You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને ઘરે પહોંચી ઇડીની ટીમ
દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે ઇડીના અધિકારીઓ પૂછપરછ માટે પહોંચ્યા છે. સમાચાર એજન્સી એએનઆઈ અને પીટીઆઈએ આ વાતની પુષ્ટિ કરી છે.
સમાચાર એજન્સી એએનઆઈએ કેજરીવાલના ઘરે પહોંચેલી અધિકારીઓની ટીમનો વીડિયો ઍક્સ પર જાહેર કર્યો છે.
એ પહેલાં આજે 21 માર્ચના રોજ દિલ્હી હાઈકોર્ટમાં અરવિંદ કેજરીવાલે કરેલી અરજી પર સુનાવણી થઈ હતી. હાઇકોર્ટે કેજરીવાલને ઇડીની સંભવિત ધરપકડથી રક્ષણ આપવા માટેની આગોતરી અરજી ફગાવી દીધી હતી.
પીટીઆઈએ કહ્યું કે ઇડીની ટીમ દારૂ નીતિ સંબંધિત કેસમાં અરવિંદ કેજરીવાલને સમન આપવા તેમના ઘરે પહોંચી છે.
અહીં ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલે ઇડીના સમન્સને ગેરકાયદેસર ગણાવીને તેને હાઇકોર્ટમાં પડકાર્યા હતા.
ઇડી તરફથી નવમું સમન્સ મળ્યા બાદ કેજરીવાલ હાઇકોર્ટ ગયા હતા.
અરવિંદ કેજરીવાલને સતત ઇડી તરફથી કથિત દારૂનીતિ મામલે સમન્સ મળી રહ્યા હતા. આ સમન્સને ગેરકાયદે ગણાવીને કેજરીવાલે ઘણી વાર જાહેરમાં પત્ર લખીને ઇડીને પ્રશ્નો પૂછ્યા હતા. તેમણે ઇડીને પ્રશ્નોના જવાબ આપવાની તૈયારી પણ બતાવી હતી.
કેજરીવાલ આ સમન્સને રાજકીય રીતે પ્રેરિત ગણાવતા રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અહીં ઉલ્લેખનીય છે કે કથિત દારૂ નીતિ કૌભાંડમાં આપના મોટા નેતાઓ મનીષ સિસોદિયા અને સંજયસિંહની પહેલેથી જ ધરપકડ કરવામાં આવી છે.
સૌરભ ભારદ્વાજનો દાવો- 'લાગે છે કે કેજરીવાલની ધરપકડની તૈયારી છે'
દિલ્હી સરકારના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે દાવો કર્યો છે કે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવાની તૈયારી છે.
તેમણે કહ્યું કે 'એવું લાગે છે જાણે કે અરવિંદ કેજરીવાલના ઘરે ઇડીએ રેડ પાડી છે.'
તેમણે એ પણ કહ્યું કે કેજરીવાલનો ફોનથી કોઈ સંપર્ક થઈ શકતો નથી.
સૌરભ ભારદ્વાજે ત્યાર પછી મીડિયાને આપેલા નિવેદનમાં આ દાવો કર્યો છે.
તેમણે કહ્યું, "પ્રથમ દૃષ્ટિએ જે રીતે પોલીસ અંદર છે અને મુખ્ય મંત્રીજીના આવાસમાં કોઈને જવા દેવાતા નથી, એ જોતાં એવું લાગે છે કે મુખ્ય મંત્રીજીને ત્યાં રેડ પાડી છે. તેમના મનમાં શું છે એ ખબર નથી. પણ એવું લાગે છે કે મુખ્ય મંત્રીજીની ધરપકડ કરવાની પૂરી તૈયારી છે."
શું હતી દિલ્હીની નવી દારૂ નીતિ?
ફાઇનાન્સિયલ ઍક્સપ્રેસના એક અહેવાલ અનુસાર નવી પૉલિસી અંતર્ગત દિલ્હી સરકારે પોતાને દારૂના વ્યવસાયથી બહાર કરી દીધી હતી.
આ નીતિના અમલ સાથે જ દિલ્હીમાં દારૂની સરકારી દુકાનો બંધ કરી દેવાઈ હતી અને શરાબવેચાણ માટે ખાનગી પાર્ટીઓને લાઇસન્સ જારી કરાયાં હતાં. આ સિવાય દિલ્હીમાં દારૂ પીવાની કાનૂની ઉંમર 25 વર્ષથી ઘટાડીને 21 કરી દેવાઈ હતી.
નવી શરાબનીતિનો હેતુ સરકારની આવક વધારવાનો, સારો ગ્રાહક અનુભવ આપવાનો, શરાબમાફીયાની અસર ખતમ કરવાનો અને દારૂની કાળા બજારી બંધ કરાવવાનો હોવાનું જણાવાયું હતું.
આ પૉલિસી નવેમ્બર 2021થી અમલી બની હતી.
દિલ્હી સરકારના દાવા અનુસાર આ નવી નીતિના અમલીકરણથી સરકારની આવકમાં 27 ટકાનો વધારો થયો હતો, જે 8,900 કરોડ રૂપિયા બરોબર હતો.
આ પૉલિસીને વધુ આકર્ષક બનાવવા માટે સરકારે લાઇસન્સધારકોને શરાબની કિંમત નક્કી કરવાની સ્વતંત્રતા આપી હતી, જેમાં MRPમાં ભારે ડિસ્કાઉન્ટ આપવાની શક્યતા વધી ગઈ હતી. તમામ દુકાનો વહેલી સવારના ત્રણ વાગ્યા સુધી ચાલુ રાખી શકાય તેવી પરવાનગી અપાઈ હતી. તેમજ હોમ ડિલિવરી માટેની સુવિધા પણ ઊભી કરાઈ હતી.
SBIએ સુપ્રીમ કોર્ટને કહ્યું, ‘ચૂંટણીપંચને આપ્યો ઇલેક્ટોરલ બૉન્ડનો સંપૂર્ણ ડેટા’
ભારતીય સ્ટેટ બૅન્ક (એસબીઆઈ)એ ગુરુવારે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે ઇલેક્ટોરલ બૉન્ડ સાથે જોડાયેલો ડેટા ચૂંટણીપંચને આપી દીધો છે.
તેમાં બૉન્ડ સાથે જોડાયેલી આલ્ફા-ન્યુમરિક આઇડેન્ટિફિકેશનની વિગતો પણ સામેલ છે.
સુપ્રીમ કોર્ટે 18 માર્ચે આપેલા આદેશ અનુસાર, એસબીઆઈએ જે જરૂરી જાણકારીઓ ચૂંટણીપંચને આપી છે તેમાં બૉન્ડ ખરીદનારનું નામ, બૉન્ડ કેટલા મૂલ્યનો છે એ અને તેનો નંબર, બૉન્ડ મેળવનાર પાર્ટીનું નામ, રાજકીય પક્ષોના બૅન્ક ખાતાઓના છેલ્લા ચાર આંકડાઓ, કેટલા બૉન્ડ ખરીદાયા બાદ ખાતામાં જમા થયા તેની વિગત, તેની કિંમત, આ તમામ ચીજો સામેલ છે.
ચૂંટણીપંચે આ ડેટા તેની વેબસાઇટ પર અપલોડ કરી દીધો છે.
ઇલેક્ટોરલ બૉન્ડ ઓળખ છુપાવીને કોઇપણ રાજકીય પક્ષને દાન આપવાની વ્યવસ્થા હતી. આ બૉન્ડને વેચવા માટે એસબીઆઈ જ અધિકૃત હતી.
આ સિસ્ટમ ફાઇનાન્સ ઍક્ટ 2017 દ્વારા લાગુ કરવામાં આવી હતી. જોકે, તેની પારદર્શિતા પર પ્રશ્નો ઉભા થતા રહ્યા છે.
15 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બૉન્ડને ગેરબંધારણીય જાહેર કર્યા હતા. સુપ્રીમ કોર્ટે એસબીઆઈને 12 એપ્રિલ, 2019થી રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી બૉન્ડ હેઠળ મળેલા તમામ દાન વિશે ચૂંટણીપંચને જાણકારી આપવાનો આદેશ આપ્યો હતો.
ચૂંટણીપંચે કહ્યું, ‘આચારસંહિતા લાગુ હોય ત્યારે સરકાર લોકોને વૉટ્સઍપ મૅસેજ ન મોકલી શકે’
કેન્દ્રીય ચૂંટણીપંચે સામાન્ય નાગરિકોને સરકાર તરફથી મોકલવામાં આવેલા વૉટ્સઍપ મૅસેજના મામલામાં ઇલેક્ટ્રોનિક અને આઇટી મંત્રાલયને નિર્દેશ જાહેર કર્યો છે.
ચૂંટણીપંચે કહ્યું છે કે સરકારે મૅસેજ આદર્શ આચારસંહિતા લાગુ થાય તે પહેલા મોકલ્યો હતો.
પરંતુ અનેક લોકોએ ચૂંટણીપંચને ફરિયાદ કરી હતી કે આદર્શ આચારસંહિતા લાગુ થયા બાદ પણ લોકોના મોબાઇલ પર મૅસેજ આવી રહ્યા છે.
ચૂંટણીપંચે કહ્યું છે કે ટેલિફોન નેટવર્કની મર્યાદાઓ અને ટૅકનિકલ જટિલતાઓને કારણે કદાચ આવું થઈ રહ્યું છે.
કેન્દ્રીય ચૂંટણીપંચે આઇટી મંત્રાલયને કહ્યું છે કે હવે આદર્શ આચારસંહિતા લાગુ છે, તેથી સરકાર નાગરિકોને આવો કોઈ સંદેશ મોકલી શકે નહીં.
અહીં ઉલ્લેખનીય છે કે દેશના અનેક લોકોને વૉટ્સઍપ પર 'વિકસિત ભારત સંપર્ક' નામના વૉટ્સઍપ અકાઉન્ટથી મૅસેજ આવી રહ્યા હતા જેમાં અનેક લોકોને વડા પ્રધાન મોદીનો સંદેશ મળ્યો હતો.
સુપ્રીમ કોર્ટે ફૅક્ટ-ચેક યુનિટ અંગેના કેન્દ્ર સરકારના નોટિફિકેશન પર રોક લગાવી
સુપ્રીમ કોર્ટે ફૅક્ટ-ચેક યુનિટ રચવા અંગેના મોદી સરકારે જાહેર કરેલા નોટિફિકેશન પર હાલ રોક લગાવી દીધી છે.
2023ના આઈટી સંશોધન નિયમને પડકારનારી અરજી પર બૉમ્બે હાઇકોર્ટ અંતિમ નિર્ણય ના સંભળાવે ત્યાં સુધી આ રોક ચાલુ રહેશે. આ પહેલાં મોદી સરકારે બુધવારે જ આ અંગે નોટિફિકેશન જાહેર કર્યું હતું.
ભારત સરકારના ફૅક્ટ-ચેક યુનિટ પર રોક લગાવવાનો બૉમ્બે હાઇકોર્ટે ઇન્કાર કરી દેતાં જાણીતા કૉમિડિયન કૃણાલ કામરા અને 'એડિટર્સ ગિલ્ડ' સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. 20 માર્ચે કેન્દ્ર સરકારે પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોની સરકારના ફૅક્ટ-ચેક યુનિટ તરીકે નિમણૂક કરવાનું નોટિફિકેશન જાહેર કર્યું હતું.
આ કેસ હજુ પણ બૉમ્બે હાઇકોર્ટમાં પેન્ડિંગ છે કેમ કે આ મામલે બે ન્યાયાધીશો દ્વારા સર્વસંમિતથી ફેંસલો નહોતો આવ્યો. હવે ત્રીજા ન્યાયાધીશ આ મામલે સુનાવણી કરી રહ્યા છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે અભિવ્યક્તિની સ્વતંત્રતા મૌલિક અધિકાર છે અને આના પર નિયમ 3(1)(બી)(5)ની અસરનું વિશ્લેષણ હાઇકોર્ટમાં જરૂરી છે. જ્યા સુધી બૉમ્બે હાઇકોર્ટમાં આના પર સુનાવણી પૂરી નથી થતી ત્યાં સુધી સરકારનું નોટિફિકેશન સ્થગિત રહેશે.
આ પહેલાં ગુરુવારે કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા પર કૉન્ટેન્ટની દેખરેગ માટે ફૅક્ટ-ચેક યુનિટની રચના અંગે નોટિફિકેશન જાહેર કર્યું હતું.
હાલમાં જ સંશોધિત આઈટી નિયમ અંતર્ગત ફૅક્ટ-ચેક યુનિટની રચના કરી હતી.
વડોદરામાં ભાજપનાં ઉમેદવાર રંજન ભટ્ટના વિરોધમાં પોસ્ટરો લગાડવાના આરોપમાં બે ‘કૉંગ્રેસીની અટકાયત’
16 માર્ચના રોજ લોકસભા ચૂંટણીની જાહેરાત થયા બાદથી આખા દેશ સહિત ગુજરાતમાં પણ રાજકીય માહોલ જામ્યો છે.
તેમાં પણ ખાસ કરીને વડોદરામાં પાછલા કેટલાક દિવસથી સત્તાધારી પક્ષ ભાજપ અને વિપક્ષ કૉંગ્રેસ વચ્ચે જુબાની જંગ જોવા મળી રહ્યો છે.
હવે આ જુબાની જંગ પોસ્ટરોમાં પણ દેખાવા લાગ્યો છે.
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર બુધવારે વડોદરાનાં કેટલાંક સ્થળોએ ભાજપના વડોદરા બેઠકનાં ઉમેદવાર રંજન ભટ્ટનો વિરોધ કરતાં પોસ્ટરો દેખાયાં હતાં.
જે બાદ ભાજપે આ મામલે પોલીસ ફરિયાદ કરતાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બે યૂથ કૉંગ્રેસના કાર્યકર્તાની અટકાયત કરી હતી.
ભાજપે આને કૉંગ્રેસની ‘નિરાશા’ ગણાવી હતી, જ્યારે કૉંગ્રેસે આને ભાજપનો ‘આંતરકલહ’ ગણાવ્યો હતો.
શહેરના ખિસકોલી સર્કલ, વડસર અને કારેલીબાગ વિસ્તારમાં કેટલાંક પોસ્ટરો દેખાયાં હતાં. જેમાંથી એકમાં લખાયું હતું કે, "મોદી તુજસે બેર નહીં, રંજન તેરી ખેર નહીં", જ્યારે બીજામાં લખાયું હતું કે, "શું ભાજપ ગમે તેને આપણા પર લાદી દેશે?"
આવા જ ત્રીજા પોસ્ટરમાં લખાયું હતું કે, "કેમ ગુજરાતના મુખ્ય મંત્રી અને ભાજપના પ્રદેશાધ્યક્ષને વડોદરાના વિકાસમાં રસ નથી?"
સુપ્રીમ કોર્ટની નોટિસ બાદ ‘ભ્રામક જાહેરાત’ મામલે રામદેવની પતંજલિએ બિનશરતી માફી માગી
પતંજલિ આયુર્વેદે સુપ્રીમ કોર્ટે ‘ભ્રામક જાહેરાત’ મામલે કોર્ટ સમક્ષ આપેલા વચનના ભંગ બાદ બિનશરતી માફી માગી હતી.
કોર્ટે પૂછ્યું હતું કે પતંજલિ આયુર્વેદ જણાવે કે તેમની સામે અદાલતની અવમાનના બદલ કાર્યવાહી કેમ ન કરાય?
નોંધનીય છે કે ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન (આઇએમએ)એ કંપની સામે ઍલૉપથીની ટીકા કરતાં નિવેદનો બદલ અને ડ્રગ્સ ઍન્ડ મૅજિક રેમેડિઝ (ઑબ્જેક્શનેબલ ઍડ્વર્ટાઇઝમેન્ટ્સ) ઍક્ટ, 1954ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા બદલ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
21 નવેમ્બર, 2023ના રોજ પતંજલિએ સુપ્રીમ કોર્ટ સમક્ષ બાંયધરી આપી હતી કે, “તેઓ ઔષધીય અસરોનો દાવો કરવા કે ચિકિત્સાની કોઈ પણ શાખા વિરુદ્ધ કોઈ અનૌપચારિક નિવેદનો નહીં કરે.”
જોકે, અદાલતને ધ્યાને આવ્યું હતું કે 4 ડિસેમ્બરના રોજ ફરીથી કંપની દ્વારા આ પ્રકારની જાહેરાત બહાર પડાઈ હતી.
જેના કારણે સુપ્રીમ કોર્ટે આની ગંભીર નોંધ લેતા કંપનીના મૅનેજિંગ ડાયરેક્ટર આચાર્ય બાલકૃષ્ણ અને રામદેવને 19 માર્ચના રોજ હાજર રહેવા જણાવ્યું હતું. બાદમાં આચાર્ય બાલકૃષ્ણે પોતાના સોગંદનામામાં બિનશરતી માફી માગવાની સાથે કહ્યું હતું કે, “તેમને આ પ્રકારની જાહેરાત છપાઈ તેનું દુ:ખ છે, તેમાં માત્ર સામાન્ય નિવેદનો જ જવાનાં હતાં, પરંતુ પ્રામાણિકપણે થયેલી ભૂલને કારણે તેમાં આ પ્રકારનાં નિવેદનો જાહેરાતમાં ગયાં છે.”
લોકસભા ચૂંટણી 2024 : ચૂંટણીપંચે રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોને મંજૂરી વિનાનાં રાજકીય વિજ્ઞાપનો હઠાવવા કહ્યું
16 માર્ચના રોજ ભારતના ચૂંટણીપંચે લોકસભા ચૂંટણીની જાહેરાત કરતાંની સાથે જ રાજકીય પાર્ટીઓ જોરશોરથી પોતાના પ્રચારમાં લાગી ગઈ છે.
સાત તબક્કામાં યોજાનાર આ ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલથી શરૂ થવાનું છે. બીજી બાજુ રાજકીય પાર્ટીઓની માફક ચૂંટણીપંચે પણ કમર કસી હોય એવું દેખાઈ રહ્યું છે.
ગત બુધવારે ચૂંટણીપંચ દ્વારા પ્રથમ તબક્કા માટેનું નોટિફિકેશન પણ જાહેર કરી દેવાયું હતું.
હિંદુસ્તાન ટાઇમ્સના એક અહેવાલ મુજબ ભારતના ચૂંટણીપંચે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મંજૂરી વિનાની રાજકીય જાહેરાતો હઠાવવાના નિર્દેશ આપ્યા છે.
નોંધનીય છે કે કમિશને આ પગલું કૉંગ્રેસ અને અન્ય પક્ષોની એવી ફરિયાદ બાદ લીધો હતો કે હજુ પણ દેશમાં ઘણી જગ્યાએ મંજૂરી વિનાની જાહેરાતો જોવા મળી રહી છે.
મધ્ય પ્રદેશ : ‘પાકિસ્તાન જિંદાબાદ’ના નારા લગાવવાના આરોપી છ વર્ષે નિર્દોષ છૂટ્યા
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર છ વર્ષ પહેલાં મધ્ય પ્રદેશના બુરહાનપુરના મોહાદ ગામના ક્રિકેટ મૅચમાં ભારત સામે પાકિસ્તાનની જીતની ઉજવણીના 15 મુસ્લિમ આરોપીઓનો છ વર્ષ બાદ નિર્દોષ છુટકારો થયો હતો.
આરોપ હતો કે 15 પુખ્ત વયના લોકો અને બે સગીર વર્ષ 2017માં યોજાયેલી આઇસીસી ચૅમ્પિયન્સ ટ્રૉફીની ફાઇનલ મૅચમાં પાકિસ્તાન સામે ભારતની હાર બાદ ‘પાકિસ્તાનની તરફેણ’માં નારા લગાવી રહ્યા હતા.
પાકિસ્તાની ક્રિકેટ ટીમને સમર્થન કરવા, ‘પાકિસ્તાન જિંદાબાદ’ના નારા લગાવવાની સાથોસાથ ફટાકડા ફોડવા અને મીઠાઈ વહેંચવાના આરોપમાં સ્થાનિક પોલીસે આઇપીસીની ગુનાહિત કાવતરાની કલમ 120 બી, ધર્મના આધારે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવાની કલમ 153 એ અંતર્ગત ગુનો નોંધ્યો હતો.
જોકે, સ્થાનિક જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટે 9 ઑક્ટોબર, 2023ના રોજ તમામ 15 આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂક્યા હતા. મૅજિસ્ટ્રેટે નોંધ્યું હતું કે, “પ્રૉસિક્યૂશનના સાક્ષી તેમની જ કહાણીનું સમર્થન નથી કરતા, તેમજ તેમણે પોલીસને આવું કોઈ પણ નિવેદન ન આપ્યું હોવાનું કહ્યું છે.”