You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત : અરબી સમુદ્રમાં ફરી સર્જાઈ સિસ્ટમ, કયા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી?
ગુજરાતમાં વરસાદી માહોલ જામી ચૂક્યો છે અને અનેક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ વરસી રહ્યો છે.
ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં આગામી દિવસોમાં ક્યાં ધોધમાર વરસાદ પડશે.
ભારતીય હવામાન વિભાગે જાહેર કરેલા બુલેટિન અનુસાર, દક્ષિણ ગુજરાત તરફ દરિયામાં સાયક્લૉનિક સર્ક્યુલેશનની સ્થિતિ બની રહી છે. આ હિલચાલને પગલે ગુજરાતના હવામાનને અસર થઈ શકે છે અને અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, 4 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે.
તે ઉપરાંત મધ્યમ ગુજરાતમાં અમદાવાદ, દાહોદ, ખેડા, આણંદ અને ગાંધીનગર, પંચમહાલમાં હળવો વરસાદ પડી શકે છે.
આ સિવાય સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ છુટોછવાયો વરસાદ પડી શકે છે.
બીબીસી ગુજરાતીના સહયોગી પત્રકાર બિપિન ટંકારિયાએ રાજકોટ સિંચાઈ પુર વર્તુળ એકમની યાદી અનુસાર જણાવ્યું છે કે, રાજકોટ જિલ્લાની આઠ ડૅમોમાં છેલ્લા 24 કલાકમાં નવાં નીરની આવક થઈ છે.
જળાશયોના કૅચમૅન્ટ વિસ્તાર મુજબ ભાદર ડૅમમાં 8 મીમી, ફોફળ ડૅમમાં 26 મીમી, આજી - 3 ડૅમ, ન્યારી-2 ડૅમ અને ભાદર- 2 ડૅમમાં 10 મીમી, ખોડાપીપર ડૅમમાં 20 મીમી, છાપરવાડી-2 ડૅમમાં 45 મીમી અને ઈશ્વરિયા ડૅમમાં 5 મીમી વરસાદ નોંધાયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હવામાન વિભાગે શું કરી આગાહી?
અરબી સમુદ્રમાં દક્ષિણ ગુજરાત નજીક સર્જાયેલા સાયક્લૉનિક સર્ક્યુલેશનને કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અમુક જિલ્લાઓ તથા કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ચોમાસાનો માહોલ ધીમે-ધીમે જામી રહ્યો છે, જેને લીધે હાલમાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, 5 જુલાઈના રોજ અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ , પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં ગાજવીજ સાથે મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે.
6 જુલાઈના રોજ ગુજરાતનું હવામાન સાફ રહી શકે છે, એવું પણ હવામાન વિભાગે જણાવ્યું છે. જોકે સૌરાષ્ટ્ર, દીવ-દમણ અને દાદરા નગરહવેલીમાં હળવો વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગે તારીખ 7 જુલાઈના રોજની પણ આગાહી કરી છે જેમાં સમગ્ર ગુજરાતમાં અમુક જગ્યાએ છુટોછવાયો વરસાદ વરસી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર થોડું વધી શકે છે.
સુરત, અને તાપીમાં મધ્યમથી હળવો વરસાદ વરસી શકે છે. બીજી તરફ નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે. આવી જ સ્થિત સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં પણ જોવા મળશે.
હવામાન વિભાગ અનુસાર અમરેલી, ભાવનગર અને ગીર-સોમનાથમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે.
ક્યાં કેવો છે વરસાદ?
ગુજરાતમાં દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના જામનગર, જુનાગઢ, અમરેલી, રાજકોટ, ભાવનગર વગેરે જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે.
ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ધારીનો ખોડિયાર ડૅમ ફરી છલકાયો છે. ગીરના જંગલ વિસ્તારમાં ભારે વરસાદ પડવાને કારણે ખોડિયાર ડૅમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ છે.
ખોડિયાર ડૅમના દરવાજા ખોલાતાં કાંઠાવિસ્તારના નીચાણવાળા ભાગના પાંચ તાલુકાઓને ઍલર્ટ કરવામાં આવ્યા છે. આ સિવાય નદીના પટ વિસ્તાર સહિત નીચાણવાળા વિસ્તારમાં અવર-જવર ન કરવા માટે ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યમાં ભારે વરસાદને લઈ વાહનવ્યવહાર પર ભારે અસર પડી છે.
આ દરમિયાન રાજ્યમાં વરસાદને કારણે એસટી બસના રૂટને પણ અસર થઈ છે. રાજ્યમાં કુલ 32 રૂટ રદ કરવામાં આવ્યા છે. એસટી બસના 32 રૂટની 104 ટ્રિપ વરસાદને કારણે બંધ છે.