You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં ફરી પલટાશે હવામાન, ભારત પાકિસ્તાનની મૅચ પર વરસાદી સંકટ?
ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ ફરીથી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગનું કહેવું છે કે ગુજરાતમાં ફરીથી હવામાન પલટાશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડી શકે છે.
અમદાવાદમાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે ક્રિકેટ વર્લ્ડકપની મૅચ રમાવાની છે અને એ જ દિવસે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.
ગુજરાતમાં હાલ અનેક વિસ્તારોમાં ચોમાસા બાદની ગરમી પડી રહી છે અને દક્ષિણ-પશ્ચિમના પવનો આવી રહ્યા છે પરંતુ હવે આ હવામાનમાં ફેરફાર થશે અને રાજ્યમાં ફરી કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાય તેવી શક્યતા છે.
ભારતમાં હવે પશ્ચિમ વિક્ષોભની શરૂઆત થઈ ગઈ છે અને એક બાદ એક સિસ્ટમ ભારત પર આવી રહી છે તેની અસર હવે ગુજરાતને થવાની શક્યતા છે.
ગુજરાતમાં કેટલા દિવસ સુધી વરસાદની આગાહી?
ગુજરાતમાં આવનારા ચાર દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે અને કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે.
રાજ્યમાં 14 ઑક્ટોબરની આસપાસ હવામાનમાં પલટો આવે તેવી શક્યતા છે અને ત્યાર બાદ ચાર દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં હવામાન પલટાશે.
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે 14થી 17 ઑક્ટોબર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું હવામાન જોવા મળશે અને કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં ચોમાસાની વિદાય પહેલાં જ વરસાદ બંધ થઈ ગયો હતો અને હવે ફરીથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાય તેવી શક્યતા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાતના કયા જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતા?
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 14 ઑક્ટોબરના રોજ અમદાવાદમાં હવામાન પલટાવાની શક્યતા છે અને કદાચ જિલ્લાના કોઈ સ્થળે હળવો વરસાદ થઈ શકે છે.
આ ઉપરાંત 15 ઑક્ટોબરના રોજ અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લાના કોઈ વિસ્તારોમાં હવામાન પલટાય તેવી શક્યતા છે અને કોઈ સ્થળે હળવો વરસાદ પડી શકે છે.
16 અને 17 ઑક્ટોબરના રોજ પણ ઉત્તર ગુજરાત કેટલાક વિસ્તારોમાં વાદળછાયું હવામાન અને છૂટાછવાયા વરસાદની શક્યતા દેખાઈ રહી છે.
ચારથી પાંચ દિવસ સુધી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હવામાનમાં ફેરફાર થશે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હાલની સ્થિતિ પ્રમાણે વરસાદની શક્યતા દેખાતી નથી.
ગુજરાતમાં હાલ વરસાદ કેમ થશે?
રાજ્યમાંથી ચોમાસાની વિદાય થઈ ચૂકી છે અને હાલ ચોમાસા અને શિયાળા વચ્ચેનો સમય ચાલી રહ્યો છે. હવે જે પણ વરસાદ નોંધાશે તેને ચોમાસા બાદનો વરસાદ ગણવામાં આવશે.
ગુજરાતમાં હવે જે વરસાદ થશે તે બંગાળની ખાડીમાંથી આવનારી સિસ્ટમોને કારણે નહીં થાય પરંતુ પશ્ચિમ દિશામાંથી આવતી સિસ્ટમોને કારણે વરસાદ થશે.
ભારત પર હવે એક બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યાં છે અને તેની અસરલ ગુજરાતને પણ થવાની શક્યતા છે અને તેના કારણે રાજ્યમાં ફરી હવામાન પલટાય તેવી શક્યતા છે.
હવામાન વિભાગનું કહેવું છે કે 13 ઑક્ટોબરના રોજ ભારત પર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને તેની અસર હેઠળ ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે શું?
ભૂમધ્ય સમુદ્ર કે કાસ્પિયન સમુદ્રમાંથી ઊઠતાં તોફાનોને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહેવામાં આવે છે અને ત્યાંથી તે ભારત સુધી આવે છે. ભારતના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષોભ) ઉત્તર અને પશ્ચિમ ભારતમાં શિયાળામાં વરસાદ લાવે છે.
આ એક પ્રકારના લૉ પ્રેશર છે અને તે પશ્ચિમ તરફથી પૂર્વ તરફ આવતા હોવાને કારણે તેને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કે પશ્ચિમ વિક્ષોભ કહેવામાં આવે છે. ભૂમધ્ય સાગર ભારતની પશ્ચિમમાં આવેલો છે અને તે તરફથી આ સિસ્ટમો ભારત પર આવે છે.
જ્યારે આ સિસ્ટમ ભારત પર પહોંચે છે ત્યારે તેની સાથે તે ભેજ લાવે છે અને તેના કારણે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારતમાં બરફવર્ષા અને વરસાદ પડે છે. જ્યારે આ સિસ્ટમ મજબૂત હોય ત્યારે તેની અસર ગુજરાત સુધી થાય છે અને ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં તેના કારણે ભારે વરસાદ પણ થઈ શકે છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ખાસ અસર ઉત્તર ભારતમાં થતી હોવાને કારણે તે રવી પાક માટે ખૂબ મહત્ત્વના બની રહે છે. તેના કારણે શિયાળામાં અને ચોમાસા પહેલાં વરસાદ પડે છે.
ઉપરાંત અફઘાનિસ્તાન, પાકિસ્તાન તથા ઉત્તર ભારતના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે બરફ પડે છે, જેને કારણે ઠંડા થતા પવનો ગુજરાત તરફ આવે છે અને તે ગુજરાતમાં ઠંડી લાવે છે.