You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનાના પીડિતો સાથે રાહુલ ગાંધીએ ઑનલાઇન વાતચીત કરી
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનાના પીડિતો સાથે ઝૂમ કૉલના માધ્યમથી વાત કરી હતી.
ગુજરાત કૉંગ્રેસે આ ઝૂમ કૉલનાં દૃશ્યો તેમના ટ્વિટર એકાઉન્ટ પર શૅર કર્યાં છે.
બીબીસી સહયોગી બિપિન ટંકારિયાએ આપેલી માહિતી અનુસાર રાહુલ ગાંધીએ લોકસભામાં રાજકોટના પીડિતોનો મુદ્દો ઉઠાવવાની બાંહેધરી આપી હતી.
આ ઝૂમ કૉલમાં રાહુલ ગાંધી સિવાય પીડિત પરિવારોના સભ્યો, કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, જિજ્ઞેશ મેવાણી અને શૈલેશ પરમાર જેવા નેતાઓ પણ જોડાયા હતા.
રાહુલ ગાંધીને રાજકોટ દુર્ઘટનાના સમગ્ર ઘટનાક્રમ અંગે જિજ્ઞેશ મેવાણી અને શક્તિસિંહ ગોહિલે માહિતી આપી હતી.
પીડિતોનાં પરિવાર પૈકી એક મહિલાએ રાહુલ ગાંધીને કહ્યું હતું કે, “મારી બહેનના મૃત્યુ પછી પણ કોઈ નેતાઓ કે અધિકારીઓ પરિવારની ખબર-અંતર પૂછવા પણ આવ્યા નથી. અમારા પર શી વીતી તેના અંગે પણ કોઈએ પૂછવાની તસ્દી લીધી નથી.”
રાહુલ ગાંધીએ કૉંગ્રેસના નેતાઓને પણ ઝૂમ કૉલ દરમિયાન પૂછ્યું હતું કે તેઓ આ ઘટના બની પછી લોકોને ન્યાય અપાવવા માટે શું કરી રહ્યા છે.
તેમણે કહ્યું હતું કે, “આપણે સરકાર પર દબાણ કરવાનું છે અને એ ધ્યાન રાખવાનું છે કે સંપૂર્ણ રીતે સ્વતંત્ર અને ન્યાયપૂર્ણ રીતે આ મામલાની તપાસ થાય.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અહીં ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસના નેતાઓ છેલ્લા ઘણા દિવસોથી રાજકોટમાં સતત પ્રદર્શન કરી રહ્યા છે. કૉંગ્રેસે 25મી જૂનના રોજ ‘રાજકોટ બંધ’નું પણ એલાન આપ્યું છે.
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં આવેલા ગેમ ઝોન લાગ લાગી હતી અને સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે 27 લોકોનાં મોત થયાં હતાં.
બાંગ્લાદેશનાં પીએમ શેખ હસીના બે દિવસ માટે ભારતની મુલાકાતે, ભારત સાથે અનેક કરાર
બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શેખ હસીના શુક્રવારે બે દિવસ માટે ભારત આવ્યાં છે. આજે શેખ હસીના અને ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મુલાકાત થઈ હતી.
અગાઉ શેખ હસીનાએ રાજઘાટ પર પહોંચીને મહાત્મા ગાંધીના સમાધિસ્થળ પર શ્રદ્ધાંજલિ આપી હતી.
શેખ હસીના 9મી જૂને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શપથવિધિ સમારોહમાં પણ આવ્યાં હતાં.
બંને દેશનાં નેતાઓની મુલાકાત અંગે માહિતી આપતા ભારતના વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ જણાવ્યું કે બંને નેતાઓએ અનેક દ્વિપક્ષીય મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી છે.
આ સિવાય ક્ષેત્રીય અને વૈશ્વિક રીતે મહત્ત્વના મુદ્દાઓ પર પણ ભારત અને બાંગ્લાદેશનાં નેતાઓ વચ્ચે વાત થઈ છે.
ક્વાત્રાએ કહ્યું, “બંને નેતાઓ આપણા દ્વિપક્ષીય અને ક્ષેત્રીય સંબંધોને મજબૂત કરવા માટે અને તેમને નવી દિશા આપવા માટે પણ સહમત થયાં છે.”
બંને દેશો વચ્ચે રેલ કનેક્ટિવિટી વધારવા માટે, વેપારને વધારવા માટે અને ગ્રીન પાર્ટનરશિપ માટે કરાર પણ થયા છે.
બંને દેશોએ દરિયાઈ અર્થવ્યવસ્થા અને મહાસાગર ક્ષેત્રે પણ સહયોગ વધારવા માટે નિર્ણય કર્યો છે.
વડા પ્રધાન મોદી તરફથી જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “આજે અમે નવાં ક્ષેત્રોમાં સહયોગ માટે એક ભવિષ્યોમુખી વિઝન તૈયાર કર્યું છે. ગ્રીન પાર્ટનરશિપ, ડિજિટલ પાર્ટનરશિપ અને બ્લૂ ઇકૉનૉમી અને અંતરિક્ષ જેવાં ક્ષેત્રોમાં સહયોગ પર થયેલી સહમતિથી બંને દેશોના યુવાનોને પણ ફાયદો થશે.”
પેપર લીક રોકવા માટે કેન્દ્ર સરકારે નવો કાયદો લાગુ કર્યો
નીટ અને યૂજીસી-નેટની પરિક્ષાને લીધે ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે પેપર લીકને રોકવા માટે બનાવેલા નવા કાયદાને લાગુ કરી દીધો છે.
યુજીસી નેટની પરીક્ષા રદ થવાથી અને નીટનું પેપર લીક થવાને કારણે દેશનાં ઘણાં રાજ્યોમાં વિદ્યાર્થીઓ પ્રદર્શન કરી રહ્યા છે. આ પરીક્ષાનું આયોજન કરતી નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે એનટીએ પર પણ પ્રશ્નો ઊઠી રહ્યા છે.
કેન્દ્ર સરકારે શુક્રવારે મોડી રાત્રે પેપર લીક રોકવા માટેના નવા કાયદાની અધિસૂચના જાહેર કરી હતી. નવા કાયદા પ્રમાણે દોષીને 10 વર્ષની જેલ અને એક કરોડનો દંડ ફટકારવામા આવશે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ચાર મહિના પહેલાં પબ્લિક ઍક્ઝામિનેશન (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) ઍક્ટ, 2024ને મંજૂરી આપી હતી.
શુક્રવારે આ અંગે અધિસૂચના જાહેર કરાઈ હતી અને આ કાયદાને દેશમાં લાગુ કરી દેવાયો હતો.
યુજીસી-નેટ 2024 પરીક્ષાના પેપર લીકના વકરી રહેલા વિવાદ દરમિયાન કેન્દ્ર સરકારના આ નિર્ણયને મહત્ત્વપૂર્ણ ગણવામા આવી રહ્યો છે.
વડા પ્રધાન મોદી અને બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શેખ હસીના વચ્ચે આજે દ્વિપક્ષીય વાર્તા
બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શેખ હસીના ભારતના બે દિવસીય પ્રવાસ પર શુક્રવારે દિલ્હી પહોંચ્યાં હતાં. તેમણે શુક્રવારે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત કરી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે બાંગ્લાદેશનાં સમકક્ષ સાથે મુલાકાત કરશે. આ મુલાકાત દરમિયાન રક્ષા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાવર અને એનર્જી ઉપરાંત ટ્રેડ અને આર્થિક સહયોગ જેવા વિષયો પર ચર્ચા થઈ શકે છે.
અધિકારીઓએ કહ્યું હતું, “ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ઇતિહાસ, ભાષા અને સંસ્કૃતીનાં મૂળીયાં ઊંડાં છે. આ દ્વિપક્ષીય સંબંધ સાર્વભૌમત્વ, સમાનતા, વિશ્વાસ અને સમજણ પર આધારિત સર્વવ્યાપી ભાગીદારીમાં પ્રતિબિંબિત થાય છે. આ ભાગીદારી સમગ્ર પ્રદેશમાં દ્વિપક્ષીય સંબંધો માટે એક મૉડલ તરીકે વિકસિત થઈ છે.”
વાણિજ્ય ભાગીદારીની વાત કરીએ તો દક્ષિણ એશિયામાં બાંગ્લાદેશ ભારતનું સૌથી મોટું ટ્રેડ ભાગીદાર છે અને ભારત બાંગ્લાદેશનું બીજું સૌથી મોટું ટ્રેડ ભાગીદાર છે. આ ઉપરાંત બાંગ્લાદેશ એશિયામાં સૌથી વધારે ભારતમાં નિકાસ કરે છે.
તામિલનાડુના કલ્લાકુરિચીમાં લઠ્ઠાકાંડને કારણે 47 લોકોનાં મોત
તામિલનાડુના કલ્લાકુરિચીમાં લઠ્ઠાકાંડને કારણે 47 લોકોનાં મોત નીપજ્યાં છે. આ મામલે તામિલાનાડુની વિધાનસભામાં પણ ભારે ગરમાગરમી જોવા મળી હતી.
વિધાનસભા શરૂ થતાની સાથે જ એડીએમકે સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓએ આ મામલે ધ્યાન દોરવા માટે એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જોકે, આ ઘટના અંગે ચર્ચાની માગણી માટે નારા લગાવનાર એડીએમકેના ધારાસભ્ય આર.બી. ઉદયકુમારને વિધાનસભાની બહાર કાઢવામા આવ્યા હતા.
વિપક્ષી પાર્ટી એઆઈએડીએમકે અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો વિધાનસભામાં કલ્લાકુરિચીમાં થયેલા લઠ્ઠાકાંડના વિરોધમાં કાળા શર્ટ પહેરીને આવ્યા હતા.
એડીએમકેના ધારાસભ્યોએ મુખ્ય મંત્રી એમ.કે. સ્ટાલિન રાજીનામું આપે તેવી માંગણી સાથે પૉસ્ટરો દેખાડ્યાં હતાં.
ધારાસભ્યોએ સ્પીકર અપ્પાવુની બેઠક સામે ધરણાં કર્યાં હતાં અને બાદમાં સ્પીકરે સુરક્ષાકર્મીઓને વિપક્ષના ધારાસભ્યોને ગૃહમાંથી બહાર કાઢવાનો આદેશ આપ્યો હતો.
એડીએમકેના ધારાસભ્યોને જ્યારે વિધાનસભાની બહાર કાઢવામા આવી રહ્યા હતા ત્યારે તેમની પોલીસ સાથે ઝડપ થઈ હતી. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો પણ સદન છોડીને જતા રહ્યા હતા.
ત્યારબાદ વિપક્ષના નેતા પલ્લાનીસ્વામીએ મીડિયા સાથેનવી વાતચીતમાં આરોપ લગાવ્યો હતો કે વિધાનસભામાં કલ્લાકુરિચીમાં લઠ્ઠાકાંડને લીધે થયેલાં મૃત્યુ વિશે ચર્ચા કરવાની પરવાનગી આપવામા આવી નહોતી. તેમણે મીડિયાને કહ્યું, “અમે આ મામલે સીબીઆઈ તપાસની માંગણી કરીએ છીએ.”