You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
JEE ઍડવાન્સમાં ઑલ ઇન્ડિયા ટૉપર વેદની સફળતાનું રહસ્ય જાણો
- લેેખક, મોહરસિંહ મીણા
- પદ, બીબીસી હિંદી માટે
- પ્રકાશિત
"મારા મતે ભણવા માટે જીદ હોવી જોઈએ. તેનાથી જ તમે આગળ વધી શકો છો. ટૉપર બનવા માટે તમારું સપનું હોવું જોઈએ અને મોટિવેશન હોવું જોઈએ."
આ શબ્દ છે વેદ લાહોટીના, જેમણે જેઈઈ પરીક્ષાના ઇતિહાસમાં પહેલી વાર 98.61 ટકા મેળવ્યા છે અને ઑલ ઇન્ડિયા ટૉપર બન્યા છે.
વેદ લાહોટીએ 360માંથી 355 માર્ક્સ મેળવ્યા છે.
આ પહેલા સૌથી વધારે માર્ક્સનો રેકૉર્ડ 2020ની પરીક્ષાના પરિણામમાં જોવા મળ્યો હતો. ત્યારે ટૉપરને 352 માર્ક્સ મળ્યા હતા. આ માર્ક્સ મુંબઈ ઝોનના ચિરાગ ફેલારે મેળવ્યા હતા.
કેવી રીતે બન્યા રેકૉર્ડ માર્ક્સથી ટૉપર?
ઊંચા કદકાઠીવાળા વેદ ખૂબ જ શાંત દેખાય છે. તેમના ચહેરા પર ચશ્માં, ટૂંકા વાળ અને ક્યારેક તે કોઈને જોઈને સ્મિત કરે છે તો ક્યારેક તેમની તરફ કુતૂહલથી જુએ છે.
વેદ લાહોટી જણાવે છે કે, "જેઈઈ ઍડવાન્સ-2024નું પરિણામ જોઈને મને, મારા ટીચર્સ અને મારાં મમ્મી-પપ્પાને પણ ખૂબ જ સારું લાગ્યું છે."
તેમના પાંચ માર્ક્સ ઓછા કેમ આવ્યા તેના પર તેઓ કહે છે કે, "ફિઝિક્સમાં બે અને મૅથ્સમાં ત્રણ માર્ક્સ ઓછા થયા છે. અમુક સવાલ એવા હોય છે કે જે ખોટા પડે તો ઘણા માર્ક્સ કપાઈ જાય છે અને નૅગેટિવ માર્કિંગ પણ હોય છે. તેથી મેં જરાય રિસ્ક નથી લીધું. તેથી મારા પાંચ માર્ક્સ ઓછા થયા છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ હવે વેદની નજર ભવિષ્ય પર છે. તેઓ કહે છે, "હવે હું આઈઆઈટી મુંબઈમાં કમ્પ્યુટર સાયન્સમાં પ્રવેશ લઈશ. હજી સુધી મારો વિદેશ જવાનો કોઈ વિચાર નથી. ભારત જ મારી કર્મભૂમિ છે. બાળપણથી જ મને કમ્પ્યુટર, એઆઈ અને કોડિંગમાં રસ રહ્યો છે. તેથી હું આઈઆઈટી મુંબઈથી કમ્પ્યુટર સ્ટ્રીમમાં જઈશ અને આ જ ફીલ્ડમાં આગળ કામ કરીશ."
જેઈઈ ઍડવાન્સમાં અસફળ વિદ્યાર્થીને શું સલાહ આપે છે?
વેદે રેકૉર્ડ કરીને ઑલ ઇન્ડિયા ટૉપ કર્યું છે. તેઓ સફળ થયેલા 48 હજારથી વધારે વિદ્યાર્થીઓમાં ટૉપ પર છે.
આ પરીક્ષામાં એક લાખથી વધારે વિદ્યાર્થી ક્વૉલિફાઈ નથી કરી શક્યા.
તેવા વિદ્યાર્થી માટે વેદ કહે છે કે, "જો તમે આઈઆઈટીયન ન બની શકો તો તમારું જીવન ખતમ નથી થઈ જતું. તમે જીવનમાં ઘણું બધું કરી શકો છો. સફળતા અને નિષ્ફળતા તો જીવનમાં આવતી-જતી રહે છે."
વેદ કહે છે, "હું કદી સમય જોઈને નથી ભણ્યો. મને બાળપણથી જ ભણવામાં રુચિ રહી છે. હું મારા ટીચર્સ કહે તે હિસાબે ભણતો."
આ રેકૉર્ડને તોડવો મુશ્કેલ
વેદ લાહોટીના માર્ક્સને જોઈને કોટાના કરિયર કાઉન્સિલર નિષ્ણાત અમિત આહુજા કહે છે, "પરિણામને રિપીટ કરવું સરળ નહીં હોય. આ વખત જેવા અઘરા પેપરમાં 98.61 ટકા માર્ક્સ લાવવા તે એક મોટી ઉપલબ્ધિ છે."
કોટામાં કેવી રહી સફર?
વેદ કહે છે કે, "મને મૅથ્સમાં રસ હતો અને મેં કોટા વિશે ઘણું સાંભળ્યું હતું. અહીંયાં દેશભરમાંથી પ્રતિભાશાળી બાળકો આવે છે, જેના કારણે તંદુરસ્ત સ્પર્ધા અને સારું પ્રદર્શન કરવાની પ્રેરણા મળે છે. તેથી કોટા આવવું એ મારો પોતાનો નિર્ણય હતો."
તેઓ તેમના પરિવારના સમર્થનને યાદ કરતાં કહે છે, "મને મારા પરિવારનો પૂરેપૂરો સહકાર રહ્યો છે. જ્યારે મારા ટેસ્ટમાં ઓછા માર્ક્સ આવતાં તો પણ તેમણે ક્યારેય મારું મનોબળ ઓછું થવા દીધું ન હતું. તેઓ હંમેશાં મને સારા માર્ક્સ મેળવવા માટે પ્રેરિત કરતા."
"મારા પરિવારે મારા માટે ઘણું બલિદાન આપ્યું છે. મારાં માતા-પિતા મને મળવા માટે ઇન્દોરથી કોટા આવતાં. ઘર સંભાળવામાં સમસ્યાઓ આવતી પરંતુ તેઓએ મારા અભ્યાસ પર તેની અસર થવા દીધી ન હતી."
કોટામાં વિદ્યાર્થીઓની રોજિંદી આત્મહત્યા પર વેદ કહે છે, "હું ઘરથી દૂર હતો ત્યારે પણ હંમેશાં મારા પરિવારના સંપર્કમાં હતો. હું ક્યારેય નિરાશ થયો નથી, કારણ કે હું હંમેશાં મારા પરિવારના સંપર્કમાં હતો."
વેદના પિતા યોગેશ લાહોટી ઇન્દોરની એક જાણીતી કંપનીમાં મૅનેજર તરીકે કામ કરે છે.
યોગેશ કહે છે, "વેદે ઇતિહાસ રચ્યો છે. અમારા માટે આનાથી મોટી ખુશી કોઈ હોઈ શકે નહીં. અત્યાર સુધી કોઈ વિદ્યાર્થીને આટલા માર્કસ મળ્યા નથી."
વેદનાં માતા શું કહે છે?
વેદ લાહોટીનાં માતા જયા લાહોટી કહે છે, “મારી ખુશી શબ્દોમાં વ્યક્ત કરી શકતી નથી. જો તમારું બાળક જેઈઈ પરીક્ષાના ઇતિહાસમાં સૌથી શ્રેષ્ઠ પરિણામ લાવે તો કઈ માતા ખુશ ન થાય?"
જયા કહે છે કે, "વેદ બે વર્ષ સુધી હૉસ્ટેલમાં રહ્યો હતો. હું દર મહિને તેને મળવા આવતી હતી. મારે ઘર સંભાળવાનું હતું અને વેદનું પણ ધ્યાન રાખવાનું હતું. જ્યારે પણ મને તેના અવાજ પરથી એવું લાગ્યું કે તે ચિંતિત છે તો હું તેને મોટિવેટ કરતી. તેને સારું ડાયેટ અને કસરત કરવા માટે પણ ગાઇડ કરતી."
શાળામાં પણ ટૉપર રહ્યા છે વેદ
વેદ લાહોટીનો જન્મ 25 ડિસેમ્બર, 2006ના રોજ મધ્યપ્રદેશના ઇન્દોરમાં થયો હતો. તેમણે પ્રારંભિક શાળાનો અભ્યાસ ઇન્દોરથી કર્યો હતો અને મે 2022માં એક સ્વપ્ન સાથે કોટા આવ્યા.
વેદે 10મું અને 12મું જેઈઈની તૈયારી કરતાં કરતાં કોટાથી કર્યું હતું. તેમને ધોરણ 10માં 98.6 ટકા અને ધોરણ 12માં 97.6 ટકા આવ્યા હતા.
વેદ તેમના નાના આરસી સોમાણીને તેમના આદર્શ માને છે, સોમાણી સરકારી સેવાઓથી નિવૃત્ત થયા છે.
વેદના પરિણામ બાદ તેમના નાના સોમાણી જ સૌથી વધુ ખુશીથી ઝૂમ્યા હતા. લાંબા શર્ટ પહેરેલા તેમના નાના સતત ડાન્સ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા હતા.
78 વર્ષીય આરસી સોમાણી કહે છે કે, તે અઢી વર્ષની ઉંમરથી જ મારી સાથે રહ્યો છે. તેને જ્યારે પણ ઑલિમ્પિયાડ આપવા અથવા ટેલેન્ટ હન્ટમાં જવું હોય તો તે મને જ સાથે લઈને જતો."
આરસી સોમાણી કહે છે, "વેદ પોતાનું ભવિષ્ય નક્કી કરશે. પરંતુ હું ઇચ્છું છું કે તે વહીવટી સેવાઓમાં જાય અને દેશની સેવામાં મદદ કરે. વેદ પણ ભારતમાં રહીને દેશની સેવા કરવા માગે છે."
જેઈઈ ઍડવાન્સનું પેપર કેવું હોય છે?
કરિયર કાઉન્સિલર અમિત આહુજા કહે છે કે, "પેપરનું ઘણું અઘરું હોય છે."
"આઈઆઈટીના સારા અને અનુભવી પ્રોફેસર મળીને આ પેપર તૈયાર કરે છે અને આ પેપર સૌથી અઘરું મનાય છે."
તેઓ કહે છે કે પેપર કેવું રહેશે તે પહેલેથી અંદાજ લગાવવો અઘરો હોય છે.
તેઓ કહે છે કે, "આમાં ન્યુમેરિકલ વેલ્યુ બેઝ્ડ સવાલ આવશે, એમસીક્યુ બેઝ્ડ સવાલ પણ આવશે અને પેપર સંપૂર્ણ રીતે અનિશ્ચિત હોય છે."
"જ્યારે વિદ્યાર્થી પેપર આપવા જાય છે ત્યારે તેને ખબર પડે છે કે આ પેપરનું લેવલ કેવું છે. પેપર દરમિયાન જ વિદ્યાર્થીને સ્થળ પર જ ખબર પડી જાય છે કે પેપરની માર્કિંગ સ્કીમ કેવી છે અને પેપરનું સ્તર કેવું છે. જેઈઈ ઍડવાન્સનું પેપર કદી એક જેવું નથી હોતું. જેઈઈ ઍડવાન્સના પેપરમાં કેટલા પ્રશ્નો હશે અને તેની માર્કિંગ સ્કીમ શું હશે તેની અગાઉથી જાણ નથી હોતી."