You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બિહારનો આ રેડ લાઈટ વિસ્તાર આજકાલ શા માટે ચર્ચામાં છે?
- લેેખક, સીટુ તિવારી
- પદ, મુઝફ્ફરપુરથી બીબીસી માટે
- પ્રકાશિત
બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં આવેલા ચતુર્ભુજ વિસ્તારને રાજ્યનો સૌથી ઐતિહાસિક રેડ લાઇટ વિસ્તાર માનવામાં આવે છે.
કહેવાય છે કે ક્યારેક આ વિસ્તારમાં ખ્યાતનામ લોકો પોતાનાં બાળકોને સભ્યતા અને કળાની બારીકાઈ શીખવા માટે મોકલતાં હતાં.
સમયની સાથે આ જગ્યા અને અહીંની ગલીઓ રેડ લાઇટ શબ્દના અંધારામાં ડૂબી ગઈ.
પણ હવે આ જ અંધારી ગલીઓમાં ઉજાસનાં નવાં કિરણો ઊભરતાં જોવાં મળી રહ્યાં છે.
આ ચતુર્ભુજ વિસ્તારમાં રહેતાં સેક્સ વર્કર્સનાં બાળકો દ્વારા ચલાવાતી પત્રિકા ‘જુગનૂ’ની કહાણી છે, જેનો હેતુ સેક્સ વર્કર્સ અને તેમના પરિવાર અંગે ફેલાયેલી ભ્રમણા તોડવાનો છે.
જેમ જેમ તેનાં પાનાંઓ ઊલટાવીએ છીએ, હૃદયમાં એ વાત ઊતરતી જાય છે કે ઉપેક્ષિત થયેલો આ રેડ લાઇટ વિસ્તાર પણ સમાજનો જરૂરી દસ્તાવેજ છે.
જેમ કે ‘જુગનૂ’ સાથે જોડાયેલ દસમા ધોરણમાં ભણનારી નંદિની કહે છે કે ‘જુગનૂ’ અમારું આઈ-કાર્ડ છે.
જુગનૂની સફર
આ પત્રિકાની શરૂઆત વર્ષ 2004ના જુલાઈ મહિનામાં ચતુર્ભુજથી થઈ હતી. જ્યાં અંદાજે 600 પરિવાર રહે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચતુર્ભુજ વિસ્તારમાં વર્ષ 2002નાં સેક્સ વર્કર્સનાં બાળકો માટે નસીમા ખાતૂન નામની એક યુવતીએ ‘પરચમ’ નામના સંગઠનની શરૂઆત કરી હતી. તે પોતે પણ એક સેક્સ વર્કરનાં દીકરી છે.
હાલમાં રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના સલાહકાર બોર્ડનાં સભ્ય નસીમા જણાવે છે કે “પરચમ શિક્ષણ, સ્વાસ્થ્ય અને શેરી નાટકો પર કામ કરી રહ્યું હતું. પણ અમે લોકોએ એ અનુભવ્યું કે આપણા લોકો મીડિયાથી ડરે છે. પત્રકારો અમને યોગ્ય રીતે પરિભાષિત કરી શકતા નહોતા."
"જેમ કે હું દેહવેપાર કરનારની દીકરી છું, તો ન્યૂઝ રિપોર્ટમાં દીકરી શબ્દ જ ખતમ થઈ જતો હતો. અને હું દેહવેપાર કરનારી બની જતી હતી. અમે લોકોએ એ નક્કી કર્યું કે અમે લોકો શુદ્ધ-અશુદ્ધ, સાચું-ખોટું કંઈ પણ લખીશું, પરંતુ પોતાનું મૅગેઝિન કાઢીશું.”
મૅગેઝિનનાં પાનાં 4થી 36 થયાં
‘જુગનૂ’નો પહેલો અંક માત્ર ચાર પાનાંનો હતો. આ ચાર પાનાંમાં હતાં ચતુર્ભુજ વિસ્તારનાં બાળકોનાં સપનાં, જે તેમણે જ પોતાના શબ્દોમાં પરોવ્યાં હતાં.
ઝેરોક્સ કરાવીને વહેંચવામાં આવેલી આ કૉપીઓનું સહયોગ મૂલ્ય પાંચ રૂપિયા રાખીને તેને મૅગેઝિનનું સ્વરૂપ અપાયું.
બાદમાં સ્થાનિક પત્રકારો ખાસ કરીને શિવશંકર પ્રસાદે ‘જુગનૂ’ સાથે જોડાયેલાં બાળકોને પત્રકારત્વની પાયાની સમજ આપી. તબલાં, સારંગી, મુજરાની પ્રતીકાત્મક તસવીરો લગાવીને મૅગેઝિનનું કવરપેજ તૈયાર કરાયું. સાથે જ કન્ટેન્ટનો પણ વિસ્તાર કરાયો.
બાળકોના અનુભવ, તેમનાં બનાવેલાં ચિત્રો, કાયદાકીય અધિકાર, દેહવેપાર સાથે જોડાયેલા કાયદાઓ, અખબારોના કટિંગ, રેડ લાઇટ વિસ્તારમાં થનારી ઘટનાઓનું વિવરણ, જવાબ આપો (વાચકોની પ્રતિક્રિયા) મૅગેઝિનમાં સામેલ કરાયા, જેનું પરિણામ 2007માં આવ્યું અને મૅગેઝિન 32 પાનાંનું થયું.
2012માં બંધ, 2021માં ફરી શરૂ
કોઈ પણ પ્રકારની સંગઠિત આર્થિક મદદ વગર ચાલતું ‘જુગનૂ’ આર્થિક અને અન્ય કારણસર 2012નાં બંધ થયું. પારિવારિક કારણોથી નસીમા રાજસ્થાન જતાં રહ્યાં.
પણ 2021ની શરૂઆતમાં જ્યારે તે પોતાનાં બીમાર દાદીને જોવાં માટે ઘરે પરત આવ્યાં તો મૅગેઝિનને ફરીથી શરૂ કરાયું.
મૅગેઝિનનું પબ્લિકેશનનું કામ જોતાં નસીમા જણાવે છે, “હવે બિહાર સિવાય રાજસ્થાનના બાડમેરના કાલબેલિયા, મધ્ય પ્રદેશના નીમચ અને મુરૈનાના બાંછડા-બેડિયા સમુદાય અને મુંબઈના રેડ લાઇટ વિસ્તારને પણ જોડ્યો છે. 36 પાનાંના મૅગેઝિનનું સહયોગ મૂલ્ય 50 રૂપિયા રાખવામાં આવ્યું. મૅગેઝિન હજી પણ હાથેથી જ લખાય છે. પણ હવે તેની ઝેરોક્સ કાઢવાની જગ્યાએ પ્રિંટ કઢાવાય છે.”
શાઈસ્તા પરવીન વર્ષ 2008થી ‘જુગનૂ’ સાથે જોડાયેલાં છે. હવે તે 18 વર્ષનાં છે અને સ્નાતકનો અભ્યાસ કરી રહ્યાં છે.
શાઈસ્તા 2008માં આ મૅગેઝિનમાં ચિત્ર દોરી આપતાં હતાં. પણ હવે તેમના પર ‘મારું સપનું’ કૉલમની જવાબદારી છે.
પોલીસમાં ભરતી થવાનું બાળકોનું સપનું
પાંચમા ધોરણથી લઈને દસમા ધોરણ સુધીનાં બાળકો સાથે સંપર્ક કરીને શાઈસ્તા તેમનું સપનું લખાવે છે. અને બાદમાં તેમાં જરૂરી પરિવર્તન કરીને ‘જુગનૂ’માં છાપવામાં આવે છે.
“બાળકોનાં સપનાં શું છે?” આ સવાલ પર શાઈસ્તા કહે છે કે “વધુ પડતાં બાળકો પોલીસ બનવા માગે છે, કારણ એ છે કે પોલીસ જ્યારે રેડ કરે તો તેઓ ડરીને ભાગે છે. બાળકોને લાગે છે કે પોલીસ બહુ શક્તિશાળી છે.”
“પરંતુ શું તેઓ પોતે પોલીસથી ડરે છે?” શાઈસ્તા હસીને કહે છે કે “પહેલાં નાનપણમાં જોતાં હતાં તો ડર લાગતો હતો. પણ હવે અમે પોલીસથી કેમ ડરીએ?”
પોલીસથી ભાગવું અને બહેનપણીથી ખચકાટ સમાપ્ત
શાઈસ્તા પરવીન જેવો આત્મવિશ્વાસ દસમા ધોરણમાં ભણતી નંદિનીમાં પણ આવ્યો છે.
શાઈસ્તા આજકાલ ચર્તુભુજ વિસ્તારમાં રહેનારાં બાળકોમાં પ્રચલિત ભાષામાં (ગાળવાળી ભાષાનો ઉપયોગ કરીને) એક આર્ટિકલ લખી રહી છે.
નંદિની ક્લાસિકલ ડાન્સર બનવા માગે છે.
નંદિની કહે છે કે “પહેલાં અમે મિત્રોને નહોતાં કહેતાં કે અમે ચતુર્ભુજ વિસ્તારમાં રહીએ છીએ. પણ હવે કોઈ ખચકાટ નથી. તેમને ત્યાં રૂપિયા કોઈ અન્ય માર્ગેથી આવે છે. મારે ત્યાં કોઈ બીજા માર્ગેથી, પણ અમે બન્ને છીએ તો માણસો જ ને. મિત્રતા રાખવી હશે તો રાખશે, મારી માતા શું કરે છે, એનાથી કોઈને શું લેવાદેવા?”
એવું નથી કે ‘જુગનૂ’માં માત્ર સેક્સ વર્કર્સનાં બાળકોની જ સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરાય છે. પરંતુ આ જ લોકો પૈકીના અન્ય ઉંમરના લોકોની સમસ્યાઓ પણ આ મૅગેઝિનના કેન્દ્રમાં હોય છે.
મૅગેઝિનમાં એક ભાગ ઉંમરવાન સેક્સ વર્કર્સનો છે. સ્નાતકનો અભ્યાસ કરી રહેલા મોહમ્મદ આરિફ આ સેક્સ વર્કર્સનાં જીવન પર કામ કરી રહ્યા છે.
તેઓ કહે છે કે “ઉંમર વીતી ગયા બાદ સેક્સ વર્કર્સ કોઈ બીજું કામ નથી કરી શકતી. મોટે ભાગે ભીખ માગીને પોતાનું જીવન પસાર કરે છે. એવામાં સેક્સ વર્કર્સના વિસ્તારો સાથે જોડાયેલી નીતિઓ બને તો ન માત્ર દીકરીઓની વાત થાય, પણ ઉંમરવાન સેક્સ વર્કર્સ માટે પણ નીતિઓ બનવી જોઈએ.”
ડીએમએ કહ્યું છે કે – લાઇટ મળી જશે
‘જુગનૂ’માં હાલ ચાર રાજ્યના દસ રિપોર્ટર કામ કરે છે. આ તમામ રિપોર્ટર પોતાના વિસ્તારના સમાચાર નસીમાને મોકલે છે. ત્યાર બાદ ઑનલાઇન મિટિંગ કરીને કરીને મૅગેઝિનની ડિઝાઇન કરાય છે.
રાજસ્થાનના બાડમેર જિલ્લામાં રામસર તાલુકાના ચાદર ગામના પ્રેમનાથ પણ ‘જુગનૂ’ રિપોર્ટર છે.
તેઓ બીબીસી સાથે ફોન પર વાત કરતા કહે છે કે “જુગનૂને લઈને હું બાડમેરના ડીએમસાહેબને મળવા ગયો હતો. તેમણે અમારું મૅગેઝિન જોયું અને સમસ્યા પૂછી. મેં તેમને કહ્યું – અમારા ઘરોમાં લાઇટ નથી. તેમણે વહેલી તકે લાઇટ પહોંચાડવાનું આશ્વાસન આપ્યું છે. અમારે ત્યાં લોકો પોલીસને જલદી નથી મળતા અને હું કલેક્ટરને મળીને આવ્યો.”
જુગનૂ : મૅગેઝિનથી ગાર્મેન્ટ સુધી
જુગનૂ ન માત્ર આ બાળકોના જીવનમાં પરિવર્તન લાવી રહ્યું છે, પણ આ આખા સમુદાયને પણ બદલી રહ્યું છે. વર્ષ 2022માં ‘જુગનૂ’ની કૉપી લઈને આ બાળકો મુઝફ્ફરપુરના જિલ્લા અધિકારી પ્રણવકુમારને મળ્યાં હતાં.
‘જુગનૂ’ સાથે જોડાયેલ સબીના કહે છે, “અમે ડીએમસાહેબને અમારે ત્યાં ચાલતાં સિલાઈ સેન્ટર અને ‘જીવિકા બચત સમૂહ’ અંગે જણાવ્યું. તેમણે સિલાઈ સેન્ટરને ઉદ્યોગનો દરજ્જો આપતાં તેને ‘જુગનૂ’ ગાર્મેન્ટનું લાઇસન્સ અપાવ્યું. બસ જમીન મળવાની બાકી છે. ત્યાર બાદ અનેક મહિલાઓ ખાસ કરીને ઉંમરવાન સેક્સ વર્કર્સને પણ કામ મળશે.”
હાલમાં ‘જુગનૂ’ની 300 કૉપીઓ છપાઈ રહી છે. નસીમાનું લક્ષ્ય આરએનઆઈ નંબર લઈને મૅગેઝિનને સ્વાવલંબી બનાવવાનું છે.
તેઓ કહે છે “હાલ દિલ્હીના એક ડૉક્ટરોનું સમૂહ તેને છાપવા માટે રૂપિયા આપે છે. પરંતુ મારો પ્રયત્ન છે કે ‘જુગનૂ’ સ્વાવલંબી બને. જેથી ‘જુગનૂ’ રિપોર્ટર્સને એક સારી કિંમત વેતન તરીકે અપાય.”