રાહુલ ગાંધીને મણિપુરની યાત્રા વખતે રોક્યા, રાહુલ ગાંધીએ શી પ્રતિક્રિયા આપી?

પ્રકાશિત

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુરુવારે હિંસાથી પ્રભાવિત મણિપુર પહોંચી ગયા છે. ભારે હોબાળા બાદ તેઓ હેલિકૉપ્ટરથી ચુરાચાંદપુર પહોંચી ગયા છે.

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા મુજબ, રાહુલ ગાંધીએ અહીં પહોંચીને રાહત શિબિરમાં રહેતા હિંસા પ્રભાવિત લોકોની મુલાકાત કરી છે.

રાહુલ ગાંધી પોતાના બે દિવસના પ્રવાસ બાદ મણિપુર પહોંચ્યા હતા. જ્યાં તેઓ સડક માર્ગે જતા મણિપુરના હિંસાથી પીડિત લોકો સાથે મુલાકાત કરવાના હતા.

અગાઉ કૉંગ્રેસ પાર્ટીએ દાવો કર્યો હતો કે ભાજપ સરકારે પોલીસને આગળ ધરીને તેમના કાફલાને બિષ્ણુપુર ખાતે રોકી દીધો.

ત્યારબાદ સ્થાનિક લોકોએ પોલીસ સામે પ્રદર્શન કર્યું. પોલીસે પ્રદર્શનકારીઓને વિખેરવા ટિયરગૅસ છોડ્યા હતા.

પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે ઝપાઝપી પણ થઈ. સમાચાર એજન્સી પીટીઆઈએ આ ઘટનાની ઘણી તસવીરો જારી કરી છે. જેમાં એક તરફ પોલીસ અને બીજી તરફ બેરકેડિંગ નજરે પડે છે. તો સામે પ્રદર્શનકારી મહિલાઓ અને પુરુષો નજરે પડે છે.

અહીં પહોંચ્યા બાદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને પોતાનો કાફલો રોક્યો હોવા અંગે પ્રતિક્રિયા આપી છે.

રાહુલ ગાંધીએ કહયું, “હું મણિપુર અમારાં બધાં ભાઈઓ અને બહેનોને મળવા આવ્યો છું. બધા સમુદાયના લોકો સ્વાગત અને પ્રેમ કરી રહ્યા છે. એ દુર્ભાગ્યપૂર્ણ છે કે સરકાર મને રોકી રહી છે. મણિપુરને મલમની જરૂર છે. શાંતિ આપણી એકમાત્ર પ્રાથમિકતા હોવી જોઈએ.”

આ પહેલાં સમાચાર એજન્સી એએનઆઈ મુજબ મણિપુર કૉંગ્રેસના અધ્યક્ષ મેઘચંન્દ્રએ કહ્યું, “લોકો રાહુલ ગાંધીનું સ્વાગત કરવા તૈયાર છે અને માર્ગ પર કતારમાં ઊભા છે.”

“પરંતુ બિષ્ણુપુરના એસપી અને અન્ય પોલીસ અધિકારીઓ તેમને રસ્તા પર રોકી રહ્યા છે. મેં સાંભળ્યું છે કે મણિપુરના મુખ્ય મંત્રી તરફથી મળેલા આદેશ બાદ તેમને રોકવામાં આવી રહ્યા છે. તેઓ આ મામલે રાજનીતિ કરી રહ્યા છે. તેઓ કહે છે કે કાયદો અને વ્યવસ્થા યોગ્ય નથી અને આ કારણસર અમને રોકવામાં આવી રહ્યા છે.”

કૉંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે કહ્યું કે આ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો ભાગ છે.

તેમણે કહ્યું, “રાહુલ ગાંધી મણિપુરમાં પોતાની ભારત જોડો યાત્રા યથાવત્ રાખવા પહોંચ્યા છે પરંતુ તેમને રોકવામાં આવ્યા.”

‘રાહુલ ગાંધીના કાફલા પર હેન્ડ ગ્રેનેડથી હુમલાનો હતો ભય’

જોકે બિષ્ણુપુરની કાયદો અને વ્યવસ્થાની હાલત પર પોલીસ અધીક્ષક હેસનામ બલરામસિંહે કહ્યું, “કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને અમે તેમને આગળ વધતા રોક્યા છે.”

હેસનામ બલરામસિંહે સમાચાર એજન્સીઓને જણાવ્યું કે તેમના તરફથી રાહુલ ગાંધીને હૅલિકોપ્ટર મારફતે ચુરાચાંદપુર જવાની સલાહ આપવામાં આવી હતી, કારણ કે સડક માર્ગ પર તેમના કાફલા પર હેન્ડ ગ્રેનેડ મારફતે હુમલાની આશંકા હતી.

ઉલ્લેખનીય છે કે મણિપુરમાં છેલ્લા 55 દિવસોથી હિંસા ભડકી ઊઠી છે અને ચુરાચાંદપુર સૌથી હિંસા પ્રભાવિત વિસ્તાર છે.

મણિપુરમાં મૈતેઈ અને કુકી સમુદાય વચ્ચે મે મહિનામાં શરૂ થએલા સંઘર્ષને કારણે અત્યાર સુધી 50 હજાર લોકો બેઘર થયા છે અને તેમણે રાહતશિબિરોમાં આશરો લેવો પડ્યો છે. આ હિંસામાં 100થી વધુ લોકોના જીવ ગયા છે.

આ પહેલા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ મણિપુરનો પ્રવાસ ખેડી ચૂક્યા છે. આ મુલાકાત બાદ તેમણે મણિપુરની સ્થિતિને લઈને સર્વદળીય બેઠક પણ બોલાવી હતી. જેમાં કેટલીક વિપક્ષી પાર્ટીઓએ મણિપુરમાં રાષ્ટ્રપતિશાસન લાગુ કરવાની ભલામણ કરી હતી.