You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં ફરી હવામાન પલટાશે, સૌરાષ્ટ્ર સહિત આ વિસ્તારોમાં પાંચ દિવસ સુધી વરસાદની આગાહી
ગુજરાતમાં નવરાત્રિ બાદ હવે દિવાળીના તહેવારની સિઝન પણ તેના અંત તરફ આગળ વધી રહી છે.
રાજ્યમાં વરસાદની વાત કરીએ તો પાછલા ઘણા દિવસોથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો નથી.
જોકે, આ દરમિયાન કેટલાંક છૂટાંછવાયાં સ્થળોએ મધ્યમ અને ભારે વરસાદ જરૂર જોવા મળ્યો હતો.
હવે જ્યારે રાજ્યમાં શિયાળાની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે હવામાન વિભાગે ફરી એક વાર રાજ્યમાં વરસાદની આગાહી કરી છે.
આ નવી આગાહીમાં શું છે અને નવી આગાહી પ્રમાણે કયા કયા જિલ્લામાં વરસાદ પડી શકે છે?
એ પહેલાં જાણી લઈએ હાલ રાજ્યના હવામાનની કેવી સ્થિતિ છે.
ગુજરાતની આસપાસ વરસાદી સિસ્ટમ સક્રિય થશે?
નોંધનીય છે કે ઉત્તર ગુજરાતનાં કેટલાંક છૂટાંછવાયાં સ્થળોએ બુધવારે વરસાદ પડ્યો હતો. જોકે, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં મોટા ભાગે હવામાન શુષ્ક રહેવા પામ્યું હતું.
બુધવારે દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર રહેલું ડિપ્રેશન ઉત્તરપૂર્વ દિશા તરફ પાંચ કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધીને લગભગ એ જ ક્ષેત્રમાં જળવાઈ રહ્યું છે. હાલ આ ડિપ્રેશન લક્ષદ્વીપના અમીનીદીવીથી 560 પશ્ચિમ-દક્ષિણ તરફ અને ગોવાના પણજીથી 910 કિમી ઉત્તરપશ્ચિમ દિશામાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ડિપ્રેશન આગામી 24 કલાકમાં ઉત્તર-ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર તરફ અને મધ્યપૂર્વ અરબી સમુદ્ર તરફ આગળ વધે તેવી શક્યતા છે.
ગઈ કાલનું ઉત્તરપૂર્વ રાજસ્થાન અને આસપાસના વિસ્તાર પર સમુદ્રની સપાટીથી 3.1 કિમી રહેલું અપર ઍર સાયક્લૉનિક સર્ક્યુલેશન હવે લેસ માર્ક્ડ બની ગયું છે.
ગુજરાતમાં કયા કયા જિલ્લામાં પડી શકે છે વરસાદ?
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર ગુરુવારે દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા અને ગીર સોમનાથ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ સાથે જ આ વિસ્તારોમાં વીજળી પડવાની તેમજ 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે.
આ ઉપરાંત ગુરુવારે અને શુક્રવારે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.
એ સિવાય શુક્રવારે અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, રાજકોટ, જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ ખાતે કેટલાંક છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સિવાય આ સ્થળોએ વીજળી પડવાની અને 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે.
શનિવારે ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ ખાતે છૂટાં છવાયાં સ્થળોએ ભારે વરસાદની ઘણી ખરી શક્યતા છે.
આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છના છૂટાંછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સિવાય આ સ્થળોએ વીજળી પડવાની અને 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે.
નોંધનીય છે કે આ તમામ સ્થળોએ વરસાદ માટે યલો ઍલર્ટ જાહેર કરી દેવાયું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન