You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉત્તરાખંડ વિધાનસભામાં રજૂ કરાયેલા યુનિફોર્મ સિવિલ કોડની મહત્ત્વની વાતો શું છે?
ઉત્તરાખંડ વિધાનસભામાં મંગળવારે સમાન નાગરિક સંહિતા, ઉત્તરાખંડ 2024 બિલ રજૂ કરાયું છે.
સમાન નાગરિક સંહિતા (યુસીસી) અંગેના બિલની ચર્ચા લાંબા સમયથી થઈ રહી હતી. કેમ કે ઉત્તરાખંડની વિધાનસભા દેશની પ્રથમ એવી વિધાનસભા છે, જેમાં યુસીસી સંબંધિત કોઈ બિલ રજૂ કરવામાં આવ્યું છે. અહીં નોંધનીય છે કે ગોવામાં પોર્ટુગલના શાસન વખતથી યુસીસી લાગુ છે.
રાજ્યના મુખ્ય મંત્રી પુષ્કરસિંહ ધામીએ મંગળવારે વિધાનસભામાં ચાર દિવસીય વિશેષ સત્ર દરમિયાન બિલ રજૂ કર્યું. આ પહેલાં સુપ્રીમ કોર્ટનાં રિટાયર્ડ જજ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈના વડપણ હેઠળ સરકારે એક પૅનલની રચના કરી હતી, જેણે આ બિલ અંગેનો એક રિપોર્ટ ડ્રાફ્ટ કર્યો હતો. ચાર ખંડના આ ડ્રાફ્ટ રિપોર્ટમાં 749 પાનાં છે.
આ પૅનલને 70 પબ્લિક ફોરમ પર લગભગ 2.33 લાખ લેખિત પ્રિતક્રિયાઓ મળી હતી. કહેવાઈ રહ્યું છે કે આ બેઠકો દરમિયાન પૅનલના સભ્યોએ હજારો લોકો સાથે સંવાદ કર્યો હતો.
આ બિલને લઈને ઘણા સમયથી અનુમાન લગાવાઈ રહ્યું હતું કે એમાં મહિલાઓ અને વિવાહ સંબંધિત કાયદાઓને પ્રાથમિકતા આપવામાં આવશે. એવું પણ કહેવાયું છે કે આ પૅનલે લૈંગિક સમાનતા અને સામાજિક એકતાની પણ ભલામણ કરી છે.
સમાન નાગરિક સંહિતા, ઉત્તરાખંડ 2024 વિધેયકમાં આખરે શું-શું જોવાઈ કરાઈ છે, એને તબક્કાવાર સમજવાની જરૂર છે.
ઉત્તરાખંડનો યુસીસી શું છે?
ઉત્તરાખંડ વિધાનસભામાં રજૂ કરાયેલ સમાન નાગરિક સંહિતા, ઉત્તરાખંડ 2024 બિલ માત્ર લગ્ન, છૂટાછેડા, ઉત્તરાધિકાર, લિવ ઇન રિલેશનશિપ સાથે જોડાયેલું છે.
આ બિલમાં સ્પષ્ટ લખાયું છે કે આ સમગ્ર ઉત્તરાખંડમાં રહેનારા અને બહાર રહેતા એના રહેવાસીઓ પર પણ લાગુ થશે, પછી એમનાં ધર્મ કે જાતિ ગમે તે હોય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ઉપરાંત જે લોકો રાજ્યમાં કેન્દ્ર કે રાજ્ય સરકારના કર્મચારીઓ છે, એમના પર પણ એ લાગુ થશે. રાજ્યમાં રાજ્ય કે કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ લેનારાઓ પર પણ આ કાયદો લાગુ થશે.
જોકે, આ સાથે જ એવું પણ સ્પષ્ટ કરી દેવાયું છે કે આ બિલમાંથી અનુસૂચિત જનજાતિઓને બહાર રાખવામાં આવી છે.
લગ્ન માટેની કેવી જોગવાઈઓ છે?
ઉત્તરાખંડના યુસીસી અનુસાર - લગ્ન પુરુષ અને મહિલા વચ્ચે જ થઈ શકે. લગ્ન અને છૂટાછેડા અંગે આ બિલમાં વિસ્તારપૂર્વક વાત કરવામાં આવી છે.
- લગ્ન સમયે વરની કોઈ જીવિત પત્ની ના હોય અને વધૂનો કોઈ જીવિત પતિ ના હોય.
- લગ્ન સમયે પુરુષે 21 વર્ષનું અને મહિલાએ 18 વર્ષનું આયુષ્ય પૂરું કરી લીધું હોય.
- અલગ-અલગ ધર્મના લોકો પોતાની ધાર્મિક પ્રક્રિયા અનુસાર લગ્ન કરી શકે છે.
- કોઈ પણ ધાર્મિક વિધિથી લગ્ન કરાયા બાદ લગ્નની નોંધણી કરાવવી ફરજિયાત હશે.
- લગ્નની નોંધણી ન કરાવવાની સ્થિતિમાં એ ગેરકાયદે જાહેર થશે.
છૂટાછેડા અંગે શું કહેવાયું છે?
આ વિધેયક અનુસાર, જો પતિ-પત્ની વચ્ચે કોઈ પણ મતભેદ થાય તો તેઓ કોર્ટનાં દ્વાર ખખડાવી શકે છે અને એમનું સમાધાન કાયદાના આધારે કરાશે.
આ ઉપરાંત સહમતીથી લેવાયેલા છૂટાછેડાના કેસમાં પણ કોર્ટ જવું પડશે.
આ બિલમાં છૂટાછેડા માટે પણ એવા કેટલાય આધાર આપવામાં આવ્યા છે, જેમાં કોઈ વ્યક્તિ છૂટાછેડા માટે અરજી દાખલ કરી શકે છે, જેમ કે...
- જ્યારે પતિ-પત્નીમાંથી કોઈએ પણ કોઈ અન્ય સાથે મરજીથી શારીરિક સંબંધ બનાવ્યા હોય
- જ્યારે કોઈએ પણ ક્રૂરતાપૂર્ણ વ્યવહાર કર્યો હોય
- લગ્ન બાદ બંને પક્ષો ઓછાંમાં ઓછાં બે વર્ષથી અલગ રહેતા હોય
- કોઈ એક પક્ષે ધર્મપરિવર્તન કરી લીધું હોય કે કોઈ એક પક્ષ માનસિક વિકારથી પીડિત હોય
- કોઈ એક પક્ષ યૌન રોગથી પીડિત હોય કે સાત વર્ષથી કોઈ એક પક્ષ લાપતા હોય
- લગ્નના એક વર્ષની અંદર છૂટાછેડા માટેની અરજી પર પ્રતિબંધ હશે, પણ અસાધારણ મામલામાં એને દાખલ કરી શકાશે.
- કોઈ પણ વ્યક્તિ પ્રથા, રૂઢિ કે પરંપરાથી છૂટાછેડા નહીં લઈ શકે.
લિવ-ઇન રિલેશનશિપ માટે પણ નિયમ
યુસીસીની સાથોસાથ એવું પ્રથમ વખત થઈ રહ્યું છે કે જેમાં લિવ-ઇન રિલેશનશિપ અંગે પણ કાયદો ઘડવાની તૈયારી કરાઈ રહી છે.
ઉત્તરાખંડના યુસીસીમાં લિવ-ઇન રિલેશનશિપમાં રહેનારા કે એની તૈયારી કરનારા લોકો માટે પણ જોગવાઈ કરાઈ છે. જે લિવ-ઇન રિલેશનશિપમાં છે તેમણે આ અંગે જિલ્લાના રજિસ્ટ્રાર સમક્ષ જાહેરાત કરવી પડશે.
એ સાથે જ ઉત્તરાખંડના જે નિવાસી રાજ્યની બહાર રહે છે તેઓ પોતાના જિલ્લામાં લિવ-ઇન રિલેશનશિપ અંગે જાણ કરાવી શકે છે.
આવા સંબંધોથી જન્મેલાં બાળકોને પણ કાયદેસર બાળક જાહેર કરવામાં આવ્યાં છે.
આ ઉપરાંત એ લોકોના લિવ-ઇન રિલેશનશિપ કાયદેસર નહીં ગણાય જે અવયસ્ક છે, જેમનાં પહેલાંથી જ લગ્ન થઈ ચૂક્યાં છે કે પછી બળપૂર્વક કે દગાથી એવું કરી રહ્યા છે.
21 વર્ષથી ઓછી ઉંમરના લિવ-ઇન રિલેશનશિપમાં રહેતાં યુવક-યુવતીના પરિવારજનોને આ અંગે પહેલાંથી જ સૂચિત કરવા જરૂરી ગણાશે.
જે પણ યુવક-યુવતી એક મહિના કરતાં વધારે સમયથી લિવ-ઇન રિલેશનશિપમાં રહી રહ્યાં હોય અને તેમણે આ અંગે જાણ ના કરી હોય તો તેમને ત્રણ મહિના સુધીની સજા કે દસ હજાર રૂપિયા સુધીનો દંડ પણ ભરવો પડી શકે છે.
લિવ-ઇન રિલેશનશિપને ખતમ કરવાની સ્થિતિમાં પણ એની જાણ કરવાની રહેશે.