You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતે ન્યૂઝીલૅન્ડને હરાવીને 3-0થી શ્રેણી જીતી લીધી, વનડે રૅન્કિંગમાં નંબર વન
ઈન્દોરમાં રમાયેલી ત્રીજી વનડેમાં ભારતે ન્યૂઝીલૅન્ડને 90 રને હરાવી દીધું છે. આ સાથે જ ભારતે આ વનડે શ્રેણી 3-0થી કબજે કરી લીધી છે.
ટૉસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે નવ વિકેટે 385 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડની આખી ટીમ 41.2 ઓવરમાં 295 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.
ન્યૂઝીલૅન્ડ તરફથી ઓપનર ડેવોન કોનવેએ સૌથી વધુ 138 રન બનાવ્યા હતા. ભારત તરફથી શાર્દુલ ઠાકુર અને કુલદીપ યાદવે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. યુઝવેન્દ્ર ચહલે બે વિકેટ લીધી હતી.
આ મેચ પહેલા ભારતે બંને મેચ જીતી હતી.
ત્રીજી વનડે મૅચમાં ભારતના બંને ઓપનર રોહિત શર્મા અને શુભમન ગીલે સદી ફટકારી હતી.
ઈન્દોરના હૉલ્કર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહેલી ત્રીજી વનડેમાં ટૉસ જીતીને ન્યુઝીલૅન્ડે ફિલ્ડીંગ પસંદ કરી હતી.
ભારત તરફથી બૅટિંગ માટે ઉતરેલા રોહિત શર્મા અને શુભમન ગીલ બંનેએ સદી ફટકારી હતી. બંને વચ્ચે 212 રનની ભાગીદારી નોંધાઈ હતી.
26.1 ઓવર પર રોહિત શર્મા 85 બૉલમાં 101 રન બનાવીને આઉટ થયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે તેમની ઝડપી ઈનિંગમાં 9 ચોગ્ગા અને 6 ચગ્ગા ફટકાર્યા હતા.
જ્યારે શુભમન ગીલે તેમના આક્રમક તેવરને જાળવી રાખતા 78 બૉલમાં 112 રન ફટકારીને આઉટ થયા હતા.
શુભમન ગીલે તેમની તોફાની ઈનિંગમાં 13 ચોગ્ગા અને 5 ચગ્ગા ફટકાર્યા હતા.
આ જીત સાથે ભારત આવતા સપ્તાહે જાહેર થનારા રૅન્કિંગમાં નંબર વન પર પહોંચી જશે. ઈંગ્લૅન્ડ હવે બીજા સ્થાને સરકી જશે. આ સાથે જ ઑસ્ટ્રેલિયા ત્રીજા નંબરે અને ન્યૂઝીલૅન્ડ ચોથા નંબર પર પહોંચી જશે.
ટી20માં ભારત પહેલાથી જ નંબર વન રૅન્ક પર છે.
આઈસીસી દ્વારા 21 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવેલા વનડે રૅન્કિંગમાં ઈંગ્લૅન્ડ 113 રેટિંગ સાથે નંબર વન પર હતું. જો કે, એટલા જ રેટિંગ સાથે ન્યૂઝીલૅન્ડ બીજા અને ભારત ત્રીજા સ્થાને છે.
આઈસીસી દ્વારા તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી આ અંગે ટ્વીટ કરાયું છે. તેમાં લખ્યું હતું, "પુરુષોની વનડે ટીમ રૅન્કિંગમાં નવી નંબર 1 ટીમ."
RRRનું ગીત 'નાટૂ નાટૂ' ઑસ્કર માટે નૉમિનેટ થયું
એસએસ રાજામૌલીની ફિલ્મ 'આરઆરઆર'ના ગીત 'નાટૂ નાટૂ' (નાચો નાચો)ને 95મા ઑસ્કર ઍવોર્ડ માટે 'ઓરિજિનલ સૉન્ગ'ની કેટેગરીમાં સામેલ કરવામાં આવ્યું છે.
ઑસ્કરના અધિકૃત ટ્વિટર હૅન્ડલ પરથી કરવામાં આવેલા ટ્વીટમાં આ માહિતી આપવામાં આવી છે.
શ્રદ્ધા હત્યાકાંડમાં આફતાબ પૂનાવાલા વિરુદ્ધ 6,629 પાનાની ચાર્જશીટ દાખલ
સુચિત્ર મોહંતી, બીબીસી હિંદી માટે
દિલ્હી પોલીસે શ્રદ્ધા વાલકર હત્યાકાંડના આરોપી આફતાબ અમીન પૂનાવાલા સામે મંગળવારે દિલ્હીની સાકેત કોર્ટમાં 6,629 પાનાની ચાર્જશીટ રજૂ કરી છે.
પીડિતાનાં વકીલ સીમા કુશવાહાએ બીબીસી હિંદી સાથે વાતચીત દરમિયાન આ માહિતી આપી હતી
તેમણે એમ પણ કહ્યું હતું કે, આ ઘાતકી હત્યાકાંડની ચાર્જશીટમાં આરોપી તરીકે માત્ર આફતાબ પૂનાવાલાનું નામ છે. આ કેસની સુનાવણી દિલ્હીની સાકેત કોર્ટમાં થઈ રહી છે.
એમ કહેવાય છે કે કોર્ટ 7 ફેબ્રુઆરીએ કોર્ટ આ ચાર્જશીટને ધ્યાનમાં લેશે.
જોકે, આરોપી આફતાબ પૂનાવાલાએ કોર્ટને કહ્યું છે કે તે પોતાનો વકીલ બદલવા માગે છે.
આ દરમિયાન દિલ્હીનાં સંયુક્ત પોલીસ કમિશનર મીનૂ ચૌધરીએ મંગળવારે એક પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે આ તપાસમાં વૈજ્ઞાનિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે સાથે ડિજિટલ પુરાવા તરીકે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ, જીપીએસ લૉકેશનને પણ ટ્રૅક કરવામાં આવ્યા હતા.
તેમણે કહ્યું કે, લગભગ 6,000 પાનાંની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
તેમણે જણાવ્યા અનુસાર આ ઘટના ત્યારે બની હતી, જ્યારે શ્રદ્ધા પોતાના મિત્રના ઘરે ગયાં હતાં અને ત્યારબાદ આફતાબ ઉગ્ર બની ગયો અને શ્રદ્ધાની હત્યા કરી નાખી.
બીબીસી ડૉક્યૂમૅન્ટરી વિશે રાહુલ ગાંધીએ કહ્યું સત્યને બહાર આવવાની ખરાબ આદત છે
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે સત્યને બહાર આવવાની ખરાબ આદત છે. ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી હાલ જમ્મૂ-કાશ્મીરમાં છે.
મંગળવારે પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન એક પત્રકારે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર બીબીસી ડૉક્યૂમૅન્ટરી વિશે એક સવાલ પૂછ્યો.
તેનો જવાબ આપતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું, “જો તમે આપણા ધર્મગ્રંથોને વાંચો, ભગવદ્ ગીતા અથવા ઉપનિષદને વાંચો તો તેમાં લખ્યું છે કે સત્યને છુપાવી નથી શકાતું.”
તેમણે કહ્યું કે, સત્ય હંમેશાં બહાર આવી જ જાય છે.
રાહુલ ગાંધીનું કહેવું હતું, “તમે પ્રતિબંધ લગાવી શકો છો, પ્રેસને દબાવી શકો છો, સંસ્થાઓને નિયંત્રિત કરી શકો છો. સીબીઆઈ અને ઈડીનો ઉપયોગ કરી શકો છો પરંતુ સત્ય તો સત્ય છે. એ ચમકતું રહે છે અને સત્યને બહાર આવવાની ખરાબ આદત છે.”
તેમણે વધુમાં કહ્યું, “તમે ગમે તેટલો પ્રતિબંધ મૂકી દો, લોકોને ડરાવો પરંતુ એ બધુ સત્યને બહાર આવવાથી નથી રોકી શકતું.”
ભારતના વિખ્યાત આર્કિટેક્ટ બીવી દોશીનું નિધન
વિખ્યાત આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીનું અવસાન થયું છે.
મહારાષ્ટ્રના પુણેમાં જન્મેલા બાલકૃષ્ણ દોશીએ અમદાવાદને પોતાની કર્મભૂમિ બનાવી હતી.
અમદાવાદની અનેક બિલ્ડિંગો અને ઇમારતનાં બાંધકામ અને કળા-સ્થાપત્યમાં તેમણે મોખરાની ભૂમિકા ભજવી હતી.
એમનાં કળા-સ્થાપત્યોની દેશવિદેશમાં પણ નોંધ લેવાઈ હતી. ગુજરાત સહિત દેશવિદેશને અનેક સન્માનોથી પણ તેમને નવાજવામાં આવ્યા છે.
દોશીએ વર્ષ 1947માં મુંબઈની વિખ્યાત સર જેજે સ્કૂલ ઑફ આર્કિટેક્ચરમાંથી અભ્યાસ કર્યો હતો.
1950ના દાયકામાં તેમણે ફ્રાન્સ-સ્વિટ્ઝર્લૅન્ડના વિખ્યાત આર્કિટેક્ટ લી કૉરબ્યુસિયર સાથે કામ કર્યું હતું.
1954માં તેઓ ભારત પરત ફર્યા. લી કૉરબ્યુસિયર માટે ચંદીગઢ તથા અમદાવાદમાં અનેક વિખ્યાત ઇમારતોનું નિર્માણ કર્યું.જેમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ મેનેજમેન્ટ, ઇન્સ્ટિટ્યુટ ઑફ ઇન્ડોલૉજીની ઇમારત પ્રમુખ છે.
ઉપરાંત તેમણે અનેક સંસ્થાકીય ઇમારતો, રહેણાંક તથા વ્યાવસાયિક હેતુ માટે વાપરી શકાય તેવા કૉમ્પ્લેક્સ, હાઉસિંગ પ્રોડજેક્ટ, જાહેર ઇમારતો, ગૅલરી તથા ખાનગી મકાનોનો સમાવેશ થાય છે.
(કોણ હતા બી વી દોશી? વાંચવા માટેઅહીંક્લિક કરો. આ લેખ સૌપ્રથમ વર્ષ 2018માં પ્રકાશિત થયો હતો)