્યારે કોઈ ખેલાડી ઇજાને કારણે બહાર થાય તો તેની સામે આમ ન કરવું જોઈએ."

"હું જાણું છું કે તમે ટિકિટના પૈસા આપ્યા છે અને તમે પૂર્ણ પાંચ સેટની મૅચ જોવા ઇચ્છતા હોવ."

"પરંતુ તમારે સમજવું જોઈએ કે છેલ્લાં 20 વર્ષમાં નોવાક જોકોવિચે ટેનિસને ઘણું આપ્યું છે."

નોવાક જોકોવિચ પહેલા સેટમાં 1 કલાક અને 21 મિનિટ રમ્યા, પરંતુ તેઓ પગમાં ઇજાને કારણે આગળ ન રમી શક્યા.

ડોનાલ્ડ ટ્રમ્પે શી જિનપિંગ વિશે શું કહ્યું?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ચીનથી આયાત થનારાં માલસામાન પર ટેરિફ લગાવવાની તેમની નીતિ યોગ્ય છે.

ફૉક્સ ન્યૂઝ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "ચીનને અમેરિકાથી બહુ પૈસા મળે છે અને તે તેનો ઉપયોગ સેનામાં કરે છે."

ફૉક્સ ન્યૂઝે તેમને સવાલ કર્યો કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે તેના સબંધો કેવા છે?

તેના જવાબમાં તેણે કહ્યું કે હાલ જિનપિંગ સાથે તેમણે જે વાતચીત કરી તે સારી અને મિત્રતાથી ભરી રહી.

ટ્રમ્પે કહ્યું છે કે કોરોના પહેલાં તેમની વચ્ચે બહુ સારા સબંધો હતા.

તેમણે કહ્યું, "ચીન મહત્ત્વાકાંક્ષી દેશ છે અ તે મહત્ત્વાકાંક્ષી માણસ છે. તેઓ મારા દોસ્ત હતા અને અમારા સંબંધો સારા હતા."

ટ્રમ્પે હાલમાં જ કહ્યું છે કે ચીનથી આયાત થનારાં માલસામાન પર તેઓ દસ ટકા ટેરિફ લગાવશે.

વકફ સંશોધન બિલ પર બનેલી જેપીસીના અધ્યક્ષ જગદંબિકા પાલે શું કહ્યું?

વકફ સંશોધન બિલ પર બનેલી સંસદીય સંયુક્ત સમિતિ(જેપીસી)ના અધ્યક્ષ અને ભાજપના સંસદ જગદંબિકા પાલે કહ્યું કે કેટલાક લોકો અફવા ફેલાવી રહ્યા છે.

તેમણે ન્યૂઝ એજન્સી પીટીઆઈને કહ્યું, "અફવા ફેલાવાઈ રહી છે કે કાયદો પાસ થઈ જશે તો તેમની મસ્જિદો અને કબ્રસ્તાનો જતાં રહેશે."

જગદંબિકા પાલે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ વખત સંસદમાં વકફ સંશોધન બિલ પાસ થઈ જશે.

તેમણે કહ્યું, "સંવિધાન છે અ સંવિધાન અંતર્ગત બનેલી કેન્દ્ર સરકાર આ બિલ લઈને આવી છે."

વિપક્ષો અને વકફ સંશોધન બિલનો વિરોધ કરનારાઓનું કહેવું છે કે સરકાર વિધેયકના બહાને વકફની સંપત્તિ જપ્ત કરવા માગે છે.

સરકારની દલીલ છે કે આ વિધેયક વકફની સંપત્તિઓનો યોગ્ય ઉપયોગ કરવા માટે છે.

જન્મસિદ્ધ નાગરિકતા મામલે ટ્રમ્પે આપેલા કાર્યકારી આદેશ પર કોર્ટની રોક

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અમેરિકાના નાગરિકો ન હોય તેવાં માતાપિતાનાં બાળકોને અમેરિકામાં મળતા જન્મસિદ્ધ નાગરિકતાના અધિકારને સમાપ્ત કરવાના કાર્યકારી આદેશ પર કોર્ટે રોક લગાવી દીધી છે.

અમેરિકાના સિએટલસ્થિત ફેડરલ કોર્ટના જજે આ અસ્થાયી રોક લગાવી હતી.

કોર્ટમાં અમેરિકાનાં ચાર રાજ્યોમાં બાળકોને જન્મતાની સાથે જ મળી રહેલી અમેરિકન નાગરિકતા સમાપ્ત કરવાના ટ્રમ્પના કાર્યકારી આદેશ પર રોક લગાવવાની માગ કરી હતી.

અમેરિકાના કાયદા વિભાગના વકીલે ટ્રમ્પના આદેશના પક્ષમાં દલીલો કરી તો જજે સામો સવાલ કર્યો, "શું આ સંવૈધાનિક છે?"

ટ્રમ્પના કાર્યકારી આદેશમાં જણાવવામાં આવ્યું હતું કે કઈ પરિસ્થિતિઓમાં અમેરિકાની નાગરિકતા નહીં મળે.

  • અમેરિકામાં પેદા થયેલાં બાળકોનાં માતા જો અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતાં હોય.
  • પિતા જો બાળકના જન્મ સમયે અમેરિકાના નાગરિક ન હોય કે કાયદેસર વસવાટ ન કરતા હોય.
  • બાળકના જન્મ સમયે માતા કાયદેસર અમેરિકામાં રહેતા હોય પરંતુ અસ્થાયી વસવાટ હોય.
  • બાળકના જન્મ સમયે પિતા અમેરિકાના નાગરિક ન હોય કે કાયદેસર સ્થાયી નિવાસી ન હોય.

ટ્રમ્પનો આ કાર્યકારી આદેશ પહેલાં 19મી ફેબ્રુઆરીથી લાગુ પડવાનો હતો પરંતુ કોર્ટે તેના પર અસ્થાયી રોક લગાવી છે.

કૅનેડાને અમેરિકાના 51મા રાજ્ય બનાવવા મામલે ફરી ટ્રમ્પે આપ્યું નિવેદન

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત કહ્યું છે કે ટેરિફથી બચવા માટે કૅનેડા અમેરિકાનું 51મું રાજ્ય બની શકે છે.

ટ્રમ્પે કહ્યું છે કે "અમારો કૅનેડા સાથે કારોબારી સબંધ ખોટનો છે. અને તે હવે યથાવત્ નહીં રાખી શકાય."

ટ્રમ્પે કહ્યું છે કે આ ન્યાયસંગત નથી કે 200 અબજ કે 250 અબજ ડૉલરની કારોબારી ખાદ્ય રહે. અમે કાર બનાવવા માટે તેમની જરૂર નથી.

તેમણે એમ પણ કહ્યું કે તેમને ઑઇલ અને ગૅસની પણ જરૂર નથી. આ અમારી પાસે અન્યથી વધારે છે.

ટ્રમ્પ આ પહેલાં પણ કહી ચૂક્યા છે કે કૅનેડા અમેરિકાનું 51મું રાજ્ય બની જાય તો ટૅક્સમાં 60 ટકાનો કાપ મૂકાઈ શકે છે.

રશિયા-યુક્રેન યુદ્ધ મામલે ડોનાલ્ડ ટ્રમ્પે ચીનનું નામ કેમ લીધું?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ એક સમજૂતી માટે સહમતી વ્યક્ત કરી છે.

ડોનાલ્ડ ટ્રમ્પે કેટલાક આદેશો પર હસ્તાક્ષર કર્યા બાદ ઑવલ ઑફિસમાં પત્રકારોના કેટલાક પ્રશ્નોના જવાબો આપ્યા.

આ દરમિયાન યુક્રેન યુદ્ધ પર ચીનની ભૂમિકા પર પૂછવામાં આવેલા એક પ્રશ્નનો ઉત્તર આપતા તેમણે કહ્યું, "તેનો રશિયા પર પ્રભાવ છે. ચીન રશિયાની ઊર્જાની પૂર્તિ કરે છે. મેં સાંભળ્યું છે કે પુતિન મને મળવા માગે છે."

"આ યુદ્ધને સમાપ્ત કરવું સારું રહેશે, આ એક વાહિયાત યુદ્ધ છે."

અગાઉ ટ્રમ્પે ચેતવણી આપી હતી તે જો વ્લાદિમીર પુતિન યુક્રેન યુદ્ધને સમાપ્ત નહીં કરે તો તેઓ રશિયા પર વધુ કડક પ્રતિબંધો લગાવશે.

જેના જવાબમાં રશિયાએ કહ્યું હતું કે તેઓ બરાબરીનો અને સન્માનપૂર્ણ સંવાદ કરવા તૈયાર છે.

રશિયાના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું, "રશિયાને ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીમાં કશું નવું નથી લાગતું. તેમને આવું જ પસંદ છે. પહેલા કાર્યકાળ દરમિયાન તો તેમને આવું પસંદ જ હતું."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.