તાપી : '5 મહિનાની દીકરી, 4 વર્ષના દીકરા સાથે, બધાં રસ્તા પર આવી ગયાં, હવે ક્યાં જવું', દબાણ તોડી પાડવાનો શું છે મામલો?

    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત

"વરસાદી પાણી વચ્ચે ભાડાનું મકાન શોધીએ, બાળકોને નિશાળે મોકલીએ, પોલીસ સાથે સંઘર્ષ કરીએ કે પછી બચેલી ઘરવખરી સાચવીએ, કંઈ જ ખબર નથી પડતી. અમે બિલકુલ નિઃસહાય થઈ ચૂક્યા છીએ."

વ્યારા શહેરમાં રહેતા અશોક ભોઈના (29) આ શબ્દો છે.

જન્મથી જે મકાનમાં રહેતા હતા તે મકાન પર 22મી જૂને સરકારી જમીન ખાલી કરવાની નોટિસ આપ્યા બાદ તેમના મકાન પર બુલડોઝર ફેરવી દેવાયું છે.

ઘણા લોકોની ફરિયાદ છે કે તે તેમને તેમનો સામાન લેવાનો પણ સમય ન મળ્યો, તો ઘણા લોકો તૂટેલા મકાન પાસે ઘણા દિવસો સુધી તાડપત્રી બાંધીને રહેતા હતા.

લોકોનું કહેવું છે કે એક તરફ સાંબેલાધાર વરસાદ હતો અને બીજી બાજુ રસ્તા પર પડી ઘરવખરી. સરકારી ડિમોલિશન ચોમાસા સમયે થવાના કારણે આશરે 70થી વધુ પરિવારોને અનેક તકલીફોનો સામનો કરવો પડ્યો હતો.

અશોક આપવીતી જણાવતા વધુમાં કહે છે કે, "હાલમાં મારી પાંચ મહિનાની દીકરી, ચાર વર્ષનો દીકરો, પત્ની સાથે રસ્તા પર જ છે. અમે તેમના માટે કંઈ જ કરી નથી શકતા. એક તરફ વરસાદ છે, બીજી બાજુ આજુબાજુના વિસ્તારોમાં મકાનનાં ભાડાં પણ ખૂબ વધારી દેવાયાં છે. અમારું એ ગજું જ નથી કે અમે તે મકાન ભાડેથી લઈ શકીએ. જન્મથી જ જગ્યાએ રહેતા હતા, તે જગ્યાએથી અમને ત્રણ કલાકમાં ઉખેડી દીધા છે."

અશોક અને તેમની સાથે બીજા 15 લોકો પર પોલીસે તેમની કામગીરીમાં દખલ દેવા બદલ ફરિયાદ પણ કરી છે. આ ફરિયાદ ડિમોલિશન થયાના ત્રીજા દિવસે થઈ હતી.

જોકે તેમને વ્યારા છોડવાની શરતે જામીન મળ્યા છે. હાલમાં તેઓ વ્યારા શહેરની બહાર રહી રહ્યા છે, જ્યારે તેમનાં પત્ની બાળકો સાથે વ્યારા શહેરમાં રસ્તા પર જ છે.

ગણેશ ભોઈ એક વકીલ છે. આ ડિમોલિશનમાં તેમનું મકાન પણ તોડી નાખવામાં આવ્યું છે.

તેઓ કહે છે કે, "અમને નોટિસ આપી, તેમાં ચાર મહિનાની અંદર મકાન ખાલી કરવાની ચેતવણી આપી હતી, પરંતુ તેના બીજા જ દિવસે આ લોકો ચારે બાજુથી બુલડોઝર લઈને આવી ગયા અને ઘરો તોડવાં માંડ્યા. અમે બહુ આજીજી કરી, પરંતુ અમારી એક ન સાંભળી."

તેઓ વધુમાં કહે છે કે, "આ 70 પરિવારો ઉપરાંત બીજા 35 પરિવારોને નોટિસ આપવામાં આવી છે અને તેમનાં મકાનો પણ ગમે ત્યારે તોડી પાડવામાં આવશે."

ગણેશભાઈ આ વિસ્તારના આગેવાન પણ છે. તેમનો દાવો છે કે, સરકારી ઑર્ડર પ્રમાણેની જમીન ઉપરાંત પણ પોલીસે તોડફોડ કરીને ગેરકાયદેસર રીતે મકાનો તોડી દીધાં છે.

તેઓ કહે છે કે, "કલેક્ટરના 28મી જૂન 2019ના ઑર્ડર પ્રમાણે સી.સ.નં. 2579/અની જમીન પરથી 4399 ચો.મી. જમીન પરનાં દબાણો દૂર કરવાનાં હતાં, પરંતુ એવાં ઘણાં મકાનો હતાં કે જે સી.સ.નં. 2582 પર હતાં અને તેમને તોડી પાડવામાં આવ્યાં છે."

જમીન કોની છે?

તાપી કલેક્ટરના ઑર્ડર પ્રમાણે આ જમીન તાપી પોલીસ હેડક્વાર્ટસ અને એસપી બિલ્ડિંગ માટે ફાળવવામાં આવેલી છે.

તે માટે સી.સ. નં. 2579/અની 4399 ચો.મી. જમીન ગૃહ વિભાગને ફાળવવામાં આવી છે. 2019ના એક ઑર્ડર પ્રમાણે આ વિસ્તારની જમીન ખાલી કરવા માટે આ જમીન પર ગેરકાયદેસર રહેતા પરિવારોને 2019માં નોટિસ પાઠવવામાં આવી હતી.

તાપી પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ રાહુલ પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે, "તે આરોપો તદ્દન ખોટા છે કે આ ડિમોલિશન ચોમાસા દરમિયાન કરવામાં આવ્યું છે. ગેરકાયદેસર રહેતા લોકોને 2019થી કહેવામાં આવ્યું હતું અને આ ડ્રાઇવ આશરે 15 દિવસ પહેલાંથી શરૂ કરવામાં આવી હતી, ત્યારે વરસાદ ન હતો. આ જમીન ગૃહખાતાને ફાળવવામાં આવી છે, માટે અમે આ જમીન ખાલી કરાવી છે."

"અમે કોઈ વધારાની જમીનનો કબજો લીધો નથી," તેમણે વધુમાં કહ્યું હતું.

જોકે આ વિશે બીબીસી ગુજરાતીએ તાપી કલેક્ટર વિપિન ગર્ગ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો. તો તાપીના સબ ડિવિઝનલ મૅજિસ્ટ્રેટ આરસી પટેલ સાથે જ્યારે વાત કરી તો તેમણે પણ બીબીસીના સવાલોનો જવાબ આપ્યો ન હતો.

આ વિશે બીબીસી ગુજરાતીએ વ્યારા નગરપાલિકાનાં પ્રમુખ સેજલબહેન રાણા સાથે વાત કરી.

તેમણે કહ્યું કે, "આ ડિમોલિશન ડ્રાઇવમાં નગરપાલિકાની કોઈ ભૂમિકા નથી, કારણ કે કલેક્ટરના ઑર્ડર બાદ પોલીસે તેમની રીતે આ જમીન પરનાં દબાણો દૂર કરવા માટે આ ડિમોલિશન શરૂ કર્યું હતું. પરંતુ જો નગરપાલિકામાં કોઈ રજૂઆત થશે અને સરકારમાંથી તેમને કહેવામાં આવશે તો આ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવા સંદર્ભે વિચાર કરવામાં આવશે."

કેવી પરિસ્થિતિ છે લોકોની?

જોકે મોટા ભાગના લોકોની ફરિયાદ છે કે તેઓ રસ્તા પર આવી ગયા છે અને હવે તેમનાં બાળકો સાથે ક્યાં જવું તે તેમના માટે એક મોટી સમસ્યા છે.

આશિષ ભોઈ (28)નો જન્મ વ્યારાના શંકર ફળિયામાં જ થયો હતો. તેમનું ઘર પણ હાલમાં તૂટી ગયું છે. તેમનો મોટો દીકરો સ્કૂલ જતો હતો અને નાની દીકરી આંગણવાડીએ જતી હતી. પરંતુ હવે તેમનું ઘર તૂટી ગયું હોવાથી તેઓ પણ રસ્તા પર આવી ગયા છે.

"અમે રૂપિયા 5000નું ભાડાનું મકાન જોયું છે અને ત્યાં થોડા દિવસોમાં જતા રહીશું, પરંતુ હાલમાં તો અમારી દશા ખૂબ ખરાબ છે. છોકરાઓની નિશાળ હવે બંધ જ થઈ જશે, કારણ કે ભાડાનું મકાન શાળા અને આંગણવાડીથી ખૂબ દૂર છે."

"મારાં માતા-પિતા પણ મારા પર જ નિર્ભર છે, એમને લઈને હવે ક્યાં જવું તે મને સમજાતું નથી. જો સરકાર અમને વૈકલ્પિક વ્યવસ્થા આપે તો સારું."

વ્યારાના સ્થાનિક વકીલ નીતિનભાઈ પ્રધાન આ પરિવારો વતી કોર્ટમાં અરજી કરવા માટે તૈયારી કરી રહ્યા છે.

તેમનું માનવું છે કે, "આ તમામ પરિવારોને વૈકલ્પિક વ્યવસ્થા મળવાનો હક્ક છે. ગુજરાત હાઈકોર્ટના વિવિધ ઑર્ડર છે, જેમાં કોર્ટે જે તે સમયે લોકોનો પક્ષ લેતા જે તે વિસ્તારના લોકો માટે સ્પષ્ટ કીધું છે કે જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ન આપવામાં આવે ત્યાં સુધી લોકોને તેમની જગ્યાએથી ખસેડવા નહીં."

નીતિનભાઈએ વધુમાં કહ્યું કે, "ગુજરાત સરકારની સ્લમ રિહેબિલિટિશન પૉલિસી અંતર્ગત આ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા મળવી જોઈએ. આ પૉલિસી હેઠળ સરકાર અને લોકો વચ્ચે વાટાઘાટ થાય ત્યારબાદ જ કોઈ પણ ડિમોલિશન કરવામાં આવે છે, પંરતુ અહીં આ પૉલિસીના નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી."

ગુજરાત હાઈકોર્ટના જૂના ઑર્ડર શું કહે છે?

ગુજરાત હાઈકોર્ટના 2005ના ચીફ જસ્ટિસ ભવાની સિંગના એક ઑર્ડર પ્રમાણે, અમદાવાદના રાણીપ વિસ્તારની ઝૂંપડપટ્ટીને ખસેડતા પહેલાં બન્ને પક્ષોએ સાથે બેસીને વાતચીત કરીને એક વૈકલ્પિક વ્યવસ્થાનું આયોજન કરવું જોઈએ. ગુજરાત હાઈકોર્ટે તેમને તેમની જ જમીન પર રહેવાની પરવાનગી પણ આપી હતી. આ પિટિશનમાં જનસંઘર્ષ મંચે લોકો તરફથી રજૂઆતો કરી હતી.

આવી જ રીતે 2006માં જસ્ટિસ રવિ ત્રિપાઠી અને રાજેશ શુક્લાના એક ઑર્ડર પ્રમાણે, સરકારે માનવીય અભિગમ સાથે કામ કરવાની જરૂર છે. લોકો કેટલા સમયથી તે જમીન પર રહી રહ્યા છે તે મહત્ત્વનું નથી, મહત્ત્વનું તે છે કે આ એક સામાજિક સમસ્યા છે અને સરકારને તેનું સમાધાન શોધવું જોઈએ, માટે સરકારને તાકીદ કરવામાં આવે છે કે સુરત, કડોદરાના આ લોકોને તે જમીન પરથી દૂર ન કરવામાં આવે.

ગણેશ ભોઈ બીબીસી ગુજરાતીને કહે છે કે, "અમે ટૂંક સમયમાં ગુજરાત હાઈકોર્ટના શરણે જવાના છીએ અને આશા છે કે અમને ત્યાં ન્યાય મળશે."