You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કુલદીપ યાદવ: ભારતનો ચાઇનામૅન જેની સામે પાકિસ્તાન, શ્રીલંકાની ટીમો થઈ ગઈ ધ્વસ્ત
“ક્રિકેટ છોડ્યા પછી પણ હું પાકિસ્તાન સામે લીધેલી પાંચ વિકેટોને જીવનભર યાદ રાખીશ.”
પાકિસ્તાન સામે સોમવારે 228 રને મળેલી અત્યાર સુધીની સૌથી મોટી જીત પછી કુલદીપ યાદવે આ વાત કરી હતી.
તેના બીજા જ દિવસે શ્રીલંકા સામે રમાયેલા મુકાબલામાં જ્યારે ફરીથી ટીમને વિકેટો લેવાની જરૂર પડી ત્યારે કુલદીપે જ જામી ગયેલી ભાગીદારી તોડી હતી અને પછી મૅચમાં ચાર વિકેટો ખેરવી હતી.
આ ચાઈનામૅન બૉલરે છેલ્લા બે દિવસમાં કૉલંબોની પિચ પર પોતાના કાંડાની સ્પિનથી બૅટ્સમૅનોને એટલા નચાવ્યા કે એ જોઈને કે શેન વોર્નની યાદ તાજી થઈ ગઈ.
જ્યારથી કુલદીપ ઘૂંટણના ઑપરેશન પછી પાછા ફર્યા છે ત્યારથી તે સતત વિકેટો લઈ રહ્યા છે. મંગળવારે તેમણે વનડેમાં તેની 150મી વિકેટ લીધી હતી.
સ્પિન અને સ્પીડને કારણે મળી સફળતા
2021માં જ્યારે કુલદીપ ઈજાના કારણે ટીમની બહાર હતો અને તેમણે ઓપરેશન કરાવવું પડ્યું ત્યારે કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે તેમનું આટલું જોરદાર પુનરાગમન થશે.
સોમવારે પાંચ પાકિસ્તાની બૅટ્સમૅનોને આઉટ કર્યા બાદ તેમણે એમ પણ કહ્યું કે આ રાતોરાત નથી બન્યું.
કુલદીપ યાદવ છેલ્લા દોઢ વર્ષથી શાનદાર લયમાં બૉલિંગ કરી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેના પુનરાગમન બાદથી કુલદીપના બૉલમાં ટર્ન વધી ગયો છે અને તેની સ્પીડ પણ પહેલા કરતાં વધુ સારી છે.
તેમણે પાકિસ્તાન સામે લીધેલી તમામ પાંચ વિકેટમાં બૉલ લગભગ 82થી 87 કિલોમીટરની ઝડપે ફેંકવામાં આવ્યો હતો.
બૅટ્સમૅનોને તેમના ફ્લિપર અને ગુગલી બૉલ પર પ્રહાર કરવા માટે ખૂબ જ ઓછો સમય મળે છે.
ટીમમાં જગ્યા મેળવવા માટેનો સંઘર્ષ
આજે કુલદીપ યાદવ કે જે ટીમ માટે વિકેટો લઈ રહ્યા છે અને જેને મુખ્ય સ્પિન બૉલર તરીકે જોવામાં આવે છે. તેમણે એવો સમય પણ જોયો છે કે જ્યારે ટીમમાં તેમનું સ્થાન નિશ્ચિત નહોતું.
જોકે, તે સમયે રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાને ટીમમાં રાખીને કુલદીપને ટીમમાં સામેલ કરવાનું શક્ય જણાતું ન હતું.
મુંબઈ ઈન્ડિયન્સ સાથે આઈપીએલ કરિયરની શરૂઆત કરનાર કુલદીપે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મુંબઈ ઈન્ડિયન્સમાં રહીને તેમણે સિનિયર બૉલરો પાસેથી ઘણું શીખ્યું છે.
પરંતુ એ જ કુલદીપની કારકિર્દીમાં એક એવો તબક્કો આવ્યો કે જ્યારે વનડેમાં બે વખત હૅટ્રિક લેનાર આ બૉલરને ન તો ભારતીય ટીમમાં સ્થાન મળી રહ્યું હતું અને ન તો આઈપીએલમાં રમવાની તક મળી રહી હતી.
તેને આઈપીએલમાં કોલકાતાની ટીમમાં પણ સ્થાન મળી રહ્યું ન હતું જે અંગે આકાશ ચોપરાએ એક ઇન્ટરવ્યૂમાં વાત કરી હતી.
તેણે પ્લેઈંગ ઈલેવનમાં કુલદીપને પસંદ ન કરવા પર ટીમ મૅનેજમૅન્ટ પર સવાલ ઉઠાવ્યા હતા.
ત્યારે 2021ની આઈપીએલ ચાલી રહી હતી. કુલદીપ યાદવને ઘૂંટણની ઈજાના કારણે વચ્ચેથી જ ટીમમાંથી બહાર થઈ જવું પડ્યું હતું.
આમ, કુલદીપનું ભારતીય ટીમમાં સતત આવાગમન થતું રહ્યું છે.
2017માં ભારતીય ટીમ માટે ચાર વિકેટ લઈને ટેસ્ટ ડેબ્યૂ કરીને અને ઑસ્ટ્રેલિયાની ધરતી પર પાંચ વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરવા છતાં કુલદીપે અત્યાર સુધીમાં માત્ર આઠ ટૅસ્ટ જ રમી છે. આ સમયગાળા દરમિયાન ભારતીય ટીમે 60 ટૅસ્ટ રમી છે.
જોકે, અમુક અંશે તે પોતે પણ આ પરિસ્થિતિ માટે જવાબદાર છે કારણ કે ઘણી વખત તેમણે બૉલિંગમાં ખૂબ જ સરેરાશ પ્રદર્શન કર્યું છે. તેના બૉલની ગતિ પણ ધીમી રહેતી હતી.
ફાસ્ટ બૉલિંગ કરવાની ઇચ્છા
કુલદીપે તેમના કાકા પાસેથી શરૂઆતમાં ક્રિકેટ શીખ્યા હતા. કુલદીપના પિતા પણ ઇચ્છતા હતા કે તે ક્રિકેટ રમે. તેથી તેમણે કુલદીપને કાનપુરમાં તેના ભાઈ સાથે રહેવા મોકલી દીધા હતા.
કુલદીપના જીવનમાં જે બે બાબતોનો સૌથી વધુ પ્રભાવ છે, તેમાં એક તેમના કોચ છે કે જેમણે તેમને ઝડપી બૉલિંગ છોડીને સ્પિન બૉલિંગ કરવા માટે કહ્યું હતું અને બીજી વ્યક્તિ શૅન વૉર્ન છે.
આજે સ્પિનથી અજાયબ બૉલિંગ કરનાર કુલદીપ યાદવ હકીકતમાં ફાસ્ટ બૉલર બનવા માંગતા હતા.
તેમણે પોતાના એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેની ફાસ્ટ બૉલિંગ સારી હતી. પરંતુ તેમના કોચે તેમને સ્પિન બૉલિંગ કરવાનું કહ્યું.
કુલદીપે કહ્યું, "મને પહેલા ખૂબ જ ગુસ્સો આવ્યો હતો કારણ કે મને સ્પિન બૉલિંગ પસંદ નહોતી."
કુલદીપ 10 દિવસ સુધી રમવા ગયા નહોતો કારણ કે તેઓ ફાસ્ટ બૉલિંગ કરવા માંગતા હતા. પરંતુ કોચે કહ્યું કે જો તારે ક્રિકેટ રમવું હોય અને મેદાન પર આવવું હોય તો તારે માત્ર સ્પિન બૉલિંગ જ કરવી પડશે.
દસ દિવસ પછી જ્યારે કુલદીપ એકેડમીમાં પાછા ગયા ત્યારે તેમને સ્પિન બૉલિંગ કરવાનું કહેવામાં આવ્યું. કુલદીપ કહે છે, "પછી મને એ યાદ નથી કે મેં મારા ડાબા હાથથી ચાઈનાબૉલ કેવી રીતે ફેંક્યો. એ જ બૉલ મારા હાથે જાણે કે ફેંકાયો. તે સમયે મને ખબર પણ ન હતી કે ચાઈનામૅન શું છે?"
ત્યારબાદ કોચે કુલદીપની સ્પિન બૉલિંગ પર કામ કરવાનું શરૂ કર્યું અને આ રીતે તે આજે જ્યાં છે ત્યાં પહોંચ્યા.
શૅન વૉર્નનો પ્રભાવ
શૅન વૉર્ન વિશે કુલદીપે કહ્યું હતું કે તે 2017માં પુણે ટૅસ્ટ પહેલાં તેઓ સ્પિનના એ જાદુગરને મળ્યા હતા.
કુલદીપે એક ઓનલાઈન શૉ લાઈવ કનેક્ટમાં જણાવ્યું હતું કે તે સમયે અનિલ કુમ્બલે ટીમના કોચ હતા અને તેમણે શૅન વૉર્ન સાથે મારો પરિચય કરાવવાની જીદ કરી હતી.
કુલદીપે કહ્યું, "જ્યારે હું તેમને પહેલીવાર મળ્યો ત્યારે તેમણે 10 મિનિટ સુધી કંઈ જ કહ્યું નહીં. તેઓ અનિલ સર સાથે વાત કરી રહ્યા હતા. તેઓ કંઈક સમજાવી રહ્યા હતા. પછી મેં મારી ઍક્શન વિશે વાત કરી. મેં મારા પ્લાન વિશે વાત કરી. તો તેમણે કહ્યું કે તમે ખૂબ વધારે વિચારો છો."
કુલદીપે જણાવ્યું કે તે શૅન વૉર્નને ઘણી વખત મળ્યા હતા. અમે ઘણી વાતો કરતા અને જ્યારે પણ મને કોઈ પ્રશ્ન થતો ત્યારે હું તેમની સલાહ લેતો.
કુલદીપે બૉલિંગમાં શું પરિવર્તન કર્યું?
2021માં જ્યારે કુલદીપે ઘૂંટણની સર્જરી કરાવી અને પછી તે લાંબી ફિઝિયોથેરાપી પ્રક્રિયામાંથી પસાર થયા ત્યારે તેમણે પ્રૅક્ટિસ કરવાનું શરૂ કર્યું અને એટલી મહેનત કરી કે તેમણે ન માત્ર ભારતીય ટીમમાં જ સારું પ્રદર્શન કર્યું પરંતુ આઈપીએલમાં પણ વિકેટો લીધી.
તેમણે આઈપીએલમાં દિલ્હી કૅપિટલ્સ ટીમમાં પુનરાગમન કર્યું. સુકાની તરીકે ઋષભ પંતે કુલદીપ પર ઘણો વિશ્વાસ વ્યક્ત કર્યો અને તેનું પરિણામ એ આવ્યું કે તેમણે પહેલી જ મૅચથી જ શાનદાર પરિણામ આપવાનું શરૂ કર્યું.
કુલદીપે આઈપીએલ 2022માં 21 વિકેટ લીધી હતી અને ત્યારથી તેમની બૉલિંગમાં સતત સુધારો થઈ રહ્યો છે.
સોમવારે પાકિસ્તાન સામેની મૅચ દરમિયાન પૂર્વ કૅપ્ટન અને કોચ રવિ શાસ્ત્રીએ પણ કહ્યું હતું કે તેની બૉલિંગમાં ઘણો સુધારો થયો છે.
શાસ્ત્રીએ કહ્યું, "બૉલિંગ કરતી વખતે, તેમનો આગળનો હાથ (જમણો) પહેલાં કરતાં વધુ સીધો થઈ ગયો છે, જેના કારણે તેઓ બૉલને તેના કાનની ખૂબ નજીક લઈ જઈ રહ્યો છે અને પહેલાં કરતાં સ્ટમ્પની નજીક બૉલિંગ કરી રહ્યા છે."
આ વર્ષે અત્યાર સુધીમાં કુલદીપે 15 વનડેમાં 31 વિકેટ ઝડપી છે. બૉલિંગ ઍવરેજ અને ઈકૉનોમીની દૃષ્ટિએ પણ આ તેમની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ વર્ષ છે.
હવે તે વનડેમાં પણ 150 વિકેટ લેનારા 15 ભારતીય બૉલરોમાંથી એક બની ગયા છે.
100થી ઓછી મૅચમાં 150 વિકેટ લેવાનો રૅકર્ડ ભારતના માત્ર ત્રણ બોલરોના નામે છે.
કુલદીપ તેમાંથી એક બૉલર છે. તેણે પોતાની 88મી મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. જ્યારે મોહમ્મદ શમીએ 80મી મૅચમાં અને અજીત અગરકરે 97મી મૅચમાં 150 વિકેટો ઝડપી હતી.
હુકમનો એક્કો
કુલદીપની સાથે બુમરાહ પણ ઈજામાંથી પરત ફર્યા છે અને તે પણ લયમાં હોય તેવું લાગી રહ્યું છે.
પાકિસ્તાનના કૅપ્ટન બાબર આઝમે પણ ભારતીય ટીમ સામેની મૅચ બાદ બુમરાહ વિશે કહ્યું હતું કે તે બૉલને એ રીતે બંને બાજુ સ્વિંગ કરી રહ્યા હતા કે તેમના માટે રમવું મુશ્કેલ બનતું હતું.
ભૂતપૂર્વ બૉલર ઇરફાન પઠાણનું કહેવું છે કે જો કુલદીપ યાદવ અને જસપ્રીત બુમરાહ વર્લ્ડ કપ સુધી પોતાનું ફૉર્મ જાળવી રાખશે તો તેઓ બંને નવા અને જૂના બૉલ સાથે ભારત માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થશે.