કવિતા પર EDનો સકંજો : દિલ્હી શરાબ નીતિ કેસની તેલંગણાના રાજકારણ પર કેવી અસર રહેશે?

    • લેેખક, બાલા સતીશ
    • પદ, બીબીસી તેલુગુ
  • પ્રકાશિત

કલ્વકુંતલા કવિતા, ભારત રાષ્ટ્ર સમિતિનાં (BRS) વિધાનપરિષદનાં સભ્ય અને તેલંગણાના મુખ્ય મંત્રી કે. ચંદ્રશેખર રાવ (કેસીઆર)નાં પુત્રી શનિવારે દિલ્હી ખાતે પ્રવર્તન નિદેશાલય (ED)ની ઑફિસે હાજર રહ્યાં હતા અને કલાકોની પૂછપરછ બાદ બહાર નીકળ્યાં હતાં.

નોંધનીય છે કે દિલ્હીની શરાબ નીતિ કેસ મામલે ED તેમની પૂછપરછ કરી હતી.

પ્રવર્તન નિદેશાલય (ED) તેલંગણાના મુખ્ય મંત્રીનાં પુત્રી અને એમએલસી સભ્ય કે. વિરુદ્ધ દિલ્હીમાં કથિત દારૂ ગોટાળા મામલે તપાસ કરી રહી છે.

BRSના કાર્યકરોએ હૈદરાબાદ અને તેલંગણાનાં અનેક શહેરોમાં કવિતાની પૂછપરછના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું.

દિલ્હીમાં પણ કે. ચંદ્રશેખર રાવના ઘરની બહાર BRSના ધારાસભ્યો અને સાંસદો એકઠા થયા હતા.

નોંધનીય છે કે દિલ્હી શરાબ નીતિ કેસની તપાસ CBI અને ED કરી રહ્યાં છે, EDએ આ મામલે અત્યાર સુધી દિલ્હીના ભૂતપૂર્વ ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયા સહિત 12 લોકોની ધરપકડ કરી છે.

કે. કવિતાના ભૂતપૂર્વ CA ગોરંટલા બુચી બાબુ અને તેમના નિકટના સહયોગી વેપારી અરુણ રામચંદ્ર પિલ્લઈનો બંને એજન્સીઓના અગાઉના દસ્તાવેજોમાં ઉલ્લેખ કરાયો હતો, તેમજ ED દ્વારા પહેલાંથી જ તેમની ધરપકડ કરી લેવાઈ હતી.

CBIએ કવિતાની ડિસેમ્બર 2022માં પૂછપરછ કરી હતી જ્યારે શનિવારે EDએ તેમની પૂછપરછ કરી હતી.

દિલ્હી ખાતે ED તેમની પૂછપરછ કરી રહ્યું હતું ત્યારે રાજકીય અને માધ્યમોનાં વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી હતી કે તેમની ધરપકડ થઈ શકે છે.

EDના સમન્સ બાબતે પ્રતિક્રિયા આપતાં કવિતાએ 8 માર્ચના રોજ ટ્વીટ કર્યું હતું.

તેલંગણાને રાજ્યનો દરજ્જો અપાવવાની ચળવળમાં પણ તેમણે ભાગ લીધો હતો.

આ માટેની ચળવળમાં તેમણે તેલંગણાનાં મહિલાઓના એક સાંસ્કૃતિક તહેવાર બટુકમ્માને સાંસ્કૃતિક પ્લૅટફૉર્મ બનાવ્યું હતું. તેમની સંસ્થા તેલંગણા જાગૃતિના નેજા હેઠળ તેમણે તેલંગણાની જુદી જુદી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને રાજકીય કેન્દ્રબિંદુ બનાવી દીધી હતી.

  • તેલંગણાના મુખ્ય મંત્રી કે. ચંદ્રશેખર રાવનાં પુત્રી અને ભારત રાષ્ટ્ર સમિતિનાં વિધાનપરિષદનાં સભ્ય કે. કવિતાની દિલ્હી શરાબ નીતિમાં કથિત ભ્રષ્ટાચાર મામલે દિલ્હી ખાતે શનિવારે EDએ પૂછપરછ કરી હતી
  • પૂછપરછ દરમિયાન એવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી હતી કે તેમની ધરપકડ થઈ શકે છે, પરંતુ કલાકો બાદ તેઓ ઑફિસમાંથી બહાર નીકળ્યાં હતાં
  • કે. ચંદ્રશેખર રાવ આ કાર્યવાહીને ભાજપપ્રેરિત ગણાવી રહ્યા છે, જ્યારે ભાજપ કાર્યવાહીને KCRના ભ્રષ્ટાચારને ઉઘાડો પાડવાના પ્રયત્નો ગણાવી રહ્યો છે

દિલ્હીની શરાબ નીતિ અંગેના કેસની શરૂઆત કેવી રીતે થઈ?

વર્ષ 2022ના જુલાઈ માસમાં દિલ્હીના ઉપરાજ્યપાલે દિલ્હીની શરાબ નીતિ મામલે કથિત ભ્રષ્ટાચાર મામલે CBI તપાસની ભલામણ કરી અને બાદમાં નાણાકીય કથિત ગેરરીતિની આશંકા દેખાતાં EDએ પણ તપાસમાં ઝંપલાવ્યું.

આરોપો પ્રમાણે પ્રસ્તાવિત એક્સાઇઝ પૉલિસી 2021-22 અંતર્ગત અમુક ચોક્કસ ડીલરોને દારૂની દુકાનના લાઇસન્સ આપવા માટે લાંચ પેટે જુદા જુદા પક્ષો વચ્ચે ઓછામાં ઓછા 100 કરોડ રૂપિયાના વ્યવહાર થયા હતા.

રાજકીય પાસું

હવે આ કેસ તેલંગણાના સત્તાધારી પક્ષ BRS અને વિપક્ષ પૈકી એક ભાજપ માટે મહત્ત્વપૂર્ણ બની ગયો છે.

નોંધનીય છે કે આ વર્ષે તેલંગણામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપ અને BRS વચ્ચે ગજગ્રાહ જોવા મળી રહ્યો છે.

ભાજપ તેલંગણામાં સત્તાધારી BRSને ઉખેડી ફેંકી સત્તાસ્થાને બિરાજવાની દિશામાં સક્રિય છે.

જોકે, હાલ રાજ્યની 119 વિધાનસભાની બેઠકો પૈકી માત્ર ત્રણ જ ભાજપ પાસે છે, પરંતુ તે તેલંગણામાં પણ વિપક્ષનો દરજ્જો કૉંગ્રેસ પાસેથી આંચકી લેવા માટે ભરપૂર પ્રયાસ કરી રહ્યો છે.

આ વાતનો પુરાવો ભાજપના સર્વોચ્ચ નેતાઓની રાજ્યની મુલાકાતો પૂરો પાડે છે. ભાજપની રાષ્ટ્રીય નેતાગીરી હાલ તેલંગણામાં ધ્યાન કેન્દ્રિત કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. પોતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લગભગ દર મહિને તેલંગણાની મુલાકાત લઈ રહ્યા છે. આગામી રવિવારે પણ તેઓ હૈદરાબાદની મુલાકાત લેવાના છે.

સામેની બાજુએ BRSના ચીફ KCR પોતાની પાર્ટીને રાષ્ટ્રીય દાવેદાર બનાવવા માટે તેનું નામ સુધ્ધાં બદલી નાખ્યું, પાછલા અમુક સમયથી તેઓ દિલ્હી, પંજાબ અને મહારાષ્ટ્ર જેવાં રાજ્યોની ભાજપવિરોધી એજન્ડા સાથે મુલાકાત લઈ ચૂક્યા છે.

BRS કવિતા સામેના આ કેસને KCR સામે ભાજપે ઉગામેલું રાજકીય શસ્ત્ર ગણાવી રહી છે, તો સામેની બાજુએ ભાજપ એજન્સીઓ દ્વારા ભ્રષ્ટાચારના આરોપોને ટાંકીને આ દલીલને રદિયો આપી રહ્યો છે.

શાબ્દિક જંગ

કવિતા EDની પૂછપરછ માટે હાજર થયાં એના એક દિવસ પહેલાં એટલે કે 10 માર્ચે KCRએ ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા.

કવિતાના પિતાએ પાર્ટીના નેતાઓની આંતરિક મિટિંગમાં કહ્યું કે, “ભાજપને કવિતાને તેમની પાર્ટીમાં સામેલ થવા કહ્યું. જ્યારે તેણે ના પાડી તો હવે તેને ટાર્ગેટ કરાઈ રહી છે. તેઓ કવિતાની ધરપકડ પણ કરી શકે છે. પરંતુ અમે ભાજપ સામે ઝઝૂમતા રહીશું અને પાર્ટીના કાર્યકરો ઝઝૂમતા રહેવાનો આ જુસ્સો ટકાવી રાખે.”

ભાજપે આ તમામ આરોપો ફગાવી દીધા હતા.

રાજ્યમાં ભાજપના પ્રમુખ બાંદી સંજયકુમારે કહ્યું, “KCR ફૅમિલીની એક વિકેટ પડી ચૂકી છે. તમે તમારા ભ્રષ્ટાચારને છુપાવવા માટે તેલંગણાની દીકરીવાળી ભાવનાનો ઉપયોગ ન કરી શકો. ભ્રષ્ટાચારમાં સહભાગી તમામે પરિણામ ભોગવવાં પડશે.”

એક બાજુ ભાજપ અને BRS વચ્ચે શાબ્દિક જંગ ચાલી રહ્યો છે તો બીજી બાજુ રાજ્યમાં કૉંગ્રેસના નેતા રેવંથ રેડ્ડીનો આરોપ છે કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસને હરાવવા માટે ભાજપ અને BRS છૂપી રીતે એકબીજાનો સાથ આપી રહ્યાં છે. જોકે, ભાજપ અને BRS બંને આ આક્ષેપ નકારે છે.