23 વર્ષનો એ પાકિસ્તાની બૉલર જેની સામે ભારતીય ઓપનિંગ બૅટ્સમૅનનું કંઈ ન ચાલ્યું

    • લેેખક, અભિજીત શ્રીવાસ્તવ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત

ભારત-પાકિસ્તાનના દરેક મુકાબલાની જેમ જ આ મૅચ પહેલાં પણ ભારતના બૅટ્સમૅનો અને પાકિસ્તાનના બોલરો વચ્ચે થનારી લડાઈની ચર્ચા ચાલી રહી હતી.

બંને ટીમો લગભગ સાડા ચાર વર્ષ પછી એકબીજા સામે વન-ડે ફૉર્મેટમાં રમી રહી હતી.

જ્યારે મૅચ શરૂ થઈ ત્યારે પાકિસ્તાનની ફાસ્ટ બૉલરોની ત્રિપુટી શાહીન આફ્રિદી, હારિસ રઉફ અને નસીમ શાહે અપેક્ષા પ્રમાણે જ તેમની બૉલિંગથી ભારતના ટૉપ ઑર્ડરને ન માત્ર મુશ્કેલીમાં જ મૂક્યું પરંતુ એક પછી એક વિકેટો ખેરવીને શરૂઆતના ચાર બૅટ્સમૅનોને સસ્તામાં આઉટ કરી દીધા.

પછી ઇશાન કિશન અને હાર્દિક પંડ્યાએ વિકેટો પડવા પર બ્રેક મારીને પાંચમી વિકેટ માટે શતકીય ભાગીદારી ન કરી હોત તો ભારતીય ટીમ જે 49મી ઑવરમાં ઑલઆઉટ થઈ એ ક્યારનીય પૅવેલિયન ભેગી થઈ ગઈ હોત.

એશિયા કપની આ મૅચ ભલે વરસાદને કારણે રદ્દ થઈ ગઈ પરંતુ ભારતની ઇનિંગ એકધારા ચડાવ-ઉતારોવાળી રહી હતી.

ભારતની ઇનિંગ્સને રાહત હાર્દિક પંડ્યા અને ઇશાન કિશનની શતકીય ભાગીદારીથી મળી પરંતુ સૌથી વધુ ચર્ચા તો ટૉપ ઑર્ડરની નિષ્ફળતાની જ થઈ રહી છે.

ભારતના બૅટ્સમૅનો પાસે ફરી એકવાર ડાબોડી સ્વિંગ બૉલર શાહીન આફ્રિદીના લહેરાતા બૉલનો કોઈ જવાબ ન હતો. આફ્રિદીએ પહેલાં જ રોહિત અને વિરાટને આઉટ કરી દીધા અને પછી બીજા સ્પેલમાં જાડેજા અને હાર્દિક પંડ્યાને પૅવેલિયન ભેગા કર્યા.

23 વર્ષીય આફ્રિદીએ તેની 10 ઑવરો દરમિયાન 44 ડૉટ બૉલ્સ ફેંક્યા અને એક જ ઇનિંગમાં વિરાટ કોહલી અને રોહિત શર્માની વિકેટો લેનાર તેઓ પ્રથમ બૉલર બની ગયા.

રોહિત અને વિરાટ વિશે શું બોલ્યા આફ્રિદી?

શાહીન આફ્રિદીએ મૅચ બાદ કહ્યું કે, "મેં નવા બૉલથી ટીમને જરૂરી શરૂઆત આપવાનો પ્રયાસ કર્યો. મેં શરૂઆતમાં બે મહત્ત્વની વિકેટ લીધી અને પછી હાર્દિક પંડ્યા પણ જ્યારે પૂરા જોશમાં હતો ત્યારે તેને આઉટ કર્યો. મૅચ પૂરી ન રમાઈ શકી પરંતુ જો તે પૂરી રમાઈ હોત તો પરિણામ અમારા પક્ષમાં હોત."

તેમણે કહ્યું, "શરૂઆતથી જ મારો પ્રયાસ યોગ્ય વિસ્તારમાં વધુ ડૉટ બૉલ ફેંકવાનો હતો જેથી બૅટ્સમૅન રન બનાવવા માટે બૉલને ફટકારવાનો પ્રયાસ કરે. હું વધુ સ્વિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ શરૂઆતમાં તે શક્ય ન બન્યું. પછી મેં એક કૉમ્બિનેશનનો પ્રયાસ કર્યો. સ્વિંગ અને આઉટ સ્વિંગનું કૉમ્બિનેશન અજમાવ્યું અને તે કામ કરી ગયું."

જ્યારે શાહીન આફ્રિદીને પૂછવામાં આવ્યું કે રોહિત અને વિરાટમાંથી કોની વિકેટ લેવામાં વધુ મજા આવે છે, તો તેમણે રોહિત શર્મા અને વિરાટ કોહલી બંનેનું નામ લીધું.

પાકિસ્તાનની ફાસ્ટ બૉલિંગ ત્રિપુટી અંગે આફ્રિદીએ કહ્યું, "અમે પાર્ટનરશિપમાં બૉલિંગ કરવાનો પ્રયાસ કરીએ છીએ. હારિસ રઉફ તેના બાઉન્સર અને ગતિથી બૅટ્સમૅનને ડરાવવાનો પ્રયાસ કરે છે. નસીમ શાહ અને હું સ્વિંગ અને ક્યા કૉમ્બિનેશન પર બૉલિંગ કરવી તેના પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ."

અંતમાં તેમણે કહ્યું કે, "જો તમે લાલ બૉલથી વધુ બોલિંગ કરો છો તો સફેદ બોલથી બોલિંગ કરવી વધુ સરળ છે. ત્રણેય બૉલરોનો પ્રયાસ હોય છે કે અમે સામેની ટીમને જેટલા ઓછા રનમાં આઉટ કરીએ તેટલું અમારી ટીમ માટે ફાયદામાં રહેશે."

એશિયા કપમાં બન્યો રૅકોર્ડ

આફ્રિદીની સાથે 20 વર્ષીય નસીમ શાહ અને 29 વર્ષીય હારિસ રઉફે સાથે મળીને બધી જ 10 વિકેટો ખેરવી હતી.

આ પહેલો અવસર હતો કે જેમાં એશિયા કપમાં તમામ વિકેટો ફાસ્ટ બૉલરોએ જ લીધી હોય.

ટૉપ ઑર્ડર કેમ નિષ્ફળ ગયું?

તો આખરે એવું શું થયું કે પાકિસ્તાની બૉલરો સામે ભારતનો ટૉપ ઑર્ડર ધરાશાયી થઈ ગયો?

મૅચ પહેલા ઘણા ક્રિકેટ દિગ્ગજો કહેતા હતા કે આફ્રિદી અને રઉફની સાથે નસીમ શાહ સામે પણ પહેલી દસ ઑવરોમાં સંભાળીને રમવું પડશે કારણ કે વચ્ચેની ઓવરોમાં આ ત્રિપુટી એટલી ખતરનાક નથી જેટલી તે નવા બૉલ સાથે બૉલિંગ કરે છે ત્યારે હોય છે.

આ મૅચમાં પણ એવું જ થયું.

આફ્રિદી સતત ઝડપી બોલિંગ કરી રહ્યા હતા અને બૉલ સ્વિંગ કરી રહ્યા હતા. તે જેટલો સારો આઉટસ્વિંગ કરી રહ્યા હતા તેટલો જ જોરદાર ઇનસ્વિંગ કરી રહ્યા હતા.

કૅપ્ટન રોહિત શર્માએ સારી શરૂઆત કરી હતી પરંતુ મૅચની પાંચમી ઓવરમાં તે આફ્રિદીના હાથે બૉલ્ડ થયા હતા.

વરસાદના કારણે વિરામ બાદ પરત ફરતી વખતે આફ્રિદીએ પ્રથમ ત્રણ બોલમાં આઉટસ્વિંગ કર્યા જેના પર રોહિત શર્મા કોઈ રન બનાવી શક્યા ન હતા અને પછી એ જ ઓવરનો છેલ્લો બૉલ ઇનસ્વિંગ હતો જે ઑફ સ્ટમ્પ પર પડ્યા બાદ અંદરની તરફ આવ્યો અને રોહિતના બેટ સાથે ટકરાઈને અને પેડ્સ વચ્ચેના ગૅપમાંથી સીધો સ્ટમ્પ પર ગયો.

આફ્રિદીએ તેની આગામી ઓવરમાં વિરાટ કોહલીને પણ આઉટ કર્યા હતા. વિરાટે બૅકફૂટ પર જઈને બૉલને ઑફ સાઈડ પર રમવાનો પ્રયાસ કર્યો પરંતુ બૉલ બેટની અંદરની કિનારીએ ટકરાઈને લેગ સ્ટમ્પ સાથે અથડાઈ ગયો.

ડાબોડી ફાસ્ટ અને સ્વિંગ બૉલરો સામે રમવું એ ભારતીય ટૉપ ઑર્ડરની એક મોટી નબળાઈ છે અને તે જ આફ્રિદીની બૉલિંગમાં જોવા મળી.

જો રેકોર્ડની વાત કરીએ તો 2021થી અત્યાર સુધીમાં રોહિત છઠ્ઠી વખત અને વિરાટ ચોથી વખત ડાબા હાથના બૉલરના હાથે આઉટ થયાં છે.

શ્રેયસ અય્યર લાંબા સમય બાદ ટીમમાં પરત ફર્યા હતા અને તેમણે સારી શરૂઆત કરી હતી. તેમણે આઠ બોલમાં 14 રન બનાવ્યા હતા, પરંતુ 10મી ઓવરમાં મિડ-વિકેટ પર હારીસ રઉફના શૉર્ટ બૉલને ફટકારવાના પ્રયાસમાં કૅચ આઉટ થયા હતા.

આ પછી વરસાદે ફરી એકવાર મૅચમાં વિક્ષેપ સર્જ્યો હતો. 12મી ઑવર દરમિયાન વરસાદના કારણે રમત લગભગ 20 મિનિટ માટે બંધ થઈ ગઈ હતી અને જ્યારે તે શરૂ થઈ ત્યારે એક છેડેથી જામી ગયેલા પરંતુ ખૂબ જ ધીમી ગતિએ બેટિંગ કરી રહેલા શુભમન ગિલને પણ રાઉફ દ્વારા પૅવેલિયન પરત મોકલવામાં આવ્યા હતા.

શુભમન ગિલ પણ ડાબોડી બૉલરો સામે અસહજ?

ટીમ ઇન્ડિયાના ધુરંધર ઓપનિંગ બેટ્સમેન ગણાતા શુભમન ગિલને પણ પાકિસ્તાનનો ગેમ પ્લાન સમજમાં આવ્યો ન હતો.

આ વર્ષે શુભમન ગિલના બેટથી એક બેવડી સદી, બે સદી અને એક અડધી સદી આવી છે અને વન-ડેમાં તો તેમની સરેરાશ 60થી વધુની રહે છે.

નિશંકપણે પાકિસ્તાન સામે શુભમન ગિલની આ પહેલી મૅચ હતી પરંતુ તેઓ સ્વિંગ થઈ રહેલા બૉલ સામે પરેશાની અનુભવી રહ્યા હતા.

પાકિસ્તાની ફાસ્ટ બૉલિંગ ત્રિપુટી તેમના માટે પ્લાન ઘડીને આવી હતી પણ શુભમન ગિલ એટલી કોઈ વિશેષ તૈયારી સાથે આવ્યા હોય એવું ન લાગ્યું.

અહીં એ પણ જણાવી દઈએ કે ભારતીય પીચો પર રમાયેલી IPL 2023માં ત્રણ સદી સહિત 890 રન બનાવનાર ગિલનું બેટ આ વર્ષે માર્ચમાં ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બૉલરો સામે પણ ભારતમાં જ ચૂપ હતું.

તે શ્રેણીની ત્રણમાંથી બે મૅચમાં ગિલ મિચેલ સ્ટાર્કની બોલિંગ પર આઉટ થયા હતા. સ્ટાર્ક પણ ડાબા હાથનો ફાસ્ટ બૉલર જ છે.

કૅપ્ટન રોહિત શર્મા શું બોલ્યા?

મૅચ પહેલા રોહિત શર્માએ કહ્યું હતું, "અમારે કંડીશનને સારી રીતે સમજવી પડશે. આ ટી-20 મૅચ નથી કે જેમાં અમારે આક્રમકતાથી રમવું પડે. પરંતુ જ્યારે પીચ પર હોઇએ ત્યારે બેટ્સમેનને પરિસ્થિતિઓને અનુકૂળ થવું પડે છે અને લાંબા સમય સુધી ત્યાં રહેવું પડે છે કારણ કે આ 50 ઑવરની મૅચ છે."

રોહિતે એમ પણ કહ્યું હતું કે "ટીમમાં ઘણા અનુભવી ખેલાડીઓ છે. જો તમને ગેમ પ્લાન ખબર હોય તો તમને એ પણ ખબર હોય છે કે એક સારી ટીમ સામે તમારો શું માઇન્ડસેટ હોવો જોઈએ."

જોકે, ન તો રોહિતની બેટિંગમાં અને ન તો ટૉપ ઑર્ડરના બેટ્સમેનોમાં મૅચ પહેલા કૅપ્ટને જે કહ્યું તેની કોઈ ઝલક જોવા મળી.

ધોનીનો ક્યો રૅકોર્ડ તૂટ્યો?

પાકિસ્તાન સામે પોતાની પ્રથમ મૅચ રમી રહેલા ઈશાન કિશનની બેટિંગ પણ જોવા જેવી હતી.

ઇશાન કિશન ડાબોડી બેટ્સમેન છે અને આ તેની પાસે પણ ઋષભ પંતની જેમ એક વધારાની યોગ્યતા છે.

તેણે પાકિસ્તાન સામે એ પણ દેખાડ્યું છે કે તેની પાસે ધીરજ છે અને ગિયર્સ બદલવાની ક્ષમતા તેમજ પરિસ્થિતિને અનુકૂળ થવાની ક્ષમતા પણ છે.

તેઓ વિદેશી પીચ પર ભારતના કટ્ટર હરીફ સામે તેની પ્રથમ મૅચ રમી રહ્યા હતા પરંતુ ઈશાને પાકિસ્તાન સામે બેટિંગથી જે અદ્ભુત પ્રદર્શન કર્યું તેનાથી વર્લ્ડ કપમાં વિકેટકીપર તરીકે પસંદ થવા માટે તેની ઉમેદવારી વધુ મજબૂત બની છે.

ઈશાન કિશને પાકિસ્તાન વિરૂદ્ધ તેની મૂલ્યવાન ઇનિંગ દરમિયાન ભૂતપૂર્વ વિકેટકીપર કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનો રૅકોર્ડ તોડ્યો હતો.

આ પહેલા એશિયા કપમાં કોઈપણ ભારતીય વિકેટકીપર દ્વારા સૌથી વધુ રન બનાવવાનો રૅકોર્ડ મહેન્દ્રસિંહ ધોનીના નામે હતો. ઈશાને તેની 82 રનની ઈનિંગથી આ રૅકોર્ડ પોતાના નામે કરી લીધો છે.