આજે 2023નું પ્રથમ સૂર્યગ્રહણ દેખાશે, ક્યારે શરૂ થશે અને ક્યાં જોવા મળશે?

પ્રકાશિત

આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ ગુરુવારે વહેલી સવારે થશે.

20 એપ્રિલે એટલે કે આજે સવારે સાત વાગીને છ મિનિટથી શરૂ થશે અને બપોરે 12 વાગ્યે 29 મિનિટે ખતમ થશે.

જ્યારે ચંદ્ર ધરતી અને સૂર્ય વચ્ચે આવી જાય ત્યારે સૂર્યગ્રહણ થાય છે. જ્યારે ચંદ્ર, પૃથ્વી અને સૂર્ય સીધી રેખામાં આવી જાય છે, ત્યારે સમગ્ર સૂર્ય ઢંકાઈ જાય છે, જેને પૂર્ણ સૂર્યગ્રહણ કહે છે.

આ સિવાય જ્યારે ત્રણેય સંરેખિત ન હોય, ત્યારે તેને આંશિક સૂર્યગ્રહણ કહેવાય છે. જોકે, આજે થનારું સૂર્યગ્રહણ ન તો આંશિક હશે કે ન તો પૂર્ણ. એટલે કે તે હાઈબ્રિડ સૂર્યગ્રહણ હશે.

સમય અને તારીખ અનુસાર આ ગ્રહણનો માર્ગ ભારતમાંથી પસાર ન થતો હોવાથી તેને ભારતમાંથી જોઈ શકાશે નહીં. તે માત્ર ઑસ્ટ્રેલિયા અને ઇન્ડોનેશિયાનાં કેટલાંક શહેરોમાંથી જોઈ શકાશે.

ઘેરબેઠા કેવી રીતે જોઈ શકાશે?

ભારતમાં તે નરીઆંખે જોઈ શકાય તેમ ન હોવા છતાં તમે ઘેરબેઠા સૂર્યગ્રહણ જોઈ શકાશે.

અંતરિક્ષ એજન્સી નાસા દ્વારા સવારે આઠ વાગ્યાથી ગ્રહણનો ટૅલિસ્કોપિક નજારો રજૂ કરવામાં આવશે. જે તમે અહીં જોઈ શકશો.

આ સિવાય ઑસ્ટ્રેલિયાની પર્થ ઑબ્ઝર્વેટરીની વેબસાઈટ પર સવારે સાત વાગ્યાથી આ સૂર્યગ્રહણ જોઈ શકાશે.

ગ્રહણને લઈને માન્યતાઓ

વિશ્વમાં એવા પણ લોકો છે જેમના માટે ગ્રહણ અમુક ખતરાનું પ્રતીક છે - જેમ કે, વિશ્વના વિનાશ કે ભયાનક ઊથલપાથલની ચેતવણી.

હિંદુ માન્યતાઓમાં તેને અમૃતમંથન અને રાહુ-કેતુ નામક દૈત્યોની કહાણી સાથે જોડવામાં આવે છે અને તેની સાથે ઘણા અંધવિશ્વાસ પ્રચલિત છે. ગ્રહણ હંમેશાંથી જેટલું આશ્ચર્ય પમાડતું રહ્યું છે તેટલું ગભરાવનારું પણ છે.

17મી સદીના યૂનાની કવિ આર્કિલકસે કહ્યું હતું કે બપોરે અંધારુ છવાઈ ગયું અને આ અનુભવ બાદ હવે તેમને કોઈ પણ વાતે કોઈ અચરજ નહીં થાય.

મજાની વાત એ છે કે આજે જ્યારે આપણે ગ્રહણ સાથે જોડાયેલાં વૈજ્ઞાનિક કારણો જાણીએ છીએ ત્યારે પણ ગ્રહણ સાથે જોડાયેલી કહાણીઓ અને એ અંધવિશ્વાસ યથાવત્ છે.

કૅલિફોર્નિયાની ગ્રિફિથ વેધશાળાના નિદેશક એડવિન ક્રપ જણાવે છે કે, "સતરમી સદીનાં અંતિમ વર્ષો સુધી પણ મોટા ભાગના લોકોને એ વાતની ખબર નહોતી કે ગ્રહણ શું હોય છે કે તારા કેમ ખરે છે. જોકે, આઠમી સદીથી ખગોળશાસ્ત્રીઓને તેનાં વૈજ્ઞાનિક કારણોની જાણકારી હતી."

ક્રપ પ્રમાણે, "જાણકારના આ અભાવનું કારણ હતું - સંચાર અને શિક્ષણનો અભાવ. જાણકારીનો પ્રચાર-પ્રસાર મુશ્કેલ હતો જેના કારણે અંધવિશ્વાસ જળવાઈ રહ્યા."

તેઓ કહે છે કે, "પ્રાચીન સમયમાં મનુષ્યની દિનચર્યા કુદરતના નિયમો પ્રમાણે સંચાલિત થતી. આ નિયમોમાં કોઈ પણ ફેરફાર મનુષ્યને બેચેન કરી દેવા માટે પર્યાપ્ત હતો."