ટીએમસીમાં ભાગલા પડવાની અટકળો પર કૉંગ્રેસે આપી પ્રતિક્રિયા - ન્યૂઝ અપડેટ

પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી)નાં લોકસભા સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારના દાવા બાદ પાર્ટીમાં ભાગલા પડવાની અટકળોએ જોર પકડ્યું છે.

સોમવારે, દસ્તીદારે દાવો કર્યો હતો કે તેમની સાથે પાર્ટીના 20 સાંસદો છે અને તેમણે ગૃહમાં અલગથી બેસવાની માંગ સાથે લોકસભા સ્પીકરને વિનંતી કરી હતી.

ત્યારબાદ, મંગળવારે ટીએમસીએ એક પ્રેસ કૉન્ફરન્સ યોજી અને દસ્તીદારના દાવા પર સવાલ ઉઠાવ્યા કે લોકસભા સ્પીકરને લખેલો પત્ર અત્યાર સુધી કેમ જાહેર કરવામાં આવ્યો નથી.

હવે કૉંગ્રેસે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે.

કૉંગ્રેસનાં પ્રવક્તા સુપ્રિયા શ્રીનેત એએનઆઈને જણાવ્યું હતું કે, "ગઈકાલ સુધી આજ ટીએમસીના લોકો કૌભાંડી હતા દગાખોર અને કટ મની લેતા હતા. હવે તેઓ ભાજપના વૉશિંગ મશીનમાં ડૂબકી લગાવશે અને ભાજપમાં જોડાયા બાદ તેમની વાહ-વાહ થઈ જશે."

તેમણે કહ્યું, "મારું માનવું છે કે ચૂંટાયેલા સાંસદો અને કોઈપણ ચૂંટાયેલા પ્રતિનિધિ જનતાના મૅન્ડેટ પર ચૂંટાય છે અને લોકોએ તમને ભાજપ સામે મૅન્ડેટ આપ્યો છે. તમારે તે આદેશનું સન્માન કરવું જોઈએ."

શ્રીનેતે કહ્યું, "જો તમે ભાજપમાં જોડાવા માંગતા હો, તેમના સાથી પક્ષ બનવા માંગતા હો કે તેમને ટેકો આપવા માંગતા હો, તો તમારે રાજીનામું આપીને ફરીથી ચૂંટણી લડવી જોઈએ."

'ખાન સર'ની ધરપકડ પર પટણા કોર્ટે રોક લગાવી

'ખાન સર' એટલે કે ફૈઝલ ખાનના વકીલનું કહેવું છે કે પટણા જિલ્લા કોર્ટે તેમની ધરપકડ પર રોક લગાવી દીધી છે.

'ખાન સર'ના વકીલ અરવિંદકુમારે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે , "વચગાળાની જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. તેમને વચગાળાની સુરક્ષા આપવામાં આવી છે. તેનો અર્થ એ કે ધરપકડ પર રોક લગાવાઈ છે. જ્યાં સુધી અહીં (કોર્ટ) નિર્ણય ન આવે ત્યાં સુધી, કોઈ પણ પોલીસ અધિકારી આગામી તારીખ સુધી તેમની ધરપકડ કરી શકશે નહીં."

તેમણે કહ્યું, "ખાન સર જ્યાં ઇચ્છે ત્યાં જઈ શકે છે, જો પોલીસ તેમની પૂછપરછ કરવા માગતી હોય તો તેઓ તેમની સામે હાજર જઈને જવાબ આપી શકે છે. ખાન સર તપાસમાં સહકાર આપશે."

અહીં ઉલ્લેખનીય છે કે પટણામાં 'ખાન સર'ના કોચિંગ સેન્ટરની બહાર થયેલા ગોળીબારના સંદર્ભમાં કદમકુઆ પોલીસ સ્ટેશનમાં ખાન સર વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી હતી.

ગત અઠવાડિયે ગુરુવારે, પોલીસે આ કેસમાં કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ (ખાન ગ્લોબલ સ્ટડીઝ) ના બે બૉડીગાર્ડ્સ પ્રદીપકુમાર અને તાલેબરસિંહની ધરપકડ કરી હતી અને તેમને કસ્ટડીમાં મોકલી દીધા હતા.

ટ્રમ્પના H1-B વિઝા પર 1 લાખ ડૉલરની ફી લાદવાના નિર્ણયને કોર્ટે ગેરકાયદેસર જાહેર કર્યો

સોમવારે અમેરિકાના એક ફેડરલ જજે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હાઇ સ્કિલ્ડ વિદેશી કામદારો માટે નવા H-1B વિઝા પર 1 લાખ ડૉલરની ફી લાદવાની નીતિને ગેરકાયદેસર જાહેર કરી દીધી છે અને તેને રદ કરી દીધી છે.

અમેરિકામાં બીબીસીના મીડિયા પાર્ટનર સીબીએસ ન્યૂઝ અનુસાર, યુએસ ડિસ્ટ્રિક્ટ જજ લિઓ સોરોકિને સપ્ટેમ્બરમાં ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલી નવી ફીને પડકારનારા 20 રાજ્યોની તરફેણમાં ચુકાદો આપ્યો. આ રાજ્યોએ ટ્રમ્પની આ નવી જાહેર કરેલી ફીનો વિરોધ કર્યો હતો.

ન્યાયાધીશનું માનવું છે કે ટ્રમ્પ વહીવટીતંત્રે અમેરિકી કૉંગ્રેસની પરવાનગી વિના H-1B વિઝાની અરજીઓ પર એક લાખ ડૉલરનો ટેક્સ લાદીને પોતાના અધિકારક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું છે.

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા દ્વારા નિયુક્ત કરાયેલા ન્યાયાધીશે તેમનાં 42 પાનાંના નિર્ણયમાં લખ્યું હતું કે "(ટ્રમ્પ વહીવટીતંત્ર) H-1B અરજીઓ પર 1 લાખ ડૉલરનો ટૅક્સ લાદવાની મંજૂરી આપવા માટે કોઈ કાનૂની શક્તિ અસ્તિત્વમાં નથી."

એક નિવેદનમાં યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ હોમલૅન્ડ સિક્યૉરિટીએ સોરોકિનના નિર્ણયને 'બ્લૅટન્ટ જ્યુડિશિયલ ઍક્ટિવિઝમ' એટલે કે રાજકીય વિચારો પર આધારિત નિર્ણય ગણાવ્યો હતો અને ટ્રમ્પ વહીવટીતંત્રના ઇમિગ્રેશન સુધારાઓનો બચાવ કર્યો હતો.

H-1B વિઝા શું છે?

સીબીએસ ન્યૂઝ અનુસાર, H-1B વિઝા કાર્યક્રમ એ 1990માં અમેરિકી કૉંગ્રેસ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો હતો. તે અમેરિકાસ્થિત કંપનીઓને મહત્તમ છ વર્ષ માટે વિશિષ્ટ વ્યાવસાયિક ક્ષેત્રોમાં વિદેશી કામદારોને કામચલાઉ ધોરણે રોજગારી આપવાની મંજૂરી આપે છે.

અમેરિકી કૉંગ્રેસે વાર્ષિક ધોરણે જાહેર કરેલા H-1B વિઝાની સંખ્યા 65,000 સુધી મર્યાદિત કરી છે, જેમાં ઍડવાન્સ ડિગ્રી ધરાવતા લોકો માટે વધારાના 20,000 વિઝા ઉપલબ્ધ છે.

આ વિઝા કાર્યક્રમ હેઠળ, નોકરીદાતાઓ એટલે કે કંપનીઓએ કેટલીક નિશ્ચિત ફી પણ ચૂકવવી પડે છે, જે સામાન્ય રીતે 1700 ડૉલરથી 4500 ડૉલરની વચ્ચે હોય છે.

પરંતુ ગત વર્ષે, ટ્રમ્પે તમામ નવી H-1B અરજીઓ પર 1 લાખ ડૉલરની ફી ઉમેરવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા.

યુએસ સિટિઝનશિપ ઍન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (યુએસસીઆઇસી)ના ડેટા અનુસાર, નાણાકીય વર્ષ 2024માં મંજૂર થયેલા કુલ H-1B વિઝામાંથી 71 ટકા ભારતના હતા, જ્યારે ચીન 11.7 ટકા સાથે બીજા ક્રમે હતું.

ફિલિપાઇન્સ ભૂકંપથી મૃત્યુ પામનારાની સંખ્યા 35 પર પહોંચી

દક્ષિણ ફિલિપાઇન્સના મિંડાનાઓ આઇલૅન્ડ પર 7.8ની તીવ્રતાના આવેલા ભૂકંપ પછી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને 35 થઈ ગઈ છે.

ગઈ કાલે 8 જૂને સ્થાનિક સમય અનુસાર સવારે 7:37 પર આ ભૂકંપ આવ્યો હતો અને એ પછી ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા અને જાપાનમાં સુનામીનું ઍલર્ટ પણ આપવામાં આવ્યું હતું.

આ ભૂકંપની અનેક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા, જેમાં ક્યાંક ઇમારતો પડી રહી હતી, તો ક્યાંક ભૂસ્ખલન પણ થયું હતું.

ફિલિપાઇન્સના અધિકારીઓનું કહેવું છે કે અંદાજે 134 લોકો ઘાયલ છે અને 10 હજારથી વધુ પરિવારોને સ્થળાંતરિત કરવા પડ્યા છે.

અહીં ઉલ્લેખનીય છે કે મિંડાનાઓ આઇલૅન્ડ એ ફિલિપાઇન્સનો બીજો સૌથી મોટો આઇલૅન્ડ છે. જેમાં 2.6 કરોડ લોકો રહે છે.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, 'હું નેતન્યાહૂને જે પણ કહું છું, તે કરે છે'

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બીબીસી સાથેની ટૂંકી વાતચીતમાં કહ્યું છે કે જો તેઓ ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂને કંઈક કરવાનું કહે છે, તો તેઓ તેને કરે છે.

8મી જૂને બીબીસી નૉર્થ અમેરિકાનાં સંપાદક સારાહ સ્મિથે ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી હતી.

તેમણે અમેરિકન રાષ્ટ્રપતિને પૂછ્યું કે તેમણે ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂને ઈરાન પર હુમલો કરવાનું બંધ કરવા માટે કેવી રીતે મનાવ્યા.

ટ્રમ્પે જવાબ આપ્યો, "મેં ફક્ત એટલું જ કહ્યું હતું કે, 'આપણે સમજદારીપૂર્વક કામ કરવું પડશે.' અમે ખૂબ જ મજબૂત કરાર પર હસ્તાક્ષર કરવાની ખૂબ નજીક છીએ, ખૂબ જ સારું સમાધાન."

તેમણે કહ્યું, " પરમાણું શસ્ત્રો પણ નહીં હોય, બીજું કંઈ નહીં."

જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે ઈરાનના હુમલાના જવાબમાં મિસાઇલ ન છોડવાની ઇઝરાયલને વિનંતી કરવા છતાં નેતન્યાહૂએ શા માટે જવાબી કાર્યવાહી કરી.

આના પર ટ્રમ્પે કહ્યું, "ના, ના. એ મિસાઇલ પહેલેથી જ છોડવામાં આવેલી હતી."

ટ્રમ્પે નેતન્યાહૂ વિશે કહ્યું, "જો હું તેમને કંઈક કરવાનું કહું છું, તો તેઓ કરી નાખે છે."

અહીં ઉલ્લેખનીય છે કે બે મહિના પહેલાં ઈરાન સાથે યુદ્ધવિરામ લાગુ થયા પછી પહેલી વાર ગત રવિવારે ઈરાન અને ઇઝરાયલે એકબીજા પર હુમલા કર્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન