You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સફારી : ચાર વખત બંધ પડ્યા પછી 'બુદ્ધિશાળી બાળકોના મૅગેઝિન' તરીકે ઘરે-ઘરે લેવાતું નામ કેવી રીતે બની ગયું
- લેેખક, ઉર્વીશ કોઠારી
- પદ, બીબીસી ગુજરાતી માટે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 7 મિનિટ
ગુજરાતીમાં જ્ઞાનવિજ્ઞાનનાં સામયિકોની પરંપરા એક સદીથી પણ વધુ જૂની છે. તેમાં પોતાનું આગવું સ્થાન ઊભું કરનાર 'સફારી'નો છેલ્લો, 369મો અંક જૂન 2025ની પહેલી તારીખે બજારમાં આવ્યો.
તેના તંત્રીલેખમાં નગેન્દ્ર વિજયે સામયિકના સંકેલાની જાહેરાત કરી. તે માટે બીજાં કારણો ઉપરાંત વાચકોની ઘટતી સંખ્યાનો પણ તેમણે ભારપૂર્વક ઉલ્લેખ કર્યો હતો.
'સફારી' બંધ થયું, તે જાણીને સોશિયલ મીડિયા પર લાગણીનાં અનેક અભિપ્રાયોનાં પૂર ઊમટ્યાં. સામયિકની સફળતામાં બરાબરીની ભૂમિકા ધરાવતા અને અંક નં. 32 (જૂન 1994) થી 289 (જૂન 2018) સુધી તેના સંપાદક રહેલા હર્ષલ પુષ્કર્ણાએ ફેસબુક પોસ્ટ દ્વારા 'સફારી'ને ભાવભીની વિદાય આપી.
ગુજરાતીમાં 'કલ્ટ સ્ટેટસ' (લગભગ એક સંપ્રદાય-સમકક્ષ આદરભાવ) હાંસલ કરનારાં જૂજ સામયિકોમાં 'સફારી'નો સમાવેશ કરવો પડે.
સફારીના અનિશ્ચિત આરંભ પછીની ઉડાન
પિતા વિજયગુપ્ત મૌર્ય પાસેથી જ્ઞાનવિજ્ઞાનના લેખનનો વારસો મેળવનાર નગેન્દ્ર વિજયે વર્ષ 1980માં 'સફારી' શરૂ કર્યું. ત્યારે તેમની ઉંમર હતી 35 વર્ષ. તે સમયે તેમનું બેજોડ વિજ્ઞાનમાસિક 'સ્કોપ' અને અઠવાડિક 'ફ્લૅશ' પણ ચાલતાં હતાં. આ ત્રણેના મુખ્ય લેખક તરીકે નગેન્દ્ર વિજય પોતે. એવા સંજોગોમાં 'સફારી'ની શરૂઆત ઊબડખાબડ રહી.
બાળકોના પખવાડિક તરીકે શરૂ થયા પછી તે ચાર વાર બંધ પડ્યું.
છેવટે 1991થી તેની 'બુદ્ધિશાળી બાળકોનું મૅગેઝિન' તરીકેની સફર શરૂ થઈ. ત્યારે સફારી તરીકે ઓળખાતો પોશાક બહુ પ્રચલિત હતો. એટલે ઘણાને સમજાવવું પડતું હતું કે સામયિકનું નામકરણ 'સફર' પરથી બનેલા શબ્દ 'સફારી'ના આધારે થયું હતું.
'સફારી' પહેલાંનાં સામયિકોમાં લગભગ એકલા હાથે કામ કરવા ટેવાયેલા નગેન્દ્ર વિજયને 'સફારી'માં ધીમે ધીમે તેમના પુત્ર હર્ષલ પુષ્કર્ણાનો સાથ મળવા લાગ્યો. વર્ષ 1989થી હર્ષલે ઑફિસે જઈને પરચૂરણ કામોમાં મદદ કરવાનું ઉપાડી લીધું હતું. 'સફારી'ના સ્થિર અવતારના બીજા વર્ષે, 1992માં એક સ્નેહીના કમ્પ્યુટર પર હર્ષલે મૅગેઝિનના લે-આઉટ શરૂ કર્યાં અને 1994માં, મોટાં મોટાં પ્રકાશનોમાં કમ્પ્યુટર પ્રચલિત ન હતાં ત્યારે 'સફારી'માં પહેલું કમ્પ્યુટર આવ્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નગેન્દ્ર વિજયની દીર્ઘ મુલાકાતના મારા પુસ્તક 'નગેન્દ્ર વિજય'ના લેખન વખતે હર્ષલે યાદ કર્યું હતું કે આઠ એમબી રૅમ ધરાવતા એ કમ્પ્યુટરની કિંમત 1994માં રૂ. 1.36 લાખ હતી.
મૅગેઝિન માટે આવો ગજાબહારનો ખર્ચ કરવા પાછળ નગેન્દ્ર વિજયનો આત્મવિશ્વાસ અને જોખમ લેવાની વૃત્તિ બંને જવાબદાર હશે અને એ વૃત્તિ પાછળ ઉત્તમ વાચનસામગ્રીનો મજબૂત ટેકો હતો. તેમનું 'સ્કોપ' માસિક વિજ્ઞાનના અઘરા વિષયોને સામાન્ય વાચકો સુધી પહોંચાડીને ભારે આદરપાત્ર બન્યું હતું, પરંતુ 'સફારી'માં પડકાર જુદો હતો.
તેમાં બાળકોનાં રસ-જિજ્ઞાસાને પોષવાની સાથોસાથ તેમની રુચિ ઘડવાની હતી અને તે પણ ભારેખમ કે બોધદાયક રીતે નહીં, રમતિયાળ ભાષામાં. તે કામ નગેન્દ્ર વિજયે બખૂબી પાર પાડ્યું.
'સફારી' તેના વિષયવૈવિધ્ય, મજેદાર મથાળાં, જકડી રાખતા લેખો, (બ્લૅક ઍન્ડ વ્હાઇટ હોવા છતાં) તસવીરો-ચિત્રો, કોયડા, બોર્ડ ગેમ જેવાં ઘણાં આકર્ષણ ઊભાં કરતું ગયું અને તેમને સુદૃઢ કરતું ગયું.
'ફૅક્ટ ફાઇન્ડર' જેવો તેનો વિભાગ વાચકોના સવાલોના તલસ્પર્શી જવાબો આપવાના નિમિત્તે, વફાદાર વાચકવર્ગ ઊભો કરવામાં મદદરૂપ બન્યો. તે વિભાગ માટે આવતા પત્રો 'સફારી'ની ઑફિસના રજિસ્ટરમાં ચીવટપૂર્વક નોંધાતા હતા અને તેમાંથી પ્રશ્નો પસંદ કરવામાં આવતા હતા.
બાળકો માટેનાં બીજાં ગુજરાતી પ્રકાશનો અને 'સફારી'ની વચ્ચે ગુણવત્તાની દૃષ્ટિએ ઘણું અંતર હતું.
ઉપરાંત, બીજાં પાસાં, જેમ કે લે-આઉટ, પ્રેસના ધક્કા, આર્થિક બાબતો અને ઑફિસના વહીવટનું કામ હર્ષલ પુષ્કર્ણાએ સૂઝપૂર્વક ઉપાડી લીધું.
તેની જાહેર પહોંચરૂપે, 32મા અંકથી સંપાદક તરીકે હર્ષલ પુષ્કર્ણાનું નામ આવ્યું. હર્ષલની મૂળ ઇચ્છા લેખક થવાની હતી અને નગેન્દ્ર વિજયની કસોટીમાંથી પાસ થાય—તેમના લેખોની સાથે છપાય, એવા લેખ લખવાનું અશક્યની હદે અઘરું હતું. છતાં, જાતને કેળવતાં કેળવતાં હર્ષલે આ સિદ્ધિ પણ મેળવી.
પરિણામે, સાચા નામે કે ઉપનામે તેમના લેખો છપાતા થયા અને 'સફારી'ના 77મા અંક (નવેમ્બર 1999)થી ઊઘડતા પાને 'તંત્રીનો પત્ર'ની જગ્યાએ 'સંપાદકનો પત્ર' આવવા લાગ્યો, જે સિલસિલો 2018 સુધી જારી રહ્યો.
સફારીની સફળતાનું વિશિષ્ટ મોડેલ
'સફારી'માં પહેલેથી જાહેરખબરો ભાગ્યે જ જોવા મળતી હતી. જાહેરખબરોનાં ધોરણો વિશેના અમુક આગ્રહો પણ તેના માટે અંશતઃ જવાબદાર. પછી તો તેમાં જાહેરખબરો લેવાનું સદંતર બંધ થયું. બીજી તરફ, તેનો ફેલાવો અને વેચાણ સતત વધતાં રહ્યાં.
પિતા-પુત્રની જોડીએ અવનવા પ્રયોગો, નવા વિભાગો અને ગુણવત્તાની ચુસ્ત જાળવણી દ્વારા વાચકોને 'સફારી' સાથે જોડી રાખ્યા. વિજ્ઞાનની કે ગણિતની કે ટેકનિકલ બાબતોની એલર્જી ધરાવતા કેટલાય વાચકો 'સફારી' ના લેખો વાંચીને એ વિષયોમાં રસ લેતા થયા અને તેમાંથી ઘણાના જીવનની દિશા પણ બદલાઈ.
ગુજરાતીને જ્ઞાનભાષા બનાવવાના પ્રયાસોમાં (ઓછું ચાલેલા છતાં માતબર 'સ્કોપ'ની જેમ) 'સફારી'નો ફાળો નોંધપાત્ર રહ્યો. 'સફારી'ના લેખો વાંચીને અસંખ્ય ગુજરાતી વાચકો કંઈક નક્કર જાણ્યાના આત્મવિશ્વાસની અનુભૂતિ કરતા હતા.
સમય વીતતાં 'સફારી'ના લેખોનું ગજું 'બુદ્ધિશાળી બાળકોનું મૅગેઝિન'થી ઘણું મોટું થઈ ચૂક્યું હતું, પણ એ ઓળખ લાંબા સમય સુધી જળવાઈ રહી. આખરે, એક સ્નેહી વાચકે ધ્યાન દોર્યા પછી શરૂ થયેલી પ્રક્રિયાના અંતે 85મા અંકથી તે 'બુદ્ધિશાળી વાચકોનું મૅગેઝિન' બન્યું.
નગેન્દ્ર વિજયનાં અગાઉનાં યાદગાર સામયિકો 'સ્કોપ' અને 'ફ્લૅશ' ગુણવત્તાની રીતે ઉત્તમ હોવા છતાં, 'સફારી' તે બધાથી આગળ નીકળી ગયું. કારણ કે, તેમાં વાચનસામગ્રીની ઉત્કૃષ્ટતા સાથે વ્યાવસાયિક સફળતાનો સંગમ થયો.
તે સંદર્ભે નગેન્દ્ર વિજયે બેએક દાયકા પહેલાં મારી સાથેના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, 'કોડિયાના અજવાળે દરજી ટેભા લેતો હોય. એને ખબર ન હોય કે સોય જાય છે, પણ એમાં દોરો નથી. હર્ષલ એ દોરો થઈને આવ્યો. ત્યારથી ફરક પડી ગયો. 1991માં 'સફારી'નો પાંચમો પ્રયાસ અસફળ ન થયો.' ('નગેન્દ્ર વિજય', લે. ઉર્વીશ કોઠારી, પૃ.65)
નગેન્દ્ર વિજયના પરિવારનું સફારીમાં યોગદાન
'સફારી'માં પ્રગટ થયેલી 'આસાન અંગ્રેજી', 'આઇન્સ્ટાઇનનો સાપેક્ષવાદ' જેવી યાદગાર શ્રેણીઓ, ફૅક્ટ ફાઇન્ડર, 'એક વખત એવું બન્યું' જેવા ઘણા વિભાગ અને સામયિકમાં છપાતા લેખોનું વિષયવાર વર્ગીકરણ-સંકલન-સંપાદન કરીને તેમને પુસ્તક-સ્વરૂપે અને સામયિક-સ્વરૂપે બજારમાં મૂકવાનું શરૂ થયું. તે પ્રયોગને જબ્બર સફળતા મળી.
'મેથેમેજિક' અને 'કૉસ્મોસ' જેવાં પાકાં પૂઠાંનાં, બસો-અઢીસો રૂપિયાની કિંમત ધરાવતાં પુસ્તકોની પાંચ હજારથી પણ વધુ નકલો વેચાઈ. બીજી તરફ, 20- 25 રૂપિયાનાં સામયિક-સ્વરૂપનાં સંકલનો પણ હજારોની સંખ્યામાં વેચાયાં.
સામયિકના માધ્યમથી મોટી સંખ્યામાં પુસ્તકો વેચવામાં અગાઉ મહેન્દ્ર મેઘાણીના 'મિલાપ'ને આવી સફળતા મળી હતી. 'સફારી'ના કિસ્સામાં પણ એવું બન્યા પછી, આર્થિક સંઘર્ષનાં અંધારાં ઓસર્યાં અને સમૃદ્ધિ આવી.
નગેન્દ્ર વિજયનાં પત્ની દક્ષાબહેન અને હર્ષલ પુષ્કર્ણાનાં પત્ની ફાલ્ગુનીની પણ આખી સફરમાં પૂરેપૂરી સામેલગીરી રહી. ઉપરાંત, (હવે દિવંગત) રવજીભાઈ સાવલિયા જેવા વીરલ વ્યક્તિત્વની ધબકતી મૈત્રીએ પણ અમુક અંશે ઉદ્દીપકનું કામ કર્યું હશે.
ગુજરાતી 'સફારી' ફૂલ્યાફાલ્યા પછી હર્ષલ પુષ્કર્ણાએ વર્ષ 2008માં 'સફારી'ની અંગ્રેજી આવૃત્તિ શરૂ કરી અને સફળતાપૂર્વક ચલાવી. પરંતુ તે ગુજરાતી 'સફારી'ના સમયમાં ભાગ પડાવતી હોવાનું લાગતાં તેને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.
'સફારી'ની સામગ્રીનો લાભ પ્રજ્ઞાચક્ષુ વાચકો સુધી પહોંચાડવા માટે અમદાવાદના અંધજન મંડળ સાથે મળીને, તેના સ્ટુડિયોમાં હર્ષલ પુષ્કર્ણાએ 'સફારી શ્રાવ્ય' નામે ઑડિયો સીડીની પણ શ્રેણી તૈયાર કરી હતી. અંક નં. 277 (મે 2017)થી 'સફારી' સંપૂર્ણપણે રંગીન પાનાંમાં છપાતું થયું. આમ બાળસામયિકના અંકુરમાંથી વિશાળ વટવૃક્ષ ઊભું થયું અને ફેલાયું.
સફારી સામે પડકારો અને 'આખરે જુદાઈ'
લાંબા, ઊંડાણભર્યા, છતાં રોમાંચ પ્રેરતા લેખો 'સફારી'ની વિશેષતા હતા. બીજી તરફ, ગાંધીજી અને ખાસ તો, જવાહરલાલ નહેરુની આત્યંતિક ટીકા કરતા તેમ જ, હિટલર કે ગોડસે પ્રત્યે કૂણો ભાવ જાગે એવા લેખ 'સફારી'ની મર્યાદા બન્યા.
એવા લેખો સામે સવાલ થયા અને આંગળી ચીંધાઈ, પણ તેનાથી કશો ફરક ન પડ્યો. 'સફારી'ના મૂળ સ્વરૂપમાં સાંપ્રત વિષયોને સ્થાન ન હતું. પરંતુ પછીનાં વર્ષોમાં, 'સફારી' કેટલીક બાબતોમાં સરકારનું અતાર્કિક રીતે ઉઘાડું તરફદાર બન્યું. રાષ્ટ્રવાદ અને સરકારપ્રેમ વચ્ચેની ભેદરેખા ભૂંસાતી ચાલી. તેની એકંદર નીતિ સાંપ્રત વિષયોથી દૂર રહેવાની હતી. છતાં, ગુજરાતમાં અને દેશમાં ચાલેલા કોમી ધ્રુવીકરણ અને તેને મળેલા રાજ્યાશ્રયના મામલે 'સફારી'ની ભૂમિકા મૂક અને ક્યારેક પ્રગટ સમર્થનની પણ રહી. તેના સારા એવા છાંટા જ્ઞાનવિજ્ઞાનના સામયિક તરીકેની તેની ઊજળી છબી પર ઊડ્યા.
ઇન્ટરનેટ અને ખાસ તો મોબાઇલ પર ઇન્ટરનેટનો જમાનો આવ્યા પછી વાચન ઓછું થયું હતું. 'સફારી' સાથે લાગણીથી સંકળાયેલા વાચકોની પેઢી મોટી થઈ હતી અને નવી પેઢી મુદ્રિત માધ્યમ (પ્રિન્ટ) કરતાં ડિજિટલ સાથે વધારે નિકટતા અનુભવતી હતી.
આ બધાની વચ્ચે, વર્ષ 2018માં તેના સંપાદક હર્ષલ પુષ્કર્ણાને 'સફારી' છોડવાની ફરજ પડી. તે બનાવથી 'સફારી'ના અંતનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું હતું, એમ કહી શકાય. તે સમયગાળામાં નગેન્દ્ર વિજયના મોટા પુત્ર વિશાલ વાસુ ટૂંકા સમયગાળા માટે 'સફારી' સાથે સંકળાયા હતા.
છેલ્લાં થોડાં વર્ષોમાં જૂના લેખોના પુનરાવર્તન વિશે પણ વાચકો ફરિયાદ કરતા કે નોંધ લેતા થયા હતા. તેમ છતાં, ઠીક ઠીક સંખ્યામાં વાચકો માટે 'સફારી' બાળપણની મધુર સ્મૃતિનું અને કિશોરાવસ્થાની કૃતજ્ઞતાનું પ્રતીક હતું.
આખરે, આ મહિનાની પહેલી તારીખે 369મો અંક પ્રગટ કરીને 'સફારી'એ તેની સફરના અંતની જાહેરાત કરી. તેનાથી ભાવુક થઈ ઊઠેલા ઘણાએ ભાવનાવશ સામયિકને કોઈ પણ સ્વરૂપે ફરી શરૂ કરવાની હિલચાલ આદરી છે. તે પ્રયાસોનું જે થાય તે ખરું, પણ 'સફારી' ગુજરાતી સામયિકોના ઇતિહાસમાં તેનું વિશિષ્ટ સ્થાન અંકિત કરી ચૂક્યું છે તે નિર્વિવાદ છે.
(આ લેખકના અંગત વિચારો છે બીબીસી ગુજરાતીના નહીં.)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન