You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ડાકુ જગન ગુર્જર : ત્રણ-ત્રણ રાજ્યોમાં 'આતંકનું બીજું નામ' ગણાતા ડાકુની જેલમાં કેવી રીતે હત્યા થઈ?
- લેેખક, મોહરસિંહ મીણા
- પદ, બીબીસી માટે, જયપુરથી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
રાજસ્થાનની અજમેર હાઈ સિક્યૉરિટી જેલમાં સોમવારે ચંબલના ડાકુ જગન ગુર્જરની હત્યા કરી દેવાઈ. હત્યાનો આરોપ એ જ બેરેકમાં બંધ કેદી વિષ્ણુ જાટ પર છે. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક પૂછપરછમાં વિષ્ણુ જાટે હત્યા કર્યાની વાત કબૂલી લીધી છે. ઘટના પછી જગનનો મૃતદેહ જિલ્લા હૉસ્પિટલની મૉર્ચરીમાં રાખવામાં આવ્યો, જ્યાં તેના પરિવારજનોએ આખો દિવસ ધરણાં કર્યાં.
જગન ગુર્જરના પરિવારજનો હત્યાની સીબીઆઈ તપાસ કરાવવા અને પરિવારને સુરક્ષા આપવા સહિતની અન્ય માંગણીઓ સાથે ધરણાં પર બેઠા હતા. મંગળવારની સાંજે તેમની કેટલીક માંગણીઓ પર પોલીસ સાથે સહમતી સાધવામાં આવ્યા પછી તેઓ મૃતદેહ લઈ જવા તૈયાર થયા હતા.
બુધવારે જગન ગુર્જરના મૃતદેહના તેમના ગામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આ દરમિયાન અંદાજે ઘણા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ તેમના ગામમાં તહેનાત રહ્યા. ચંબલના કુખ્યાત ડાકુ જગન ગુર્જરની જેલમાં થયેલી હત્યાએ માત્ર વહીવટી તંત્રની સુરક્ષા વ્યવસ્થા સામે જ સવાલો ઊભા નથી કર્યા, બલ્કે ફરી એક વાર એ ડાકુની કહાનીને ચર્ચામાં લાવી દીધી છે, જેમનું નામ ત્રણ રાજ્યોનાં કોતરોમાં દાયકાઓ સુધી ભયનું પર્યાય રહ્યું હતું.
ધૌલપુરમાં પણ જગન ગુર્જરના પરિવારજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને પરિવારની સુરક્ષાની માંગ કરી છે. તો બીજી તરફ, જગન ગુર્જરના પરિવારજનોની સાથે મૃતદેહ લેવા અજમેર ગયેલા બાડી એસએચઓ દેવેન્દ્ર શર્માએ બીબીસી ન્યૂઝ હિન્દીને જણાવ્યું છે કે, "વહીવટી તંત્રની સાથે પરિવારજનોની સહમતી થઈ ગઈ છે."
તેમણે કહ્યું છે, "પરિવારને સુરક્ષા આપવાની માંગ પર સહમતી થઈ છે. જગન ગુર્જરના પુત્ર આસારામને સુરક્ષા ગાર્ડ આપવામાં આવશે અને અજમેર જેલમાં બંધ જગનના નાના ભાઈને અન્ય જેલમાં સ્થાનાંતરિત કરવામાં આવશે. જેલ અધિકારીઓ અને જેલ વહીવટી તંત્ર વિરુદ્ધ તપાસ કરવામાં આવશે અને દોષિત લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે."
એસએચઓના જણાવ્યા અનુસાર, "પરિવારજનોની માંગણીથી જગન ગુર્જરના અંતિમ સંસ્કારમાં તેમના ભાઈ પપ્પુ ગુર્જર, ધૌલપુર જેલમાં બંધ લાલસિંહ અને પાનસિંહને સામેલ થવાની મંજૂરી મળશે. આની સાથે જ તત્કાલીન બાડી એસએચઓની પણ તપાસ કરવામાં આવશે." પરિવારજનો મંગળવારે મોડી સાંજે પોતાના ધરણાં સમાપ્ત કરીને પાછા ફર્યા છે, પરંતુ તેમની માંગણીઓ પર થયેલી સહમતી બાબતે હજુ સુધી સત્તાવાર પુષ્ટિ નથી મળી શકી.
જગન ગુર્જર કોણ હતો?
રાજસ્થાનની સૌથી સુરક્ષિત મનાતી અજમેર હાઈ સિક્યૉરિટી જેલમાં બંધ જગન ગુર્જરની હત્યાથી જેલ વહીવટી તંત્રની સુરક્ષા ઉપર ગંભીર સવાલો ઊઠી રહ્યા છે. કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ગોવિંદસિંહ ડોટાસરા અને રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના સાંસદ હનુમાન બેનીવાલે આ કેસની સીબીઆઈ તપાસની માંગણી કરી છે.
હાઈ સિક્યૉરિટી જેલમાં હત્યા થવા બાબતે બીબીસીએ રાજસ્થાનના ડીજી (જેલ) અશોકકુમાર રાઠોડને સવાલ પૂછ્યો, જેનો તેમણે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નથી. તેમણે બીબીસી ન્યૂઝ હિન્દીને જણાવ્યું, "આ હત્યા સોમવારે સવારે લગભગ 11 વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યાની વચ્ચે થઈ છે. કેસની તપાસ ચાલુ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીજી તરફ, અજમેરના એસપી હર્ષવર્ધન અગ્રવાલે બીબીસીને જણાવ્યું કે જગન ગુર્જરની સાથે એક જ સેલમાં બંધ વિષ્ણુ જાટની સામે હત્યાના આરોપમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો અનુસાર કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે, "ગમછાની મદદથી ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે."
જોકે, પોલીસે એ સ્પષ્ટ નથી કર્યું કે વિષ્ણુ જાટે જગન ગુર્જરની હત્યા શા માટે કરી અને શું બંને વચ્ચે કોઈ અદાવત કે સંબંધ હતો કે નહીં. પોલીસના જણાવ્યા અનુસાર આ કેસનો આરોપી વિષ્ણુ જાટ પહેલાંથી જ એક હત્યાના કેસમાં જેલમાં સજા ભોગવી રહ્યો છે.
એસપી હર્ષવર્ધન અગ્રવાલે જણાવ્યું, "આ કેસની ન્યાયિક મૅજિસ્ટ્રેટ સ્તરે તપાસ કરવામાં આવી રહી છે, જ્યારે પોલીસ પોતાની રીતે અલગથી તપાસ કરી રહી છે." ધૌલપુરના એસપી વિકાસ સાંગવાને જણાવ્યું કે જગનના ગામમાં સ્થિતિ સામાન્ય છે અને સાવચેતીના ભાગરૂપે પોલીસ દેખરેખ રાખવામાં આવી રહી છે.
પરિવાર અને પોલીસ વચ્ચે માંગણીઓ બાબતે સહમતી થયા પહેલાં કેટલાક કલાક સુધી જગન ગુર્જરના પુત્ર આસારામ અને અન્ય પરિવારજનો અજમેર જિલ્લા હૉસ્પિટલની મોર્ચરીની બહાર ધરણાં પર બેઠા રહ્યા. પરિવારજનોની માંગ હતી કે જગનના ભાઈ પપ્પુ ગુર્જરને અંતિમ સંસ્કારમાં સામેલ થવાની પરવાનગી આપવામાં આવે, જેનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે.
પરિવારજનોએ એવી માંગ પણ કરી છે કે બાડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક જૂના કેસમાં જગન ગુર્જરને પહેલાં કસ્ટડીમાં લીધા પછી જેલ મોકલવામાં આવ્યો હતો, આ કેસની નિષ્પક્ષ તપાસ કરાવવામાં આવે.
જગન ગુર્જર ડાકુ કઈ રીતે બન્યો?
ધૌલપુરના એસપી વિકાસ સાંગવાને બીબીસી ન્યૂઝ હિન્દી સાથે ફોન પર થયેલી વાતચીતમાં કહ્યું કે જગન ગુર્જર વિરુદ્ધ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને યુપીનાં જુદાં-જુદાં પોલીસ સ્ટેશનોમાં અંદાજે 128 કેસ નોંધાયેલા છે, જે હત્યા, હત્યાના પ્રયાસ, અપહરણ, ધાડ અને લૂંટ જેવા ગંભીર અપરાધો સાથે સંકળાયેલો છે. જોકે, લગભગ 70 કેસોમાં તેમને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યો હતો.
જગન ગુર્જર સાથે સંકળાયેલા ધૌલપુરના એક વ્યક્તિએ સુરક્ષાનો ઉલ્લેખ કરીને પોતાનું નામ ન છાપવાની શરતે જણાવ્યું, "વર્ષ 1994માં જગન ગુર્જરના બનેવીની હત્યા થઈ હતી. આ ઘટનાએ અપરાધની દુનિયામાં તેમના પ્રવેશની શરૂઆતમાં મહત્વની ભૂમિકા ભજવી."
તેમણે આગળ જણાવ્યું, "પોતાના બનેવીની હત્યાનો બદલો લેવા માટે જગને ત્રણ લોકોની હત્યા કરી હતી. ત્યાર પછી તેઓ સતત ગંભીર ગુનાહિત મામલાઓમાં સામેલ થતા ગયા." વરિષ્ઠ પત્રકાર હર્ષ ખટાનાએ ઘણી વખત જગન ગુર્જરનો ઇન્ટરવ્યૂ કર્યો છે. તેઓ જણાવે છે, "વર્ષ 2019ની વાતચીતમાં જગને કહ્યું હતું કે તેઓ અપરાધની દુનિયા છોડીને સામાન્ય જીવન અને રાજકારણમાં આવવા ઇચ્છતા હતા."
હર્ષ ખટાના આગળ કહે છે, "ઢગલાબંધ કેસો અને ડાકુ તરીકેની ઓળખના કારણે તેમની રાજકીય મહત્ત્વાકાંક્ષા ક્યારેય પૂરી ન થઈ શકી." જગન ગુર્જરને ઓળખતા ધૌલપુરના એક પૂર્વ ડાકુએ નામ ન છાપવાની શરતે બીબીસીને કહ્યું, "ચંબલનાં કોતરોમાં ઘણી વખત પોલીસ પહોંચે તે પહેલાં જ તેઓ રાજ્યની સીમા પાર કરી દેતા હતા. તેના લીધે લાંબા સમય સુધી ત્રણ રાજ્યોની પોલીસ માટે તેઓ મોટો પડકાર બની રહ્યા."
આ બાજુ મૉર્ચરીની બહાર ધરણાં પર બેઠેલા જગન ગુર્જરના પુત્ર આસારામે પિતાની હત્યાને ષડ્યંત્ર ગણાવી છે. તેમણે કહ્યું, "હત્યા પૂરા પ્લાનિંગ સાથે કરવામાં આવી છે. આ માત્ર એક વ્યક્તિનું કામ ન હોઈ શકે. મારા પિતા મજબૂત બાંધાના માણસ હતા. જ્યારે સેવર જેલમાં તેમને મારવાનું કાવતરું ઘડાયું હતું, ત્યારે તેઓ 15 લોકોને ભારે પડ્યા હતા. તેમની હત્યામાં જેલ વહીવટી તંત્રની મિલીભગત છે."
એક ધમકીના લીધે દેશમાં ચર્ચામાં રહ્યો જગન
વર્ષ 2008માં ગુર્જર અનામત આંદોલન દરમિયાન તત્કાલીન મુખ્યમંત્રી વસુંધરા રાજેના ધૌલપુરસ્થિત મહેલને ઉડાવી દેવાની કથિત ધમકી આપ્યા પછી જગન ગુર્જર દેશભરમાં ચર્ચામાં આવ્યો હતો. તે દરમિયાન, ધમકી આપ્યા પછી સુરક્ષા એજન્સીઓએ વસુંધરા રાજેના મહેલ પર મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તહેનાત કરી દીધા હતા.
વર્ષ 2019માં બાડી કસ્બામાં એક દુકાનદાર સાથે વિવાદ થયા પછી બંદૂકની અણીએ મુખ્ય બજાર બંધ કરાવવાની અને ફાયરિંગની ઘટનાએ પણ તેને ચર્ચામાં લાવી દીધો. બાડીથી કૉંગ્રેસના તત્કાલીન ધારાસભ્ય ગિર્રાજ મલિંગાએ બીબીસીને કહ્યું, "તે દરમિયાન મેં પોલીસને આ મામલાની ફરિયાદ કરી, ત્યાર પછી જગન ગુર્જરે મને પણ ધમકી આપી હતી."
2019માં જામીન પર બહાર આવેલા જગન ગુર્જર પર બે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને ગામમાં ફેરવવાનો આરોપ પણ લાગ્યો હતો. આ બાબત રાષ્ટ્રીય સ્તરે સમાચારોમાં ચમક્યા પછી તે ફરી ચર્ચામાં રહ્યો. એવા ઘણા ગુનાહિત રેકોર્ડ છે, જેમાં તેઓ જામીન પર બહાર આવ્યા પછી પણ ગુનાહિત ઘટનાઓમાં સામેલ રહ્યો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન