બિલકીસબાનો બળાત્કાર કેસના દોષિતો મુદ્દે SCનો સવાલ, 'પસંદગીપૂર્વક સજામાફી કેમ અપાઈ?'

પ્રકાશિત

વર્ષ 2002માં થયેલાં ગુજરાત રમખાણમાં બિલકીસબાનો સાથે થયેલા બળાત્કાર મામલાના 11 દોષિતોને ગત વર્ષે 15 ઑગસ્ટના રોજ ગુજરાત સરકારે મુક્ત કરી દેતાં મામલો સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

હવે ફરી એક વાર સુપ્રીમ કોર્ટમાં આ સજામાફીને પડકારતી અરજીઓની સુનાવણી વખતે જજોની બેન્ચ દ્વારા ગુરુવારે કરાયેલી ટિપ્પણીને કારણે આ મામલો સમાચારોમાં છવાયો છે.

નોંધનીય છે કે તમામ દોષિતોને સજામાફીની અરજીની સમીક્ષા માટે રચાયેલી સમિતિની ભલામણ બાદ ગુજરાત સરકારની સજામાફીની નીતિ હેઠળ મુક્ત કરાયા હતા.

બીબીસીના સહયોગી સુચિત્ર મોહંતીએ આપેલી માહિતી અનુસાર, ગુરુવારે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને બિલકીસબાનો કેસમાં બળાત્કાર અને હત્યાના દોષિતોને અપાયેલ ‘પસંદગીપૂર્વકની સજામાફી’ સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા.

સુપ્રીમ કોર્ટની બે જજોની બેન્ચ સજામાફીના નિર્ણયને પડકારતી કેટલીક અરજીઓની સુનાવણી કરી રહી હતી.

જસ્ટિસ બી. વી. નાગારત્નાના વડપણવાળી આ બેન્ચમાં જસ્ટિસ ઉજ્જલ બુયાન પણ સામેલ હતા.

કોર્ટમાં શું થયું?

ગુરુવારની સુનાવણી વખતે ગુજરાત સરકાર વતી કોર્ટમાં હાજર રહેતા એડિશનલ સૉલિસિટર જનરલ (એએસજી) એસ. વી. રાજુએ આ મામલામાં અપાયેલ સજામાફીના નિર્ણયને ન્યાયિક ગણાવતી દલીલો કરી હતી, તેમણે આ નિર્ણયને આ માટે ઘડાયેલા કાયદા અને નિયમોને અનુરૂપ ગણાવ્યો હતો.

પરંતુ સુપ્રીમ કોર્ટના ઉપરોક્ત પ્રશ્નનો જવાબ તેઓ આપી શક્યા નહોતા.

આ અંગે કોર્ટે કહ્યું હતું કે, “સુધારા માટેની તક બધાને મળવી જોઈએ, માત્ર થોડાને જ નહીં.”

જજોની બેન્ચે નોંધ્યું કે બધા લાયક દોષિતોને સમાજમાં પુન:સ્થાપન માટેની તક મળવી જોઈએ.

જસ્ટિસ નાગારત્નાએ પૂછ્યું કે, “આ નીતિનો અમલ પંસદગીપૂર્વક કેમ કરાઈ રહ્યો છે? બધાને સામૂહિક રીતે નહીં પરંતુ જનમટીપ પામેલા જે દોષિતો માફીને લાયક હોય તેમને સજામાફી આપવાનો પ્રશ્ન હોવો જોઈએ.”

નોંધનીય છે કે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટના 11 મે, 2022ના ચુકાદાના અનુસંધાને સજામાફીનો નિર્ણય કર્યો હતો.

એએસજી રાજુએ કહ્યું હતું કે ગુજરાત સરકાર સુપ્રીમ કોર્ટના હુકમથી બંધાયેલી હતી. જેમાં કહેવાયું હતું કે આ કેસમાં રાજ્યની સજામાફીની નીતિ અંતર્ગત નિર્ણય લેવાવો જોઈએ અને સરકારે એ અંતર્ગત આ અરજીઓ અંગે યોગ્ય નિર્ણય લેવો જોઈએ.

રાજુએ જણાવ્યું કે આ નિર્ણય ગુજરાતની વર્ષ 1992ની સજામાફીની નીતિને અનુરૂપ કાયદેસર અને તમામ પ્રક્રિયાને અનુસરીને લેવાયો હતો.

તેમજ એએસજી રાજુએ આ તમામ દોષિતોના કેસમાં ક્રિમિનલ પ્રૉસિજર કોડના સૅક્શન 432ની (સજામોકૂફી અને માફી અંગેની સત્તા) જોગવાઈ લાગુ પડતી હોવાની વિસ્તૃત વાત કરી હતી.

કોર્ટે આ મામલે બંને પક્ષોને 24 ઑગસ્ટ સુધી પોતાનો પક્ષ મૂકવાનો સમય આપ્યો છે. આ તારીખે કેસની આગામી સુનાવણી હાથ ધરાશે.

શું હતો સમગ્ર કેસ?

ગુજરાતમાં વર્ષ 2002માં થયેલાં રમખાણો દરમિયાન બિલકીસબાનોના પરિવારના 14 લોકોની હત્યા કરી દેવાઈ હતી અને તેમના પર સામૂહિક બળાત્કાર પણ ગુજારાયો હતો.

એ વખતે બિલકીસની ઉંમર લગભગ 20 વર્ષની હતી. હત્યા કરી દેવાયેલા લોકોમાં બિલકીસની પુત્રીનો પણ સમાવેશ થતો હતો. બિલકીસ તે સમયે ગર્ભવતી હતાં.

બળાત્કાર ગુજારાયા બાદ અધમરી હાલતમાં છોડી દેવાયેલાં બિલકીસ જેમતેમ કરીને નજીકની ટેકરી પર પહોંચ્યાં હતાં અને પોતાનો જીવ બચાવ્યો હતો.

આ ઘટના બાદ કેટલાક પોલીસકર્મીઓ દ્વારા બિલકીસને ડરાવવા તેમજ પુરાવાને નષ્ટ કરવાના પણ પ્રયાસ કરાયા હતા.

તેમના પરિવારજનોના મૃતદેહોને પોસ્ટમૉર્ટમ કરાયા વગર દફનાવી દેવાયા હતા.

બિલકીસની તપાસ કરનારા તબીબે તેમનો બળાત્કાર ન થયો હોવાનું જણાવ્યું હતું અને આ મામલે બિલકીસને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી હતી.

આમ છતાં બિલકીસની લડાઈ ચાલુ રહી હતી અને તેમણે હુમલાખોરોને ઓળખી કાઢ્યા હતા.

સુપ્રીમ કોર્ટે આ મામલો સીબીઆઈને સોંપ્યા બાદ 2004માં પ્રથમ ધરપકડ હાથ ધરાઈ હતી.

રાષ્ટ્રીય માનવાધિકાર આયોગની મદદથી બિલકીસનો કેસ મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર કરાયો હતો અને આરોપીઓને સજા સંભળાવાઈ હતી.

ગુજરાતની અદાલતો ન્યાય આપી શકશે નહીં એવી બિલકીસની અરજી એ વખતે સુપ્રીમ કોર્ટે માન્ય રાખી હતી.

ન્યાય માટેની 17 વર્ષની લડાઈમાં બિલકીસ અને તેમના પતિ યાકુબ રસૂલને પાંચ સંતાનો સાથે દસ ઘર બદલવાં પડ્યાં હતાં.

2017માં બીબીસીનાં ગીતા પાંડે સાથેની વાતચીતમાં બિલકીસે કહ્યું હતું, "પોલીસ અને તંત્રે હંમેશાં હુમલાખોરોનો સાથ આપ્યો છે. ગુજરાતમાં પણ અમે અમારું મોં ઢાંકીને રહીએ છીએ. અમે કોઈને પણ અમારું સરનામું આપતા નથી."

2002માં બિલકીસ પર જ્યારે સામૂહિક બળાત્કાર ગુજારાયો ત્યારે તેઓ ગર્ભવતી હતાં. એ વખતે તેમની ત્રણ વર્ષની પુત્રી સાલેહાની પણ નિર્મમતાથી હત્યા કરી દેવાઈ હતી.

આજે બિલકીસનાં બાળકોમાં મોટી પુત્રી હાજરા, બીજી પુત્રી ફાતિમા અને પુત્ર યાસીન તેમજ નાની પુત્રી સાલેહાનો સમાવેશ થાય છે.

આંખોની સામે હત્યા કરી દેવાયેલી પોતાની પુત્રીના નામ પરથી બિલકીસે સૌથી નાની પુત્રીનું નામ સાલેહા રાખ્યું છે.

આ દોષિતોએ જેલમાં 15 વર્ષથી વધુ સમય કાપ્યો હતો અને એક દોષિતે સુપ્રીમ કોર્ટમાં પ્રિમૅચ્યોર રિલીઝ માટે અરજી કરી હતી.

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ગત વર્ષે આ મામલે સજામાફી અંગે વિચારણા કરવા કહ્યું હતું અને સરકારે એક કમિટીની રચના કરી હતી. પંંચમહાલના કલેક્ટર સુજલ માયાત્રા આ પૅનલના અધ્યક્ષ હતા.

સજામાફીના નિર્ણય અંતર્ગત આ ગુનાના દોષિત એવા જસવંતલાલ નાઈ, ગોવિંદ નાઈ, શૈલેશ ભટ્ટ, રાધેશ્યામ શાહ, બિપિનચંદ્ર જોશી, કેસરભાઈ વોહાણિયા, પ્રદીપ મોરઢિયા, બકાભાઈ વોહાણિયા, રાજુભાઈ સોની, મિતેશ ભટ્ટ અને રમેશ ચંદાનાને છોડી મુકાયા હતા.

સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર 21 જાન્યુઆરી 2008ના મુંબઈની વિશેષ સીબીઆઈ અદાલતે ગૅંગરેપ અને બિલકીસબાનોના સાત પરિવારજનોની હત્યાના આરોપમાં 11 લોકોને દોષિત ઠેરવ્યા હતા અને તેમને આજીવન કારાવાસની સજા સંભળાવવામાં આવી હતી. બૉમ્બે હાઈકોર્ટે સજાને યથાવત્ રાખી હતી.

સુપ્રીમ કોર્ટે વળતર ચૂકવવાનો કર્યો હતો આદેશ

અગાઉ એપ્રિલ 2019માં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને બિલકીસબાનોને વળતર પેઠે રૂ. 50 લાખ ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપક ગુપ્તાની ખંડપીઠે આ વચગાળાનો નિર્દેશ આપ્યો હતો

કોર્ટે બિલકીસબાનોને સરકારી નોકરી અને નિયમાનુસાર તેમના માટે રહેઠાણની વ્યવસ્થા કરવા પણ સૂચન કર્યું હતું.

બિલકીસે કહ્યું કે આ ચુકાદાથી મહિલા અને નાગરિક તરીકેની તેમની ગરિમા પુનઃસ્થાપિત થઈ.

ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટને સૂચિત કર્યું હતું કે દોષિત અધિકારીઓ કે જેમણે 'બિલકીસ સામૂહિક બળાત્કાર મામલે' પુરાવા સાથે ચેડાં કરવાનો પ્રયાસ કર્યો હતો, એમાંથી ઘણાના પેન્શનના લાભ પરત લઈ લેવાયા છે.