You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બનાસકાંઠા : પોલીસ જાપતામાં યુવતીનું અપહરણ કરી લેવાયું, એક સ્ટિકર પરથી કઈ રીતે પકડાયા ?
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
- પ્રકાશિત
તમે માની શકો કે કોઈ પોલીસનું વાહનને આંતરીને, પોલીસકર્મીને મારીને પોલીસના રક્ષણ હેઠળ જઈ રહેલી છોકરીને કોઈ ઉઠાવી જાય? બનાસકાંઠામાં આવી ઘટના ઘટી છે.
એક પ્રેમી યુગલને જીવનું જોખમ હોવાથી એમણે પોલીસરક્ષણ માગ્યું અને એમને પોલીસરક્ષણ આપવા માટેની કાયદેસર કાર્યવાહી કરવા માટે ખાનગી વાહનમાં લઈ જઈ રહેલી પોલીસ પર હુમલો કરવામાં આવ્યો, છોકરીનું અપહરણ કરી લેવાયું. આ ઘટના ઘટ્યા બાદ આરોપીઓને રાજસ્થાનમાંથી પકડી લેવાયા છે અને અપહૃત છોકરીને પણ છોડાવી લેવાઈ છે.
કોઈ ફિલ્મના પ્લૉટ જેવી લાગતી આ વાતને સમજવા માટે થોડું ફ્લૅશ બૅકમાં જવું પડે એમ છે.
વાત એમ છે કે બનાસકાંઠાના દિયોદરમાં થોડા દિવસથી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હતી કેમ કે ગામમાં રમેશ અને પ્રિયંકા (નામ બદલ્યાં છેે) પ્રેમલગ્ન કર્યાં હતાં.
યુવતીના પિતાને આ લગ્ન સામે વાંધો હતો અને એટલે બન્ને સમાજો આમનેસામને આવી ગયા હતા. જેને પગલે આ નવદંપતી રક્ષણ માટે પોલીસસ્ટેશન પહોંચ્યું હતું.
દિયોદર પોલીસે આ મામલાની ગંભીરતા સમજી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે શિહોરી પોલીસ સ્ટેશનમાં અરજી લખવા માટે તેમને જણાવ્યું હતું.
જેને પગલે દિયોદર પોલીસ સ્ટેશનનાં મહિલા એ.એસ.આઈ. રત્ના વર્ધાજી અને આર્મ્ડ પોલીસ કૉન્સ્ટેબલ જલાજી દીવાનજી દિયોદરથી 21 કિલોમીટર દૂર આવેલા શિહોરી પોલીસ સ્ટેશને જવા નીકળ્યા.
દિયોદરમાં વાતાવરણ તંગ હતું એટલે પોલીસ-વાહનને બદલે તેઓ ખાનગી વાહનમાં જઈ રહ્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સફેદ કારે અચાનક ઓવરટેક કર્યો
એ.એસ.આઈ. વર્ધાજીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, 'અમારી પાછળ એક સફેદ કાર આવતી હતી અને અમને એનો અંદાજો નહોતો કે એ લોકો અમારો પીછો કરી રહ્યા છે. મલેકપુર પાસે સૂમસામ રસ્તો આવતાં એ સફેદ કારે અચાનક ઓવરટેક કર્યો અને અમારી આગળ ઊભી રહી ગઈ.'
'અમે કંઈ સમજીએ એ પહેલાં જ એ કારમાંથી ચાર લોકો ઊતર્યા અને અમારી ગાડી પર લોખંડની પાઇપ અને લાકડીથી હુમલો કરી દીધો. કારના કાચ તોડી નાખ્યા.'
'પોલીસ કૉન્સ્ટેબલ જલાજી દીવાનજી નીચે ઊતરીને એમનો સામનો કરવા ગયા તો એમના ઉપર લોખંડના સળિયાથી હુમલો કર્યો. જેને લીધે તેઓ નીચે પડી ગયા. હું નીચે ઊતરી તો એમણે મારા પર પણ હુમલો કરી દીધો અને એ દરમિયાન યુવતીને કારમાંથી કાઢીને એમની કારમાં બેસાડી દેવાઈ તથા તેઓ નાસી છૂટ્યા.'
'મેં તરત જ પોલીસ કંટ્રોલ અને દિયોદર પોલીસને જાણ કરી એટલે પોલીસની ત્રણ ટુકડી અપહણરકારોનો પીછો કરવા નીકળી. '
દિયોદરના ડી.વાય.એસ.પી ડી.ડી ગોહિલ આ મામલે વાત કરતાં બીબીસી ગુજરાતીને જણાવે છે કે એમના "સરહદી વિસ્તારમાં આ પ્રકારની ઘટના ભાગ્યે જ ઘટે છે. અલબત્ત, અહીં પ્રેમલગ્નનો વિરોધ થાય અને ગામમાં હોબાળો થાય પણ પોલીસ પર હુમલો ના થાય."
"યુવકના જણાવ્યા અનુસાર અપહરણકર્તા એમના ગામ દિયોદરના નહોતા. તપાસ કરતાં ખેતરમાં કામ કરનારા લોકોએ સફેદ ગાડી જોઈ હોવાનું જાણવા મળ્યું."
"આ ઘટનામાં યુવકને ઉપાડી જવામાં નહોતો આવ્યો એટલે એક વાત નક્કી હતી કે અપહરણમાં યુવતીનો પક્ષ સામેલ હોવો જોઈએ."
"લોકલ ક્રાઇમ બ્રાન્ચ(એલ.સી.બી.)ને ગામલોકો થકી જાણવા મળ્યું કે અપહરણકારોની કાર રાજસ્થાન તરફ ગઈ છે. જે બાદ અમે એ રસ્તા પરની તમામ દુકાનો અને રેસ્ટોરાં, હોટલના સીસીટીવી ફૂટેજ ચકાસવાનું ચાલુ કર્યું."
"એ ફૂટેજમાં એક સફેદ કાર જોવા મળી જેમાં લગ્નનું સ્ટિકર પણ લગાવાયેલું હતું."
"વળી, એ કાર રાજસ્થાન તરફ જ જઈ રહી હતી. આ દરમિયાન એલ.સી.બી.ને રાજસ્થાનમાં ચાર લોકો સંતાયા હોવાની બાતમી મળી."
"અમે રાજસ્થાન જઈને ચારેયની ધરપકડ કરી અને યુવતીને સલામત પરત લઈ આવ્યા."
પરિવારના પ્રતિબંધો
યુવક અને યુવતી છેલ્લા કેટલાય સમયથી પ્રેમમાં હતાં. એક સામાજિક કાર્યકરની મદદથી બીબીસી સાથે વાત કરતાં પ્રિયંકા જણાવે છે, "મારા પિતાનું ઘર આર્થિક રીતે સમૃદ્ધ હતું. દિયોદર જેવા નાના ગામમાં હું રમેશને પ્રેમ કરું એ છૂપું રહી શકે નહીં. મારા ઘરમાં ખબર પડી એટલે મારા પર કેટલાય પ્રતિબંધો લગાવી દેવાયા."
"એક દિવસ તક મળતાં હું અને રમેશ ભાગી ગયાં અને લગ્ન કરી લીધાં. હવે ગામમાં પરત જઈએ તો જોખમ હતું એટલે અમે પોલીસ પાસે મદદ લેવા આવ્યાં."
"મને કોઈએ નુકસાન પહોંચાડ્યું નથી. પોલીસની સતર્કતાના લીધે હું રાજસ્થાનથી પરત આવી શકી, નહીં તો રાજસ્થાનમાં અમારી જ્ઞાતિના કોઈ યુવક સાથે જ મારા પિતા મારાં લગ્ન કરાવી દેત."
પ્રિયંકાની સાથે જ હાજર રમેશે બીબીસીને જણાવ્યું, "પ્રિયંકાના પિતા મારી સાથે લગ્ન કરાવવા નહોતા ઇચ્છતા પણ અમારો પ્રેમ સાચો હતો એટલે અમે પરણી ગયાં."
આ મામલે દિયોદરમાં રહેતા પ્રિયંકાના પિતાનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો પણ એમનો સંપર્ક થઈ શક્યો નહોતો.
જોકે, એમના મિત્ર રાજેન્દ્ર મોદીએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, "પુત્રી કોઈના પ્રેમમાં હોવાની જાણ થઈ ત્યારથી તેઓ વ્યથિત હતા."
"એ નહોતા ઇચ્છતાં કે એમની દીકરીનાં લગ્ન ઓછું કમાતા યુવક સાથે થાય. એટલે એમણે એમની જ્ઞાતિમાંથી જ છોકરો પસંદ કરીને એમની પુત્રીની સગાઈ નક્કી કરી દીધી હતી."
"બળજબરીપૂર્વક બીજે લગ્ન કરવાં ન પડે એટલે પ્રિયંકાએ પ્રેમલગ્ન કરી લીધાં."
આ મામલે બીબીસીએ રમેશના પિતાનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.
દિયોદરના ડી.વાય.એસ.પી. ડી.ટી. ગોહિલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "અમે ચાર લોકોને પકડીને રિમાન્ડ પર લીધા છે. એમની સામે સરકારી કર્મચારીના કામમાં અડચણ ઊભી કરવી, એમના ડરાવવા તથા હુમલો કરવાની કલમ 333 લગાડી છે, જેમાં 10 વર્ષની સજાની જોગવાઈ છે."
"આ ઉપરાંત અપહરણ માટે 365 કલમ લગાડી છે, જેમાં સાત વર્ષની સજાની જોગવાઈ છે. આ ચાર લોકો સિવાય અન્ય કેટલાક લોકોની અટકાયત પણ કરાઈ છે, જેમણે અપહરણનું કાવતરું ઘડ્યું હતું."
"આ ઉપરાંત અપહરણકારોને આશરો આપનાર સામે પણ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે."