You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બાંગ્લાદેશમાં ફરી વિરોધપ્રદર્શન, 90થી વધુ લોકોનાં મૃત્યુ, ભારતીય દૂતાવાસે જાહેર કરી ઍડવાઇઝરી
બાંગ્લાદેશમાં પોલીસ અને સરકાર વિરોધી પ્રદર્શનકારીઓ વચ્ચે વધી રહેલી અથડામણો વચ્ચે રવિવારે, આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધીમાં, 90 લોકોનાં મૃત્યુ થયાં છે.
બાંગ્લાદેશમાં સિલહેટસ્થિત ભારતીય સહાયક દૂતાવાસે દેશમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકો માટે ઍડવાઇઝરી જાહેર કરી છે અને દૂતાવાસના સંપર્કમાં રહેવાનું કહેવામાં આવ્યું છે.
બાંગ્લાદેશમાં પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ વડાં પ્રધાન શેખ હસીનાના રાજીનામાની માગ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓએ સવિનય અસહકાર આંદોલનની જાહેરાત કરી છે.
બાંગ્લાદેશમાં વિદ્યાર્થી સંગઠન સરકારી નોકરીઓમાં અનામતનો વિરોધ કરી રહ્યાં છે.
રવિવારે પોલીસે બાંગ્લાદેશના કેટલાક ભાગોમાં દેખાવકારોને વિખેરવા માટે ટીયરગૅસના શેલ છોડ્યા હતા તથા રબરની ગોળીઓનો ઉપયોગ પણ કર્યો હતો.
આ ઘટનામાં ઓછામાં ઓછા 200 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે.
બીબીસી સંવાદદાતા અનબરાસન એથિરાજન અનુસાર પોલીસે જણાવ્યું છે કે સિરાજગંજમાં હજારો લોકોએ એક પોલીસ સ્ટેશન પર હુમલા કર્યો અને એ ઘટનામાં 13 પોલીસકર્મીઓ માર્યા ગયા.
દેશભરમાં ચાલી રહેલા વિરોધપ્રદર્શનને રોકવા માટે બાંગ્લાદેશમાં નાઇટ કરફ્યૂ પણ લાદવામાં આવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બાંગ્લાદેશમાં ગત મહિને અનામતના મુદ્દે વિદ્યાર્થીઓ દ્વારા દેખાવો શરૂ થયા હતા. પરંતુ હવે આ વિરોધ વ્યાપક બની રહ્યો છે.
ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવી
સિલહટ ખાતે ભારતના આસિસ્ટન્ટ હાઈ કમિશનરે ટ્વીટ કરીને તેમના ક્ષેત્રાધિકારમાં આવતા વિદ્યાર્થીઓ સહિત ભારતીયોને તેમના સંપર્કમાં રહેવા અને સાવચેત રહેવાની વિનંતી કરી છે.
ઇમર્જન્સી નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે -+88-01313076402
મૃતકોની વધતી સંખ્યા
બીબીસી બાંગ્લા સેવા અનુસાર અત્યાર સુધીમાં સૌથી વધુ મૃત્યુ સિરાજગંજમાં થયાં છે.
પ્રદર્શનકારીઓએ ચલાવેલી અસહકારની ચળવળના વિરોધ દરમિયાન આ મૃત્યુ થયાં છે.
સિરાજગંજમાં સૌથી વધુ 18 લોકોનાં મોત થયાં છે, જેમાં 13 તો પોલીસકર્મીઓ છે. સત્તાવાર અધિકારીઓએ પણ પોલીસકર્મીઓના મૃત્યુની પુષ્ટિ કરી છે.
એવામાં રાજધાની ઢાકામાં છ લોકોનાં મૃત્યુ થયાં છે જેમાં અવામી લીગના નેતા પણ સામેલ છે.
ભૂતપૂર્વ સેનાધ્યક્ષે સૈન્યને વિદ્યાર્થીદળોનો સામનો ન કરવાની સલાહ આપી
દેશમાં પ્રવર્તી રહેલી વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખતાં ભૂતપૂર્વ સેનાપ્રમુખો અને અન્ય અધિકારીઓએ સેનાને વિદ્યાર્થીઓનાં ટોળાંનો સામનો ન કરવા માટેની સલાહ આપી છે.
ભૂતપૂર્વ સૈન્ય અધિકારીઓએ રવિવારે બપોરે ઢાકામાં એક પ્રેસ કૉન્ફરન્સ આયોજન કર્યું અને દેશમાં ચાલી રહેલા આ ઘમાસાણનો અંત કઈ રીતે લાવવો તેના ઉપાયો પણ બતાવ્યો.
લેખિત પત્રમાં ભૂતપૂર્વ સેનાધ્યક્ષ ઇકબાલ કરીમ ભુય્યાએ કહ્યું હતું કે, "સેનાના જવાનોએ જલદીથી આર્મી કૅમ્પ પાછા ફરવું જોઈએ અને કોઈ પણ પ્રકારની ઇમરજન્સી માટે તૈયારી કરવી જોઈએ."
તેમણે કહ્યું હતું કે, "હું તમને આ પરિસ્થિતિનો ઉકેલ લાવવા માટે વાતચીતથી સમાધાન કરવાનું કહી રહ્યો છું. દેશભક્ત સેનાના જવાનોને વિદ્યાર્થીઓનાં ટોળાં સામે પડવા ન મોકલવા જોઈએ."
તેમણે એમ પણ કહ્યું હતું કે, "આપણે પોતાની સામે જ લડાઈ લડી રહ્યા છીએ. આપણે આપણા દેશને એક યુદ્ધગ્રસ્ત શહેરમાં પરિવર્તિત થવા ન દેવો જોઈએ."
તેમણે વિદ્યાર્થી સમૂહોના વિરોધમાં થયેલાં મૃત્યુ અને ગોળીબાર માટે યુએનના નેજા હેઠળ પારદર્શી અને સ્વીકાર્ય તપાસની માંગણી કરી હતી.
સરકારે ‘આતંકી હુમલા’ની ચેતવણી આપી હતી
બાંગ્લાદેશ સરકારે ક્વોટા રિફૉર્મ ઍક્ટિવિસ્ટ્સ દ્વારા ચલાવવામાં આવી રહેલી અસહકારની ચળવળ દરમિયાન ‘આતંકી હુમલા’ની ચેતવણી આપતાં એક નિવેદન જાહેર કર્યું હતું.
પ્રેસ સેક્રેટરી નઇમુલ ઇસ્લામ ખાને બીબીસી બાંગ્લાને માહિતી આપતાં કહ્યું હતું કે આ નિવેદન વડાં પ્રધાન શેખ હસીનાની પ્રેસ વિંગ તરફથી મોકલવામાં આવ્યું હતું.
આ નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, “દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તેમના ઘરે પરત ફરે. અનેક સ્થળોએ આતંકી હુમલાઓ થઈ રહ્યા છે. આવા હુમલાઓ કરનારા સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવશે.”
બાંગ્લાદેશમાં ચાલી રહેલા અનામતવિરોધી આંદોલનમાં રવિવારથી અસહકારની ચળવળ શરૂ કરવામાં આવી હતી.
બાંગ્લાદેશમાં કેમ ચાલી રહ્યું છે આંદોલન?
1971માં પૂર્વ પાકિસ્તાનથી અલગ થઈને સ્વતંત્ર બાંગ્લાદેશની રચના માટે લડત આપનારા સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારને બાંગ્લાદેશની સરકારી નોકરીઓમાં અનામતના મામલે ત્યાં અનામતવિરોધી આંદોલનો થયાં અને દેશમાં હિંસા ફાટી નીકળી હતી.
જોકે, સરકારી નોકરીઓમાં અનામતના વિરોધ વચ્ચે સુપ્રીમ કોર્ટે મોટા ભાગની નોકરીઓમાં અનામત સમાપ્ત કરવાનો નિર્ણય આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે દેશમાં 93 ટકા સરકારી નોકરીમાં ભરતી યોગ્યતાને આધારે થાય. તેમજ કોર્ટે કહ્યું હતું કે 1971ના સ્વતંત્રતા આંદોલનમાં સામેલ રહેલા સેનાનીઓના પરિજનોને માત્ર પાંચ ટકા અનામત અપાય.
બાકી અન્ય બે ટકા નોકરીઓ વિકલાંગો, ટ્રાન્સજેન્ડરો અને વંશીય અલ્પસંખ્યકો માટે અનામત રખાઈ છે.