જેતપુર ખેડૂત આંદોલનમાં 'સરકાર સાથે વાત શરૂ કરવા 2 કરોડ માગ્યા', હકાભાનો આરોપ, શું છે સમગ્ર વિવાદ

પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

ગુજરાતમાં ખેતરોમાં વીજથાંભલા નાખવા મુદ્દે સરકારે ખેડૂતોને મળતા જમીનના ભાવમાં વધારો અને આખું વળતર ચૂકવવાની જાહેરાત કર્યા છતાં મોરબીના જેતપરમાં આંદોલન ચાલુ છે.

આજે 17મા દિવસે પણ ખેડૂતો ઉપવાસ પર બેઠા છે.

જોકે ખેડૂત આંદોલનમાં નવો વિવાદ સામે આવ્યો છે.

ખેડૂતોને સમર્થન આપવા માટે આંદોલનમાં હાજરી આપનાર જાણીતા કલાકાર હકાભાએ આંદોલનમાં ઉપવાસ પર બેઠા નીલેશ એરવાડિયા પર સરકાર સાથે વાટાઘાટો શરૂ કરવા માટે પૈસા માગવાનો આક્ષેપ કર્યો છે.

નીલેશ એરવાડિયાએ આક્ષેપોને ફગાવ્યા હતા અને કહ્યું કે, 'આંદોલનમાં આક્ષેપ તો થાય પરંતુ આરોપ સાબિત કરવાનું મહત્ત્વનું છે'.

હકાભાએ આ મામલે શનિવારે એક પ્રેસ કૉન્ફરન્સ પણ કરી હતી. તેમાં તેમણે એક કથિત ઑડિયો રેકૉર્ડિંગ પણ રજૂ કરી હતી જેમાં તેમની અને નીલેશ એરવાડિયાની વાતચીતનો ઑડિયો હોવાનો દાવો કર્યો હતો.

નીલેશ એરવાડિયા પર હકાભાએ શું આરોપ કર્યા?

જાણીતા કલાકાર હકાભા ગઢવી સહિતના કલાકારોએ ખેડૂતોને સમર્થન આપ્યું હતું અને ખેડૂતોની પવાસ છાવણીમાં લોકડાયરાનું આયોજન કરાયું હતું. હકાભાએ તેમાં હાજર રહ્યા હતા.

હકાભાએ આક્ષેપ કર્યો હતો કે નીલેશ એરવાડિયાએ આંદોલન પૂરું કરવા માટે પૈસા માગવાની વાત કરી હતી.

હવે જ્યારે સરકારે ખેડૂતોની માગો માની લીધી છે ત્યારે હકાભાએ પ્રેસ કૉન્ફરન્સ કરીને પોતાનો પક્ષ જણાવ્યો છે.

તેમણે દાવો કર્યો હતો કે, "જે દિવસે હું ગયો ત્યારે કાર્યક્રમ પત્યો અને નીલેશ એરવાડિયા મારી ગાડીમાં બેઠા. મેં કહ્યું કે સરકારે બોલાવ્યા છે તો આપણે જવું જોઈએ."

"પછી જો સરકાર ના પાડે તો આંદોલન ચાલુ જ છે. નીલેશ એરવાડિયાએ કહ્યું કે તેમાં આપણને શું મળશે. ત્યારે હું સ્તબ્ધ થઈ ગયો હતો."

"મેં તો આવું વિચાર્યું પણ નહોતું અને હું તો એક કરોડ ખેડૂતોની મદદ માટે આવ્યો હતો. આમાં મારો કોઈ સ્વાર્થ નથી."

નીલેશ એરવાડિયાએ શનિવારે સવારે હકાભાના આક્ષેપો મામલે કહ્યું હતું કે આક્ષેપ કોઈ પણ કરી શકે, સાબિત કરવું મહત્ત્વનું છે.

તો હકાભાએ પોતાની પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે, "હું પ્રૂફ આપવા જઈ રહ્યો છું."

હકાભાએ દાવો કર્યો કે, "નીલેશ એરવાડિયાએ કહ્યું કે સરકારમાં કોઈ હોય તો કહો, સમિતિમાં બધા ફૂટી ગયેલા છે. પણ હું કહું છું કે હકીકતમાં સમિતિ સારી છે, કોઈ ફૂટ્યા નથી. મને વિશ્વાસ છે કે જેતપરની જનતા પર વિશ્વાસ છે, ખેડૂતો પર વિશ્વાસ છે. આંદોલનમાં જે બેઠા છે તેમના પર વિશ્વાસ છે."

"તેમણે (નીલેશ એરવાડિયાએ) કહ્યું કે સરકારમાં વાત થાય તો 25 કરોડ રૂપિયાની માંગ કરવાની છે. મારા પગ ધ્રૂજી ગયા. તેમણે કહ્યું કે તમારા કોઈ ઓળખીતા હોય સરકારમાં તો વાત કરો."

હકાભાએ નીલેશ એરવાડિયા પર આક્ષેપ કર્યો કે, "તેમણે સરકાર પાસે જતા પહેલાં ઍડવાન્સમાં બે કરોડ રૂપિયાની માંગ કરી હતી અને કુલ 25 કરોડ રૂપિયા માગ્યા હતા જેમાંથી તેમણે મને (હકાભાને) એક કરોડ આપવાની વાત કહી. મને થયું કે આ માણસ મારા પર છાંટા ઉડાડશે."

હકાભાએ કહ્યું કે,"મને લાગ્યું કે સમિતિમાં નીલેશ એરવાડિયા જ સૌથી મોટા છે."

"ત્યારે મારી પાસે મોબાઇલ (ફોન) હતો પણ હું કેવી રીતે પ્રૂફ લઉં, મને ડર લાગ્યો. હું કંઈ બોલ્યો નહીં."

હકાભાએ આગળ જણાવ્યું કે, "મેં કહ્યું કે સારું આપણે વાત કરીએ. હું નીકળી ગયો અને મને ઊંઘ ન આવી આખી રાત. મન ખબર હતી કે આવું કોઈ ફરી વાર બોલે? હોશિયાર માણસ, આટલાં આંદોલન કરી ચૂકેલો માણસ, બુદ્ધિશાળી માણસ ફરી બોલશે નહીં."

આગળ તેમણે કહ્યું કે, "રેકૉર્ડિંગ કરવા માટે મેં (નીલેશ એરવાડિયાને) કૉલ કર્યો. મેં પ્રૂફ માટે કૉલ કર્યો હતો."

"મેં કહ્યું કે નીલેશભાઈ કહે છે કે સરકાર પાસે આવવાના બે કરોડ રૂપિયા જોઈએ છે, સમાધાન થાય એ બધું પછી... બાકીનો વહીવટ પછી..બરાબર છે નીલેશભાઈ."

"તો તેમણે કહ્યું કે હા, મેં કહ્યું ખાલી આવવાના ને... તેમણે કહ્યું કે સરકાર પાસે આવવાના બે..એક તમારા..એક મારા..."

"મેં કહ્યું કે મારે ખેડૂતોનો યશ લેવો છે...પૈસા તમારા...તો તેમણે કહ્યું કે આવી રીતે વાત ન કરાય તમારે.. મારી પાસે આ રેકૉર્ડિંગ છે."

તેમણે કહ્યું કે, "મેં એ સમયે એટલે આ વાત ન કરી કારણ કે આંદોલન બગડી શક્યું હોત. હું સરકારના નિર્ણયની રાહ જોતો હતો. સરકાર નિર્ણય કરે પછી હું વાત રજૂ કરું."

તેમણે નીલેશ એરવાડિયા પર ધમકી આપવાનો આક્ષેપ પણ કર્યો હતો.

નીલેશ એરવાડિયાએ આક્ષેપો વિશે શું કહ્યું હતું?

મોરબીથી બીબીસી ગુજરાતીના સહયોગી રાજેશ અંબાલિયા અનુસાર જેતપર ગામના લોકો નીલેશ એરવાડિયાને ઉપવાસ છાવણી પરથી ખસી જવા માટે માનવી રહ્યા હતા અને પછી તેમને હૉસ્પિટલમાં ખસેડી દેવાયા. અને હવે ખેડૂત આંદોલન સમિતિએ કહ્યું કે નીલેશ એરવાડિયા આંદોલનનો ભાગ નથી.

રાજેશ આંબલિયા અનુસાર ગામલોકોનું કહેવું છે કે નીલેશ એરવાડિયાને હૉસ્પિટલમાંથી આવીને પણ ઉપવાસમાં બેસવા નહીં દેવાય.

ઉપવાસ પરથી 'ઉઠાડી દેવાયા' બાદ નીલેશ એરવાડિયાએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, "હકાભાએ જે આરોપ કર્યા છે અને ઑડિયો વાઇરલ થયા છે એ સંદર્ભમાં આંદોલન છાવણી બદનામ થતી હોય, તો હું છાવણી છોડી દેવા તૈયાર છું."

"મારી તબિયત સારી નથી, આજે 17મો દિવસ છે. મારી લોહીની ટકાવારી 5-સાડા પાંચ ટકા છે. કિડની અને લિવર પર સોજો છે, એટલે એમડી ડૉક્ટરે હૉસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી છે."

તેમણે કહ્યું કે, "મારા કારણે છાવણી બદનામ થતી હોય તો હું છાવણી છોડવા માટે તૈયાર છું."

"જે ખેડૂતોએ સમર્થન આપ્યું છે અને અમે અમારી માગ પર અડગ છીએ. આ છાવણીને તોડવાના અનેક પ્રયત્નોને થઈ રહ્યા છે, મને અનેક લોભ અને લાલચ આપવામાં આવી રહ્યા છે, ધાક-ધમકીઓ આપવામાં આવી રહી છે. ખેડૂતોએ અત્યાર સુધી જે સમર્થન આપ્યું એ ચાલુ રહે. આંદોલન તૂટવા દેતા નહીં."

"માગણી પૂરી નહીં થાય તો, જેતપર સમિતિ નિર્ણય લે તો ગુજરાત સ્તરે લઈ જઈશું."

તેમણે કહ્યું કે તબિયતના કારણે તેઓ આજે (શનિવાર) સાંજે હૉસ્પિટલમાં દાખલ થવાના હતા પરંતુ હવે વહેલા દાખલ થઈ રહ્યા છે.

આગળ તેમણે ઉમેર્યું કે, "આ છાવણી બદનામ ન થાય એવી તમામ ખેડૂતોને મારી વિનમ્ર વિનંતી છે."

તેમણે કહ્યું કે આમરણાંત ઉપવાસ ચાલુ રહેશે. અને જેતપરની ખેડૂત આંદોલન સમિતિ જે નિર્ણય લેશે તેનાથી તેઓ સંમત છે.

આ પહેલાં શનિવાર સવારે આ આંદોલનના સભ્ય નીલેશ એરવાડિયાએ વાટાઘાટો માટે પૈસા માગવાના પર આરોપ અંગે પ્રેસ કૉન્ફરન્સમાં પુછાયેલા પ્રશ્ન પર કહ્યું કે "આક્ષેપ તો કઈ પણ કરી શકે. આંદોલન તોડવાના અનેક પ્રયત્નો થઈ રહ્યા છે. આક્ષેપ કરવો એ કોઈની ઇચ્છાની વાત છે, સાબિત કરવું મહત્ત્વનું હોય છે."

તેમણે આગળ કહ્યું કે આ આંદોલન તોડવાના અનેક પ્રયાસો થઈ રહ્યાં છે પણ ગુજરાતના ખેડૂતો જાગી ગયા છે, કોઈ લોભ-લાલચ, રાજનીતિમાં પડ્યા વગર પોતાના હક, અધિકાર અને ન્યાયની વાત કરશે અને અમારી લડત અવિરત ચાલુ રહશે.

તેમણે દાવો કર્યો હતો કે, "અજાણ્યા લોકો આવીને ધમકી આપે છે, લોકો ખેડૂતોના સ્વાંગમાં સેલ્ફી લેવા આવે છે અને ધમકીઓ આપે છે. આંદોલનમાં આવું થતું હોય છે."

જેતપરમાં ખેડૂત આંદોલન સમિતિએ શું કહ્યું

મોરબીથી બીબીસી ગુજરાતીના સહયોગી રાજેશ આંબલિયા અનુસાર ખેડૂત આંદોલન સમિતિ સાથે જોડાયેલા રાજુભાઈ અમૃતિયાએ કહ્યું છે કે નીલેશ એરવાડિયા અને હકાભાના વિવાદ સાથે આંદોલન સમિતિનો કોઈ સંબંધ નથી.

આંદોલન સમિતિએ કહ્યું કે જ્યાં સુધી તેમને પરિપત્ર નહીં સોંપવામાં આવે ત્યાં સુધી આંદોલન યથાવત્ રહેશે.

નીલેશ એરવાડિયાને આંદોલનમાંથી હઠાવી દેવાયા બાદ હવે આંદોલનના 17 મા દિવસે આઠ લોકો ઉપવાસ પર બેઠા છે.

ખેડૂત આંદોલન સમિતિ સાથે જોડાયેલા રાજુભાઈ અમૃતિયાએ કહ્યું કે, "ગુજરાતના ખેડૂતોની છાવણીમાંથી અમે આજુબાજુનાં 30 ગામનો મત લીધો. બધાનો મત હતો કે નીલેશ એરવાડિયા અને હકાભાનો ઑડિયો સાંભળીને દુ:ખ થયું અને બધું વિખાઈ જશે તો નીલેશભાઈને સમજાવીને ઉઠાડી દેવામાં આવે."

"અને તેમની તબિયતને જોતાં અમે તેમને પારણા જ કરી દેવાના છે એવો નિર્ણય કર્યો હતો."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન