અમૃતપાલ સિંહની જરનૈલસિંહ ભિંડરાંવાલેના ગામમાંથી કેવી રીતે ધરપકડ કરવામાં આવી?

પ્રકાશિત

ગત 18 માર્ચથી ફરાર 'વારિસ પંજાબ દે' સંગઠનના પ્રમુખ અને ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહની પંજાબ પોલીસે ધરપકડ કરી છે. પંજાબ પોલીસ તેમને સ્પેશ્યિલ પ્લેનથી આસામના ડિબ્રુગઢ લઈ જઈ રહી છે.

પંજાબ પોલીસે ટ્વીટ કરીને કહ્યું, "અમૃતપાલ સિંહની પંજાબના મોગાથી ધરપકડ કરવામાં આવી છે."

બીબીસીના સહયોગી પત્રકાર રવિંદરસિંહ રૉબિન પ્રમાણે અમૃતપાલ સિંહની મોગાના રોડે ગામમાંથી ધરપકડ કરવામાં આવી છે. જરનૈલસિંહ ભિંડરાંવાલે પણ આ જ ગામના રહેવાસી હતા અને આ જ ગામમાં તેમને (અમૃતપાલ) 'વારિસ પંજાબ દે' સંગઠનના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.

રવિંદર જણાવે છે કે ધરપકડ પહેલાં અમૃતપાલ સિંહે ગુરુદ્વારાના ગ્રંથી પાસેથી પાંચ કકાર લઈને પહેર્યા અને લોકોને સંબોધિત કર્યા.

તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે તેમના પર ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા છે. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પણ મૂકવામાં આવ્યો છે.

સંબોધન બાદ પંજાબ પોલીસે ગુરુદ્વારા બહારથી અમૃતપાલ સિંહની ધરપકડ કરી હતી.

પંજાબ પોલીસે પોતાના ટ્વિટર હૅન્ડલ પર આ ધરપકડની જાણકારી આપી છે. આ ટ્વીટ અનુસાર, અમૃતપાલ સિંહની પંજાબના મોગાથી ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે લોકોને શાંતિ અને સદભાવ જાળવી રાખવા અપીલ કરી છે.

પોલીસે અમૃતપાલ સિંહ વિરુદ્ધ 18 માર્ચે કાર્યવાહી શરૂ કરી હતી. તે દિવસથી તેઓ ફરાર હતા.

પંજાબના મુખ્ય મંત્રીએ શું કહ્યું?

ભગવંત માને અમૃતપાલસિંહની ધરપકડ બાદ પોતાના એક વીડિયો સંદેશમાં કહ્યું કે પોલીસની ઇચ્છા હોત તો 18 માર્ચના જ ધરપકડ કરી શકી હોત પરંતુ કોઈ પણ પ્રકારનો ખુનખરાબોથી બચવાનો પ્રયત્ન હતો.

તેમણે કહ્યું કે, પંજાબમાં છેલ્લા કેટલાક મહિનાથી કાયદાવ્યવસ્થા અને શાંતિને તોડવાનો પ્રયત્ન થઈ રહ્યો હતો. જેમ જ અમને આની જાણકારી મળી અમે ઍક્શન લીધું. અમે કોઈ નિર્દોષને પરેશાન નહીં કરીએ. અમે બદલાનું રાજકારણ નથી કરતા.

માને કહ્યું કે તેઓ 3.5 કરોડ પંજાબીઓનો આભાર માને છે કારણે કે આ 35 દિવસમાં તેમણે શાંતિ અને ભાઈચારો જાળવી રાખ્યો.

તેમણે કહ્યું, "હું આખી રાત નથી સૂઈ શક્યો. કાલે રાત્રે મારી પાસે જાણકારી આવી ગઈ હતી. હું દર 15-30 મિનિટે પૂછી રહ્યો હતો કે શું થયું, હું નહોતો ઇચ્છતો કે કોઈ હિંસા થાય, કાયદાવ્યવસ્થા સાથે ચેડાં ન થાય. પરંતુ જો 3.5 કરોડ પંજાબીઓની શાંતિ માટે અમારે પોતાની ઊંઘ ગુમાવવી પડે તો તે મોંઘી ન કહેવાય."

ભગવંત માનના વીડિયો સંદેશ પર દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે લખ્યું કે પંજાબમાં શાંતિ અને સુરક્ષા માટે તેમની પાર્ટી વચનબદ્ધ છે અને તેના માટે કઠોર નિર્ણય લેવા માટે પણ તૈયાર છે.

પોલીસે શું કહ્યું?

પંજાબ પોલીસે જણાવ્યું કે છેલ્લા ઘણા દિવસોથી ફરાર અમૃતપાલ સિંહની આજે (રવિવારે) સવારે 6:45 વાગ્યે મોગા જિલ્લાના રોડે ગામથી ધરપકડ કરવામાં આવી છે.

પંજાબ પોલીસના આઈજી સુખચૈનસિંહ ગિલે આજે સવારે એક પત્રકારપરિષદ યોજીને ધરપકડ અંગેની વિસ્તૃત માહિતી આપી હતી.

તેમણે જણાવ્યું કે પોલીસે રોડે ગામને સંપૂર્ણ રીતે ઘેરી લીધું હતું. તે સમયે અમૃતપાલ સિંહ ગુરુદ્વારા સાહિબમાં હતા.

ગિલે કહ્યું, "ગુરુદ્વારા સાહિબનું સન્માન બધાથી ઉપર છે. તેથી તેમનું માન જાળવીને અમૃતપાલ સિંહને સંદેશ મોકલવામાં આવ્યો કે તેઓ ચારેય બાજુથી ઘેરાયેલા છે અને હવે તેમની પાસે બચવાનો કોઈ રસ્તો નથી."

તેમના જણાવ્યા અનુસાર, એનએસએ હેઠળ અમૃતપાલ સિંહ વિરુદ્ધ જારી કરાયેલા તમામ વૉરન્ટ આજે સવારે અમલમાં મૂકવામાં આવ્યા હતા.

ગિલ અનુસાર, આ પંજાબ પોલીસ અને પંજાબ પોલીસની ગુપ્તચર શાખાનું સંયુક્ત અભિયાન હતું.

આઈજી ગિલે આ દરમિયાન પંજાબમાં શાંતિ જાળવી રાખવા બદલ લોકોનો આભાર માન્યો હતો. સાથે જ રાજ્યનો માહોલ ખરાબ કરનારાઓને ચેતવણી પણ આપી હતી.

કોણ છે અમૃતપાલ સિંહ?

અમૃતપાલ સિંહ ‘વારિસ પંજાબ દે’ સંગઠનના પ્રમુખ છે. પોતાનું લક્ષ્ય શીખો માટે એક સ્વાયત ખાલિસ્તાન રાજ્ય બનાવવાનું હોવાનું તેઓ જણાવે છે.

વર્ષો સુધી દુબઈમાં રહ્યા બાદ ગત સપ્ટેમ્બરમાં તેઓ પંજાબ પાછા ફર્યા હતા અને અમૃત સંચાર તથા નશામુક્તિ આંદોલનના નામે તેમણે યુવાનોને પોતાની સાથે જોડવાનું શરૂ કર્યું હતું.

જોકે, વિવાદિત ભાષણો, દરગાહોમાંની બેંચને આગ ચાંપવાને તથા અજનાલા પોલીસથાણા સામે હિંસાને કારણ તેઓ વિવાદમાં રહ્યા છે.

કયા-કયા ગુના દાખલ?

અમૃતપાલ સિંહના આઠ સાથીઓ હાલ આસામની ડિબ્રુગઢ જેલમાં બંધ છે. તેમના પર એનએસએ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અમૃતપાલ સિંહ વિરુદ્ધ પણ એનએસએ સહિત 16 કેસ દાખલ છે.

પોલીસે અમૃતપાલ સિંહ અને તેમના સાથીઓ વિરુદ્ધ શાંતિ ભંગ કરવાના, હત્યાનો પ્રયાસ, પોલીસકર્મીઓને ઈજાગ્રસ્ત કરવાનો અને ઑનડ્યુટી પોલીસ કર્મીઓને રોકવા સહિત વિવિધ આરોપો અંતર્ગત આ ફરિયાદો દાખલ કરી છે.

પોતાના એક સાથીને છોડાવવા માટે અમૃતપાલ સિંહ તેમજ તેમના સાથીઓએ 23 ફેબ્રુઆરીએ અજનાલા પોલીસસ્ટેશનને ઘેરી લીધું હતું. આ દરમિયાન હિંસા પણ ફાટી નીકળી હતી.

ફરાર રહેવા દરમિયાન અમૃતપાલ સિંહ કથિત રીતે વેશભૂષા બદલીને વિવિધ શહેરોમાં ફરતા હોવાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા દ્વારા સામે આવી હતી.

જોકે, પોલીસે ક્યારેય એ તસવીરો કે વીડિયોની સત્તાવાર રીતે પુષ્ટિ કરી ન હતી.