મહેસાણામાં હોમિયોપેથી કૉલેજમાં એક છોકરીએ કોના કારણે આત્મહત્યા કરવી પડી, શું છે હકીકત?

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

"હું કંટાળી ગઈ છું. મારી કૉલેજના અધ્યાપકો મારી સાથે ગેરવર્તણૂક કરે છે. તેમજ મને ખોટી રીતે સ્પર્શ કરવાનો પ્રયત્ન કરે છે."

મહેસાણાની આત્મહત્યા કરનારી વિદ્યાર્થિની ઉર્વશી શ્રીમાળીએ તેના પિતા પ્રવીણભાઈ શ્રીમાળીને આ પ્રકારની વાત કરી હતી. અને આ વાત ખુદ પ્રવીણભાઈએ બીબીસી ગુજરાતી સાથે શૅર કરી.

તેઓ કહે છે, " હું મારી દીકરીને સમજી શક્યો નહી. તે ખુલીને વધુ કહી ન શકી. હું માનતો હતો કે અધ્યાપકો તો ગુરુ કહેવાય. તેઓ થોડી આટલી હદ સુધી જઈ શકે. મારી દીકરી ડૉક્ટર બનવા ગઈ હતી, જે આ નરાધમોને કારણે દર્દી બની ગઈ અને આ દુનિયા છોડવા માટે મજબુર થઈ."

તેઓ આકરા શબ્દોમાં કહે છે, "બીજા કોઈનાં સંતાનો સાથે આવી ઘટના ન બને તે માટે આ લોકોને સજા થવી જ જોઈએ."

મૃતક ઉર્વશી શ્રીમાળી મહેસાણા જિલ્લાના બાસણા ખાતે આવેલ મર્ચન્ટ હોમિયોપથી કૉલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી.

19 વર્ષની ઉર્વશીએ બુધવારે બપોરે હૉસ્ટેલના રૂમમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.

જેને કારણે, ઉર્વશીના પિતાએ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં મર્ચન્ટ હોમિયોપથી કૉલેજના પ્રિન્સિપાલ સહિત પાંચ અધ્યાપકો વિરુધ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણા, શારીરિક-માનસિક ત્રાસ આપવા બાબતે તેમજ ઍટ્રોસિટીની ફરિયાદ દાખલ કરી છે.

વિદ્યાર્થિનીની આત્મહત્યાની ઘટના બાદ કૉલેજના વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધપ્રદર્શન કર્યું હતું. તેમજ જવાબદાર પ્રોફેસરોને સામે કાર્યવાહીની માગ કરી હતી.

ઉર્વશીના પિતાએ ફરિયાદમાં શું કહ્યું?

મૃતક વિદ્યાર્થિની ઉર્વશીના પિતા પ્રવિણભાઈએ ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે તેમની દીકરીને કૉલેજના પ્રોફેસરો દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.

ફરિયાદમાં પ્રવિણભાઈએ જણાવ્યું છે કે તેમની દીકરી ઉર્વશીએ તેમને વાત કરી હતી કે "મારી(ઉર્વશીની) કૉલેજના પ્રોફેસર સુરેશરાવ વાસનિક મને ઊંચા અવાજે બોલીને ધમકાવે છે. તેમજ નાપાસ કરવાની ધમકી આપે છે. પ્રોફેસર પ્રશાંત નુવાલ મને ત્રણ-ત્રણ વાર લખવા આપે છે. તેમજ મને એક જ જગ્યા પર સતત બે-ત્રણ કલાક ઊભી રાખે છે. મને અપશબ્દો બોલે છે."

ઉર્વશીએ તેના પિતાને જે વાત કહી હતી તે વાતને ફરિયાદમાં નોંધાવતા પ્રવીણભાઈએ કહ્યું:

"તેઓ મારા(ઉર્વશીના) શરીર પર ખરાબ રીતે સ્પર્શ કરે છે. પ્રોફેસર વાય. ચંદ્રા બોસ મને એકલીને ક્લાસમાં બોલવે છે અને મારી સાથે ગંદી-ગંદી કૉમેન્ટ કરે છે. પ્રોફેસર સંજય રિથે મને પ્રૅક્ટિકલ કરાવે ત્યારે બધાની વચ્ચે અપમાનિત કરે છે. તેમજ કોઈપણ બહાના હેઠળ મને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરે છે."

પ્રવીણભાઈએ કૉલેજના પ્રિન્સિપાલ સામે પણ ફરિયાદ કરતાં કહ્યું કે તેમની દીકરીએ જ્યારે પ્રિન્સિપાલને આ અંગે રાવ કરી ત્યારે તેમણે પણ કંઈ પગલાં ઉઠાવ્યાં નહોતાં.

ફરિયાદમાં પ્રવીણભાઈએ તેમની દીકરીએ જે કહ્યું હતું તેનું વર્ણન કર્યું:

"મને(ઉર્વશીને) કરવામાં આવતી હેરાનગતી અંગે મેં કૉલેજના પ્રિન્સિપાલ ડૉ. કૈલાશ જીંગા પાટીલને ફરિયાદ કરી હતી. પરંતુ તેમણે પ્રોફેસરોનું ઉપારણું લીધું હતું. અને મને સહન કરવા માટે તેમજ ભવિષ્યમાં ફરિયાદ ન કરવાનું કહ્યું હતું. હું કંટાળી ગઈ છું."

ઉર્વશીના પિતા કહે છે કે "જોકે એ દિવસે મેં મારી દિકરીને એમ પણ કહ્યું હતું કે હું તારા પ્રિન્સિપાલને આવીને મળીશ. તેમજ જરૂર જણાશે તો તારું ઍડમિશન પણ રદ કરાવી દઇશું."

મૃતક ઉર્વશીના ગળાના ભાગે લાલ કાપો તેમજ બરડાના ભાગે લિસોટા હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પ્રવિણભાઈએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે "દિકરીના શરીર પર નિશાન હતાં. પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યુ છે. પોસ્ટમૉર્ટમનો રિપોર્ટ આવશે ત્યારે જ હકીકત ખબર પડશે."

'હું ઉર્વશીના ગુનેગારોને સજા આપાવીશ'

ઉર્વશીના પિતા પ્રવિણભાઈએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે "29 તારીખે જે દિવસે ઘટના બની તે દિવસે મારી દિકરીએ મને સવારે 11 વાગ્યે ફોન કરીને વાત કરી હતી કે મારે કૉલેજ જવું નથી."

"મને થયું કે તબીયત ખરાબ હશે. મને શું ખબર કે હું મારી દિકરીનો છેલ્લી વાર અવાજ સાંભળી રહ્યો હતો."

પ્રવીણભાઈના કહેવા પ્રમાણે બપોરે 1.29 વાગે તેની કૉલેજમાંથી તેમને ફોન કરીને જાણ કરવામાં આવી કે ઉર્વશીએ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો છે.

આ વિશે તેઓ વાત કરતાં કહે છે, "13 જાન્યુઆરીએ મારી દીકરી પ્રવાસથી ઘરે આવી હતી. તે સમયે તેણે મને પ્રોફેસરો દ્વારા અપાતા શારીરિક-માનસિક ત્રાસ અંગે વાત કરી હતી. હું મારી દીકરીની વાત સમજી ન શક્યો તેનો મને અફસોસ અને દુ:ખ છે."

તેમણે રડતા-રડતા જણાવ્યું, "મારી દીકરી ખુબ જ લાગણીશીલ સ્વભાવની હતી. તે જીવદયામાં ખુબ જ માનતી હતી. તે અમારા ઘરે અમને મચ્છર પણ મારવા દેતી ન હતી. જો કોઈ પક્ષી મરી જાય તો પણ તે દુ:ખી થઈ જતી હતી. તે મૃત પક્ષીઓને દાટતી પણ હતી."

ઉર્વશીને ન્યાય અપાવવાની વાત કરતાં તેઓ કહે છે, "મારી દીકરી સાથે થયું તે અન્ય કોઈની દીકરી સાથે ન થાય તે માટે હું ગુનેગારોને સજા અપાવીશ."

પોલીસે શું કહ્યું?

ફરિયાદની તપાસ કરનાર અધિકારી ડીવાયએસપી મિલન પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતુ કે "મર્ચન્ટ હોમિયોપથી કૉલેજમાં વિદ્યાર્થિનીએ કરેલી આત્મહત્યાના મામલે કૉલેજના પ્રિન્સિપાલ સહિત પાંચ આરોપીઓ વિરુધ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી."

"પોલીસે પાંચેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આરોપીઓને કાર્ટ સમક્ષ રજૂ કરીને જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓની પૂછપરછ કરી લીધી હોવાથી તેમના રીમાન્ડની માંગણી કરવામાં આવી ન હતી."

કૉલેજની અન્ય વિદ્યાર્થિનીઓને આ પ્રકારનો ત્રાસ આપવામાં આવતો હોવાની કોઈ ફરિયાદ સામે આવી છે કે કેમ તે અંગેના પ્રશ્નના જવાબમાં મિલન પટેલે જણાવ્યું હતું કે "આ અંગે અમે પૂછપરછ કરી રહ્યા છીએ. સંબંધીત લોકોનાં નિવેદનો લેવામાં આવી રહ્યાં છે. તપાસના અંતે જ આ અંગે કંઈ કહી શકાશે."

મિલન પટેલે જણાવ્યું હતુ કે "મૃતક વિદ્યાર્થિનીની હૉસ્ટેલના રૂમમાં એફએસએલની ટીમ સાથે મળીને પોલીસે તપાસ કરતાં સ્યૂસાઇડ નોટ મળી આવી હતી. મૃતક વિદ્યાર્થીનીના રૂમમાંથી સ્યૂસાઇડ નોટ સહિત અન્ય સામગ્રી જપ્ત કરી છે. અને એફએસએલમાં વધુ તપાસ માટે તેને મોકલવાની કાર્યવાહી ચાલી રહી છે. સ્યૂસાઇડ નોટમાં શું લખેલું હતું તે અંગે હાલ હું કશુ જ કહી શકું નહી. તે અંગે પણ તપાસ ચાલી રહી છે."

સ્યૂસાઇડ નોટ અંગે મૃતક ઉર્વશીના પિતા પ્રવિણભાઈએ જણાવ્યું હતુ કે "હું મારી દિકરીની અંતિમવિધિ માટે મારા ગામ આવ્યો છું. જેથી મને આ વિશે વધુ કંઇ ખબર નથી."

આરોપીઓનાં નામ

મૃતક ઉર્વશીના પિતા પ્રવીણભાઈ શ્રીમાળીએ જેમની સામે ફરિયાદ દાખલ કરી છે તેમનાં નામ આ પ્રમાણે છે.

  • સુરેશરાવ વાસનિક
  • પ્રશાંત ચાંદમલજી નુવાલ
  • વાય. ચંદ્રા બોસ
  • ડૉ.સંજય રીથે
  • ડૉ. કૈલાસ જીંગા પાટીલ

સમગ્ર ઘટના અંગે મર્ચન્ટ હોમિયોપથી કૉલેજના ટ્રસ્ટી રાજુભાઈ દાલીયાનો બીબીસી ગુજરાતીએ સંપર્ક કરતાં તેમણે આ અંગે વાત કરવાની ના પાડી હતી. અમને આરોપીઓનું શું કહેવું છે તે પણ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ હજુ સુધી જવાબ મળ્યો નથી.

તેમનો જવાબ આવતા જ અહીંયા અપડેટ કરવામાં આવશે.

(નોંધ: આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઇન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોન કરી શકો છો. આ સિવાય આસરા વેબસાઇટ અથવા તો વૈશ્વિક સ્તર પર બીફ્રૅન્ડર્સ વર્લ્ડવાઇડ પાસેથી પણ સહયોગ મેળવી શકો છો.)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.