You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ : રથયાત્રા જોતી વખતે અચાનક બાલ્કની તૂટી, એકનું મોત
અમદાવાદમાં રથયાત્રા દરમિયાન બાલ્કનીમાંથી પડી જવાથી એક વ્યક્તિનું મોત થયું છે.
અમદાવાદના દરિયાપુર વિસ્તારમાંથી 146મી જગન્નાથ યાત્રા પસાર થઈ હતી. આ સમયે લોકો રથયાત્રાને પોતાના ઘરની બાલ્કનીમાંથી નિહાળી રહ્યા હતા. એવામાં એક ઘરની બાલ્કની પડી હતી અને આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે. મૃતકનું નામ મેહુલ પંચાલ હોવાનું જાણવા મળ્યું છે.
સમાચાર એજન્સી પીટીઆઈએ દરિયાપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર જેએસ ચૌધરીના હવાલાથી જણાવ્યું કે, કેટલાક લોકો બીજા માળે બાલ્કનીમાંથી ઊભા ઊભા રથયાત્રાને પસાર થતા જોઈ રહ્યા હતા, એ જ સમયે આ દુર્ઘટના થઈ. બાલ્કની પડવાથી કેટલાક લોકો નીચે પડ્યા હતા અને કેટલાકને ઈજા પહોંચી છે.
બીબીસીને મળતી માહિતી પ્રમાણે આ ઘટના પછી તાત્કાલિક ઘાયલોને તાત્કાલિક સારવાર માટે બીએપીએસ સંસ્થાની હૉસ્પિટલમાં લઈ જવાયા હતા અને બાદમાં સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ઘાયલોને સિવિલ હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા
અમદાવાદ સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉક્ટર રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, “મંગળવારે બપોર પછી આ ઘટના ઘટી હતી. રથયાત્રા દરમિયાન બાલ્કની પડવાથી જે ઘાયલ થયા તે તમામને સિવિલ હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.”
“અત્યાર સુધી 31 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી 8 બાળકો જે 13 વર્ષથી નાની ઉંમરના છે. એક દર્દીને કરોડરજ્જુ અને છાતીમાં ઈજા પહોંચી છે, જેમની સ્થિતિ ગંભીર છે. મોટા ભાગના દર્દીઓને માથામાં ઈજા પહોંચી છે. જેમને ટાંકા લેવા પડ્યા છે. તમામ દર્દીઓને જરૂરી સારવાર આપવામાં આવી છે. એક વ્યક્તિનું મોત થયું છે. જેમની ઉંમર 35 વર્ષ હતી.”
સોશિયલ મીડિયા પર વાઇરલ વીડિયો
આ ઘટના સ્થાનિકોના કૅમેરામાં કેદ થઈ હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે એક મકાનના બીજા માળે કેટલાક લોકો રથયાત્રા નિહાળી રહ્યા છે અને એ સમયે બાલ્કનીનો કેટલોક ભાગ તૂટી પડે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ બે માળનું મકાન ઘણું જૂનું અને જર્જરિત હોવાનું પણ કહેવાઈ રહ્યું છે.
146મી રથયાત્રાનું આયોજન
ગુજરાતમાં આજે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી. અમદાવાદ, ભાવનગર અને સુરત સહિત રાજકોટ વગેરે શહેરોમાં રથયાત્રા નીકળી હતી.
છેલ્લાં 146 વર્ષથી અમદાવાદમાં અષાઢી બીજના દિવસે યોજવામાં આવતી જગન્નાથની રથયાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી.
દર વર્ષની જેમ ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર તથા સુભદ્રા નવા રથમાં સવાર થઈને નગરચર્યા પર નીકળ્યાં હતાં.