You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આ મહિલાઓ બાળકો પેદા કરવાની કેમ ના પાડે છે?
- લેેખક, એલા કિપલિંગ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
જેસ કિંગ હંમેશાં એવું જ માનતાં હતાં કે તેઓ બાળકો પેદા કરશે જ. તેમના માટે આ એક એવો કુદરતી માર્ગ હતો, જે દરેક સ્ત્રી અનુસરતી હોય છે. પરંતુ જેમ જેમ તેમની ઉંમર વધતી ગઈ, તેમ તેમ તેમના મનમાં એક જ વિચાર આવ્યા કરતો કે તેઓ હજી તૈયાર નથી. સમય જતાં, તેમની આ શંકા વધુ પાકી થતી ગઈ.
તેઓ આ બાબત યાદ કરતાં કહે છે, "તે વિચાર એવા પ્રશ્નમાં બદલાઈ ગયો કે શું હું આના માટે તૈયાર નથી કે પછી મારે આ જોઈતું જ નથી?"
જે જે લોકોને બાળકો હતાં, તેમની સાથે જેસે વાત કરી. તેઓએ જેસને કહ્યું કે તેઓ આ બાબતે એકદમ આશ્વસ્ત હતા અને તેમનામાં માતૃત્વની તીવ્ર ઇચ્છા હતી.
"મને તેવી કોઈ ઇચ્છા નહોતી અને તેના લીધે જ મેં મારી જાતને સવાલ કરવાનું શરૂ કર્યું."
જેસની જેમ, બ્રિટનમાં મોટાભા ગની મહિલાઓ બાળકો રાખવાનું પસંદ કરી રહી નથી. સેન્ટર ફૉર સોશિયલ જસ્ટિસ (CSJ) દ્વારા કરવામાં આવેલા સંશોધન મુજબ, 16થી 45વર્ષની વયની લગભગ ત્રીસ લાખ મહિલાઓ બાળક વિના રહેવાનું પસંદ કરે તેવી શક્યતા છે.
જો આ વયજૂથની મહિલાઓ પણ તેમના દાદા-દાદીના સમય જેટલા જ દરે બાળકો પેદા કરતી હોત, તો અત્યારે વધુ 6,00,000 મહિલાઓ બાળકોને જન્મ આપી રહી હોત.
ઑફિસ ફૉર નેશનલ સ્ટેટિસ્ટિક્સના ડેટા અનુસાર, 2025માં ઇંગ્લૅન્ડ અને વેલ્સમાં જન્મદર સતત ચોથા વર્ષે ઘટીને રેકોર્ડ સ્તરે નીચો પહોંચી ગયો છે.
સીએસજેના અહેવાલમાં આ આંકડા પાછળનાં વિવિધ સામાજિક અને આર્થિક દબાણોને મુખ્ય કારણો ગણાવ્યાં છે. આ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે ઘરનું વધતું ભાડું કે કિંમતો, આર્થિક રીતે પગભર થવામાં થતો વિલંબ, મોડાં લગ્ન અને કરિયરને લઈને વધતી અનિશ્ચિતતા જેવાં પરિબળોએ આમાં મોટી ભૂમિકા ભજવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જેસ, જે તેના જીવનસાથી ઑલી સાથે પશ્ચિમ લંડનમાં રહે છે, તેના માટે નાણાકીય તંગી પણ એક વિચારવા લાયક કારણ છે.
જેસ એક કન્ટેન્ટ ક્રિએટર છે અને તે સેલ્ફ-ઍમ્પ્લોઇડ છે, એટલે કે તેની આવકમાં ઉતાર-ચઢાવ થતા રહે છે. જો તે બાળકો પેદા કરવાનું વિચારે, તો તેના માટે આ એક ચિંતાનો વિષય બની શકે છે.
તે કહે છે, "એવા અસંખ્ય લોકો છે જેઓ માંડ-માંડ પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. કેટલાક મહિનાઓમાં અમારે ખરેખર આર્થિક તંગી સામે ઝઝૂમવું પડતું હોય છે, ત્યારે પરિસ્થિતિ ઘણી મુશ્કેલ બની જાય છે."
મેં જેટલી પણ મહિલાઓ સાથે વાત કરી, તેમાંથી ઘણી મહિલાઓએ આર્થિક તંગીને જવાબદાર તો ગણાવી, પરંતુ સાથે જ તેમણે બીજાં કારણો તરફ પણ પ્રકાશ પાડ્યો; જેમ કે ક્લાયમેટ ચેન્જની ચિંતા, પોતાના કરિયર પ્રત્યેની મજબૂત પ્રતિબદ્ધતા, મુસાફરી કરવાની ઇચ્છા અને એક એવી ભાવના કે અત્યારે દુનિયા તેમને 'ફ્રીડમ ઑફ ચોઇસ' (પસંદગીની સ્વતંત્રતા)ની વધુ તક આપે છે.
33 વર્ષીય જેસ અને ચી બંને કહે છે કે તેમને એવા લોકોની ઓનલાઇન કૉમ્યુનિટીઝમાંથી સપોર્ટ મળ્યો, જેમણે બાળકો વિના પણ સુખી જીવન બનાવ્યું છે.
ટિકટોક પર #childfree હેશટેગના 1,27,900થી વધુ વીડિયો છે, જ્યારે #childfreebychoiceના 68,100થી વધુ વીડિયો છે. તેમને સ્ક્રૉલ કરતાં મને દેખાઈ રહ્યું છે કે હજારો મહિલાઓ માતા ન બનવા પાછળનાં કારણો વિશે ખુલીને ચર્ચા કરી રહી છે.
જેસ કહે છે કે સોશિયલ મીડિયાના કારણે તેમણે બાળકો ન રાખવાનો નિર્ણય નથી લીધો, પરંતુ તેનાથી તેમના નિર્ણયને થોડું પ્રોત્સાહન મળ્યું છે અને આ વિષય પર પોતાના વિચારો ખુલીને રજૂ કરવામાં તેઓ વધુ સહજતા અનુભવવા લાગ્યાં છે.
મિડલૅન્ડ્સનાં 33 વર્ષીય એકાઉન્ટ મૅનેજર ચી પણ ઓનલાઇન પોતાના જેવા જ વિચારો ધરાવતી મહિલાઓના એક ગ્રૂપના સંપર્કમાં છે. વાસ્તવિક જીવનમાં, જોકે તેમનાં માતા-પિતા અને નજીકના મિત્રોએ બાળકો ન રાખવાના તેમના નિર્ણયમાં સાથ આપ્યો છે, પરંતુ તેમના બાકીના પરિવારે આ નિર્ણય સ્વીકાર્યો નહોતો.
તે કહે છે, "હું આફ્રિકન પૃષ્ઠભૂમિમાંથી આવું છું." અને સમજાવે છે કે તેમના મોટા ભાગના સંબંધીઓ એવી સંસ્કૃતિમાંથી આવે છે જ્યાં "મહિલાઓ માટે બાળકો પેદા કરવાં અનિવાર્ય માનવામાં આવે છે."
"આ વિચારનો વિરોધ કરનાર વ્યક્તિ તરીકે મારી વાત સાંભળીને લોકોને મોટો આંચકો લાગ્યો હતો અને તેઓને આ વાત પર વિશ્વાસ નહોતો થતો."
ચી અન્ય કોઈ વ્યક્તિની જવાબદારી લેવામાં સહજતા અનુભવતાં નથી. તેઓ કહે છે, "બાળકને જે પ્રેમની જરૂર હોય છે, તે મને નથી લાગતું કે હું પૂરેપૂરો આપી શકું."
તેની પ્રાથમિકતાઓમાં તેની કારકિર્દી અને મુસાફરી છે, જે તે માને છે કે બાળકો સાથે "ઘણી મુશ્કેલ" હશે.
સીએસજે રિપોર્ટમાં જણાવાયું છે કે કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરવાની ઇચ્છા એ મહિલાઓ દ્વારા બાળકો ન રાખવાનું પસંદ કરવા પાછળનાં મુખ્ય કારણોમાંનું એક છે. આ અહેવાલ 2023માં 'ન્યૂ સોશિયલ કૉવેનન્ટ યુનિટ' દ્વારા યુકેમાં રહેતી 1500થી વધુ 18-35 વર્ષની મહિલાઓના સર્વેક્ષણનો ઉલ્લેખ કરે છે, જેમાં જાણવા મળ્યું હતું કે જે મહિલાઓ માતા બનવા નથી માંગતી, તેમાંથી 38% મહિલાઓએ કહ્યું હતું કે તેઓ પોતાના કરિયરમાં આગળ વધવા માંગે છે, તેથી આ નિર્ણય લીધો છે.
લગભગ અડધા ઉત્તરદાતાઓએ બાળઉછેરના ભારે ખર્ચનો ઉલ્લેખ કર્યો અને 41% લોકોએ કહ્યું કે જો તેઓ બાળકો પેદા કરે, તો તેમણે મોટા ઘરમાં રહેવા જવું પડે.
ચી માને છે કે માતાઓને પૂરતો સપોર્ટ મળતો નથી અને બાળઉછેરનો ખર્ચ તથા પૅરેન્ટલ લીવની વ્યવસ્થા મહિલાઓ માટે "એક માત્ર માતા બનીને રહેવા સિવાય, બહારની પોતાની જિંદગી જીવવાનું અઘરું બનાવી દે છે."
તેણી તેના એક મિત્રનો ઉલ્લેખ કરે છે, જેને બાળકને શાળાએ ડ્રોપ અને પિક-અપ કરવા માટે તેના કામના કલાકો ઘટાડવા પડ્યા છે.
તેણી મને કહે છે, "જો આ વ્યવસ્થાઓ બદલાઈ હોત, તો કદાચ મારો નિર્ણય શરૂઆતમાં થોડો બદલાઈ શક્યો હોત."
સીએસજેના રિપોર્ટમાં દલીલ કરવામાં આવી છે કે, યુકેમાં સામાજિક રીતે અને સરકારી નીતિઓ બંનેમાં માતા તરીકેની ભૂમિકાને વધુ મહત્ત્વ આપવાની જરૂર છે, જે રીતે 20મી સદીમાં માતૃત્વને વધુ સન્માનની નજરે જોવામાં આવતું હતું.
મેં જેટલી પણ મહિલાઓ સાથે વાત કરી, તેમાંથી ઘણી સ્ત્રીઓએ એવા લોકોને વર્ણવ્યા (જેમને તેઓ વ્યક્તિગત રીતે જાણતી હતી અથવા ઓનલાઇન અજાણ્યા લોકો હતા), જેઓ કહેતા હતા કે તેઓ ભવિષ્યમાં માતા બનવા વિશેનો વિચાર બદલી નાખશે અથવા તો આ ખોટો નિર્ણય લઈ રહી છે.
કોકટેલ બારનાં આસિસ્ટન્ટ મૅનેજર સાશાને લાગે છે કે તે જે અંતરિયાળ ગામમાં રહે છે, ત્યાં લોકોની આવી ટીકાઓનો સામનો વધુ કરવો પડે છે.
વેલ્સમાં રહેતાં 28 વર્ષનાં સાશા કહે છે, "અહીં દરેક વ્યક્તિ બાળકો રાખે છે, બૉયફ્રેન્ડ બનાવે છે અને લગ્ન કરે છે. આ કારણે મારે લોકોની થોડી ટીકા-ટિપ્પણીઓનો સામનો પણ કરવો પડ્યો છે."
સાશા અને તેનો 31 વર્ષનો બૉયફ્રેન્ડ ટોમ પોતાના પૈસા દુનિયા ફરવામાં વાપરવાનું વધુ પસંદ કરે છે. "અમે આ વર્ષે માલદીવ્સ જઈ રહ્યાં છીએ. જો અમારે બાળકો હોત, તો અમે ચોક્કસપણે આ પરવડી શકત નહીં."
પરંતુ તેમની આસપાસના લોકો તરફથી થોડો વિરોધ હોવા છતાં, ઘણી મહિલાઓએ મને કહ્યું કે હવે મોટા ભાગે લોકોને એવું લાગવા માંડ્યું છે કે બાળકો પેદા કરવાં એ કોઈ ફરજિયાત બાબત નથી.
એક ડૉગ ટ્રેનર સિયાન એવું વિચારીને જ મોટાં થયાં હતાં કે બાળકો રાખવાં એ "એક એવું કામ છે જે તમારે કરવું જ પડે", ભલે તેના મનમાં "માતા બનવાની કોઈ ખાસ ઇચ્છા" નહોતી. પરંતુ 27 વર્ષની ઉંમરે હવે તે બાળક ન રાખવાના પોતાના નિર્ણય પર એકદમ અડગ છે.
રશિયા અને મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષો, તેમજ ક્લાયમેટ ચેન્જ સિયાનના આ નિર્ણય પાછળનાં મુખ્ય કારણો છે.
"શું હું બાળકને હાલની આ દુનિયામાં લાવવા માંગું છું? ના. મને આ જ જવાબ મળ્યો હતો અને ત્યારથી મેં મારો આ વિચાર બદલ્યો નથી."
જેસ પણ આ વાત સાથે સહમત છે. "પર્યાવરણની દૃષ્ટિએ જોઈએ તો, શું ભવિષ્યમાં આ દુનિયા બચશે ખરી? આ પૃથ્વી પર પહેલાંથી જ એટલી બધી વસ્તી છે, તો શું હું તેમાં હજુ વધારો કરવા માંગું છું?"
તેણી પણ પોતાના નિર્ણય પર અડગ છે: "બાળકો ન રાખ્યાનો અફસોસ કરવો મને વધુ મંજૂર છે, તેના કરતાં કે બાળકો પેદા કરીને પછી પસ્તાવો થાય."
જેસ કહે છે, "જો મારો જન્મ કોઈ અગાઉની પેઢીમાં થયો હોત, તો ભલે મને અત્યાર જેવો જ વિચાર આવતો હોત, તો પણ કદાચ મેં બાળકો પેદા કરી લીધાં હોત; કારણ કે ત્યારે સમાજનું દબાણ અને લોકોની અપેક્ષાઓ એટલી વધુ હોત કે મારે તે વહેણમાં તણાવું પડ્યું હોત."
સ્ટાફોર્ડશાયરમાં રહેતાં સિયાન પાસે બોની અને ઓલિવર નામના બે 'લર્ચર' પ્રજાતિના શ્વાન છે. તે કહે છે, "હું મારા શ્વાન સાથે ખુશ છું. હું તેમની સંભાળ રાખું છું અને તેઓ જ મારો પરિવાર છે."
તે ઉમેરે છે, "હું જે કામ કરું છું તેના પ્રત્યે મને ખૂબ લગાવ છે અને તે મારી લાગણીઓની જરૂરિયાતને પૂરી કરે છે. કદાચ બીજા લોકો માટે બાળક તે જરૂરિયાત પૂરી કરતું હશે."
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન