You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નિર્મલા સીતારમણ સામે કોર્ટે એફઆઈઆર દાખલ કરવાનો આદેશ આપ્યો, સમગ્ર મામલો શું છે?
- લેેખક, ઇમરાન કુરેશી
- પદ, બીબીસી માટે, બેંગલુરુથી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 3 મિનિટ
બેંગલુરુમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે બનાવવામાં આવેલી મેજિસ્ટ્રેટ કોર્ટે ઇલેક્ટોરલ બૉન્ડના મુદ્દે નિર્મલા સીતારમણ અને ઈડી સામે બળજબરીથી વસૂલી અને ગુનાહિત ષડયંત્રનો મામલો દાખલ કરવાનો આદેશ આપ્યો છે.
કોર્ટે આ ચુકાદો આદર્શ અય્યરની અરજી પર સંભળાવ્યો છે. આદર્શ અય્યર એ જનાધિકાર સંધર્ષ પરિષદ (જેએસપી)ના સહ-અધ્યક્ષ છે. તેમણે માર્ચ મહિનામાં પોલીસને એક ફરિયાદ કરી હતી પણ તેમાં કોઈ કાર્યવાહી થઈ ન હતી.
જેએસપી એક એવી સંસ્થા છે કે શિક્ષણના અધિકારનો કાયદો અને બાકી મુદ્દાઓ સાથે જોડાયેલી સમસ્યાઓની ઉઠાવતી રહી છે.
આ મામલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા અને અને કર્ણાટક ભાજપના અધ્યક્ષ બી. વાય. વિજેન્દ્રને પણ આરોપી તરીકે ઉલ્લેખવામાં આવ્યા છે.
તેમાં કર્ણાટકના ભાજપના પૂર્વ અધ્યક્ષ નલીનકુમાર કતિલ અને પાર્ટીના અન્ય પદાધિકારીઓને પણ આરોપી બનાવવામાં આવ્યા છે.
જેએસપીના વકીલ એસ. બાલને બીબીસીને જણાવ્યું હતું કે, “નિર્મલા સીતારમણ અને ઈડી એ સૂત્રધાર છે જ્યારે નડ્ડા અને વિજેન્દ્ર તેમાં સહયોગીઓ છે.”
કોર્ટને આપવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છ કે, “આરોપી નં. 1 નિર્મલા સીતારમણે આરોપી નં.2 ઈડીને ગુપ્ત સહાયતા અને સમર્થનથી રાષ્ટ્રીય સ્તરે આરોપી નં.3 અને કર્ણાટક રાજ્યમાં આરોપી નં.4 કતીલના લાભ માટે હજારો કરોડ ઉલેચવામાં મદદ કરી છે.”
ફરિયાદમાં શું-શું કહેવામાં આવ્યું છે?
ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, “આરોપી નં. 1 નિર્મલા સીતારમણે વિભિન્ન કૉર્પોરેટ્સ, તેમના સીઇઓ, એમડી વગેરેને ત્યાં છાપેમારી કરવી, જપ્તી કરવી તથા ધરપકડ કરવા માટે આરોપી નં.2 ઇડીનો સહયોગ લીધો છે. નિર્મલા સીતારમણ તરફથી કરવામાં આવેલી શરૂઆતથી ઈડીની છાપેમારીના ડરથી અનેક કૉર્પોરેટ અને ધનકુબેરોને કરોડો રૂપિયાના ઇલેક્ટોકલ બૉન્ડ ખરીદવા માટે મજબૂર કરવામાં આવ્યા, જેને આરોપી નં.3 અને 4એ વાપર્યાં.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફરિયાદમાં તેમણે આ રીતે 8 હજાર કરોડ રૂપિયા એકઠા કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ફરિયાદમાં એલ્યુમિનિયમ અને કૉપરની દિગ્ગજ કંપની મેસર્સ સ્ટરલાઇટ ઍન્ડ મેસર્સ વેદાન્તા કંપનીનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. જેણે એપ્રિલ 2019, ઑગસ્ટ 2022 અને નવેમ્બર 2023 વચ્ચે 230.15 કરોડ રુપિયા ઇલેક્ટોરલ બૉન્ડ મારફતે આપ્યા.
જ્યારે મેસર્સ ઑરોબિંદો ફાર્મા ગ્રૂપ ઑફ કંપનીઝે 5 જાન્યુઆરી, 2023, 2 જુલાઈ 2022 અને 15 નવેમ્બર 2022 અને 8 નવેમ્બર 2023 વચ્ચે 49.5 કરોડ રૂપિયા આપ્યા.
એસ. બાલને કહ્યું હતું કે, “અમે અમારી વાત સાબિત કરવા માટે દસ્તાવેજ સોંપી દીધા છે. અમે જે તર્ક આપ્યા છે તેના વિશે અમે લાંબા સમયથી પેરવી કરી રહ્યા છીએ. અમારી પાસે અંદાજે દસ જેટલા સ્થગિતતા અંગેના આદેશ છે. આરોપીઓ સામે એફઆઈઆર દાખલ કરવાનો આદેશ આપતા પહેલાં કોર્ટ વાતને લઇને સહમત હતી કે પ્રથમ દૃષ્ટિએ આ આરોપીઓ સામે મામલો બને છે.”
આ ફરિયાદ સીઆરપીસીની કલમ 156(3) હેઠળ કરવામાં આવી છે. દંડ અને દંડ સહિત સાત વર્ષથી ઓછી સજાના ગુના માટે વધારાની ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ, બેંગલુરુની કોર્ટ નિર્ધારિત કરવામાં આવેલી છે.
આ અપરાધો માટે આઈપીસીની કલમ 384 (બળજબરીપૂર્વક વસૂલી), 120-B (ગુનાહિત ષડયંત્ર) સાથે આઇપીસીની કલમ 34 (એક હેતુ માટે અનેક લોકોની એકસાથે મળીને કરવામાં આવેલી કાર્યવાહી) હેઠળ કેસ દાખલ કરવામાં આવશે.
નાણામંત્રી આ મામલે પ્રતિક્રિયા આપવા માટે ઉપલબ્ધ ન હતા. તેમની ઑફિસ તરફથી કહેવામાં આવ્યું છે કે તેઓ ઉઝબેકિસ્તાન ગયાં છે અને અત્યારે તેમનો સંપર્ક કરવો મુશ્કેલ છે. તેમનો જવાબ આવ્યે આ સ્ટોરી અપડેટ કરવામાં આવશે.
સોમવારનો દિવસ અગત્યનો
આ કેસ અંગે જાણકારી બહાર આવતાં જ ભાજપ અને કૉંગ્રેસના નેતાઓએ એકબીજા પર નિશાન સાધવાનું શરૂ કરી દીધું.
કર્ણાટક વિધાનસભામાં વિપક્ષના નેતા આર અશોકે મીડિયાને કહ્યું હતું કે, “ઇલેક્ટોરલ બૉન્ડ સ્કીમનો લાભાર્થી કૉંગ્રેસ પક્ષ પણ રહ્યો છે અને નિર્મલા સીતારમણે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની જેમ આ પૈસા પોતાના પરિવારને ફાયદો પહોંચાડવા નથી લીધા.”
જ્યારથી રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે મુખ્ય મંત્રી સિદ્ધારમૈયા સામે કેસ ચલાવવાની મંજૂરી આપી છે ત્યારથી ભાજપ તેનું રાજીનામું માગી રહ્યો છે.
કર્ણાટક હાઇકોર્ટ તરફથી રાજ્યપાલને આપવામાં આવેલી મંજૂરીને રદ્દ કરવા માટે આપવામાં આવેલી સિદ્ધારમૈયાની અરજીને ફગાવી દેવામાં આવી હતી. ત્યારબાદ તરત જ ભાજપની માગ એ વિરોધપ્રદર્શનમાં બદલાઈ ગઈ.
શુક્રવારે જ્યારે સિદ્ધારમૈયા મોટી સંખ્યામાં પાર્ટી કાર્યકર્તાઓને મળી રહ્યા હતા ત્યારે ભાજપે મૈસૂરમાં પ્રદર્શન કર્યું હતું. મોડી સાંજે મૈસુરની લોકાયુક્ત પોલીસે વિશેષ અદાલતના નિર્દેશો પર એફઆઈઆર નોંધી.
સોમવારે નિર્મલા સીતારમણ વિરુદ્ધ પણ એફઆઈઆર નોંધવામાં આવે તેવી શક્યતા છે.
ભાજપના એક નેતાએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, "અમે એફઆઈઆરને રદ્દ કરવાની માંગ સાથે હાઈકોર્ટમાં અપીલ કરીશું."
રસપ્રદ વાત એ છે કે, સિદ્ધારમૈયાની કાનૂની ટીમ તેમની સામેની એફઆઈઆર રદ કરવા માટે હાઈકોર્ટના દરવાજા ખખડાવવાની પણ તૈયારી કરી રહી છે. હાઇકોર્ટમાં અપીલ દાખલ કરવાની સોમવાર છેલ્લી તારીખ છે કારણ કે આ પછી કોર્ટની રજાઓ શરૂ થશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન