You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, આજે આ જિલ્લામાં વરસાદનું રેડ ઍલર્ટ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ઠેર-ઠેર ભારે વરસાદ પડ્યો છે અને કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે સ્થિતિ ખરાબ થઈ ગઈ છે.
આજે સવારે છ વાગ્યા સુધીમાં વાપીમાં સૌથી વધુ 8.58 ઇંચ અને સુરતના કામરેજમાં સાડા છ ઇંચ વરસાદ નોંધાયો છે.
વલસાડના પારડી, ઉમરગામ, કપરાડા તથા વલસાડ શહેરમાં પણ સરેરાશ છ ઇંચ, તથા સુરતમાં સરેરાશ પાંચ ઇંચ વરસાદ પડ્યો છે.
તો આગામી દિવસોમાં ગુજરાતમાં અલગ-અલગ વિસ્તારમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી પણ કરાઈ છે.
છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં પણ ભારે વરસાદ પડ્યો છે. ભાવનગર અને અમરેલીમાં સાડા ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
અમરેલીના લાઠી, બાબરા અને સાવરકુંડલામાં પણ સરેરાશ ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
આ સિવાય ભરૂચ, ડાંગ, નવસારી, રબી, વડોદરા, તાપીના વિસ્તારોમાં પણ સારો વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતના રાધનપુરમાં પણ ચાર ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે.
આજે પણ ગુજરાતના પાંચ જિલ્લામાં રેડ ઍલર્ટ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને ભાવનગરમાં વરસાદનું રેડ ઍલર્ટ અપાયું છે અને ત્યાં અત્યંત ભારે વરસાદની આગાહી છે.
આ સિવાય અમરેલી, ભરૂચ અને નર્મદામાં વરસાદનું ઑરેન્જ ઍલર્ટ અપાયું છે જ્યાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ અને દાહોદમાં પણ આજે છૂટાંછવાયાં સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જ્યારે ગુજરાતના બાકીના જિલ્લામાં વરસાદની કોઈ ચેતવણી નથી.
આજે નવસારી અને સુરતની તમામ આંગણવાડી, શાળાઓ, કૉલેજોને ભારે વરસાદને કારણે બંધ રાખવાનો આદેશ અપાયો છે.
આવતી કાલે આઠ તારીખે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગ અનુસાર, નવસારી, ડાંગ, દમણ અને વલસાડમાં આવતી કાલે પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
મુંબઈમાં પણ અતિભારે વરસાદ
મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં છેલ્લા છ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે.
મહારાષ્ટ્રમાં એનડીઆરએફની 17 ટીમો અને એસડીઆરએફની છ ટીમો તહેનાત કરવામાં આવી હતી. મુંબઈમાં એનડીઆરએફની ચાર ટીમો તહેનાત કરાઈ છે.
ગઈ કાલે ભારે વરસાદને કારણે મુંબઈ-પુણે ઍક્સપ્રેસવેના એક ભાગમાં ભૂસ્ખલન થયું હતું અને તેના કારણે વાહનવ્યવહાર પણ અટકી ગયો હતો.
નાસિકમાં વાદળ ફાટવા જેવી સ્થિતિ સર્જાય તેવી ચેતવણી આપવામાં આવી છે.
બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ તથા અરબ સાગરમાં બનેલી બંને સિસ્ટમ સક્રિય હોવાથી મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદની સ્થિતિ હજુ યથાવત્ રહી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન