કચ્છ: સરહદે પેટ્રોલિંગ કરી રહેલા BSFના અધિકારી અને જવાનનું ગરમીને કારણે મૃત્યુ - ન્યૂઝ અપડેટ

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ગઈ કાલે ગુજરાતના કચ્છમાં ભારત-પાકિસ્તાન સરહદે આવેલા હરામીનાળા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બૉર્ડર સિક્યૉરિટી ફૉર્સ (BSF)ના એક અધિકારી અને એક જવાને જીવ ગુમાવ્યો છે.

બીબીસી સહયોગી પ્રશાંત ગુપ્તાએ આપેલી માહિતી અનુસાર, બીએસએફના પીઆરઓએ મૃત્યુનું કારણ પ્રદેશમાં પ્રવર્તતી ભારે ગરમીની સ્થિતિ હોવાનું જણાવ્યું છે.

આ વિસ્તાર તેની કઠિન હવામાન પરિસ્થિતિઓ માટે જાણીતો છે. ખાસ કરીને ઉનાળાના મહિનાઓમાં અહીં તાપમાન અસહ્ય બની જતું હોય છે.

આ ઘટનામાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ વિશ્વદેવ અને હેડ કૉન્સ્ટેબલ દયાળરામને હીટ સ્ટ્રૉક અને ડિહાઇડ્રેશન થયું હોવાનું કહેવાયું છે. આ ઘટના 19મી જુલાઈએ શુક્રવારે સરહદ પર બની હતી.

અધિકારી બીએસએફની 59મી બટાલિયનમાં ભુજ ખાતે તહેનાત હતા.

જ્યારે તેઓ ડિહાઇડ્રેશન અને ભારે ગરમીને કારણે પડી ગયા ત્યારે બંને 'ઝીરો લાઇન' પેટ્રોલિંગ કરી રહ્યા હતા. બીએસએફના આ બે જવાનોને ભુજની નજીકની આરોગ્યસેવામાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમને બચાવી શકાયા ન હતા.

બાંગ્લાદેશ હિંસા: ભારતે પોતાના વિદ્યાર્થીઓ માટે ઍડવાઇઝરી જાહેર કરી

બાંગ્લાદેશમાં અનામતવિરોધી આંદોલન દરમિયાન હિંસા અને અશાંતિને ધ્યાનમાં રાખતાં ભારતના વિદેશ મંત્રાલયે ત્યાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ માટે ઍડવાઇઝરી જાહેર કરી છે.

ઍડવાઇઝરીમાં વિદ્યાર્થીઓને બાંગ્લાદેશ યાત્રા ન કરવાનું કહેવામાં આવ્યું છે. તેમને કહેવામાં આવ્યું છે કે તેઓ પોતાનાં ઘરોમાંથી બહાર ન નીકળે.

ભારતીય વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર જાણકારી આપી છે કે ભારતીય દૂતાવાસે વિદ્યાર્થીઓની મદદ કરવા માટે 24 કલાક ચાલુ ઇમરજન્સી નંબર પણ જાહેર કર્યા છે.

ઢાકામાં ભારતીય દૂતાવાસ પણ સ્થાનિક પ્રશાસનના સંપર્કમાં છે જેથી કરીને સ્વદેશ પરત ફરી રહેલા વિદ્યાર્થીઓને પૂરતી સુવિધા આપી શકાય.

ભારતીય દૂતાવાસ બીએસપી અને બ્યૂરો ઑફ ઇમિગ્રેશન સાથે તાલમેલ બેસાડીને કામ કરી રહ્યો છે અને ભારત પરત ફરી રહેલા વિદ્યાર્થીઓને જરૂરી સુવિધાઓ મળી શકે.

યમન પાસે વધુ એક જહાજ પર થયો હુમલો, હૂતી વિદ્રોહીઓ પર શંકા

બ્રિટિશ દરિયાઈ સુરક્ષા એજન્સીએ કહ્યું છે કે તેમને યમનના પોર્ટસિટી મોખાના ઉત્તર-પશ્ચિમમાં એક જહાજ પર હુમલો થયો હોવાના અહેવાલ મળ્યા છે.

યુનાઇટેડ કિંગડમ મેરિટાઇમ ટ્રેડ ઑપરેશન્સે જણાવ્યું હતું કે જહાજના કૅપ્ટને આ જહાજની નજીક બે વિસ્ફોટ સાંભળ્યા હતા.

જહાજના ક્રૂ મેમ્બર સુરક્ષિત હોવાનું કહેવાય છે. જોકે, જહાજને નજીવું નુકસાન થયું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

શુક્રવારે સિંગાપુરના ફ્લૅગવાળા કન્ટેનર જહાજ પર થયેલા હુમલા બાદ આ ઘટના બની હતી. એવું માનવામાં આવે છે કે આ બંને હુમલા માટે યમનના હૂતી વિદ્રોહીઓ જવાબદાર હોઈ શકે છે. તેમનું કહેવું છે કે આવા હુમલા ગાઝામાં પેલેસ્ટિનિયનો માટેના તેમના સમર્થનનો પુરાવો છે.

હૂતી વિદ્રોહીઓએ શુક્રવારે ઇઝરાયલના શહેર તેલ અવીવ પર ડ્રોન હુમલાની જવાબદારી પણ સ્વીકારી છે. આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને આઠ લોકો ઘાયલ થયા હતા.