You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાહુલ ગાંધીએ સોનિયા સાથેનો એક વીડિયો પોસ્ટ કર્યો, રાયબરેલી બેઠક વિશે શું કહ્યું? - ઇલેક્શન અપડેટ
રાહુલે સોનિયા ગાંધી સાથે જાહેર કર્યો વીડિયો, અમેઠી-રાયબરેલી સાથેના સંબંધો વિશે વાત કરી
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે સોનિયા ગાંધી સાથે પોતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
આ વીડિયોમાં સોનિયા અને રાહુલ બંને એક ફોટો આલ્બમ જોઈ રહ્યા હોય છે જેમાં રાજીવ, ઇન્દિરા અને ફિરોઝ ગાંધીની જૂની તસવીરો દેખાય છે.
વીડિયોમાં સોનિયા અને રાહુલ રાયબરેલી અને અમેઠી બેઠકો વિશે વાત કરતાં જોવા મળે છે અને બંને નેતાઓ ત્યં થયેલા કામો વિશે પણ વાત કરે છે.
રાહુલ ગાંધીએ આ વીડિયો શેર કરતાં સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, “રાયબરેલી અને અમેઠી અમારા માટે માત્ર ચૂંટણીક્ષેત્ર નથી પરંતુ અમારી કર્મભૂમિ છે. અહીંના ખૂણેખૂણે અમારી અનેક પેઢીઓની યાદો સંગ્રહિત છે.”
રાહુલ બોલે છે, “મા સાથે જૂની તસવીરો જોઈને પપ્પા અને દાદીની યાદ પણ આવી ગઈ. જેમની શરૂ કરેલી સેવાની પરંપરા મેં અને માએ આગળ વધારી.”
રાહુલે કહ્યું કે, “અમેઠી અને રાયબરેલી જ્યારે પણ અમને સાદ કરશે, ત્યારે અમે ત્યાં જ જોવા મળીશું.”
અહીં ઉલ્લેખનીય છે કે રાયબરેલીથી રાહુલ ગાંધી પહેલી વાર ચૂંટણી લડી રહ્યા છે. એ પહેલાં તેઓ 2004થી 2019 સુધી સતત અમેઠીથી ચૂંટણી લડ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોઇચા નજીક નર્મદામાં સુરતના સાત લોકો ડૂબ્યા બાદ લાપતા, એકને બચાવી લેવાયા
પોઇચા નજીક નર્મદા નદીમાં પિકનિક માટે આવેલા સુરતના કુલ આઠ લોકો ડૂબી ગયા હતા, જેમાંથી સાત લોકો હજુ પણ લાપતા છે. એક વ્યક્તિને બચાવી લેવામાં આવી છે.
ધી ઇન્ડિયન ઍક્સપ્રેસના એક અહેવાલ પ્રમાણે લાપતા લોકોમાંથી કુલ છ લોકોની ઉંમર 16 વર્ષ કરતાં પણ ઓછી હોવાનું સામે આવ્યું છે.
નર્મદા નદીના એસપી પ્રશાંત સુમ્બેએ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, "નર્મદા નજીક પોઇચામાં સુરતથી કુલ 17 લોકો આવ્યા હતા. તેમાંથી ઘણા લોકો નાહવા ગયા હતા. આ લોકોમાંથી કુલ સાત લોકો લાપતા છે, તેમને અમે શોધી રહ્યા છીએ. ફાયરફાઇટર, તરવૈયાઓ, એનડીઆરએફ સાથે મળીને બચાવકામગીરી કરી રહ્યા છીએ. "
પ્રાથમિક માહિતી અનુસાર, નદીના ભારે પ્રવાહને કારણે લોકો તણાઈ ગયા હતા.
સ્થાનિક ડૂબકીખોરે આ એક વ્યક્તિને બચાવી લીધો હતો અને ત્યારબાદ એનડીઆરએફના જવાનો બચાવ અને શોધખોળમાં લાગેલા છે.
સવારે 11 વાગ્યા આસપાસ જ્યારે આ ઘટના બની ત્યારે રાજપીપળા શહેરની પોલીસ તથી નર્મદાના એસપી પ્રશાંત સુમ્બે તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
લાપતા લોકોમાં ભરત બલદાણિયા (45), અર્ણલ બલદાણિયા, મિત્રાક્ષા બલદાણિયા (15), વ્રજ બલદાણિયા (11), આર્યન જિંજાળા (7) અને ભાર્ગવ હડિયા (15)નો સમાવેશ થાય છે.
અહીં ઉલ્લેખનીય છે નર્મદા નદીમાં તરવૈયાઓ માટે પોઇચા માનીતું પિકનિક સ્પોટ ગણાય છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી લોકસભા બેઠક માટે ઉમેદવારીપત્ર ભર્યું
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વારાણસી લોકસભા બેઠક માટે તેમની ઉમેદવારી નોંધાવી છે.
વડા પ્રધાન મોદી મંગળવારે વારાણસીના જિલ્લા કલેક્ટરની કચેરી પહોંચ્યા અને ત્યાં ઉમેદવારીપત્ર ભર્યું.
એ પહેલાં તેમણે વારાણસી પહોંચી દશાશ્વમેધ ઘાટ અને કાલ ભૈરવ મંદિરમાં પૂજા કરી હતી.
ત્યારબાદ વડા પ્રધાનનો કાફલો વારાણસી કલેકટર કચેરી માટે નીકળ્યો. ત્યાં પહોંચી તેમણે ઉમેદવારીપત્ર ભર્યું.
વડા પ્રધાનના નામાંકન માટે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, અનેક કેન્દ્રીય મંત્રીઓ અને 12 રાજ્યોના મુખ્ય મંત્રી ઉપસ્થિત હતા.
આ પહેલા ઉત્તર પ્રદેશના ઉપમુખ્ય મંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ વડા પ્રધાન મોદીના નામાંકન પર કહ્યું કે, "વડા પ્રધાન મોદીનો ભવ્ય રોડ શૉ સમગ્ર કાશી, ઉત્તર પ્રદેશ અને દેશને ઉત્સાહિત કરનારો હતો. વડા પ્રધાન મોદીનું મિશન જરૂર સફળ થશે. તેઓ એક પૃથ્વી અને એક ભવિષ્યની વાત કરે છે."
વડા પ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી ત્રીજીવાર ચૂંટણી લડી રહ્યા છે. આ વખતે કૉંગ્રેસે તેમની સામે અજય રાયને ઉતાર્યા છે.
સુપ્રીમ કોર્ટે ગૌતમ નવલખાને જામીન આપ્યા
ભીમા કોરેગાંવ કેસમાં માનવાધિકાર કાર્યકર્તા ગૌતમ નવલખાને સુપ્રીમ કોર્ટે જામીન આપી દીધા છે. કોર્ટે કહ્યું છે કે તે બૉમ્બે હાઇકોર્ટ દ્વારા જામીન પર લગાવવામાં આવેલા પ્રતિબંધને યથાવત નહીં રાખે.
તેમને વર્ષ 2018માં ભીમા કોરેગાંવ મામલામાં ધરપકડ કરવામાં આવી હતી. ખરાબ સ્વાસ્થ્યને કારણે ગત વર્ષે સુપ્રીમ કોર્ટે તેમને ઘરમાં નજરબંદ રહેવા માટેની પરવાનગી આપી હતી.
ત્યારપછી ડિસેમ્બરમાં હાઇકોર્ટે તેમને જામીન આપ્યા હતા. આજે સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટની શરતો પર જ ગૌતમ નવલખાને જામીન આપ્યા છે. હવે એનઆઇએ સુપ્રીમ કોર્ટમાં પણ અપીલ કરી શકશે.
તે સિવાય કોર્ટે નવલખાને 20 લાખ રૂપિયા ભરવાનો પણ આદેશ આપ્યો છે. આ પૈસા તેમને ઘરમાં નજરબંધ રહેવાની પરવાનગીના બદલામાં ચૂકવવા પડશે.
જોકે, એનઆઇએનું કહેવું છે કે ઘરમાં તેમને નજરબંધ રાખ્યા તે દરમિયાન તેમની સુરક્ષામાં 1.64 કરોડ રૂપિયા ખર્ચ થયા છે.
એ પહેલાં પણ ગૌતમ નવલખાએ 2.4 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. પરંતુ હવે કોર્ટે જામીન પર છૂટતાં પહેલાં જ 20 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે.
પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં વીજળી, લોટના ભાવમાં સબસિડી છતાં સ્થિતિ તંગ, ત્રણનાં મોત
પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં વીજળી અને લોટના ભાવમાં સરકારી સબસિડી હોવા છતાં મુઝફ્ફરાબાદમાં હિંસક વિરોધ પ્રદર્શન દરમિયાન ત્રણ લોકો મૃત્યુ પામ્યા છે.
આ ઘટના પછી ત્યાં સ્થિતિ તંગ છે. પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરને 23 અબજ રૂપિયાની સહાય આપ્યા સરકારે સોમવારે સાંજે વીજળી અને લોટની ભાવમાં કાપ મૂકવાનો આદેશ જારી કર્યો છે.
જોકે, આ દરમિયાન જ્યારે પાકિસ્તાન રેન્જર્સના જવાનોએ મુઝફ્ફરાબાદમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો ત્યારે પ્રદર્શનકારીઓએ તેમની સાથે ઘર્ષણ કર્યું. પ્રદર્શનકારીઓએ તેમના પર પથ્થરમારો કર્યો, જેના કારણે ઘણા રેન્જર્સના જવાનો ઘાયલ થયા.
સોશિયલ મીડિયા પર એવા વીડીયો છે, જેમાં અધિકારીઓ પથ્થરમારાના જવાબમાં હવામાં ગોળીબાર કરતા જોવા મળે છે, પરંતુ આ વિડીયોની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી.
આ દરમિયાન, સીએમએચ મુઝફ્ફરાબાદના ડૉક્ટર નાદિર રહમાને બીબીસીનાં તાબિન્દા કોકબને જણાવ્યું હતું કે અથડામણ બાદ ત્રણ મૃતદેહોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તમામ મૃતકોને ગોળી વાગી હતી.
સીએમએચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, અથડામણમાં ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જેમાંથી બેનાં મોત થયાં છે.
કૉંગ્રેસના નેતા જયરામ રમેશે સુશીલ કુમાર મોદીને કેવી શ્રદ્ધાંજલિ આપી?
બિહારના પૂર્વ ઉપમુખ્ય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સુશીલ કુમાર મોદીનું કૅન્સરની બીમારી બાદ 72 વર્ષની વયે અવસાન થયું છે. કૉંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે તેમને શ્રદ્ધાંજલિ આપી છે.
જયરામ રમેશે સોશિયલ મીડિયા એક્સ પર મૂકેલી પોસ્ટમાં કહ્યું, “આજે સવારે મેં બિહારના ઉપમુખ્ય મંત્રી, પૂર્વ રાજ્યસભા સંસદસભ્ય અને 70ના દશકના મધ્યમાં બિહારના જેપી આંદોલનના સંમાનિત નેતા સુશીલ મોદીના નિધન વિશે વાચ્યું.”
“અમે બંને રાજનીતિક વિચારધારાના મામલામાં અલગ-અલગ અંતિમે હતા. પરંતુ અમારા મધુર સંબંધોમાં આ વાત કદી વચ્ચે નથી આવી. અમે ઘણીવાર એક-બીજા જોડે મજાક કરતાં.”
રમેશ લખે છે, “તેમણે નાણામંત્રી તરીકે થોડાક સમય માટે રાજ્યના નાણામંત્રીઓની સમિતીની અધ્યક્ષતા કરી હતી. તે સમયે કેન્દ્રમાં કૉંગ્રેસ સત્તામાં હતી. તેમણે પ્રણવ મુખર્જી અને પી. ચિદમ્બરમ બંને સાથે રચનાત્મક રીતે કામ કર્યું. તે ખાસ કરીને રાજ્યોની નાણાકીય બાબતમાં અત્યંત જાણકાર હતા.”
રમેશ લખે છે, "જ્યારે આંધ્ર પ્રદેશમાં રાજશેખર રેડ્ડી મુખ્યમંત્રી હતા, ત્યારે અમે કેટલાક દિવસો ત્યાં સાથે વિતાવ્યા હતા. અમે ત્યાં એ સમજવા માટે ગયા હતા કે મહિલા સ્વ સહાય જૂથ આંદોલન તે રાજ્યમાં કેવાં પરિવર્તનો લાવી રહ્યું છે. "
રમેશ લખે છે, "તેમણે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનને ઊભા કરવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. બૅન્કથી જોડાયેલાં મહિલા સ્વ-સહાયતા સમૂહોનાં આ મિશનને 2011માં લોન્ચ કરવામાં આવ્યું હતું."
"રાજ્યસભામાં તેમનાં ભાષણોને ધ્યાનથી સાંભળવામાં આવતા. તેઓ આ ભાષણોને ઊંડા સંશોધન બાદ તૈયાર કરતા. ગૃહના ફ્લોર પર તેમના રાજકીય વિરોધીઓની તેમની ટીકાઓ તીવ્ર હતી, પરંતુ તેમણે ગૌરવ જાળવી રાખ્યું હતું."
ઇઝરાયલી સેનાએ જબાલિયામાં હુમલા તેજ કર્યા, પેલેસ્ટિનિયન નાગરિકોએ વિસ્તાર છોડવાનું શરૂ કર્યું
ઉત્તર ગાઝાના જબાલિયામાં ઇઝરાયલી સેનાએ અને હમાસના લડવૈયાઓ વચ્ચે ભારે ઘર્ષણ જોવા મળી રહ્યું છે.
ઇઝરાયલનું કહેવું છે કે હમાસના લડવૈયાઓ ફરી એક વાર જબાલિયામાં ભેગા ગયા છે અને ઇઝરાયલ ત્યાં તેમને ખતમ કરવાના ઇરાદાથી ઊતર્યું છે.
યુદ્ધના કારણે ત્યાંથી ભાગેલા રહેવાસીઓનું કહેવું છે કે તેમણે ટૅન્કોને જબાલિયાના રેફ્યુજી કૅમ્પ તરફ આગળ વધતા જોઈ છે. શનિવારથી જ જબાલિયા પર ભારે બૉમ્બમારો થઈ રહ્યો છે.
પેલેસ્ટિનિયન સશસ્ત્ર જૂથોએ કહ્યું છે કે તેઓ અહીં શરણાર્થી કૅમ્પોમાં ઇઝરાયલી સૈનિકો સામે લડી રહ્યા છે.
આ દરમિયાન, સંયુક્ત રાષ્ટ્રે કહ્યું કે અત્યાર સુધી રફાહથી 3 લાખ 36 હજાર લોકો ભાગી ચૂક્યા છે.
ગયા અઠવાડિયે ઇઝરાયલે અહીં તેની કાર્યવાહી વધુ તીવ્ર કરી હતી. ઇઝરાયલની સેનાએ રફાહને ખાલી કરવાનું કહ્યું હતું. ઓછામાં ઓછા દસ લાખ પેલેસ્ટિનિયન શરણાર્થીઓ અહીં રહે છે.