You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
LPG, પેટ્રોલ-ડીઝલ, પાસપૉર્ટ, રેલવે અને G RAM Gથી લઈને આધાર કાર્ડ સુધી, આજથી દેશમાં કયા મુખ્ય 7 નવા ફેરફારો થયા?
આજથી 1 જુલાઇથી બદલાતા કેટલાક નિયમોની અસર દેશના લોકોના રોજિંદા જીવન પર પડી શકે છે.
જુલાઈ મહિનો શરૂ થવાની સાથે ઘણા મોટા ફેરફારો લઈને આવ્યો છે. આનાથી કેટલીક જગ્યાએ રાહત મળી છે, તો કેટલીક જગ્યાએ ભારણ વધ્યું છે.
પ્રાઇવેટ ઑઇલ માર્કેટિંગ કંપનીઓએ કૉમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવ ઘટાડ્યા છે, અને પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ પહેલા કરતાં ઓછા થયા છે.
તે ઉપરાંત આજથી દેશમાં 'વીબી જી રામ જી' યોજના લાગુ પડશે, દેશભરમાં આધાર કાર્ડને લઈને પણ નોંધપાત્ર ફેરફારો લાગુ કરવામાં આવી રહ્યા છે.
આમ સિવાય પણ ઘણા નિયમોમાં ફેરફાર થયા છે, તેમાં રેલવેથી લઈને હવાઈ મુસાફરીના કેટલાક નિયમો પણ સામેલ છે.
શું છે આ સાત મોટા નિર્ણય, જાણો આ અહેવાલમાં.
એલપીજી સિલિન્ડર સસ્તાં થયાં
એક જુલાઈ આજથી એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો નોંધાયો છે.
હોટલ અને રેસ્ટોરાંમાં વપરાતા કૉમર્શિયલ એલપીજીના ભાવમાં બુધવારે 19 કિલોના સિલિન્ડર દીઠ 183.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ વર્ષે ભાવમાં કરવામાં આવેલ આ પહેલો ઘટાડો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઑઇલ કંપનીઓએ પીટીઆઇને જણાવ્યું હતું કે કૉમર્શિયલ એલપીજીનો ભાવ હવે પ્રતિ 19 કિલો સિલિન્ડરનો 2,930 રૂપિયા છે.
પશ્ચિમ એશિયાના સંકટને કારણે ક્રૂડઑઇલના ભાવમાં વધારો થયો હોવાથી, ગયા મહિને કૉમર્શિયલ એલપીજીના 19 કિલો સિલિન્ડર 3,113 રૂપિયાના સ્તર પર પહોંચી ગયા હતા.
આ વર્ષે કૉમર્શિયલ રસોઈ ગૅસના ભાવમાં આ પહેલો ઘટાડો છે.
કૉમર્શિયલ એલપીજી દરો દર મહિનાની પહેલી તારીખે પાછલા મહિનાના સરેરાશ બેન્ચમાર્ક દરોના આધારે સુધારવામાં આવે છે.
નાયરા ઍનર્જીએ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડ્યા
વૈશ્વિક બજારમાં ક્રૂડઑઇલના ભાવ ઘટતા, નાયરા ઍનર્જીએ બુધવારે દેશના તેના અનેક રિટેલ આઉટલેટ્સમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે 5 રૂપિયા અને 3 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કર્યો.
લખનઉના નયારા પેટ્રોલ પંપના માલિક પારસમણિ યાદવે આ ઘટનાક્રમની એએનઆઈને પુષ્ટિ કરી છે.
તેમણે સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું કે સરકારી ઑઇલ માર્કેટિંગ કંપનીઓના દર પહેલાથી જ ઓછા હતા. પરંતુ નાયરા એક ખાનગી ક્ષેત્રની કંપની છે તેમણે અગાઉ પેટ્રોલમાં પ્રતિ લિટર 5 રૂપિયા અને ડીઝલ માટે પ્રતિ લિટર 3 રૂપિયા વધુ વસૂલતી હતી. જોકે, હવે આ સુધારા સાથે, તે પ્રીમિયમ દૂર કરવામાં આવ્યા છે.
સરકારી ઑઇલ કંપનીઓ IOCL, BPCL, HPCLએ પોતાના ભાવો સ્થિર રાખ્યા છે પરંતુ ખાનગી કંપની નાયરાએ પેટ્રોલ હવે 5 રૂપિયા સસ્તું અને ડીઝલ 3 રૂપિયા સસ્તું કરવાની જાહેરાત કરી છે.
આ ભાવ ઘટાડો આજથી 1 જુલાઈથી અમલમાં આવી ગયો છે
આજથી 'વિકસિત ભારત–જી રામ જી યોજના' લાગુ
આજથી 'વિકસિત ભારત–જી રામ જી યોજના' સમગ્ર દેશમાં લાગુ પડશે.
આ યોજના હેઠળ ગ્રામીણ શ્રમિકોને 100ના બદલે હવે 125 દિવસો માટે કામ કરવાની જોગવાઈ છે.
આ યોજના માટે કેન્દ્ર સરકારને ₹95,600 કરોડથી વધુ કાર્યપ્રણાલી આપે છે.
કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે એએનઆઈને જણાવ્યું કે "આ યોજના ગ્રામ પંચાયત જનભાગીદારી અને ગામડાંના સમગ્ર વિકાસ પર આધારિત છે. આનાથી શ્રમિક ભાઈ-બહેનોને વધુ સહકાર મળશે તો બીજી તરફ ગામડાંમાં ભારતનો વિકાસ કરવાનો સંકલ્પ, આત્મનિર્ભર અને સમૃદ્ધિ નિર્માણ થશે."
મફત આધાર કાર્ડ અપડેટ્સ
આધાર કાર્ડ સંબંધિત એક ફેરફાર પણ 1 જુલાઈથી અમલમાં આવી રહ્યો છે.
યુઆઈડીએઆઈએ આધાર કાર્ડને અપડેટ કરવા માટે એક ખાસ સેવા શરૂ કરી છે.
આજથી જો તમે તમારું ઇ-મેઇલ સરનામું અપડેટ કરવા માંગતા હો તો તમે આધાર ઍપ્લિકેશન દ્વારા મફતમાં તે કરી શકશો.
અગાઉ આ સેવાને અપડેટ કરવા માટે ફી ચૂકવવી પડી હતી.
રેલવેએ ટિકિટ વગર મુસાફરીમાં દંડની કિંમતમાં કર્યો વધારો
ભારતીય રેલવે દ્વારા 1 જુલાઈથી કેટલાક નવા નિર્ણયો લીધા છે.
જેમાં ટિકિટ વગર મુસાફરી કરવા બદલ લઘુત્તમ દંડ 250 રૂપિયાથી વધારીને 500 રૂપિયા કરી દેવામાં આવ્યો છે અને તેની સાથે મુસાફરીનું ભાડું તેમજ અન્ય શુલ્ક અલગથી વસૂલવામાં આવશે.
પુરુષો દ્વારા પરવાનગી વગર મહિલા રિઝર્વ ડબ્બામાં મુસાફરી કરવા બદલ દંડની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
ટ્રેનની છત, ઍન્જિન અથવા ફૂટબોર્ડ પર મુસાફરી કરવા બદલ ભારે દંડ વસૂલવામાં આવશે. આ ઉપરાંત, ચેન પુલિંગ અથવા કટોકટીનાં સાધનોનો દુરુપયોગ કરવા પર પણ કડક કાર્યવાહી થશે.
કચરો ફેલાવવા, ધૂમ્રપાન કરવા અને ગમે ત્યાં થૂંકવા જેવા ગુનાઓ માટે પણ હવે પહેલા કરતાં વધુ દંડ ચૂકવવો પડશે.
પાસપૉર્ટની ફીમાં વધારો
પાસપૉર્ટ (સુધારા) નિયમ 2026 હેઠળ સુધારેલી પાસપૉર્ટ અરજી ફી આજથી અમલમાં આવી છે.
પાસપૉર્ટને લઈને હવે નવી કિંમતો આવી છે જેમાં 36 પેજના પાસપૉર્ટની કિંમત હવે 2,500 રૂપિયા થઈ ગઈ છે
જ્યારે 60 પેજના પાસપૉર્ટની કિંમત 3,500 રૂપિયા થઈ ગઈ છે.
તત્કાલ યોજના હેઠળના પાસપૉર્ટની ફી ₹6,000 નક્કી કરવામાં આવી છે. ખોવાયેલા કે ક્ષતિગ્રસ્ત પાસપૉર્ટને બદલવા માટે પણ સુધારેલા શુલ્ક લાગુ પડે છે.
એટીએફના ભાવમાં પ્રતિ લિટર 5 રૂપિયાનો ઘટાડો
ડૉમેસ્ટિક મુસાફરી કરતાં લોકોને માટે પણ એક સમાચાર આવી રહ્યા છે.
જેમાં કેન્દ્ર સરકારે બુધવારે ભારતીય સ્થાનિક ઍરલાઇન્સ માટે ઍવિએશન ટર્બાઇન ફ્યૂઅલ (એટીએફ)માં પ્રતિ લિટર 5 રૂપિયાનો ઘટાડો કર્યો છે.
જેનાથી અસરકારક કિંમત પ્રતિ લિટર 110 રૂપિયા થઈ ગઈ છે.
આ મોટા ફેરફારો ઉપરાંત, દેશમાં અન્ય ઘણા ફેરફારો પણ લાગુ કરવામાં આવી રહ્યા છે.
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન