રાજકોટ જિલ્લામાં મહિલાનો દફન કરાયેલો મૃતદેહ કોણે બહાર કાઢ્યો?

    • લેેખક, બિપિન ટંકારિયા
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • પ્રકાશિત

રાજકોટ જિલ્લાના ઉપેલેટા તાલુકાના ખાખીજાળિયા ગામે એક મહિલાનો મૃતદેહ દફનવિધિના બીજા દિવસે કોઈએ ખોદીને બહાર કાઢી લીધો હોવાની ઘટના ઘટી છે.

ઘટનાની જાણ થતાં જ મૃતકના પરિવારજનો અને ગામલોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તો બીજી તરફ તંત્ર પણ દોડતું થઈ ગયું હતું અને મૃતદેહનો કબજો મેળવી એને સિવિલ હૉસ્પિટલ પર પહોંચાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

શું છે સમગ્ર ઘટના?

આ બનાવની વિગત એવી છે કે ઉપલેટાના ખાખીજાળિયા ગામે શાંતાબહેન દાનાભાઈ સોલંકી નામનાં મહિલા (ઉંમર વર્ષ 50) થોડા સમય પહેલાં બીમાર પડ્યાં હતાં અને એ બીમારીમાં જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ગત શનિવારે એમની દફનવિધિ કરાઈ હતી અને બીજા દિવસે એટલે કે રવિવારની સવારે દફન કરાયેલો મૃતદેહ કોઈએ બહાર કાઢી લીધો હતો.

મૃતક મહિલાના પુત્ર કૈલાસ સોલંકી આ અંગે વાત કરતાં જણાવે છે કે ખાખીજાળિયા ગામમાં જ તેમનાં માતાની દફનવિધિ કરાઈ હતી. જ્યાં એમના મૃતદેહને દફન કરવામાં આવ્યો હતો ત્યાંથી પસાર થઈ રહેલી એક વ્યક્તિએ બહાર કાઢી દેવાયેલો મૃતદેહ જોયો હતો. જેની જાણે તેણે ગામલોકોને કરી હતી.

આ અંગે ઉપલેટા મામલતદાર કચેરી અને ભાયાવદર પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી.

ગામલોકોની શું માગ છે?

ઘટના અંગે વાત કરતાં ભાયાવદર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ રજની ભોજાણીએ જણાવ્યું હતું, "આ ઘટનામાં પોલીસે મૃતદેહનો કબજો મેળવી લીધો છે અને એને ઉપલેટા સિવિલ હૉસ્પિટલ ખાતે મોકલી દેવાયો છે. આ મામલે મૃતકના પરિવારજનોનાં નિવેદનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે."

સમાજના આગેવાન મહેશભાઈ ચૌહાણે આ અંગે ચિંતા વ્યક્ત કરતાં ગુનેગારને પકડવાની માગ કરી હતી. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું, "સમાજના રીતરિવાજ અનુસાર અમે દફનવિધિ કરી હતી પણ રાતે કોઈ અસામાજિક તત્ત્વોએ મૃતદેહને બહાર કાઢીને નિર્વસ્ત્ર કરી નાખ્યો હતો. આ મામલે અમે ગુનેગારને પકડી લેવા અને સજા આપવાની માગ કરીએ છીએ, જેથી ફરીથી આવું ના થાય."