ટી-20 વર્લ્ડકપ : પાકિસ્તાન શરૂઆતની મૅચ હાર્યા બાદ પણ ફાઇનલમાં કેવી રીતે પહોંચી ગયું?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી
  • પ્રકાશિત

ન્યૂઝીલૅન્ડને હરાવીને આખરે પાકિસ્તાન ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી ગયું છે, હવે જો ભારત આજે ઇંગ્લૅન્ડ સામેની સેમિફાઇનલમાં જીતી જાય તો ભારત અને પાકિસ્તાન ફરી એક વાર સામસામે ટકરાશે.

ન્યૂઝીલૅન્ડે જીત માટે પાકિસ્તાન સામે 153 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો, જે પાકિસ્તાને સાત વિકેટ ગુમાવીને પૂરો કરી લીધો અને ફાઇનલમાં પહોંચી ગયું.

પાકિસ્તાન તરફથી ઓપનિંગ જોડીએ ધમાકેદાર શરૂઆત કરી હતી અને મૅચની જીતનો મજબૂત પાયો નાખ્યો હતો.

મોહમ્મદ રિઝવાન અને બાબર આઝમ બંનેએ અર્ધ સદી ફટકારી હતી. 13 વર્ષ બાદ પાકિસ્તાન ટી-20માં વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચ્યું છે.

રિઝવાન અને આઝમ પહેલી વિકેટ માટે 105 રનની ભાગીદારી કરી હતી. રિઝવાને 43 બૉલમાં 57 અને બાબર આઝમે 42 બૉલમાં 53 રન ફટકાર્યા હતા.

ટી-20માં 150 રનનો સ્કોર આમ તો ઘણી વાર સામાન્ય લાગે, પણ જ્યારે સેમિફાઇનલ જેવી મહત્ત્વની મૅચ હોય ત્યારે આ સ્કોરને ચેઝ કરવો મુશ્કેલ પડતો હોય છે.

જોકે પાકિસ્તાનની મજબૂત બેટિંગ જોડીએ ટીમને જીત તરફ દોરી અને આખરે મૅચને જીતમાં પલટી નાખી.

બાબર આઝમ અને રિઝવાન પાકિસ્તાની ટીમમાં ધમાકેદાર બેટિંગ માટે જાણીતા છે, જોકે ટી-20 વર્લ્ડકપની શરૂઆતની મૅચોમાં બાબર આઝમ અને રિઝવાન ધાર્યા પ્રમાણે પ્રદર્શન કરી શક્યા નહોતા.

તેમના પ્રદર્શન બાદ ક્રિકેટ નિષ્ણાતો અને પાકિસ્તાની ચાહકો પણ તેમની ટીકા કરતા હતા. ત્યારે સવાલ એ પણ થાય કે શરૂઆતમાં ટીમનું નબળું પ્રદર્શન હોવા છતાં પાકિસ્તાન ફાઇનલમાં કેવી રીતે પહોંચી ગયું.

જ્યારે પાકિસ્તાન ભારત સામે હાર્યું

પૉઇન્ટ ટેબલ અનુસાર ગ્રૂપની પાંચ મૅચમાંથી પાકિસ્તાન ત્રણ મૅચ જીત્યું અને બે મૅચ હાર્યું હતું. એક મૅચ ભારત સામે અને બીજી મૅચ ઝિમ્બાબ્વે સામે.

પાકિસ્તાન ઝિમ્બાબ્વે અને ભારત સામે પણ ગ્રૂપની મૅચમાં હારી ગયું હતું. બંને મૅચમાં અંતિમ ઓવરમાં પાકિસ્તાન હારી ગયું હતું.

ભારતે મેલબર્નમાં રમાયેલી ગ્રૂપની મૅચમાં પાકિસ્તાનને ચાર વિકેટે હરાવ્યું હતું.

જીત માટે પાકિસ્તાને ભારતને 160નો લક્ષ્યાંક આપ્યો હતો. ભારતીય ટીમ સાતમી ઓવરમાં માત્ર 31 રન પર ચાર વિકેટ ગુમાવી દીધી હતી. શરૂઆતમાં મુશ્કેલ જણાતી ટીમનો મોરચો બાદમાં કોહલી અને હાર્દિક પંડ્યાએ સંભાળ્યો હતો.

અંતિમ ઓવરમાં ભારતને 16 રનની જરૂર હતી, ભારતે છેલ્લા બૉલે લક્ષ્યાંક મેળવી લીધો હતો.

વિરાટ કોહલીએ અણનમ 82 રન (53 બૉલ) ફટકાર્યા હતા.

અંતિમ બૉલમાં ભારતને  જીત માટે બે રનની જરૂર હતી. એક બૉલ વાઇડ પડ્યો અને એ રીતે ભારતને રન મળી ગયો અને જીત માટે છેલ્લા બૉલે એક રનની જરૂર હતી.

મોહમ્મદ નવાઝે છેલ્લો બૉલ ફેંક્યો અને આર. અશ્વિન આસાનીથી એક રન લઈ લીધો અને પાકિસ્તાન હારી ગયું.

ઝિમ્બાબ્વે સામે છેલ્લી ઓવરમાં પાકિસ્તાનનો પરાજય

ટી-20 વર્લ્ડકપમાં પાકિસ્તાન છેલ્લી ઘડીએ ઝિમ્બાબ્વે સામે નબળું પડ્યું અને મૅચ ગુમાવી દીધી હતી. ઝિમ્બાબ્વેની ટીમ 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને માત્ર 130 રન કરી શકી હતી.

જોકે આ સ્કોર પણ પાકિસ્તાન ચેઝ કરી શક્યું નહોતું. ખાસ કરીને બાબર આઝમ અને રિઝવાન જેવા ધુંઆધાર બૅટ્સમૅન હોવા છતાં.

આ મૅચમાં પાકિસ્તાનની ઓપનિંગ જોડી નિષ્ફળ રહી હતી. બાબર આઝમ ચાર રન અને રિઝવાન પણ માત્ર 14 કરીને પેવેલિયેન ભેગા થઈ ગયા હતા.

બાદમાં મિડલ ઑર્ડર બૅટ્સમૅનોએ મોરચો સંભાળ્યો હતો. જોકે રસાકસી બાદ મૅચ છેલ્લી ઓવર સુધી પહોંચી હતી.

અંતિમ ઓવરમાં જીત માટે પાકિસ્તાનને 11 રનની જરૂર હતી. આઠ રન તો મોહમ્મદ વસીમે પહેલા ત્રણ બૉલમાં બનાવી લીધા હતા. જોકે એક ડૉટ બૉલ બાદ નવાઝની વિકેટ પડી અને અંતિમ બૉલમાં શાહીન બીજો રન લેવાની કોશિશમાં રનઆઉટ થઈ ગયા હતા, અને એ રીતે છેલ્લી ઓવરમાં પાકિસ્તાન હારી ગયું.

નાની-નાની ભૂલો ઓછી કરી નાખી

પાકિસ્તાન શરૂઆતમાં બે મૅચ હાર્યા બાદ પછી ત્રણેય મૅચ (ગ્રૂપ) જીત્યું હતું. ભારત સામેની હારમાં પણ પાકિસ્તાનનું પલ્લું એક સમયે ભારે જણાતું હતું અને વિરાટ કોહલીની બેટિંગ સામે બૉલરો નબળા પડ્યા અને હાર મળી.

બીબીસી મરાઠીના પરાગ ફાટક શરૂઆતથી ટી-20 વર્લ્ડકપ પર નજર રાખી રહ્યા છે.

તેમના જણાવ્યા અનુસાર, પાકિસ્તાને શરૂઆતમાં જે નાની નાની ભૂલો કરી હતી, એ પછીની મૅચોમાં કરી નથી અને આથી તે અહીં સુધી પહોંચી શક્યું છે.

તેઓ કહે છે, "પાકિસ્તાનની બૉલરો અને મીડલ ઑર્ડર બૅટ્સમૅનો પણ લયમાં આવ્યા છે, પાકિસ્તાન સમજી વિચારીને રમ્યું અને નાની નાની બાબતો પર ધ્યાન આપ્યું છે."

તેમના જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાનની ટીમ મજબૂત તો છે, સાથે જ તેણે ટીમ સ્પિરિટ જાળવી રાખી છે.

ભારત સેમિફાઇનલ માટે લગભગ નક્કી થઈ ગયું હતું ત્યારથી ચર્ચા એવી જામી હતી કે જો પાકિસ્તાન પણ સેમિફાઇનલમાં પહોંચે તો ભારત સામે ટકરાઈ શકે છે. જોકે હજુ ફાઇનલમાં પાકિસ્તાન સામે કોણ ટકરાશે એ ભારતની મૅચ બાદ ખબર પડશે.

એ સમયે પાકિસ્તાન સેમિફાઇનલમાં પહોંચવા માટે અન્ય મૅચોની હારજીત પર નિર્ભર હતું. 'જો તો'ની વચ્ચે પાકિસ્તાનની ટીમ ઘેરાયેલી હતી. જોકે અન્ય મૅચોની નિર્ભરતા પાકિસ્તાનના પક્ષમાં આવી ગઈ હતી.

ઓપનિંગ જોડી ફૉર્મમાં આવી

જાણીતા ખેલ પત્રકાર તુષાર ત્રિવેદી પાકિસ્તાનના વર્તમાન ફૉર્મ અંગે વાત કરતા કહે છે કે પાકિસ્તાનની ટીમે જબરજસ્ત રીતે કમબૅક કર્યું છે.

તેઓ કહે છે, "પાકિસ્તાનના બૅટર મોહમ્મદ રિઝવાન અને બાબર આઝમ વર્લ્ડકપ શરૂ થયો એ પહેલાં જોરદાર ફૉર્મમાં હતા. પણ કમનસીબે એ શરૂઆતમાં ફૉર્મ ગુમાવી ચૂક્યા હતા. ભારત સામે પણ બંને નિષ્ફળ ગયા હતા. પણ જ્યારે ખરેખર જરૂર હતી (નૉકઆઉટ મૅચમાં) ત્યારે બંનેએ ફોર્મ પાછું મેળવી લીધું."

"એવી જ રીતે શાહીનશાહ આફ્રિદી પહેલી ઓવરમાં વિકેટ લેવા માટે જાણીતા છે, તેઓ પણ અગાઉ નિષ્ફળ રહ્યા હતા. પણ શાહીનનું ફૉર્મમાં પરત આવવું એણે પણ પાકિસ્તાનના જુસ્સાને વધારી દીધો છે."

તેઓ કહે છે કે હવે પાકિસ્તાન સામે ફાઇનલમાં આવનારી કોઈ પણ મૅચને વધુ મહેનત કરવી પડશે.

ઉલ્લેખનીય છે કે શાહીનશાહે ન્યૂઝીલૅન્ડ સામે સેમિફાઇનલમાં પહેલી ઓવરમાં વિકેટ લીધી હતી અને પાકિસ્તાનને ફૉર્મમાં લાવી દીધું હતું. એ ફૉર્મ બેટિંગ પણ જળવાઈ રહ્યું હતું.

પાકિસ્તાન તરફથી શાહીન આફ્રિકી અને નવાઝે પણ સારી બૉલિંગ કરી હતી.

હવે જો ભારત ઇંગ્લૅન્ડને સેમિફાઇનલમાં હરાવી દે તો ફરી એક વાર કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન સામસામે ટકરાઈ શકે છે.