ગરબામાં હજાર રૂ.નાં રમકડાંના ઇનામ મુદ્દે થયલો એ વિવાદ જેમાં 11 વર્ષની દીકરીએ પિતા ગુમાવ્યા

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી
  • પ્રકાશિત

ગુજરાતમાં નવરાત્રી રંગેચંગે પૂર્ણ થઈ છે ત્યારે પોરબંદર શહેરમાં યોજાયલી ગરબીમાં ઇનામ બાબતે થયેલાં ઝઘડામાં બે સંતાનોને પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે.

ઘટના અંગે નોંધાયેલી ફરિયાદ અનુસાર પોરબંદર ખાતે સુરુચિ સ્કૂલની પાછળ આયોજિત ગરબીમાં નવરાત્રીના અંતિમ દિવસે ઇનામવિતરણ બાબતે થયેલ બોલાચાલીનો કરુણ અંજામ આવ્યો હતો, જેમાં 37 વર્ષીય સરમણ ઓડેદરાનું મૃત્યુ નીપજ્યું હતું.

ફરિયાદ અનુસાર 24 ઑક્ટોબરના રોજ મધ્ય રાત્રિ બાદના કલાકોમાં આ બનાવને પગલે છ-સાત આરોપીઓએ સરમણ ઓડેદરાનાં પત્ની સાથે ઇનામવિતરણ અંગે થયેલ બોલાચાલીનું મનદુ:ખ રાખી તેમના ઘરે જઈ હુમલો કર્યો હતો. જે દરમિયાન સરમણને કથિતપણે લાકડાના ધોકા અને પાટિયા વડે ‘ઢોર માર’ મરાયો હતો.

ઘરે માર માર્યા બાદ ફરિયાદ અનુસાર સરમણને ગરબી ચોકમાં લઈ જઈ વધુ માર મરાતાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

નોંધનીય છે કે મૃતકની દીકરીના દાવા અનુસાર પોતે જીતેલ બે પૈકી એક ઇનામ તેમને નહોતું અપાયું. ઇનામમાં એક હજાર રૂપિયાનાં રમકડાં હતાં.

આ ઘટના અંગે શહેરના ઉદ્યોગનગર પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 143, 147, 148, 149, 323, 504, 506 (2), 364 અને 302 અંતર્ગત ફરિયાદ નોંધી ચાર આરોપીની ‘અટક’ કરી હતી.

આ સમગ્ર બનાવ અંગે વિગતવાર માહિતી મેળવવા બીબીસી ગુજરાતીએ પ્રયાસ કર્યો હતો.

શો હતો બનાવ?

ફરિયાદ અનુસાર મૃતક સરમણનાં 36 વર્ષીય પત્ની માલી ઓડેદરા તેમના ઘર પાસે નવરાત્રીના અંતિમ દિવસે આયોજિત ગરબીના સ્થળે 11 વર્ષીય દીકરીને લેવા પહોંચ્યાં હતાં.

જે દરમિયાન દીકરીએ માતાને પોતાને ગરબી સ્પર્ધામાં ‘એક ઇનામ’ ઓછું મળ્યાની ફરિયાદ કરી હતી.

ફરિયાદ અનુસાર માલી ઓડેદરા દીકરીની આ રજૂઆત લઈ ગરબીના આગેવાન અને આયોજક પાસે પહોંચ્યાં અને આ અંગે ફરિયાદ કરી હતી.

પરંતુ કથિતપણે બંનેએ માલીની રજૂઆત પર ધ્યાન ન આપી તેમની સાથે ‘મનફાવે એવું’ વર્તન કર્યું હતું.

બોલાચાલી દરમિયાન આયોજક અને આગેવાનનાં પત્નીઓએ પણ કથિતપણે માલી સાથે ‘ગેરવર્તન’ કરી ‘મૃત્યુ નિપજાવવાની’ ધમકી આપતાં તેઓ પોતાની બાળકીને લઈને ઘરે આવી ગયેલાં.

ફરિયાદ અનુસાર આ સમગ્ર બનાવનું મનદુ:ખ રાખીને ગરબીના આગેવાન રાજુ કેશવાલા, ગરબીના આયોજક રાજા કુછડિયા, રામદે બોખિરિયા, પ્રતીક ગોરાણિયા અને બે-ત્રણ અન્ય લોકોએ અડધી રાત્રે બે વાગ્યે માલી અને સરમણ ઓડેદરાના ઘરે હુમલો કરી દીધો હતો.

હુમલા દરમિયાન બંને પતિ-પત્ની પોતાના ઘરે ખાટલે બેઠાં મળી આવતાં આરોપીઓએ કથિતપણે લાકડાના ધોકા અને પાટિયા વડે સરમણને ‘ઢોર માર’ માર્યો હતો.

ફરિયાદ અનુસાર પોતાના પતિને બચાવવા વચ્ચે પડેલાં માલીનેય ઈજા કરાતાં તેઓ ગભરાઈને પોતાનાં બાળકો સાથે ઘરેથી નાસી છૂટ્યાં. જે દરમિયાન તેમને તેમના પતિને ગરબી ચોકમાં ‘અપહરણ’ કરી લઈ જવાયાની ખબર પડી હતી.

મામલો વધુ હિંસક બનતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયેલી, ફરિયાદમાં થયેલા ઉલ્લેખ અનુસાર સરમણને ગંભીર ઈજા થતાં તેમને પોરબંદર સિવિલ હૉસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા. જે દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.

પોલીસનું શું કહેવું છે?

ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલી આ બનાવની ફરિયાદમાં ઉપરોક્ત ચાર આરોપીઓ સિવાય રાજુ કેશવાલા અને રાજા કુછડિયાનાં પત્ની સહિત બે-ત્રણ અજાણ્યા શખસોને આરોપી બનાવાયાં છે.

ઘટના અંગે માહિતી આપતાં પોરબંદરનાં ડીવાય. એસ. પી. ઋતુ રાબાએ પત્રકાર સાથે વાત કરી હતી.

તેમણે કહેલું કે, "ગરબીમાં ઇનામ બાબતે થયેલી માથાકૂટની બાબત મનમાં રાખી આરોપીઓએ ફરિયાદીના પતિને લાકડાના ધોકા અને પાટિયા વડે માર મારતાં મૃત્યુ થયેલ. આ બાબતે ઉદ્યોગનગર પોલીસે હત્યા, ગેરકાયદેસર મંડળી અને અપહરણની કલમો સાથે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે."

"આરોપીઓ પૈકી ચારની પોલીસે અટક કરી છે. મૃતકનાં પત્નીને માર મારનાર આરોપીની પણ અટક કરાઈ છે. બાકીના લોકોને અમે પૂછપરછ માટે લઈ આવ્યા છીએ. આ ઘટનામાં તપાસ આગળ ધપી રહી છે."

તેમણે આ ઘટના અંગે વધુ માહિતી આપતાં કહેલું કે, "આ સમગ્ર બનાવ ખૂબ નાની બાબતે બોલાચાલી થયા બાદ બન્યો હતો. બાળકીએ પોતાને ઇનામ ન અપાયાની વાત કરી હતી, જ્યારે આયોજકોએ તેને ઇનામ આપી દીધાની અને તેનાથી એ ક્યાંક મુકાઈ ગયું હોવાની વાત કરી હતી. આ બાબતે વયસ્કોમાં ખટપટ થતાં આ સમગ્ર બનાવ બન્યો હતો."