ડૉક્ટરે શોધેલી એ 'બીમારી' જેણે હિટલરના આતંકમાંથી હજારો યહૂદીઓને બચાવી લીધા

    • લેેખક, જોન ફ્રાન્સિસ અલોન્સો
    • પદ, બીબીસી વર્લ્ડ ન્યૂઝ
  • પ્રકાશિત

એક અજાણ્યો જીવલેણ રોગ, નિર્દય આક્રમણખોર દ્વારા લોકોની સતામણી, કેટલાક બહાદૂર ડૉક્ટરો અને ધર્મ.

આ બાબતો હોલીવૂડની કોઈ ફિલ્મની કથાસામગ્રી જેવી લાગે છે, પરંતુ એ બધું બીજા વિશ્વયુદ્ધની જાણીતી ઘટના છે. આ બધું 1943ના અંતમાં રોમમાં બન્યું હતું. એ વખતે નાઝી જર્મન લશ્કરી દળોએ સૈનિકો, ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓની મદદથી તેમના સાથી – ફાસીવાદી બેનિટો મુસોલિનીને સત્તા પરથી ઉથલાવ્યા બાદ ઇટાલીની રાજધાની કબજે કરી હતી.

આ ‘શાશ્વત શહેર’ કબજે કર્યા પછી એડોલ્ફ હિટલરના સૈનિકોએ શહેરના યહૂદી સમુદાયના લોકોની શોધ શરૂ કરી હતી. હિટલરના સૈનિકોએ શોધ શરૂ કરી તે પહેલાં સુધી એ યહૂદી લોકો યુરોપના અન્ય ભાગોમાં કરવામાં આવેલા ક્રૂર અત્યાચાર તથા વિનાશમાંથી બચી ગયા હતા.

ભયાનક અત્યાચાર છાવણીઓ વિશેની માહિતી આવવાનું શરૂ થયું હતું અને તે કૉન્સન્ટ્રેશન કૅમ્પ(અત્યાચાર છાવણી)માં ધકેલાવામાંથી બચવા માટે ઘણા યહૂદીએ પાડોશી ચર્ચોમાં, ખ્રિસ્તી મઠોમાં, કૉન્વેન્ટમાં અને કેથલિક ચર્ચ દ્વારા સંચાલિત હૉસ્પિટલોમાં પણ આશરો લીધો હતો.

એ પૈકીના એક આરોગ્યકેન્દ્રમાં ત્રણ ડૉકટરે ડઝનેક લોકોને આવકાર્યા હતા અને તેમને એક ભયંકર તથા જીવલેણ રોગ થયો હોવાનું નિદાન કર્યું હતું. એ રોગ વિશે અગાઉ કોઈએ કશું સાંભળ્યું ન હતું, કારણ કે તે બીમારીનું અસ્તિત્વ જ ન હતું.

મૂળભૂત અને ખતરનાક ઉપાય

ઇટાલીની રાજધાનીમાં તેની શરૂઆત 1943ની 16 ઑક્ટોબરના પ્રભાત સાથે થઈ હતી. જર્મન સૈનિકો વૅટિકનથી માત્ર ત્રણ કિલોમીટર દૂર આવેલા યહૂદી લોકોના વિસ્તારમાં ધસી આવ્યા હતા. તેમણે પુરુષો, મહિલાઓ અને બાળકો સહિતના 1,000થી વધુ લોકોને પકડ્યા હતા. એ પૈકીના કેટલાક નસીબદાર લોકો નાસી છૂટવામાં સફળ થયા હતા અને સાન જુઆન કેબિલિટા હૉસ્પિટલમાં આવી પહોંચ્યા હતા.

437 વર્ષ જૂનું અને હોલી સીની માલિકીનું એ કેન્દ્ર ટિબર નદીની મધ્યમાં આવેલા એક નાના ટાપુ પર સ્થિત છે તથા ત્યાંથી ઇટાલીની રાજધાનીમાંનાં મહાન સિનાગોગને જોઈ શકાય છે.

નાઝીઓએ તેમની શોધ ચાલુ રાખી હતી અને તેઓ હૉસ્પિટલ સુધી આવી પહોંચ્યા હતા. હૉસ્પિટલના તત્કાલીન ડિરેક્ટર અને હોલી સીમાં સારા સંપર્ક ધરાવતા ઉત્સાહી કેથલિક જીઓવાન્ની બોરોમિયોએ તે ગણવેશધારી અધિકારીઓને આવકાર્યા હતા તથા તપાસ કરવાની છૂટ આપી હતી.

જોકે, તેઓ એક રૂમમાં પહોંચ્યા ત્યારે બોરોમિયોએ તેમને ચેતવણી આપી હતી કે તે ઓરડામાં એક વિચિત્ર તથા ખતરનાક રોગનાં લક્ષણો ધરાવતા દર્દીઓને અલગ રાખવામાં આવ્યા છે અને તેમની તપાસ ચાલી રહી છે.

બોરોમિયોએ તેમને જણાવ્યું હતું કે તે કે સિન્ડ્રોમ છે, અત્યંત ચેપી ગણાતો રોગ છે. તે માણસના ચેતાચંત્રને અસર કરે છે અને મૃત્યુ તરફ દોરી જાય છે.

ડૉ. વિટ્ટોરિયો સકેરડોટીએ 2004માં બીબીસીને કહ્યું હતું કે “અમે તેને કમાન્ડર કેસેલિંગના નામ પરથી કે સિન્ડ્રોમ નામ આપ્યું હતું. કમાન્ડર કેસેલિંગના નેતૃત્વ હેઠળ નાઝીઓએ ઇટાલી કબજે કર્યું હતું. તે કૅન્સર કે ક્ષયરોગ જેવો કોઈ રોગ છે, એવું વિચારીને નાઝીઓ સસલાની જેમ ભાગી ગયા હતા.”

એ સમયે સકેરડોટી તથા બોરોમિયોની સાથે એક ઇટાલિયન ડૉક્ટર અને ફાસીવાદવિરોધી તેમજ આ તરકીબના બુદ્ધિશાળી રચનાકાર એડ્રિયાનો ઓસિસિની પણ હતા. તેમની તરકીબને કારણે ડઝનબંધ યહૂદીઓનું જીવન બચી ગયું હતું. 1930ના દાયકામાં મુસોલિનીની મંજૂરી સાથે અમલી બનેલા વંશીય કાયદાઓ મુજબ પ્રતિબંધ હોવા છતાં યહૂદી મૂળના આ ડૉક્ટરની ભરતી બોરોમિયોએ રોમન હૉસ્પિટલમાં કામ કરવા માટે કરી હતી.

કે સિન્ડ્રોમ નામના આ કાલ્પનિક રોગને જર્મનીની પોલીસ તથા સલામતી સેવાના વડા હબર્ટ કેપ્લરનું સમર્થન મળ્યું હોવાનું અન્ય કથાઓમાં જણાવવામાં આવ્યું છે, પરંતુ બીજા નિષ્ણાતો આ બાબતે અલગ અભિપ્રાય ધરાવે છે.

સ્પેનિશ લેખક અને પાદરી જીસસ સાંચેઝ એડાલિડે બીબીસીને જણાવ્યું હતું કે “કે સિન્ડ્રોમ ક્ષયરોગ જેટલો જ ખતરનાક હોવાનો ખ્યાલ આપવા માટે તેને એવું નામ આપવામાં આવ્યું હતું. એ સમયે હંગેરી અને પોલૅન્ડમાં હિટલરના ઘણા સૈનિકો માટે ક્ષયરોગ મોટી સમસ્યા બન્યો હતો.”

જીસસ સાંચેઝ એડાલિડની નવલકથા ‘એ લાઇટ ઇન ધ નાઇટ ઑફ રોમ’ આ મહિનાની શરૂઆતમાં જ પ્રકાશિત કરવામાં આવી હતી. આ કૃતિ એક સમૃદ્ધ યુવતી તથા એક યહૂદી યુવાન વચ્ચેની પ્રેમકથા છે અને એ પ્રેમકથા આ ઐતિહાસિક ઘટનાઓ દરમિયાન આકાર પામે છે.

ભવ્ય કામગીરી

બોરોમિયો, સકેરડોટી અને ઓસિસિનીએ ભવ્ય ખેલ શરૂ કર્યો હતો. તેમણે આ કથિત રોગનો ચેપ લાગ્યો હોય તેવા યહૂદી લોકોનો મેડિકલ રેકૉર્ડ બનાવવાનું શરૂ કર્યું હતું. આ કામગીરી માટે તેમને બહારના અને અંદરના અનેક લોકોની જરૂર હતી.

સાંચેઝ એડાલિડે કહ્યું હતું કે “તેની ટીમ બહુ મોટી હતી. તેમાં હૉસ્પિટલનું સંચાલન કરતા ઑર્ડરના વડા સાન જુઆન ડી ડિયોસનો પણ સમાવેશ થતો હતો.”

અન્ય ઐતિહાસિક અને પત્રકારો દ્વારા કરવામાં આવેલી તપાસ સૂચવે છે કે ભાવિ પોપ પૉલ છઠ્ઠા તથા એ સમયે વેટિકન સચિવાલયમાં ઉચ્ચ અધિકારી મોન્સિગ્નોર જીઓવાન્ની બટિસ્ટા મોન્ટી હૉસ્પિટલમાં શું ચાલી રહ્યું છે તે જાણતા હતા અને તેના સમર્થક હતા. એ પછી ચર્ચના ટોચના પદાધિકારીએ અનેક દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા હતા, જેના લીધે બોરોમિયોનું કામ આસાન બન્યું હતું.

આ કથિત ઘાતક રોગને લીધે નાઝીઓ દૂર રહ્યા હોવા છતાં ડૉક્ટરો સતત સાવધ રહ્યા હતા અને નાઝીઓ પાછા ફરે તો શું કરવું તેની સૂચના યહૂદીઓને આપી હતી.

આ ઘટના બની ત્યારે ગેબ્રિયેલ સોનિન્નો માત્ર ચાર વર્ષના હતા અને તેમને કેથલિક હૉસ્પિટલમાં ‘દાખલ’ કરવામાં આવ્યા હતા. ગેબ્રિયેલે 2019માં જર્મન પબ્લિક ટેલિવિઝનના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે “ડૉક્ટરોએ અમને જણાવ્યું હતું કે જર્મનો પાછા આવે તો અમારે તમામ તાકાત એકઠી કરીને ખાંસવાનું છે અને એવો દેખાડો કરવો પડશે કે અમે ગંભીર રીતે બીમાર છીએ.”

નાઝીઓએ આ વાત સાચી માની લીધી હતી? સાંચેઝ એડાલિડે કહ્યું હતું કે “જર્મનોએ રોગના સંસ્કરણની પુષ્ટિ માટે ડૉક્ટરો મોકલ્યા હતા, પરંતુ તેઓ ઇટાલિયન ડૉક્ટરોના ખુલાસાથી સંતુષ્ટ થયા હતા. ચેપ લાગવાના ભય અથવા તો દર્દીઓથી ભરેલી હૉસ્પિટલમાં સમય બગાડવો જરૂરી નથી એવું તે ડૉક્ટરોને લાગ્યું હશે. આ રીતે તેઓ છટકામાં ફસાઈ ગયા હતા.”

તેમણે ઉમેર્યું હતું કે “જર્મન ડૉક્ટરોએ કથિત દર્દીઓની તપાસ કરી હોત તો તેમણે જુઠ્ઠાણું શોધી કાઢ્યું હોત, પરંતુ તેમણે એવું કર્યું ન હતું.”

મે, 1944માં નાઝી સૈનિકો હૉસ્પિટલમાં આવ્યા હતા અને તેમણે નિરીક્ષણ કર્યું હતું, પરંતુ તેઓ યહૂદીઓને જે ઓરડાઓમાં અલગ રાખવામાં આવ્યા હતા એ ઓરડાઓ પાસેથી પસાર થયા ત્યારે તેમને મોટેથી ઉઘરસ ખાતા દર્દીઓનો અવાજ સાંભળવા મળ્યો હતો.

એક મહિના પછી સાથી દળોએ રોમને મુક્ત કરાવ્યું હતું અને હૉસ્પિટલમાંથી બાકીના કથિત દર્દીઓને પણ મુક્ત કરવામાં આવ્યા હતા.

રહસ્ય

રોમન હૉસ્પિટલમાં બનેલી ઘટનાઓને ઇતિહાસકારો તથા વિવિધ સત્તાવાળાઓએ સમર્થન આપ્યું છે. તેથી ઇઝરાયલના 'હોલોકાસ્ટ' સ્મારકકેન્દ્ર 'યાડ વાશેમ' દ્વારા 2004માં બોરોમિયોનું વિશિષ્ટ પુરસ્કાર વડે સન્માન કરવામાં આવ્યું હતું. આ વિશિષ્ટ પુરસ્કાર બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યહૂદી લોકોનું જીવન બચાવનાર અથવા તેમને મદદ કરનાર લોકોને જ આપવામાં આવે છે.

કે સિન્ડ્રોમને કારણે કેટલા લોકોનો જીવ બચી ગયો તે સ્પષ્ટ થયું નથી. સાંચેઝ એડાલિડે કહ્યું હતું કે “હૉસ્પિટલમાં કેટલા લોકોને રાખવામાં આવ્યા હતા તેની ચોક્કસ સંખ્યા અમને ખબર નથી, કારણ કે હૉસ્પિટલ એક એસ્કેપ બ્રિજ હતી.”

સાંચેઝે નવલકથા લખવા માટે કેન્દ્રની આર્કાઇવ્ઝ તેમજ શોઆ ફાઉન્ડેશન તથા યાડ વાશેમ ખાતે બે વર્ષ સંશોધન કર્યું હતું.

સાંચેઝે કહ્યું હતું કે “ફાટેબેનેફ્રાટેલી હૉસ્પિટલમાં જે કથિત બીમાર લોકો આવ્યા હતા તેમને ખોટા દસ્તાવેજ આપવામાં આવ્યા હતા, જેથી તેઓ સ્વિત્ઝર્લૅન્ડ કે અન્ય દેશોમાં જઈ શકે. તેમાં એક તબક્કે 75 બાળકો હતાં.”

સાંચેઝ એડાલિડે જણાવ્યું હતું કે કેટલાક કથિત દર્દીઓ યુદ્ધના અંત પછી લેટિન અમેરિકામાં સ્થળાંતર કરી ગયા હતા. જોકે, એ લોકો પોતાની ઓળખ ગુપ્ત રાખવા ઇચ્છતા હોવાનો દાવો કરીને તેમણે એમની વિગત આપવાનો ઇનકાર કર્યો હતો.

આ હૉસ્પિટલ, કેથલિક ચર્ચે યુરોપમાં યહૂદીઓને વિનાશથી બચાવ્યા હતા એ સ્થળો પૈકીની એક હતી.

સાંચેઝ એડાલિડે કહ્યું હતું કે “ચર્ચે આ હૉસ્પિટલ, ચર્ચ, મઠ અને કૉન્વેન્ટમાં આશરો આપીને 4,480 યહૂદીઓને બચાવ્યા હતા.”

તેમણે ઉમેર્યું હતું કે “મને કહેવામાં આવ્યું છે કે નાઝીઓની રાજકીય પોલીસ ગેસ્ટાપોના અધિકારીઓ રોમ આવ્યા ત્યારે કેટલીક કૉન્વેન્ટમાં 70 સાધ્વીઓને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. એ પૈકીની ઘણી સાધ્વીઓ નહીં, પરંતુ ગુપ્ત વેશમાં યહૂદીઓ હતા. નાઝીઓને ગેરમાર્ગે દોરવા માટે સાધ્વીઓએ અજબ કારણો આપ્યાં હતાં. તેમણે જણાવ્યુ હતું કે રોમ કેથોલિક ધર્મની રાજધાની હોવાથી ત્યાં સાધ્વીઓની સંખ્યા વધુ હોય તે દેખીતું છે.”

માત્ર આશ્રયસ્થાન નહીં

આ હૉસ્પિટલ કથિત રોગ સામે યહૂદીઓના રક્ષણનું સ્થાન માત્ર નહોતી.

સાંચેઝ એડાલિડે કહ્યું હતું કે “નાઝીઓના ભયને લીધે હૉસ્પિટલ એક જાસુસીકેન્દ્ર, સંદેશાવ્યવહારનું સ્થાન અને ઇટાલિયન પ્રતિકારની બેઠકોનું સ્થળ પણ બની હતી.”

આ હૉસ્પિટલમાંથી કથિત વિક્ટોરિયા રેડિયોનું સંચાલન પણ કરવામાં આવતું હતું. ઇટાલિયન વંશના અમેરિકનો દ્વારા સંચાલિત વિક્ટોરિયા રેડિયોનું પ્રસારણ સાથી રાષ્ટ્રોમાં કરવામાં આવતું હતું.

જીસસ સાંચેઝ એડાલિડે જણાવ્યું હતું કે તેમણે રોમન હૉસ્પિટલમાં બનેલી ઘટનાઓની 80મી વર્ષગાંઠ માટે ‘એ લાઇટ ઇન ધ નાઇટ ઑફ રોમ’ નવલકથા લખી નથી, પરંતુ આ વાત તેમને કેન્દ્રના અધિકારીઓએ જણાવી હતી.

જોકે, સાંચેઝ એડાલિડે સ્વીકાર્યું હતું કે “માનવ ઇતિહાસની સૌથી ખરાબ ક્ષણોમાં જ માનવીય શ્રેષ્ઠતા બહાર આવે છે અને અંકુરિત થાય છે,” આ વાતની તેમના સંશોધનને લીધે પુષ્ટિ કરી શકાઈ છે.