You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉત્તર ગુજરાત પર બની વરસાદી સિસ્ટમ, હવે આ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા
સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યા બાદ હવે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ શરૂ થયો છે. 2 જુલાઈના રોજ બનાસકાંઠામાં અતિભારે વરસાદ નોંધાયો છે અને ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં 2થી 3 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે.
હાલ ઉત્તર ગુજરાત પર એક સાયક્લૉનિક સર્ક્યુલેશન બનેલું છે અને તેના કારણે રાજ્યના હજી ઘણા જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતા છે. ઉપરાંત કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ થવાની શક્યતા છે.
2 જુલાઈના રોજ ચોમાસાએ દેશના તમામ વિસ્તારોને આવરી લીધા છે અને છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતની આસપાસ બનેલી સિસ્ટમોને કારણે રાજ્યમાં સતત વરસાદ પડી રહ્યો છે.
હવામાન વિભાગે હજી પણ આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે, તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના પણ વ્યક્ત કરી છે.
છેલ્લાં એકાદ અઠવાડિયાંથી સતત વરસી રહેલા વરસાદ છતાં રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છને બાદ કરતાં બાકીના વિસ્તારોમાં વરસાદની ઘટ જોવા મળી છે, એટલે કે સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો છે.
ગુજરાતમાં હજી કેટલા દિવસ સુધી વરસાદ પડશે?
હવામાન વિભાગ પ્રમાણે હજી આવનારા સાતેક દિવસો સુધી રાજ્યમાં વરસાદી ગતિવિધિઓ ચાલુ રહેશે અને ઘણા વિસ્તારોમાં સારો વરસાદ પડવાની સંભાવના છે.
આવનારા દિવસોમાં રાજ્યમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધારે રહેવાની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્ર તથા કચ્છમાં વરસાદ ચાલુ રહેશે પરંતુ તેનું જોર થોડું ઘટે તેવી સંભાવના દેખાઈ રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હવામાન વિભાગ પ્રમાણે આવનારા પાંચ દિવસ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્ય પ્રકારનો વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત હજી એકાદ બે દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોઈ સ્થળે ભારે વરસાદ થઈ શકે છે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તથા ઉત્તર ગુજરાતમાં 5 જુલાઈ સુધી ભારે વરસાદની સંભાવના છે. એટલે કે આ વિસ્તારોમાં સારો વરસાદ પડવાની સંભાવના છે.
ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર તથા કોકણ વિસ્તાર અને કર્ણાટકમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તેનું કારણ દક્ષિણ ગુજરાત પાસેથી કેરળ સુધી બનેલી ઑફ શોર ટ્રફ રેખા છે.
સામાન્ય રીતે ચોમાસા દરમિયાન અરબી સમુદ્રમાં દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી આ ઑફ શોર ટ્રફ રેખા સર્જાતી હોય છે અને તેના કારણે આપણે ત્યાં સતત વરસાદ પડતો હોય છે. સરળ શબ્દોમાં સમજીએ તો ટ્રફ રેખા એ એક હળવા હવાના દબાણનો એક પટ્ટો છે.
ગુજરાતના કયા જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા?
હાલ રાજ્યમાં ચોમાસાનો સારો વરસાદ થઈ રહ્યો છે અને તેની સાથે ગુજરાત પણ બનેલી છે, જેથી આવનારા દિવસોમાં પણ હજી રાજ્યમાં સારો વરસાદ થવાની શક્યતા છે.
હાલની સ્થિતિ પ્રમાણે વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી અને ભરૂચ જિલ્લામાં આવનારા ચારથી પાંચ દિવસ સુધી ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર તથા અમદાવાદના વિસ્તારોમાં આગામી બેથી ત્રણ દિવસો સુધી સારા વરસાદની શક્યતા છે, ઉપરાંત કોઈ સ્થળે ભારે વરસાદ થઈ શકે છે.
સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર જિલ્લાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારની વરસાદની શક્યતા દેખાઈ રહી છે. જ્યારે કચ્છમાં હાલ છુટોછવાયો વરસાદ પડવાની સંભવાના દેખાઈ રહી છે.
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી બેથી ત્રણ દિવસ સુધી વરસાદનું જોર ઘટશે અને ફરી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનું જોર અને પ્રમાણ વધે તેવી સંભાવના દેખાઈ રહી છે.
હાલની સ્થિતિ પ્રમાણે 1 જૂનથી 2 જુલાઈ સુધીમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો છે અને 24 ટકા જેટલી વરસાદની ઘટ છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતાં 43 ટકા જેટલો વધારે વરસાદ થયો છે.
જિલ્લા મુજબ સરેરાશ પ્રમાણે જોઈએ તો દેવભૂમિ દ્વારકામાં એક મહિનાની સરેરાશ પ્રમાણે 160 ટકા, કચ્છમાં 97 ટકા, મોરબીમાં 76 ટકા તથા જૂનાગઢમાં 66 ટકા વધારે વરસાદ થયો છે. જ્યારે વરસાદની સૌથી વધારે ઘટ મહિસાગર જિલ્લામાં 67 ટકા, દાહોદમાં 55 ટકા, પાટણમાં 52 ટકા, આણંદમાં 46 ટકા છે.