'મેં નહોતું લાગતું કે હું 80 વર્ષની ઉંમરે પ્રેમમાં પડીશ કે જાતીયસંબંધ બાંધીશ'

    • લેેખક, સૂ મિચલ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત

80 વર્ષનાં કેરોલિન હોલૅન્ડ ધનિક વિધવા મહિલા છે અને અમેરિકામાં કૅલિફૉર્નિયાના કેયુકોસ બીચસાઇડ રિસૉર્ટમાં રહે છે. ડેવિડ ફોઉટે તેમના કરતાં 23 વર્ષ નાના છે.

બેઘર ડેવિડ છૂટક કામ કરીને ગુજરાન ચલાવતા. તેઓ કેરોલિનના ઘરે આવતા-જતા, ત્યારે બંને વચ્ચે પ્રેમ થઈ ગયો. અઠવાડિયામાં તેમણે પ્રેમની જાહેરાત કરી દીધી.

કેરોલિનના કહેવા પ્રમાણે, ઉંમરના આ તબક્કે હું કોઈ અજાણ્યાના પ્રેમમાં પડીશ અને રૉમેન્ટિક કે જાતીયસંબંધ બંધાશે એવું નહોતું લાગતું : "એનો સ્વભાવ જ એવો છે કે તે મારી કાળજી લે છે, એણે મને આ સંબંધમાં કંઈક ખાસ આપ્યું છે. અમે ખૂબ જ વાતો કરીએ છીએ. મને તેનું વ્યક્તિત્વ ગમે છે, અને મને તેની ગેરહાજરી સાલે છે."

ડેવિડનું કહેવું છે કે, 'મારામાં તાકત હશે ત્યાર સુધી હું તેની સંભાળ રાખીશ. તે મારી છે. હું સમયસર ઘરે પહોંચી જાઉં છું, કારણ કે ત્યાં કોઈક મારી રાહ જોતું હોય છે."

જોકે 80 વર્ષીય કેરોલિનની દીકરીઓને લાગે છે કે ડેવ ઠગ છે અને તેમનાં માતાના પૈસા પડાવીને તેમને છોડી દેશે.

મને આ ડેવ અને કેરોલિનની પ્રેમકહાણી વિશે ખબર છે, કારણ કે હું તેમનાં ઘરની શેરીમાં જ રહું છું. મારા વિસ્તાર કેયોકસમાં જિંદગી ભાગદોડ ભરી નથી એટલે લોકોને સાથે બેસીને વાતચીત કરવાનો સમય મળી રહે છે.

દરિયાકિનારે બેસીને સાંજે સૂર્યાસ્ત જોઈ શકાય છે. ઢળતા સૂરજની સામે સર્ફિંગ કરતા લોકોને જોઈએ તો મનોરમ દૃશ્ય ઊભું થાય છે અને પ્રેમકહાણીની શરૂઆત માટે સુંદર માહોલ ઊભો કરે છે. મારે ડેવની વાત ઉપર વિશ્વાસ કરવો હતો, પરંતુ કેરોલિનના પરિવારની જેમ મને પણ તેમના ઉપર શંકા હતી.

60 વર્ષથી વધુની ઉંમરે પ્રેમમાં પડતાં પાંચમાંથી એક વ્યક્તિ આર્થિકઠગાઈનો ભોગ બને છે.

મિલિયન ડૉલરનાં માલકણ

કરોડપતિ વિધવા મહિલા અને છૂટક કામ કરતા ઘરવિહોણા શ્રમિકની વાસ્તવિક પ્રેમકહાણી મારી નજરની સામે બની રહી હતી.

કેરોલિનનાં ભાણેજ કિમના કહેવા પ્રમાણે, "બંને વચ્ચેનો ઉંમરનો તફાવત મને લાલ બત્તી ધરતો હતો. રહેવાના ઘર સિવાય કઈ બાબત હોય શકે કે આ ઉંમરે કોઈક તેમની સાથે પ્રેમનો એકરાર કરે?"

બધા મારી સાથે વાત કરવા માગતા હતા અને આ કહાણી વિશે મને પોતાના વિચાર રજૂ કરવા માગતાં હતાં. કેરોલિનના દીકરીઓએ તેમની ચિંતાઓ વ્યક્ત કરવી હતી.

ડેવ અને કેરોલિનને લાગતું હતું કે તેમના વિશે ખોટી રીતે અભિપ્રાય બાંધવામાં આવી રહ્યા છે એટલે તેઓ પણ પોતાની લાગણીઓ અભિવ્યક્ત કરવા માગતાં હતાં.

મારા ઘરમાં થોડા સમારકામની જરૂર હતી એટલે મારા એક પાડોશીએ મને ડેવના નામની ભલામણ કરી. અમે સ્થાનિક ચર્ચમાં નિયમિત રીતે મળતા હતા. જ્યારે મેં ડેવની સાથે પ્રથમ મુલાકાત કરી, ત્યારે અમારી વાતચીત ઉષ્માભરી રહી.

ડેવે સમારકામ કરી રહેલા કારીગરો ઉપર સારી છાપી છોડી હતી. તેઓ હાર્મૉનિકા અને ગિટર વગાડતા. રમૂજી ડેવ તેમના ભૂતકાળ વિશે પેટછૂટી વાત કરવા તૈયાર હતા.

તેમની વાત સાંભળીને મને સમજાયું કે શા માટે કેરોલિનનો પરિવાર આ પ્રેમકહાણીથી ચિંતિત છે. કેરોલિનના ઘરે કોઈ કામ કરવા માટે ડેવ ગયા તે પહેલાં તેઓ બેઘર હતા અને દરિયાકિનારે જ સૂઈ રહેતા અને બેપરવાહ જિંદગી જીવતા.

ડેવે સ્વીકાર્યું કે તેઓ નશાકારક પદાર્થના વ્યસની હતા, જેના કારણે તેઓ ડ્રગ્સની હેરાફેરીમાં લાગી ગયા હતા. આને કારણે તેઓ અવિશ્વાસની અપવૃત્તિ ધરાવતા થઈ ગયા હતા. ડેવને લાગતું હતું કે વૉલમાર્ટ ચેન બધામાં માઇક્રોચીપ ફિટ કરવા માગે છે. વૉલમાર્ટ ઉપર પાઇપ બૉમ્બથી હુમલો કરવાના કેસ સંબંધે પોલીસે ડેવને જેલમાં બંધ કરી દીધા હતા.

ડેવનું કહેવું હતું કે તેમણે ડ્રગ્સ લેવાનું છોડી દીધું છે, પરંતુ મેં જોયું કે તેઓ વધારે દારૂ પીતા હતા અને ગાંજો પણ ખૂબ જ ફૂંકતા.

ડેવ સાથે મુલાકાત પછી કેરોલિનના વ્યક્તિત્વમાં ઘણાં પરિવર્તન આવ્યાં હતાં, જેને જોઈને તેમનાં દીકરીઓ સુઝેન અને સેલી ચકિત થઈ ગયાં હતાં. સેલીના કહેવા પ્રમાણે, "આ બધું અવાસ્તવિક લાગે અને વિચિત્ર લાગે છે. બંને આવ્યાં હતાં ત્યારે તેઓ (કેરોલિન) ટીનએજર જેવું વર્તન કરી રહ્યાં હતાં અને તેમની જેમ જ હસી રહ્યાં હતાં."

બંને દીકરીઓને નહોતું લાગતું કે તેઓ પ્રેમમાં છે. તેમને લાગતું હતું કે એકાકી જીવન ગાળતાં વૃદ્ધ મહિલાને કોઈ સાથીની જરૂર હતી અને બહારના કુટિલ શખ્સે તે સ્થાન લઈ લીધું.

હોલૅન્ડ પરિવાર પૈસેટકે સુખી હતો. કેરોલિનનાં મૃત પતિ જો પાસે કેટલીક સંપત્તિ હતી, જેની કિંમત લાખો ડૉલર હતી. સેલીના કહેવા પ્રમાણે, "તે અમારા પરિવારના પૈસા છે. જેને કમાવવા માટે મારા માતા-પિતાએ ખૂબ જ મહેનત કરી છે. શું અમારે આ સંપત્તિ એમને એમ જ કોઈ નઠારાને આપી દેવી જોઈએ?"

મન અને મગજ વચ્ચેની લડાઈ

કેરોલિનનાં દીકરીઓને લાગે છે કે જ્યારે તેમનાં માતા અને ડેવની મુલાકાત થઈ, ત્યારે તેઓ માનસિક ક્ષમતા ગુમાવવા લાગ્યાં હતાં. બંને દીકરીઓએ મળીને માતાને માનસિક અસક્ષમ જાહેર કરવા પ્રયાસ કર્યાં, જેથી કરીને કેરોલિનની સંપત્તિનું સંચાલન તેઓ કરી શકે.

કેરોલિનના કહેવા પ્રમાણે, "એમને લાગતું હતું કે મને અલઝાઇમર છે. હા, હું ઘણું ભૂલી જાઉં છું, પરંતુ તે તણાવને કારણે છે. હું મારા નિર્ણય જાતે લઈ શકું છું."

ડેવને કારણે કેરોલિન અને તેમનાં દીકરીઓ વચ્ચે મતભેદ અને અંતર વધવા લાગ્યાં, પરંતુ કેરોલિનને લાગતું હતું કે પાર્ટનર પસંદ કરવાનો તેમને પૂરેપૂરો હક્ક છે. પતિના મૃત્યુ પછી દીકરીઓએ જેટલો માનસિક સધિયારો આપવો જોઈતો હતો, એટલો આપ્યો ન હતો. કેરોલિનના કહેવા મુજબ, "ડેવના આગમન પહેલાં તેઓ (બંને દીકરીઓ) ક્યારેય મને મળવા નહોતી આવી, ખરેખર, ક્યારેય નહીં."

જોકે, સુઝેન અને સેલી આ વાતને નકારે છે. સુઝેનનું ઘર તેમનાં માતાના ઘરથી પાંચ કલાકના ડ્રાઇવ પર છે.

સુઝેન સ્વીકારે છે કે તેમણે માતાને ત્યાં વધુ પ્રમાણમાં અવરજવર રાખવી જોઈતી હતી. સુઝેન અને સેલીનું કહેવું છે કે તેઓ બાળકોને ઉછેરવામાં અને કામધંધામાં વ્યસ્ત હતાં.

સુઝેનના કહેવા પ્રમાણે, 'અમે દરેક વાતમાં તેમને સામેલ કરવાનો પ્રયાસ કરતાં, પરંતુ તેઓ ખચકાતાં હતાં. '

પ્રણયમાં પૈસાનું પરિમાણ

ડેવ અને કેરોલિન સાથે રહેવા લાગ્યાં, તે પહેલાં સેલી તેમનાં માતાને આર્થિક હિસાબકિતાબ અને ટેક્સ વગેરેમાં મદદ કરતાં. તરત જ તેમની વચ્ચે ઝગડો થયો અને કેરોલિને આર્થિકવ્યવહારો પોતાના હાથમાં લઈ લીધાં.

કેરોલિને સહ-આવેદક બનીને ડેવને 40 હજાર ડૉલરની વેન અપાવી. જ્યારે મેં તેમને પૂછ્યું કે જો ડેવ નાસી છૂટશે તો તેમણે લોનની પૂરેપૂરી રકમ ભરપાઈ કરવી પડશે. ત્યારે કેરોલિનને આ બાબતે કોઈ ચિંતા ન હતી તથા આ મુદ્દે દીકરીઓ શું વિચારે છે, એ મુદ્દે પણ તેઓ બેપરવાહ હતાં.

"તેમને લાગે છે કે તેઓ મને ડેવથી બચાવી રહ્યાં છે, પરંતુ ડેવિડએ મારા જીવનની સૌથી ખાસ વ્યક્તિ છે."

"મેં ડેવને દિવસભરનું કામકાજ પતાવીને ઘરે આવીને કેરોલિન માટે રસોઈ બનાવતા અને તેમની દવાઓની ચિંતા કરતા જોયા છે. આ બધાને કારણે મને લાગતું હતું કે ડેવ ખરેખર કેરોલિનને પ્રેમ કરે છે અને તેમની દરકાર કરે છે."

"મેં ડેવને તેમના મિત્રોની સામે બડાશ મારતા સાંભળ્યા છે કે ટૂંક સમયમાં એવી સ્થિતિ ઊભી થશે કે તેણે ક્યારેય કામ નહીં કરવું પડે."

ડેવનો દાગદાર ભૂતકાળ

આથી, મેં તેમનો ભૂતકાળ ચકાસવાનું નક્કી કર્યું. તેના ભૂતકાળમાં ઘરેલું હિંસા અને બાળકની ઉપેક્ષા ધરબાયેલાં હતાં. ડેવ એક મહિલા સાથે પ્રેમમાં હતા. ડેવને શંકા હતી કે તેમનાં પાર્ટનર બેવફાઈ કરી રહ્યાં છે એટલે તેમનાં સાથે મારઝૂડ કરી હતી.

આ પહેલાંના લગ્નસંબંધમાં ડેવને એક દીકરી હતી અને તેની ઉપેક્ષાને કારણે તે મૃત્યુના મુખ સુધી ધકેલાઈ ગઈ હતી. ડેવે આ દીકરી એક દંપતીને વેચી દીધી હતી, જેમણે આગળ જતાં તેને દત્તક લીધી.

મેં જ્યારે આના વિશે ડેવને પૃચ્છા કરી, ત્યારે તેમનું કહેવું હતું કે આ બધી ભૂતકાળની વાતો છે. હવે તેઓ ચર્ચ જાય છે અને તેમણે ઈશ્વર સાથે સારી જિંદગી જીવવાના કોલકરાર કર્યા છે. તેઓ શહેરમાં આવ્યા ત્યારે તેમની પાસે કંઈ ન હતું અને કેરોલિન સાથેના તેમના સંબંધ દૈવી સંકેત હતા.

ડેવનું કહેવું હતું, "જુઓ, ઈસુએ મને આશીર્વાદરૂપે શું આપ્યું છે, હું તેને વિના રહી શકું તેમ નથી, કારણ કે મારે અહીં તેની સાથે રહેવાનું હતું."

ટૂંક સમયમાં આ પ્રેમકહાણી એક તણાવ અને કડવાશભર્યા ક્લાઇમૅક્સ તરફ આગળ વધી રહી હતી.

કેરોલિનની અનેક સંપત્તિમાંથી એક પ્લૉટ પાસેના જ શહેરના આવેલો હતો. જેની ઉપર બે ઘર બંધાયેલાં હતાં. ડેવે આ બંને ઘર વેંચવા માટે કેરોલિનને મનાવી લીધાં.

બે ઘરમાંથી એકમાં કેરોલિનના દોહિત્ર અને તેમનો પરિવાર ભાડે રહેતાં હતાં. આને કારણે સુઝેન અને સેલી ખિન્ન થઈ ગયાં હતાં.

તેમને લાગતું હતું કે ડેવે તેમનાં માતાની નાજુક માનસિક સ્થિતિનો લાભ લીધો હતો.

બંનેએ મને સિક્યૉરિટી કૅમેરાના ફૂટેજ દેખાડ્યા. જેમાં કેરોલિન ઍસ્ટેટ એજન્ટ્સને વિમાસણભરી નજરે જોઈ રહ્યાં હતાં.

કેરોલિને તેમની સંપત્તિના વેચાણમાંથી ઉપજેલી રકમમાંથી લગભગ છ લાખ ડૉલર ડેવને આપવાનો વાયદો કર્યો હતો, જેથી કરીને તેમણે ભવિષ્યની ચિંતા કરવાની જરૂર ન રહે.

આવ્યો અણધાર્યો અંત

રિયલ ઍસ્ટેટ એજન્ટ પાસે પ્લૉટના વેચાણનો ચેક હતો. કેરોલિને લેવા જવાનું હતું, પરંતુ એવામાં તેઓ બીમાર થઈ ગયાં. તેમને કોવિડ થયો હતો અને તેમને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં.

ડેવની સલાહથી કેરોલિને વૅક્સિન લેવાનો ઇન્કાર કરી દીધો. ડેવ તેમનાં સાથીને એ વાત ગળે ઉતરાવવામાં સફળ રહ્યા હતા કે વૅક્સિનેશનનો કાર્યક્રમ એ નિયંત્રણ લાદવાનો સરકારી પ્રયાસ છે.

કેરોલિનને ઘરે જવાની રજા આપવામાં આવી, ત્યાર સુધીમાં તેમની શારીરિક અને માનસિક સ્થિતિ ખૂબ જ કથળી ગઈ હતી, એટલે તેમનાં દીકરીઓને કેરોલિન વતી આર્થિકવ્યવહારો કરવાનાં કાયદાકીય અધિકાર પાવર-ઑફ-ઍટર્ની થકી મળી ગયાં. સુઝેનના કહેવા પ્રમાણે, 'કોવિડના કારણે તેમનું મૃત્યુ નહોતું થયું, એમ પણ તેમની સ્થિતિ કથળી રહી હતી.'

ટૂંક સમયમાં કેરોલિનનું અવસાન થઈ ગયું. જીવનના છેલ્લા દિવસો દરમિયાન દીકરીઓએ કેરોલિન અને ડેવને મળવા ન દીધાં. દીકરીઓને લાગતું હતું કે સ્થાનિક ચર્ચે તેમને પૂરતો સહકાર નહોતો આપ્યો એટલે કેરોલિનની અંતિમવિધિ પણ નહોતી થઈ.

સુઝેન અને સેલીને લાગે છે કે તેમનાં માતાની સ્થિતિનો ગેરલાભ લેવામાં આવ્યો હતો, છતાં ડૉક્ટર પોલીસ કે અન્ય કોઈએ તેમને મદદ ન કરી.

સુઝેનના કહેવા પ્રમાણે, "તેમના હાથ બંધાયેલાં હતાં. તેઓ એ બધું નહોતાં જોઈ શકતાં ન હતાં, જે અમને દેખાતું હતું."

ડેવ ફરી બેઘર થઈ ગયા અને દરિયાના ધક્કા ઉપર જ્યાં એમ જ પડ્યા રહેતા, ત્યાં કેરોલિને અપાવેલી વેનમાં રહે છે. તેઓ રિસાઇકલ થયેલી ચીજવસ્તુઓમાંથી બનાવેલી જ્વેલરી અને કલાત્મક ચીજવસ્તુઓ વેચીને ગુજરાન ચલાવે છે.

છેલ્લે મેં જ્યારે ડેવને જોયા, ત્યારે તેઓ વિભ્રમિત અવસ્થામાં હતા. લાઇટર ચાલુ બંધ કરતા સ્વગત કહી રહ્યા હતા કે તેઓ કેરોલિનને પ્રેમ કરે છે.

તેમણે મને કહ્યું, "તેમના કહેવાથી હું આવ્યો હતો.હું કેરોલિનને મિસ કરું છું, હું તેને પ્રેમ કરું છું. હું તેને ગર્વ થાય એવું કંઈક કરવાના મિશન પર હતો."

એક અનુમાન પ્રમાણે, યુકેમાં લગભગ 10 લાખ લોકોને સ્મૃતિભ્રંશ છે અને તેમાંથી લગભગ ત્રીજા ભાગનાઓનું નિદાન નથી થયું, જેના કારણે તેઓ ખૂબ જ નાજુક સ્થિતિમાં મૂકાઈ જાય છે.

પ્રેમ, પૈસા અને પ્રૌઢ

માતા અંગે સુઝેન અને સેલીની ચિંતા સાંભળીને મેં બે નિષ્ણાતો સાથે વાત કરી અને આ સ્થિતિમાં આર્થિક ઠગાઈ વિશે જાણવાનો પ્રયાસ કર્યો,કારણ કે યુકે અને યુએસમાં આ પ્રકારના કિસ્સા વધી રહ્યા છે.

વેઇલ કૉર્નેલ મેડિસિનના ડૉ. માર્ક લેચ્સ તથા પેન મૅમરી સેન્ટરના ડૉ. જેસન કાર્લાવિશના કહેવા પ્રમાણે, જ્યારે ઉંમર કે કોઈ બીમારીને કારણે મગજને ક્ષતિ પહોંચે છે, ત્યારે જે અમુક બાબતો પ્રથમદર્શીય ઘટે છે, તેમાં આર્થિકનિર્ણય લેવાની શક્તિમાં ઘટાડો થાય છે.

તેમના મતે આ સ્થિતિ ઉંમર સાથે જોડાયેલી આર્થિક સંવેદનશીલ સ્થિતિ છે. તેમાં વ્યક્તિ એવા જોખમી નિર્ણયો લેવામાટે પ્રેરાઈ છે, જે કદાચ સામાન્ય સ્થિતિમાં તેમણે ન લીધા હોત. તેમાં તેમનો વ્યવહાર સાતત્યપૂર્ણ નથી હોતો.

ડૉ. કાર્લાવિશના કહેવા પ્રમાણે, "આર્થિક બાબતોના નિર્ણય ખૂબ જ વિચારણા માગી લે તેવા હોય છે. થોડી ખામી હોય તો પણ આર્થિકબાબતોમાં ભૂલ થવાની શક્યતા રહે છે. આવી વ્યક્તિ રોજબરોજના કામોમાં સામાન્ય રીતે વર્તતી હોય એવું પણ બને."

ન્યૂ યૉર્કમાં યાદશક્તિ સાથેના જોડાયેલાં ક્લિનિકમાં આવતા લગભગ 50 ટકા લોકોનું કહેવું હોય છે કે તેમની સાથે આર્થિકઠગાઈ થઈ છે.

યુકેની સ્વૈચ્છિક સંસ્થા અવરગ્લાસનાં પોલિસી ડાયરેક્ટર વૅરોનિકા ગ્રેનાં કહેવા પ્રમાણે, તેમની સંસ્થા આર્થિક ઠગાઈનો ભોગ બનનારાં વૃદ્ધો માટે ટેલિફોન હેલ્પલાઇન ચલાવે છે.

વર્ષ 2022માં તેમની સંસ્થાને એક કરોડ 95 લાખ પાઉન્ડની છેતરપીંડીની ફરિયાદો મળી હતી. આ રકમ વૃદ્ધો પાસેથી ચોરવામાં આવી હતી, છેતરપીંડી કરવામાં આવી હતી કે તેમના સાથે ઠગાઈ હતી.

વર્ષ 2017-2019ની સરખામણીમાં તે 50 ટકા જેટલી વૃદ્ધિ સૂચવે છે.

70 ટકા કિસ્સામાં પુખ્ત દીકરા કે દીકરી તેમાં સંડોવાયેલાં હતાં.

અન્ય કિસ્સામાં સેવા કરનાર, નવા પ્રેમી, કે ઘણીવખત પૌત્ર-પૌત્રી કે દોહિત્ર-દોહિત્રીઓ હોય છે.

મોટાબાગના કિસ્સા પોલીસના ચોપડે નોંધાતા નથી અને વૃદ્ધે આર્થિક નુકસાનની નકારાત્મક અસર સાથે જીવવું પડે છે.

ગ્રેના કહેવા પ્રમાણે, આ દેખાય નહીં એવા અપરાધ છે : "ઘણાં લોકો મોટી રકમ કે વર્ષોથી રહેતા હોય એવી સંપત્તિ ગુમાવી દે છે અને તેમના ઉપર દેવું થઈ જાય છે."

કેરોલિન જેવા પરિવારોમાં વિચિત્ર સ્થિતિ ઊભી થાય છે, જ્યાં એક તરફ તેમની માનસિકસ્થિતિ કથળી રહી હોય છે, તો બીજી તરફ, તેમની સામે જીવન અંગે નિર્ણય લેવાના અધિકારની વાત હોય છે.

તબીબોનું કહેવું છે કે આ કોઈ અસામાન્ય કિસ્સો નથી, તેમને વારંવાર આવી કહાણીઓ સાંભળવામાં આવે છે.

પૂરક અહેવાલ બેન મિલેન