ગીર સોમનાથ: 'રસ્તો કાગળ પર બની ગયો', ગામલોકોએ આત્મવિલોપનની ચીમકી કેમ આપી?

    • લેેખક, જય શુક્લ
    • પદ, બીબીસી ગુજરાતી
  • પ્રકાશિત

ગુજરાતમાં આજકાલ ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારમાં રોડ-રસ્તા તૂટેલા જોવા મળે છે. મોટાં શહેરોમાં રસ્તા પરથી જમીન ધસી પડવાને કારણે પડનારા ભૂવા પણ હવે સામાન્ય થઈ ગયા છે. રસ્તા ઊબડખાબડ થવાને કારણે લોકોને અને વાહનચાલકોને ભારે તકલીફોનો સામનો કરવો પડે છે.

પણ આજે વાત ગીર સોમનાથ જિલ્લાના બાવાના પીપળવા ગામની. આ ગામનો રસ્તો એવો છે કે તે છેલ્લાં ત્રણ વર્ષથી બન્યો જ નથી.

ગામલોકોનું કહેવું છે કે સરકારના પેપર પર આ રસ્તો બની ગયો છે. 200 મીટરનો આ રસ્તો એટલો ખરાબ છે કે ગામલોકો ત્રસ્ત થઈ ગયા છે.

આથી કોડિનારના બાવાના પીપળવા ગામના આ 200 મીટરના રસ્તાના મામલે 105 લોકોએ સામૂહિક આત્મવિલોપનની ચીમકી આપી છે.

તેમણે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે કે જો આ રસ્તાનું કામ 15 દિવસમાં પૂર્ણ નહીં થાય તો આ રસ્તાની જગ્યાએ જ તેઓ આત્મવિલોપન કરશે.

શું કહેવું છે ગામલોકોનું?

શા માટે ગામના 105 લોકોએ આત્મવિલોપનની ચીમકી આપવી પડી? બીબીસીએ જ્યારે ગામના લોકોને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે તેઓ રસ્તા મામલે રજૂઆતો કરી કરીને થાકી ગયા છે.

નેતાઓ અને અધિકારીઓએ તેમની રજૂઆતોને સાંભળી નહોતી તેથી તેમણે આત્મવિલોપનની ચીમકી આપવી પડી.

ગામવાસીઓ ફરિયાદ કરતા કહે છે કે આ રસ્તો એટલો ખરાબ છે કે વાહનચાલકો તો સ્લીપ થાય જ છે પરંતુ હાલતીચાલતી વ્યક્તિ પણ પડી જાય છે.

ગામમાં રહેતા અરવિંદ ગૌસ્વામી બીબીસી ગુજરાતીના સહયોગી દિલીપ મોરી સાથે વાતચીતમાં જણાવે છે, “ચોમાસામાં તો હાલત વધુ કફોડી થાય છે. તકલીફો એટલી છે પરંતુ કોઈ દાદ આપતું નથી તેથી અમારે આત્મવિલોપનની ચીમકી આપવી પડી છે.”

આ રસ્તો બાવાના પીપળવા, કડોદરા, માલશ્રમ, જંત્રાખડી અને કોડિનાર હાઈવે તરફ જવાનો મુખ્ય રસ્તો છે, જેને કારણે ન માત્ર પીપળવા ગામના લોકો પણ આસપાસનાં ગામના લોકોને પણ ખરાબ રસ્તાને કારણે ઘણી તકલીફ પડી રહી છે.

ગામલોકોનો આરોપ છે કે માત્ર પેપર પર જ રસ્તો બની ગયો છે. રસ્તાના કૉન્ટ્રાક્ટર ત્રણ વર્ષથી આ કામ અધૂરું મૂકીને જતા રહ્યા છે.

આ ગામના રહેવાસી ભાવેશ કાનાભાઈ બીબીસી ગુજરાતીના સહયોગી દિલીપ મોરી સાથેની વાતચીતમાં કહે છે, “આ રસ્તો ઘણાં ગામોને જોડે છે, પરંતુ ઘણાં વર્ષોથી તે બિસમાર હોવાથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. માત્ર 200 મીટરનો રસ્તો છે પણ તેને રિપૅર કરવા મામલે અમારું કોઈ સાંભળતું નથી.”

“જો 15 દિવસમાં આ રસ્તો નહીં બને અને જો અમે આત્મવિલોપન કરીશું અને તેને માટે સરકાર જવાબદાર રહેશે.”

ગામના વધુ એક રહેવાસી મનુભાઈ ચુડાસમા કહે છે, “જ્યારથી અમે ચીમકી ઉચ્ચારી ત્યારે કોઈક આવીને રાતોરાત અહીં કપચી નાખી ગયું છે. એ પણ ખબર નથી કોણ આવ્યું અને ક્યારે આવ્યું? આ પહેલા કોઈ જોવા સુધ્ધાં આવ્યું નહોતું.

ગામલોકોનું કહેવું છે કે હાલમાં જ આ રસ્તા પરથી ગીર સોમનાથના પૂર્વ પ્રભારી મંત્રી અરવિંદ રૈયાણી, સાંસદ રાજેશ ચુડાસમા સહિતનાનો કાફલો નીકળ્યો હતો. તે સમયે આ બિસમાર રસ્તાને કારણે ટ્રાફિક નિયમન માટે પોલીસે ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

ગામના લોકોનો એ પણ આરોપ હતો કે તેમને પડેલી મુશ્કેલી તેમણે જોઈ હોવા છતાં આ નેતાઓએ ગામના લોકોની રજૂઆતને ધ્યાને લીધી નહોતી.

સરકારી અધિકારીઓનું શું કહેવું છે?

ગામના રહેવાસીઓ કહે છે કે પીપળવાથી મજેવડી રોડ બનાવવા મામલે 22-09-2015થી કામ ચાલુ કરવાનો નિર્દેશ હતો. પણ કૉન્ટ્રાક્ટરે માર્ગની કામગીરી અધૂરી છોડી દીધી. 30-08-17ના રોજ આ કામ પૂર્ણ કર્યું હોવાનું જાહેર કરી દીધું હતું. ઇજારદારને કામમાંથી મુક્ત કરવાનો ઠરાવ પણ પસાર કરી દેવાયો હતો.

હાલ સમયમર્યાદાને પૂર્ણ થઈ ગઈ હોવાના કારણે ગામમાં સરપંચ કોઈ નથી. ગામમાં હાલ વહીવટદાર અમિત ઝાલા ફરજ બજાવે છે.

બીબીસી ગુજરાતીએ અમિત ઝાલા સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે આ માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત કામ થયું છે.

અમિત ઝાલા કહે છે, “આ 200 મીટર રસ્તામાં એક જગ્યા એવી છે જે રસ્તાને પહોળા કરવામાં નડતરરૂપ થાય છે. એ ખાનગી માલિકીની જગ્યા છે અને તેને કારણે રસ્તો બની નથી શક્યો.”

“ગામના લોકોએ આત્મવિલોપનની ચીમકી આપવાને બદલે જેની ખાનગી જગ્યા છે તેને સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.”

બીબીસીએ આ મામલે ગીર સોમનાથના કલેક્ટર સાથે પણ વાત કરી.

કલેક્ટર એચ. કે. વઢવાણિયાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું, “અમે ગામના લોકોએ જે રજૂઆતો કરી છે તે મામલે જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસવડાને સૂચિત કરીને ઘટતું કરવા નિર્દેશ કર્યા છે.”

ગીર-સોમનાથના ડીડીઓ રવીન્દ્ર ખતાલેને આ વિશે પૂછ્યું તો તેમણે કહ્યું કે હું આ મામલાનો વિગતવાર અભ્યાસ કરીને પગલાં ભરીશ. તેમણે કહ્યું કે ગામવાસીઓએ જે રજૂઆત કરી છે તે વિશેનો પત્ર તેમને મળ્યો નથી.

તો માર્ગ અને મકાન વિભાગના પંચાયત વિભાગના કાર્યપાલક ઇજનેર એ. એન. ભદોરિયા બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કહે છે, “2015માં સરકારી બંદરોને રાજ્યના ધોરી માર્ગ અથવા રાષ્ટ્રીય ધોરી માર્ગ સાથે જોડતા રસ્તાઓ પહોળા તથા તેની સુધારણા કરવાનું કામ શરૂ થયું હતું. પણ 2017માં આ ગામના રસ્તાનું કામ છોડી દેવામાં આવ્યું છે. શું નડતર છે તેના ઘણાં કારણો હોઈ શકે છે. હું પંચાયત વિભાગમાં છું એટલે રાજ્યના માર્ગ અને બાંધકામ વિભાગને તેની વધારે ખબર હશે.”

શું કહેવું છે કૉન્ટ્રાક્ટરનું?

ગામલોકોનો આરોપ છે કે ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર તાલુકાના બાવાના પીપળવા ગામમાંથી પસાર થતો રસ્તો સરકારી અધિકારીઓની મિલીભગત અને કૉન્ટ્રાક્ટર સાથેની સાઠગાંઠને કારણે બન્યો નથી.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા બંદરોના વિકાસ માટે રાજ્ય ધોરીમાર્ગ અથવા રાષ્ટ્રીય ધોરીમાર્ગ સાથે જોડતાં રસ્તાઓ પહોળા કરવા કે તેની સુધારણા માટે તારીખ 25-08-2014ના રોજ માર્ગ અને મકાન વિભાગના ઠરાવ ક્રમાંક નં. પરચ/102013/2/ડ પ્રમાણે 31.05 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી.

આ ગામનો રસ્તો પંચાયત હસ્તકનો છે. તેની કામગીરી માર્ગ અને બાંધકામ વિભાગને સોંપવામાં આવી હતી.

માર્ગ અને બાંધકામ વિભાગે આ કામ રાજકોટના જે. પી. સ્ટ્રક્ચર પ્રા. લિ.ને સોંપ્યું હતું.

ગામલોકોનો એવો પણ આરોપ છે કે માર્ગ અને મકાન વિભાગે કૉન્ટ્રાક્ટરને આ કામ પૂર્ણ ન કર્યું હોવા છતાં તેમને કામમાંથી મુક્ત કરવાનો ઠરાવ કર્યો હતો.

બીબીસી ગુજરાતીએ આ મામલે જે. પી. સ્ટ્રક્ટરના માલિક પ્રકાશ અકબરી સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો. પ્રકાશ અકબરીએ બીબીસીને જણાવ્યું કે આ કામનો ઠેકો તેમની કંપનીને મળ્યો હતો, પરંતુ ત્યારબાદ તેમણે આ કામ પેટાકૉન્ટ્રાક્ટરને આપ્યું હતું.

પ્રકાશ અકબરીના જણાવ્યા પ્રમાણે આ કામ તેમણે કોડિનારના કે. વી. બરાડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સોંપ્યું હતું.

બીબીસી ગુજરાતીના સહયોગી બિપિન ટંકારિયાએ કે. વી. બરાડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સંચાલક એન. ડી. પરમાર સાથે વાત કરી.

એન. ડી. પરમારે બીબીસીને કહ્યું, “તે રોડને પહોળો કરવા માટે જમીનનું સંપાદન થયું નથી. સૂચિત બાયપાસમાંથી આ રસ્તો નીકળે છે. તેથી અમે તે રોડ બનાવ્યો જ નથી તો તૂટવાનો પ્રશ્ન ક્યાં રહે છે. સરકાર તરફથી એવું જાણવા મળ્યું છે કે જમીન સંપાદનની કામગીરી ચાલુ છે. અમને જમીન સંપાદન કરીને આપશે તો અમે રસ્તો બનાવી આપીશું.”

એન. ડી. પરમાર કહે છે કે 2014થી અમે ગામવાસીઓને સમજાવીએ છીએ. તેઓ કહે છે કે આ રસ્તાનું ચુકવણું થયું છે તે વાત ખોટી છે.

“એ રસ્તો નથી બન્યો તેથી તેનું ચુકવણું નથી થયું. આ રસ્તાના બાયપાસનું જાહેરનામુ બહાર નથી પડ્યું. ગામની અંદરથી આ રસ્તો નહીં પસાર થઈ શકે, કારણ કે જો તેમ કરવા જઈએ તો ગામમાં ઘણાં મકાનો તોડવાં પડે.”