ગુજરાતમાં નબળું પડેલું ચોમાસું હવે ક્યારે મજબૂત થશે, વાવણી લાયક વરસાદ ક્યારે થશે?

પ્રકાશિત

આજકાલ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદ થાય છે, પરંતુ આ વરસાદ એવો નથી કે ખેડૂત વાવણી કરી શકે.

વાવણી માટે ખેતરો તૈયાર કરીને બેઠેલા ખેડૂતો ચોમાસું આગળ વધવાની રાહ જોઈ રહ્યા છે. ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી નવસારી સુધી થઇ ગઈ હતી, પરંતુ ચોમાસું ત્યાંથી આગળ વધ્યું નથી અને કાલથી આ ચોમાસું ગુજરાતમાં નબળું પડી જશે.

ગઇકાલે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર હતું, આજે પણ તેવી જ રીતે વરસાદ રહેવાની સંભાવના છે, પરંતુ હવે ગુજરાતમાં વરસાદ નબળો રહેશે.

દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 10 જૂનના રોજ ચોમાસાની શરૂઆત થઈ ગઈ હતી, 15 જૂન એ ગુજરાતમાં ચોમાસું શરૂ થવાની અધિકારીક તારીખ છે. એટલે આ વર્ષે રાજ્યમાં ચોમાસાની શરૂઆત સમય કરતાં વહેલી થયેલી ગણવામાં આવશે.

તો હવે ગુજરાતમાં વાવણી કરી શકાય તેવો વરસાદ ક્યારે થશે?

ગુજરાતમાં વાવણી કરી શકાય તેવો વરસાદ ક્યારે થશે?

આવતી કાલથી ગુજરાતમાં ચોમાસું વધુ નબળું પડશે અને તે સાથે જ ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા ખૂબ જ ઓછી થઇ જશે.

ગુજરાતમાં 19-20 જૂન સુધી ચોમાસું સક્રિય થાય તેવી કોઈ સંભાવના નથી. અને અત્યારના અનુમાન મુજબ 22 જૂન પછી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ શરૂ થાય તેવી શક્યતા બની શકે.

આ સિવાય, છૂટા છવાયા વિસ્તારોમાં ગમે ત્યારે વરસાદ થઈ શકે, પરંતુ મોટા પાયે વરસાદ થશે નહિ.

ગુજરાતમાં 8થી 11 જૂન સુધી કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો છે, ક્યાંક છૂટો છવાયો તો ક્યાં મધ્યમ અને ગણ્યાંગાઠ્યાં સ્થળોએ મધ્યમ કરતાં વધારે વરસાદ થયો છે.

અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થતાં ખેડૂતોએ વાવણી કરવાનું શરૂ કરી દીધું છે. પરંતુ આ જિલ્લાઓમાં પણ સાર્વત્રિક વરસાદ થયો નથી.

હવામાન વિભાગે જે આગાહી કરી છે તે પ્રમાણે 14 જૂનના રોજ ગુજરાતમાં હજી વરસાદનું જોર રહેવાની શક્યતા છે, પરંતુ તે બાદ વરસાદનું જોર રાજ્યમાં ઘટી જશે અને ખૂબ ઓછા વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓ ચાલુ રહે તેવી સંભાવના છે.

મુંબઈ અને કોંકણના વિસ્તારોમાં ચોમાસું પહોંચ્યું ત્યારે અનેક વિસ્તારોમાં ભારે અને કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ થયો હતો, એટલે કે વાવણી માટે તે પૂરતો વરસાદ ગણાય.

જોકે, ગુજરાતમાં ચોમાસું શરૂ થયું ત્યારે અને તે પહેલાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી ન હતી એટલે કે રાજ્યમાં વાવણીલાયક વરસાદની શક્યતા ઓછી હતી.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આગામી ત્રણ દિવસોમાં ચોમાસું મહારાષ્ટ્ર, ઓડિશા, આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ તથા પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં આગળ વધે તેવી સંભાવના છે.

જોકે, ગુજરાતમાં ચોમાસું આગળ વધે તેવો ઉલ્લેખ હવામાન વિભાગે પણ તેના બુલેટિનમાં કર્યો નથી. હજી પણ આવનારા પાંચથી સાત દિવસ સુધી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વાવણીલાયક વરસાદની શક્યતા દેખાતી નથી.

હાલની સ્થિતિ પ્રમાણે હવામાનનાં જે મૉડેલો દર્શાવી રહ્યાં છે તે પ્રમાણે 20 તારીખ પછી કદાચ ચોમાસું ફરી મજબૂત બને અને રાજ્યમાં વરસાદી ગતિવિધિ વધે તેવી શક્યતા દેખાઈ રહી છે.

ગુજરાતમાં ચોમાસું મજબૂત ક્યારે થશે?

ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ભારતમાં તો ચોમાસું મજબૂત બની રહ્યું છે પરંતુ હવે આ ચોમાસું ગુજરાતમાં મજબૂત નથી થઈ રહ્યું. તેનું કારણ એ છે કે, હાલની સ્થિતિ પ્રમાણે અરબી સમુદ્ર તરફની શાખા આગળ વધી રહી નથી અને તે નબળી પડી છે, હવામાનનાં મૉડલો જે દર્શાવી રહ્યાં છે તે પ્રમાણે આ શાખાને મજબૂત બનતાં હજી થોડા દિવસો સુધીનો સમય લાગે તેવી સંભાવના છે.

ભારતીય હવામાનના બુલેટિને જાણકારી આપી છે કે, આવનારા દિવસોમાં એવી સંભાવના છે કે બંગાળની ખાડી તરફની શાખા આગળ વધશે એટલે કે ઓડિશા, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળના વિસ્તારો તથા બિહાર તરફના વિસ્તારોમાં ચોમાસું આગળ વધતું જોવા મળી શકે છે.

હાલની સ્થિતિ પ્રમાણે અને હવામાનનાં વિવિધ મૉડલો દર્શાવી રહ્યાં છે તે પ્રમાણે 22 જૂન બાદ ગુજરાતમાં ચોમાસામાં પ્રગતિ આવે અને કેટલાક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થાય તેવી સંભાવના છે. જોકે, આ સ્થિતિમાં પણ ફેરફાર થવાની સંભાવના દેખાઈ રહી છે.

હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાત અને મધ્ય પ્રદેશ તથા બીજા વિસ્તારોમાં ચોમાસું ઝડપથી પ્રગતિ કરે તેવી શક્યતા ખૂબ ઓછી દેખાઈ રહી છે.

સામાન્ય રીતે ગુજરાતમાં જૂનના અંત સુધીમાં તમામ વિસ્તારોને ચોમાસું આવરી લેતું હોય છે.

ચોમાસું નબળું છતાં ગુજરાતમાં ક્યાં પડી શકે છે વરસાદ?

ભારતીય હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ચોમાસું નબળું પડી ગયા છતાં કેટલાક વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓ ચાલુ રહે તેવી સંભાવના દેખાઈ રહી છે.

14 જૂનના રોજ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, વડોદરા, ડાંગ, તાપી, નર્મદા, સુરત, ભરૂચ, છોટા ઉદેપુર, પંચમહાલ, મહીસાગર, અમદાવાદ થતા ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા છે.

જે બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના દક્ષિણ તરફના વિસ્તારોમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે, રાજ્યના અન્ય વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના ખૂબ ઓછી છે.

16 જૂનથી વરસાદ ખૂબ ઘટી જશે અને નવસારી, વલસાડ તથા અમરેલી અને ગીર-સોમનાથના કોઈ વિસ્તારોમાં હળવો અને છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા છે. જ્યાં પણ વરસાદ પડશે ત્યાં હળવો અને છૂટો છવાયો વરસાદ પડશે, એટલે કે વાવણી કરી શકાય એટલો પૂરતો વરસાદ થવાની સંભાવના હાલ ઓછી છે.