You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતની બાજુમાં બની સિસ્ટમ, કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી?
- લેેખક, બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
- પ્રકાશિત
ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન ખાતાની આગાહી મુજબ આવનારા ત્રણથી ચાર દિવસ હજી વરસાદ વરસતો રહે તેવી શક્યતા છે.
બુધવારે સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે. જેમાં નવસારી, વલસાડ, સુરત, ડાંગ અને તાપી આ વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે.
પૂર્વ ગુજરાતમાં પણ દાહોદ, પંચમહાલમાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, જામનગર, દેવભૂમિ દ્વારકા આ તમામ વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. જ્યારે પોરબંદરમાં ખૂબ જ ઓછો વરસાદ નોંધાયો છે.
રાજકોટ, બોટાદ, અમદાવાદના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. જ્યારે કચ્છમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં હાલ સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે.
હવે આગળ શું થશે?
બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ભારતના ભૂભાગો પર આવી રહી છે.
મધ્ય પ્રદેશ પર હાલ લો-પ્રેશર એરિયા વિસ્તાર છે. જે રાજસ્થાન તરફ આગળ વધશે. જેના લીધે વરસાદની સિસ્ટમ ગુજરાતમાં યથાવત્ રહેશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીજી બાજુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન અરેબિયન સમુદ્ર ઉપર બનેલું છે, જેના લીધે મુંબઈમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
મહારાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારો ઉપર ભારે વરસાદ વરસી રહ્યો છે. તો ગુજરાત ઉપર પણ આ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળી રહી છે.
આજે ક્યાં વરસાદ પડવાની શક્યતા છે?
હવામાન ખાતાની આગાહી અનુસાર આજે નવસારી, વલસાડ, સુરત, ભરૂચ, ડાંગ અને તાપી વિસ્તારોમાં અમુક જગ્યાએ ભારે વરસાદની આગાહી છે. અહીં છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી છે.
વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, પંચમહાલ, દાહોદ, ગોધરા, ખેડા, આણંદ વગેરેમાં પણ વધુ વરસાદ નોંધાય તેવી શક્યતા છે.
સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી, ભાવનગર અને ગીર-સોમનાથમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.
પોરબંદરમાં થોડી માત્રામાં વરસાદ નોંધાય તેવી શક્યતા છે. દેવભૂમિ દ્વારકા, મોરબી, બોટાદ, રાજકોટ, જામનગર અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ વરસાદ થવાની શક્યતા છે.
જ્યારે કચ્છમાં છૂટોછવાયો વરસાદ પડે તેવી શક્યતા છે. બનાસકાંઠા, મહેસાણા, પાટણમાં પણ ધીરે ધીરે છૂટાછવાયો વરસાદ વરસે તેવી શક્યતા છે.
અરવલ્લી, સાબરકાંઠા અને આસપાસના મહિસાગરના કેટલાક વિસ્તારોમાં ખૂબ સારો વરસાદ વરસે તેવી શક્યતા છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર જિલ્લાઓમાં પણ છૂટોછવાયો વરસાદ પડે તેવી શક્યતા છે.
કેટલાં દિવસ સુધી વરસાદી માહોલ છવાયેલો રહેશે?
29 અને 30 જૂન ગુજરાતમાં ખૂબ સારો વરસાદ નોંધાઈ શકે છે. જ્યારે 2જી જુલાઈથી ગુજરાતમાં ધીરે ધીરે વરસાદનું જોર ઘટશે.
સૌરાષ્ટ્રના જિલ્લાઓમાંથી સૌથી પહેલાં વરસાદનું જોર ઘટશે. ત્યારબાદ બનાસકાંઠાથી લઈ વલસાડ સુધીના પટ્ટામાં વરસાદ ઘટશે.
પરંતુ દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ,સુરત, તાપી અને ડાંગ જેવા વિસ્તારોમાં પાંચ જુલાઈ સુધી થોડો ઘણો વરસાદ ચાલુ રહે તેવી શક્યતા છે.