ગુજરાતમાં આજથી પડશે ભારેથી અતિ ભારે વરસાદ, કયા જિલ્લામાં રેડ ઍલર્ટ?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી
  • પ્રકાશિત

ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં આજથી હવામાનમાં પલટો આવી ગયો છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદની પણ શરૂઆત થઈ ગઈ છે.

બંગાળની ખાડીમાં બનેલી મજબૂત સિસ્ટમની અસર ગુજરાત પર શરૂ થઈ ગઈ છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી પણ શક્યતા છે.

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વરસાદની રાહ જોવાઈ રહી હતી ત્યારે સુકાઈ રહેલા પાક માટે આ વરસાદ રાહત આપનારો સાબિત થશે.

બંગાળની ખાડીમાંથી આગળ વધીને આ સિસ્ટમ ઓડિસા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને ગુજરાત પર થઈને અરબી સમુદ્રમાં જશે. પરંતુ તેના કારણે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પહેલાં બનેલી સિસ્ટમો મધ્યપ્રદેશ પર આવ્યા બાદ નબળી પડી ગઈ હતી અને તેના કારણે વળાંક લઈને ઉત્તર ભારત તરફ આગળ વધી જતી હતી. જોકે, આ મજબૂત સિસ્ટમ હોવાના કારણે ગુજરાત પર આવશે અને તેના કારણે સમગ્ર રાજ્યમાં ખૂબ સારો વરસાદ થશે.

ગુજરાતમાં કયાં પડશે અતિ ભારે વરસાદ?

હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે ગુજરાતમાં આવનારા ચારથી પાંચ દિવસ સુધી વરસાદી માહોલ છવાયેલો રહેશે અને કેટલાક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડે તેવી શક્યતા છે.

હવામાનનાં જે વિવિધ મૉડલો દર્શાવી રહ્યાં છે તે પ્રમાણે ગુજરાતમાં આવનારા ચાર દિવસો સુધી ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળે તેવી શક્યતા છે.

શનિવારથી જ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ જાય તેવી શક્યતા દેખાઈ રહી છે અને ત્યાર બાદ વરસાદનું પ્રમાણ પણ વધશે.

દક્ષિણ અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 16થી 17 સપ્ટેમ્બરની વચ્ચે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. ત્યાર બાદ આ સિસ્ટમ આગળ વધતાં રાજ્યના બીજા વિસ્તારોમાં પણ વરસાદનું પ્રમાણ વધશે.

17થી 19 સપ્ટેમ્બરની વચ્ચે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું જોર વધશે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. તો કોઈ સ્થળે અતિ ભારે વરસાદનીય શક્યતા દેખાઈ રહી છે.

કચ્છમાં 19થી 20 સપ્ટેમ્બરની આસપાસ વરસાદનું જોર વધારે રહે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે અને કેટલાંક સ્થળોએ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.

ગુજરાતમાં વરસાદની સાથે ઝડપી પવન ફૂંકાશે?

રાજ્યમાં સૌપ્રથમ દક્ષિણ અને પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યા બાદ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે અને ત્યાર બાદ કચ્છ જિલ્લામાં વરસાદનું પ્રમાણ વધશે અને ત્યાં પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.

આ સિસ્ટમ ગુજરાત પર પહોંચ્યા બાદ તેની વધારે અસર થવાની શરૂઆત થશે અને સૌથી વધુ અસર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં થાય તેવી શક્યતા છે.

હવામાન વિભાગે જે માહિતી આપી છે તે પ્રમાણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં પવનનું થોડું જોર વધે તેવી શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં વરસાદ સાથે પવન પણ ફૂંકાય તેવી શક્યતા છે.

ગાજવીજ સાથે આવતા વરસાદની સાથે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 40થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. તો કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ 30થી 35 કિલોમીટર પ્રતિ કલાક રહે તેવી શક્યતા છે.

ચારથી પાંચ દિવસ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્ય કરતાં થોડી વધારે પવનની ગતિ રહે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે.

રાજ્યમાં કેટલા દિવસ સુધી પડશે ભારે વરસાદ?

બંગાળની ખાડીની સિસ્ટમ જેમ ગુજરાતની નજીક આવશે તેમ મૉન્સૂન ટ્રફ પણ નીચે આવશે અને આ બંનેને કારણે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે.

જે રીતે સિસ્ટમ આગળ વધી રહી છે તે જોતાં ગુજરાતમાં વરસાદનો આ રાઉન્ડ પાંચ દિવસ સુધી ચાલે તેવી શક્યતા છે અને ગુજરાતની સાથે-સાથે રાજસ્થાન અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.

હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે 16 સપ્ટેમ્બરથી ગુજરાતમાં આ વરસાદી રાઉન્ડની શરૂઆત થશે અને તે બાદ 20 સપ્ટેમ્બર સુધી ચાલશે.

જેમાં 17થી 19 સપ્ટેમ્બર, એટલે કે ત્રણ દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતા દેખાઈ રહી છે. રાજસ્થાનના વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.

ગુજરાતમાં એક મહિના કરતાં વધારે સમય સુધી રાહ જોવડાવ્યા બાદ ત્યારે ફરીથી નવો વરસાદી રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે જ્યારે મોટા ભાગના વિસ્તારોમાં સારા વરસાદની જરૂરિયાત છે.