You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં 118 ટકા કરતાં વધુ વરસાદ પડી ગયો, હજુ કયા જિલ્લામાં વરસાદની આગાહી છે?
ગુજરાતમાં આ વર્ષે ચોમાસું ઘણું સારું રહ્યું છે અને સરેરાશની તુલનામાં 118 ટકા કરતાં વધારે વરસાદ પડી ગયો છે. કચ્છમાં સૌથી વધારે 148 ટકા વરસાદ પડ્યો છે જ્યારે સૌરાષ્ટ્રમાં પણ 108 ટકા વરસાદ નોંધાયો છે. એક તબક્કે સૌરાષ્ટ્રમાં પાંચથી સાત ટકા વરસાદની ઘટ હતી જે હવે ભરાઈ ગઈ છે.
ઉત્તર ગુજરાતમાં સરેરાશના 121.50 ટકા અને પૂર્વ ગુજરાતમાં 117 ટકા વરસાદ પડી ગયો છે. દક્ષિણ ગુજરાતમાં સરેરાશની તુલનામાં 123 ટકા વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગની અમદાવાદ સ્થિત કચેરીના બુલેટિન પ્રમાણે સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં છેલ્લા એક દિવસમાં ચોમાસું સૌથી વધુ સક્રિય હતું. ઉત્તર ગુજરાત અને કચ્છમાં અમુક જગ્યાએ વરસાદ પડ્યો છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ નોંધાયો છે.
છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં કુલ 46 જગ્યાએ વધતા-ઓછા અંશે વરસાદ નોંધાયો છે. ભાવનગરના મહુવામાં સૌથી વધુ ત્રણ ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. આ ઉપરાંત વલસાડમાં દોઢ ઇંચ, નવસારીના ચિખલીમાં સવા ઇંચ અને ખેરગામમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે.
વલસાડના ઉંમરગામ, દાહોદના દેવગઢ બારિયા, વાપી, જલાલપોર, ધરમપુર, ઉના, કપરાડા અને સોનગઢમાં પણ 11 મીમીથી લઇને 25 મીમી (એક ઇંચ) જેટલો વરસાદ નોંધાયો છે.
ચોમાસાની હવે શું સ્થિતિ છે?
ગુજરાત સહિત ઉત્તર ભારતના કેટલાક ભાગોમાંથી એક પખવાડિયા અગાઉ ચોમાસાની સત્તાવાર વિદાય શરૂ થઈ ગઈ હતી અને હજુ તે આગળ વધે છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વેરાવળ, ભરૂચ, ઉજ્જૈન, ઝાંસી અને શાહજહાંપુરથી ચોમાસાની વિદાયની લાઇન પસાર થાય છે.
ગુજરાતના બાકીના ભાગોમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે. તેવી જ રીતે મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાંથી આગામી બેથી ત્રણ દિવસમાં ચોમાસાની વિદાય પૂર્ણ થશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અરબી સમુદ્ર પર વાવાઝોડું શક્તિ સર્જાયું હતું જે નબળું પડી ગયું છે, પરંતુ તેની અસર તરીકે એક લો પ્રેશર એરિયા રચાયો છે. સમુદ્રની સપાટીથી આ એરિયા 5.8 કિમીની ઊંચાઈએ આવેલો છે. હવે તે પશ્ચિમ મધ્ય અરબી સમુદ્ર તરફ આગળ વધે અને આગામી 12 કલાકમાં લો પ્રેશરમાં નબળું પડી જાય તેવી શક્યતા છે.
હવે કયા જિલ્લામાં વરસાદ પડશે?
ગુજરાતમાં હવે કોઈ જગ્યાએ ભારે વરસાદની આગાહી નથી કારણ કે ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે. છતાં કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
જેમ કે 9 ઑક્ટોબર ગુરુવારે વડોદરા, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયાં સ્થળે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે.
ગુજરાતના ડૅમો છલકાયા
સારા વરસાદને કારણે આ વખતે ગુજરાતનાં જળાશયો છલકાઈ રહ્યાં છે. સરકારના ડેટા પ્રમાણે ગુજરાતનાં જળાશયોમાં સરેરાશ 98 ટકા પાણી ભરાયેલું છે. રાજ્યનો સૌથી મોટો ડૅમ સરદાર સરોવર 100 ટકા છલકાઈ ગયો છે.
આ ઉપરાંત ઉત્તર ગુજરાતના 15માંથી આઠ ડૅમ છલકાયેલા છે જ્યારે મધ્ય ગુજરાતના 17માંથી 14 ડૅમ અને દક્ષિણ ગુજરાતના 13માંથી 12 ડૅમ છલકાઈ ગયા છે. કચ્છના 20માંથી 10 ડૅમ છલકાયા છે. સૌરાષ્ટ્રના 141માંથી 85 ડૅમ છલકાઈ ગયા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન