You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પ્રકાશસિંહ બાદલનું નિધન : સરપંચથી લઈને પાંચ વાર પંજાબના CM સુધીની સફર
પંજાબના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને શિરોમણિ અકાલી દળના વરિષ્ઠ નેતા પ્રકાશસિંહ બાદલનું નિધન થઈ ગયું છે.
તેઓ 95 વર્ષના હતા.
અકાલી દળના મીડિયા સલાહકાર જંગબીરસિંહે બાદલના નિધનની પુષ્ટિ કરી છે.
પાછલા અમુક સમયથી પ્રકાશસિંહ બાદલને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી જે બાદ તેમને હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.
તેમને ગત વર્ષે પણ શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. તેમજ ગત વર્ષે જ તેઓ કોવિડ સંક્રમણના પણ શિકાર થયા હતા.
પ્રકાશસિંહ બાદલનો જન્મ 8 ડિસેમ્બર,1927ના રોજ પંજાબના ભટિંડાના અબુલ ખુરાના ગામમાં થયો હતો.
કહેવાય છે કે તેઓ પીસીએસ ઑફિસર બનવા માગતા હતા પરંતુ અકાલી નેતા ગિયાની કરતારસિંહથી પ્રભાવિત થઈને તેઓ રાજકારણમાં જોડાયા હતા.
તેમણે 1947માં પોતાની રાજકીય સફરની શરૂઆત ગામના સરપંચ તરીકે કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ દાયકાઓ સુધી પંજાબના રાજકારણના અગત્યના ચહેરા તરીકે જળવાઈ રહ્યા.
પ્રકાશસિંહ બાદલે પોતાની પ્રથમ વિધાનસભાની ચૂંટણી વર્ષ 1957માં જીતી હતી.
તેઓ 1970માં 43 વર્ષની ઉંમરે પંજાબના સૌથી યુવાન મુખ્ય મંત્રી બન્યા હતા.
પ્રકાશસિંહ બાદલે કુલ પાંચ વખત પંજાબના મુખ્ય મંત્રી તરીકેના શપથ લીધા હતા.
પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માને પણ બાદલના મૃત્યુ અંગે દુ:ખ વ્યક્ત કરતાં ટ્વીટ કર્યું છે.
તેમજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રકાશસિંહ બાદલના મૃત્યુ પર ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું હતું.
તેમણે લખ્યું હતું કે, પ્રકાશસિંહ બાદલના દેહાંતથી મને અંગત નુકસાન થયું છે. મેં દાયકાઓ સુધી તેમની સાથે ખૂબ નિકટતા સાથે વાતચીતનો અનુભવ કર્યો છે. તેમનામાંથી હું ઘણું શીખ્યો છું. મને એવા ઘણા પ્રસંગો યાદ છે જેમાં તેમની સાથેની વાતચીતમાં મને તેમના જ્ઞાનનો સાક્ષાત્કાર થયો હતો. તેમના અગણિત ચાહકો અને પરિવાર પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરું છું.
તેમના નામે એક અનોખો રેકૉર્ડ પણ રહ્યો, એક તરફ તેઓ પંજાબના સૌથી યુવાન મુખ્ય મંત્રી બન્યા તો બીજી તરફ વર્ષ 2017માં તેમણે મુખ્ય મંત્રી તરીકેનો કાર્યકાળ પૂરો કર્યો ત્યારે તેઓ 90 વર્ષના હતા, આમ તેઓ સૌથી વધુ વયે મુખ્ય મંત્રી રહેનારી વ્યક્તિ પણ બન્યા.
તેઓ શિરોમણિ અકાલી દળના પ્રમુખ રહ્યા જે શીખોના પ્રતિનિધત્વની વાત કરે છે. તેમજ રાજકીય છેડે આ દળે હંમેશાં હિંદુત્વના મુદ્દાને લઈને આગળ વધનારા ભાજપનો સાથ આપ્યો.
પ્રકાશસિંહ બાદલનાં પત્ની સુરિંદરકોરનું પણ નિધન થઈ ચૂક્યું છે. તેમના પુત્ર સુખબીરસિંહ બાદલ અને વહુ હરસિમરતકોર બાદલ બંને રાજકારણમાં સક્રિય છે.