You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યુકે : ઑઇલ ટૅન્કર અને કન્ટેઇનર જહાજ વચ્ચે ટક્કરથી મધદરિયે આગ, 30નો બચાવ – ન્યૂઝ અપડેટ્સ
ઇંગ્લૅન્ડમાં યૉર્કશાયરના પૂર્વ કિનારે ઉત્તર સાગરમાં કન્ટેઇનરનું વહન કરતા જહાજ સોલૉંગ તથા ઑઇલ ટૅન્કર સ્ટૅના ઇમાક્યુલૅટ વચ્ચે ટક્કર થઈ હતી, જેના કારણે આગ ફાટી નીકળી હતી.
આંતરરાષ્ટ્રીય સમય પ્રમાણે સવારે દસ વાગ્યા આસપાસ આ ટક્કર થઈ હતી, જેના કારણે ઉત્તર સાગર ઉપર કાળાં ડિબાંગ વાદળ છવાઈ ગયાં હતાં.
યુકેના કોસ્ટગાર્ડે આગને ઓલવવા માટે તથા પ્રદૂષણને ફેલાતું અટકાવવા માટે કવાયત હાથ ધરી છે. સાથે જ આ અકસ્માતને કારણે દરિયાઈ જીવસૃષ્ટિને કેટલું નુકસાન થશે, તે અંગે ચિંતા પેદા થઈ છે.
અમેરિકાસ્થિત ઑઇલ કંપનીના નિવેદન પ્રમાણે, ટૅન્કર પર 20 કર્મચારીઓ સવાર હતા અને તમામ સકુશળ છે. બંને જહાજમાંથી કુલ 30 કર્મચારીઓને બચાવી લેવામાં આવ્યા છે.
આ જહાજ યુકેસ્થિત અમેરિકાના ઍરબેઝ માટે લઈ જવાઈ રહ્યું હોવાના અહેવાલ છે.
યુકેના પરિવહન મંત્રીએ આ દુર્ઘટના અંગે ચિંતા પ્રગટ કરી છે સાથે જ તેમણે તત્કાલ બચાવ કામગીરી હાથ ધરનારા ઇમર્જન્સી સર્વિસના કર્મચારીઓનો પણ આભાર માન્યો હતો.
મરીન ઇન્સ્પેક્ટરોની એક ટુકડીને પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, જેણે જહાજ અને ઑઇલ ટૅન્કર વચ્ચે કેવી રીતે ટક્કર થઈ, તેની તપાસ હાથ ધરી છે.
રવીન્દ્ર જાડેજાએ નિવૃત્તિની અટકળો પર જવાબ આપ્યો
રવિવારે દુબઈ ખાતે ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે ચૅમ્પિયન્સ ટ્રૉફીની ફાઇનલ મૅચ રમાઈ હતી, જેમાં ભારતનો ચાર વિકેટે વિજય થયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફાઇનલના મુકાબલા દરમિયાન એક તબક્કે એવી સ્થિતિ ઊભી થઈ હતી કે સોશિયલ મીડિયા પર ભારતના ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાની વનડે કારકિર્દી અંગે સવાલ ઊઠવા લાગ્યા હતા.
જ્યારે જાડેજાએ તેમના ક્વોટાની ઓવરો પૂરી કરી, ત્યારે વિરાટ કોહલી તેમને ભેટી પડ્યા હતા. એ પછી સોશિયલ મીડિયા પર અટકળો વહેતી થઈ હતી કે રવીન્દ્ર જાડેજા માટે રવિવારની મૅચ છેલ્લો વનડે મુકાબલો છે.
જાડેજા અગાઉ જ આંતરરાષ્ટ્રીય ટી-20 ફૉર્મેટથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે.
સોમવારે રવીન્દ્ર જાડેજાએ પોતાની નિવૃત્તિ અંગે મૌન તોડ્યું હતું. તેમણે ઇન્સ્ટાગ્રામ ઉપર એક સ્ટોરી પોસ્ટ કરી હતી, જેને તેમની નિવૃત્તિની અફવા સાથે જોડીને જોવામાં આવે છે.
રવીન્દ્ર જાડેજાએ લખ્યું, "અકારણ અફવા ન ફેલાવો. આભાર."
અમેરિકાના વિદેશમંત્રીએ કહ્યું, 'યુક્રેનના યુદ્ધને સમાપ્ત કરવા કઠોર નિર્ણય લેવા પડશે'
અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયો મંગળવારે સાઉદી અરેબિયા પહોંચશે, જ્યાં તેઓ યુક્રેનના અધિકારીઓ સાથે વાતચીત કરશે.
રુબિયો લાંબા સમયથી કહી રહ્યા છે કે યુક્રેનનું યુદ્ધ 'ટૂંક સમયમાં' પૂરું થઈ જશે.
ગત વર્ષે નવેમ્બર મહિના દરમિયાન ચૂંટણીઓમાં ડોનાલ્ડ ટ્રમ્પના વિજય બાદ રુબિયોએ કહ્યું હતું, "અમે ખરેખર ઇચ્છીએ છીએ કે આ યુદ્ધ વેળાસર પૂરું થઈ જાય, પરંતુ એ માટે કેટલાક કઠોર નિર્ણય લેવા પડશે."
રુબિયો અગાઉ પણ કહી ચૂક્યા છે કે "યુક્રેનની સેના રશિયાની સેનાને નિર્ણાયક રીતે હરાવી દેશે, એ વાત ખાતરીપૂર્વક કહી શકાય તેમ નથી."
ગત વર્ષે યુક્રેનને છ અબજ ડૉલરની સહાય આપવા સંદર્ભે વોટિંગ થયું હતું, ત્યારે રુબિયોએ તેની વિરુદ્ધ મતદાન કર્યું હતું.
રુબિયોએ કહ્યું હતું, "મને લાગે છે કે યુક્રેનના લોકોએ રશિયા વિરુદ્ધ બહાદુરી અને દૃઢતા દેખાડ્યાં છે."
"પરંતુ આપણે (યુક્રેનને) જે મદદ આપી રહ્યા છીએ, તેનાથી એવું યુદ્ધ લંબાઈ રહ્યું છે, જે કોઈ પણ નિર્ણય ઉપર નથી પહોંચી રહ્યું. આ યુદ્ધને વહેલાંમાં વહેલી તકે સમાપ્ત કરવું જરૂરી છે, અન્યથા યુક્રેન 100 વર્ષ પાછળ ધકેલાઈ જશે."
મોહમ્મદ શમીના રોજા ન રાખવા પર પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર ઇન્ઝમામ-ઉલ-હકે શું આપી સલાહ?
ભારત ચૅમ્પિયન્સ ટ્રૉફી જીતી ચૂક્યું છે. પરંતુ કેટલાક વિવાદો છે જે આ ટુર્નામેન્ટ દરમિયાન થયા છે.
આ વિવાદોમાં એક ચર્ચા મોહમ્મદ શમીના રોજા ન રાખવા મામલે પણ થઈ હતી.
મોહમ્મદ શમી દુબઈમાં ઑસ્ટ્રેલિયા સામેની સેમિફાઇનલમાં પાણી કે જ્યૂસ પીતા દેખાયા હતા. જે મામલે સોશિયલ મીડિયા પર તેમની આલોચના થઈ હતી. જોકે, શમીના સમર્થનમાં ઘણા લોકો આગળ આવ્યા હતા.
હાલમાં મુસ્લિમોમાં પવિત્ર મનાતા રમઝાનના દિવસો ચાલી રહ્યા છે. આ દરમિયાન મુસ્લિમોમાં રોજા રાખવાની પ્રથા છે. એવામાં શમી પાણી કે જ્યૂસ પીતા દેખાયા હતા એટલે રોજા ન રાખવા મામલે સોશિયલ મીડિયામાં તેમની આલોચના શરૂ થઈ.
ઑલ ઇન્ડિયા મુસ્લિમ જમાતના અધ્યક્ષ મૌલાના શહાબુદ્દીન રઝવી બરેલવીએ કહ્યું કે રમઝાન દરમિયાન રોજા ન રાખવા એ અપરાધ છે.
શમીના સમર્થનમાં જાણીતા ગીતકાર જાવેદ અખ્તર આવ્યા. તેમણે કહ્યું, "શમી સાહેબ તમે એ કટ્ટર મુરખોની પરવાહ ન કરો જેમને ક્રિકેટના મેદાનમાં તમારા પાણી પીવાને લઈને વાંધો છે. તમે અમને ગૌરવાન્વિત કરનારી મહાન ભારતીય ટીમનો હિસ્સો છો. તમને અને આપણી ટીમને મારી શુભકામનાઓ."
ઇન્ઝમામ-ઉલ-હકે શું કહ્યું?
ઇન્ઝમામ-ઉલ-હકે પાકિસ્તાનની સિટી-42 ચૅનલ પર આ વિશે ચર્ચા કરતા કહ્યું, "રમતા હોય ત્યારે રોજા ન રાખવા કોઈ એવી વાત નથી. મને લાગે છે કે સૌથી વધુ વાંધો તેનો હોય શકે કે તેમણે સાર્વજનિક પ્રકારે પાણી પીધું. રમતા હોય ત્યારે રોજા રાખવા મુશ્કેલ હોય છે. અમને પણ જૂનો અનુભવ છે. રોજા દરમિયાન મૅચ હોય તો વૉટર બ્રેક દરમિયાન પાકિસ્તાનની ટીમ સ્ક્રીનની પાછળ જતી રહેતી હતી. ટીમના સભ્યો સ્ક્રીન પાછળ પાણી પીતા હતા. જે કરવું હોય તે કરતા હતા. મારે એટલું જ કહેવું છે કે પાણી સ્ક્રીન પર ન પીવો, પાછળ જઈને પીવો. જો તમે સફરમાં હોવ તો તમને રોજા ન રાખવાની પરવાનગી છે."
તેમણે એમ પણ કહ્યું કે શમીએ સ્ક્રિન પાછળ પાણી પીઘું હોત તો વિવાદ ન થયો હોત.
દક્ષિણ કોરિયાનો દાવો, 'ઉત્તર કોરિયાએ છોડી મિસાઇલો'
ન્યૂઝ એજન્સી રૉયટર્સના જણાવ્યા પ્રમાણે દક્ષિણ કોરિયાની સેનાએ કહ્યું છે કે ઉત્તર કોરિયાએ સોમવારે પોતાના પશ્ચિમી તટથી કોઈ અજ્ઞાત બૅલિસ્ટિક મિસાઇલો છોડી છે.
રિપોર્ટ પ્રમાણે દક્ષિણ કરિયાથી સંયુક્ત ચીફ ઑફ સ્ટાફ(જેસીએસ)એ સંવાદદાતાઓને મોકલેલા સંદેશમાં કહ્યું કે મિસાઇલોને સ્થાનીય સમયાનુસાર લગભગ2 વાગે પશ્ચિમી તટથી સમુદ્ર તરફ છોડવામાં આવી.
આ સંદેશમાં કહેવામાં આવ્યું હતું કે દક્ષિણ કોરિયાઈ સેનાની સુરક્ષા અને સતર્કતા વધી ગઈ છે.
ઉત્તર કોરિયાના સરકારી મીડિયાએ સોમવારે શરૂ થયેલા અમેરિકા અને દક્ષિણ કોરિયાના વાર્ષિક સંયુક્ત સૈન્યાભ્યાસની આલોચના કરી હતી. તેણે કહ્યું હતું કે તેનાથી કોરિયાઈ પ્રાયદ્વીપમાં સ્થિતિ વધુ ખરાબ થશે.
અમેરિકાનો દાવો- યુક્રેન યુદ્ધવિરામ માટે આગળ વધવા માટે તૈયાર
અમેરિકાના વિદેશ વિભાગના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે ટ્રમ્પ પ્રશાસનનું માનવું છે કે યુક્રેની નેતૃત્વ રશિયા સાથે યુદ્ધવિરામને લઈને 'અમેરિકી માગ પર આગળ વધવા તૈયાર' છે.
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઇક વાલ્ટ્ઝ પોતાના યુક્રેની સમકક્ષો સાથે મંગળવારે વાતચીત માટે સાઉદી અરેબિયા જશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ લગાતાર યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી પર રશિયા સાથે તુરંત યુદ્ધવિરામની માગોને સ્વીકાર કરવા દબાણ બનાવી રહ્યા છે. પરંતુ ટ્રમ્પે યુક્રેનની અમેરિકા તરફથી સુરક્ષાની કોઈ ગૅરંટીનો વાયદો નથી કર્યો.
દસ દિવસ પહેલાં ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચે ઉગ્ર વાતચીત થઈ હતી. ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઝેલેન્સ્કી લડાઈ ખતમ કરવા તૈયાર નથી.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફેબ્રુઆરી-2022માં યુક્રેન પર હુમલો કર્યો અને હાલ યુક્રેનનો લગભગ 20 ટકા ભાગ રશિયાના કબજામાં છે.
યુક્રેનમાં ઇન્ટરનેટ સેવાને લઈને મસ્કે પોલૅન્ડના વિદેશમંત્રીને કહ્યું, 'નાનો માણસ'
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો અને અબજપતિ કારોબારી એલન મસ્ક વચ્ચે પોલૅન્ડના વિદેશમંત્રી રાડોસ્લાવ સિકોર્સ્કી સાથે રવિવારે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લાંબી ચર્ચા ચાલી.
ઍક્સ પર ચાલેલી આ ચર્ચા યુક્રેનમાં હાઈ-સ્પીડ ઇન્ટરનેટ ઉપલબ્ધ કરાવનારી સ્ટારલાઇન સેટેલાઇટ સિસ્ટમના ઉપયોગને લઈને થઈ.
યુક્રેનમાં સિસ્ટમ બંધ કરનારા મસ્કની એક પોસ્ટના જવાબમાં સિકોર્સ્કીએ કહ્યું કે જો સ્ટારલિંકને બંધ કરવાની ધમકી આપવામાં આવશે તો અન્ય સપ્લાયર્સની તલાશ કરવામાં આવશે.
જોકે રુબિયોએ મસ્કના એ દાવાને તરત જ ફગાવી દીધો જેમાં સિસ્ટમ બંધ કરવાની વાત કરી હતી. સાથે તેમણે તેમને સિકોર્સ્કીનો આભાર વ્યક્ત કરવાનો આગ્રહ કર્યો.
ત્રણે વચ્ચે ચાલી રહેલી ચર્ચા ત્યારે ખતમ થઈ જ્યારે મસ્કે સિકોર્સ્કીને 'નાના માણસ' કહ્યા.
સ્ટારલિંક સિસ્ટમ સ્પેસઍક્સના એ મિશનનો ભાગ છે જેનો ઉદ્દેશ દુનિયાભરમાં દૂરનાં વંચિત ક્ષેત્રોમાં હાઈ-સ્પીડ ઇન્ટરનેટ ઉપલબ્ધ કરાવવાનો છે.
રવિવારે ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે મસ્કે પોસ્ટ કરી કે સ્ટારલિંગ યુક્રેની સેનાની કરોડરજ્જૂ છે. તેમણે લખ્યું, "જો હું તેને બંધ કરી દઉં તો યુદ્ધમાં આગળની પંક્તિ ધ્વસ્ત થઈ જાય."
મસ્કની આ પોસ્ટના જવાબમાં સિકોર્સ્કીએ કહ્યું કે આ સર્વિસ માટે પોલૅન્ડ ભુગતાન કરી રહ્યું છે.
માર્ક કાર્ની કોણ છે જેઓ જસ્ટિન ટ્રૂડોની જગ્યાએ બનશે કૅનેડાના વડા પ્રધાન?
જસ્ટિન ટ્રૂડોની જગ્યાએ કૅનેડામાં હવે માર્ક કાર્ની નવા વડા પ્રધાન બનશે. તેઓ બ્રિટન અને કૅનેડાની કેન્દ્રીય બૅન્કોના પ્રમુખપદો સંભાળી ચૂક્યા છે.
ત્રણ પ્રતિદ્વંદ્વિઓ સામે સરળતાથી નેતૃત્વની દોડને જીતનારા કાર્ની હવે સામાન્ય ચૂંટણીમાં કૅનેડાની લિબરલ પાર્ટી તરફથી ચૂંટણીનું નેતૃત્વ કરશે.
જસ્ટિન ટ્રૂડો પર પોતાની જ પાર્ટી તરફથી રાજીનામું આપવા દબાણ થયું હતું.
નવ વર્ષ વડા પ્રધાનપદે રહ્યા બાદ ટ્રૂડોએ જાન્યુઆરીમાં રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.
વડા પ્રધાનપદને સ્વીકારતા કાર્નીએ કહ્યું, "આપણો દેશ કાળા દિવસનો સામનો કરી રહ્યો છે. આ તે દેશને કારણે છે જેના પર હવે આપણે ભરોસો નહીં કરી શકીએ."
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સંદેશ આપતા કાર્નીએ સંકલ્પ કર્યો કે જ્યાં સુધી અમેરિકનો તેમને સન્માન નહીં આપે ત્યાં સુધી તેઓ અમેરિકન વસ્તુઓ પર રૅસિપ્રોકલ ટેરિફ યથાવત્ રાખશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન