You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દિવાળીના તહેવારોમાં ગુજરાતના આ ચાર જિલ્લામાં વરસાદની આગાહી, કેટલા દિવસ વરસાદ પડશે?
ગુજરાત સહિત દેશભરતમાં દિવાળી અને નવા વર્ષના તહેવારોની ઉજવણી ચાલી રહી છે ત્યારે તહેવારોના દિવસોમાં ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
છેલ્લા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હવામાન મુખ્યત્વે સૂકું છે. કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં પણ વરસાદ નથી.
અમદાવાદસ્થિત હવામાન વિભાગના બુલેટિન મુજબ ગુજરાતમાં હાલમાં ઉત્તર-પૂર્વથી પૂર્વ દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે.
અમદાવાદમાં સોમવારે દિવાળીના દિવસે મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી છે જ્યારે લઘુતમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે.
ગુજરાતમાં આગામી દિવસોમાં ક્યાં વરસાદ પડશે?
હવામાન વિભાગનું બુલેટિન કહે છે કે આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં લઘુતમ કે મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની આગાહી નથી.
ત્યાર પછી લગભગ બે ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન ઘટી શકે છે. હાલમાં સવારના ભાગમાં ઠંડીનો ચમકારો જોવા મળે છે, પરંતુ દિવસ દરમિયાન તાપમાન વધી જાય છે.
20 ઑક્ટોબર, સોમવારે દક્ષિણ ગુજરાતમાં ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટોછવાયો હળવો વરસાદ પડી શકે છે.
21મી ઑક્ટોબરે પણ ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં હળવા વરસાદની આગાહી છે. અમુક જગ્યાએ મધ્યમ વરસાદ પણ પડી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે ત્યાર પછીના બે દિવસોમાં પણ સાઉથ ગુજરાતના ચાર જિલ્લામાં વરસાદ થવાની શક્યતા છે. ત્યાર પછી મોટા ભાગે હવામાન સૂકું રહેશે. ગુજરાતમાં હવે એક અઠવાડિયા દરમિયાન કોઈ જગ્યાએ ભારે વરસાદ પડવાની આગાહી નથી.
દક્ષિણ ભારતમાં ભારે વરસાદ
આખા દેશની વાત કરીએ તો હાલમાં તામિલનાડુ અને કેરળમાં ભારે વરસાદની સ્થિતિ છે. ધ હિંદુના અહેવાલ પ્રમાણે કેરળમાં ઈશાન ચોમાસું તીવ્ર બન્યું છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં પૂર આવવાની શક્યતા છે અને ઝડપથી પવન પણ ફૂંકાય છે.
ઉત્તર કેરળમાં મલાપ્પુરમ, કોઝિકોડ, કન્નુર અને કસરગોડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
તામિલનાડુના કેટલાક વિસ્તારમાં હજુ પણ વરસાદ ચાલુ છે. આગામી છ દિવસ સુધી કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પડી શકે જે મોટા ભાગે 25 ઑક્ટોબર સુધી ચાલુ રહેશે.
ગુજરાતમાં ચોમાસું સારું રહ્યું
ગુજરાતમાં આ વર્ષે બહુ સારો વરસાદ પડ્યો છે અને રાજ્યના એક પણ ભાગમાં વરસાદની ઘટ નથી. આ વર્ષે સરેરાશ 118 ટકા કરતાં વધુ વરસાદ નોંધાયો છે. તેમાં કચ્છમાં સૌથી વધારે 148 ટકા વરસાદ પડ્યો છે.
જ્યારે ઉત્તર ગુજરાતમાં સરેરાશ 121 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 117 ટકા અને સૌરાષ્ટ્રમાં 108 ટકા કરતા વધુ વરસાદ નોંધાયો છે. સાઉથ ગુજરાતમાં 123 ટકા કરતાં વધુ વરસાદ પડી ગયો છે અને હજુ પણ નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં નિયમિત વરસાદ પડ્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન