You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ 2008 બૉમ્બબ્લાસ્ટ કેસ : ગુજરાત હાઇકોર્ટે 38 દોષિતોને થયેલી ફાંસીની સજા યથાવત્ રાખી
2008ના અમદાવાદ બૉમ્બબ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઇકોર્ટે પણ ચુકાદો આપી દીધો છે અને દોષિતોને વિશેષ અદાલતે ફટકારેલી સજામાં કોઈ ફેરફાર કર્યો નથી.
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, આ કેસમાં 38 લોકોને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી જેને ગુજરાત હાઇકોર્ટે યથાવત્ રાખી છે.
આ સિવાય અન્ય 11 લોકોને કરવામાં આવેલી આજીવન કેદની સજાને પણ યથાવત્ રખાઈ છે.
જસ્ટિસ અલ્પેશ કોગજે અને જસ્ટિસ સમીર દવેની બૅન્ચ આ કેસની છેલ્લાં અઢી વર્ષથી સુનાવણી કરી રહી હતી અને તેમણે આજે આ ચુકાદો સંભળાવ્યો છે.
બીબીસી સહયોગી ભાર્ગવ પરીખે જણાવ્યું હતું કે, "ગુજરાત હાઇકોર્ટે મૃતકોને 10 લાખ તથા ગંભીર રીતે ઘાયલોને પાંચ લાખનું વળતર આપવાનો પણ આદેશ આપ્યો છે. આરોપીઓની તમામ અપીલ ફગાવી દેવાઈ છે."
વિશેષ અદાલતે પહેલાં શું ચુકાદો આપ્યો હતો?
ફેબ્રુઆરી, 2022માં અમદાવાદ બૉમ્બબ્લાસ્ટ કેસમાં વિશેષ અદાલતે ચુકાદો આપ્યો હતો.
આ કેસમાં કુલ 49 આરોપીમાંથી 38ને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી અને 11 લોકોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
આ કેસમાં ઝડપી ચુકાદો આવે એ માટે વિશેષ અદાલતમાં કેસ ચલાવવામાં આવ્યો હતો. દોષિતોને યુએપીએ અને આઇપીસી 302 અંતર્ગત સજા ફટકારાઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પહેલાં વિશેષ અદાલત દ્વારા 77 આરોપીઓમાંથી 49ને દોષિત અને 28ને નિર્દોષ જાહેર કરાયા હતા.
એ વખતે સજા સંભળાવતી વખતે વિશેષ ન્યાયાધીશ એ.આર. પટેલે બૉમ્બવિસ્ફોટમાં માર્યા ગયેલા લોકોને 1 લાખના વળતરની પણ જાહેરાત કરી હતી. આ ઉપરાંત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા પીડિતોને 50 હજાર જ્યારે સામાન્ય રીતે ઈજાનો ભોગ બનેલાઓને 25 હજારના વળતરની પણ જાહેરાત કરી હતી.
2008માં અમદાવાદમાં કેવી રીતે બૉમ્બબ્લાસ્ટ થયા હતા?
નોંધનીય છે કે 26 જુલાઈ, 2008ના રોજ 70 મિનિટમાં સમગ્ર અમદાવાદમાં અલગ-અલગ સ્થળોએ 21 બૉમ્બધડાકા થયા હતા. જેમાં 56 લોકો મૃત્યુ પામ્યાં હતાં. તેમજ 200 કરતાં વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
આ બ્લાસ્ટની જવાબદારી ઇન્ડિયન મુજાહિદ્દીન અને હરકત-ઉલ-જિહાદ-અલ-ઇસ્લામી નામનાં ઉગ્રવાદી સંગઠનોએ સ્વીકારી હતી.
આ કેસના કેટલાક આરોપીઓને સુનાવણી દરમિયાન અમદાવાદની સલામત મનાતી સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા હતા, જ્યાંથી તેમણે સુરંગ ખોદીને નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાવતરાનો સમયસર પર્દાફાશ થઈ ગયો હતો.
અમદાવાદ બ્લાસ્ટ કેસને લઈને મોટા પાયે એવું માનવામાં આવતું હતું કે ગુજરાતના 2002નાં કોમી રમખાણોને પગલે આ બ્લાસ્ટનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.
સિમીના સભ્યોને લાગતું હતું કે વર્ષ 2002ના ગોધરાકાંડને પગલે ગુજરાતભરમાં ફાટી નીકળેલાં હુલ્લડોમાં લઘુમતી સમુદાયે ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. આથી, બદલાની ભાવનાથી તેમણે અલગ સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીનની સ્થાપના કરી હતી.
70 મિનિટના ગાળામાં એક પછી એક 21 વિસ્ફોટ
25મી જુલાઈ, 2008ના દિવસે દેશના 'આઇટી સિટી' બૅંગલુરુમાં એક પછી એક આઠ બૉમ્બવિસ્ફોટ થયા હતા, જેના બીજા દિવસે જ ગુજરાતની 'આર્થિક રાજધાની' અમદાવાદના રહેણાક, વ્યાવસાયિક વિસ્તારો, જાહેર પરિવહન વ્યવસ્થા અને હૉસ્પિટલોમાં 70 મિનિટના ગાળામાં એક પછી એક 21 વિસ્ફોટ થયા હતા.
આ વિસ્ફોટ મણિનગર, હાટકેશ્વર સર્કલ, એલજી હૉસ્પિટલ અને સિવિલ હૉસ્પિટલના ટ્રૉમા સેન્ટર સહિતના વિસ્તારોમાં થયા હતા.
એફએસએલ અધિકારીઓની તપાસમાં બહાર આવ્યું હતું કે દરેક બૉમ્બ બનાવવા માટે લગભગ 700 ગ્રામ ઍમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન