ટી20 વર્લ્ડકપ: પાકિસ્તાન સામે ભારતની મૅચમાં આ ત્રણ ખેલાડી પર રહેશે નજર

પ્રકાશિત

ભારતીય ક્રિકેટ બોર્ડ જ નહીં પરંતુ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ પણ મહિલા ક્રિકેટને પ્રાધાન્ય આપવાનું શરૂ કર્યું છે અને તેને પરિણામે વિશ્વભરમાં અત્યારે પુરુષ ક્રિકેટની સાથે મહિલા ક્રિકેટનો પણ વ્યાપ વધ્યો છે.

દર વર્ષે મહિલા ક્રિકેટની કોઈને કોઈ મેગા ઇવેન્ટ યોજાતી રહે છે. બે વર્ષ અગાઉ ટી10 વર્લ્ડકપ યોજાયો હતો. ત્યારબાદ વનડે વર્લ્ડકપ અને તાજેતરમાં અંડર-19 વર્લ્ડકપના સફળ આયોજન બાદ હવે સાઉથ આફ્રિકામાં ટી20 મહિલા વર્લ્ડકપ શરૂ થઈ ગયો છે.

એક સમય હતો જ્યારે ક્રિકેટના જન્મદાતા ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયાની બોલબાલા હતી ત્યારે સૌની નજર આ બંને ટીમ પર જ રહેતી હતી પરંતુ ક્રિકેટનો વ્યાપ વધ્યા બાદ આવા જ મુકાબલા માટે ભારત અને પાકિસ્તાનની ટીમ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.

ભારત અને પાકિસ્તાન માત્ર ક્રિકેટ જ નહીં પરંતુ રાજકીય અને ભૌગોલિક રીતે પણ ઘણા સમયથી સંઘર્ષ કરતા આવ્યા છે એટલે સ્વાભાવિક છે કે બંને ટીમ વચ્ચેના મુકાબલા હંમેશાં રોમાંચ જગાવતા રહે છે.

  • પુરુષ ટીમ જેવા રોમાંચક મુકાબલા ભારત-પાકિસ્તાનની મહિલા ટીમો વચ્ચે રમાયા નથી પરંતુ લગભગ દરેક મૅચમાં ભારતનો જ હાથ ઉપર રહ્યો છે
  • ટી20 વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી 6 મૅચ રમાઈ છે જેમાંથી ચાર મૅચ ભારતે જીતી છે
  • 2012માં શ્રીલંકાના ગોલ ખાતેની મૅચમાં પાકિસ્તાનનો એક રનથી વિજય થયો હતો
  • જ્યારે 2016માં દિલ્હીમાં ડકવર્થ એન્ડ લૂઇસ સિસ્ટમ પાકિસ્તાનની તરફેણમાં રહી હતી અને તેનો બે રનથી વિજય થયો હતો
  • વનડેમાં ભારત અને પાકિસ્તાનની વાત કરીએ તો વર્લ્ડકપમાં ભારતીય મહિલા ટીમ પાકિસ્તાન સામે ક્યારેય હારી જ નથી

ભારતની પહેલી મૅચ પાકિસ્તાન સામે

મહિલા વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની મૅચ રવિવારે છે અને આ વર્લ્ડકપની ભારતની પહેલી મૅચ છે. સાઉથ આફ્રિકામાં ચાલી રહેલા ટી20 વર્લ્ડકપમાં કેપટાઉનના ન્યૂલૅન્ડ્સના રળિયામણા મેદાન પર આ મૅચ રમાશે.

હંમેશની જેમ મૅચ જીતવા માટે બંને ટીમ એડીચોટીનું જોર લગાવશે, વર્લ્ડકપની ફાઈનલ કે વર્લ્ડકપની જીતનો આનંદ પણ કટ્ટર હરીફને ફરાવવા પછી બીજા ક્રમે આવે છે.

અલબત્ત, પુરુષ ટીમ જેવા રોમાંચક મુકાબલા ભારત-પાકિસ્તાનની મહિલા ટીમો વચ્ચે રમાયા નથી, પરંતુ લગભગ દરેક મૅચમાં ભારતનો જ હાથ ઉપર રહ્યો છે.

ટી20 વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી 6 મૅચ રમાઈ છે. જેમાંથી 2012માં શ્રીલંકાના ગોલ ખાતેની મૅચમાં પાકિસ્તાનનો એક રનથી વિજય થયો હતો, જ્યારે 2016માં દિલ્હીમાં ડકવર્થ ઍન્ડ લૂઇસ સિસ્ટમ પાકિસ્તાનની તરફેણમાં રહી હતી અને તેનો બે રનથી વિજય થયો હતો.

આ બે મૅચને બાદ કરતાં બાકીની તમામ મૅચ ભારતે જીતી છે.

ગોલ ખાતેની મૅચ પણ સાવ આસાન રહી ન હતી. પાકિસ્તાને નવ વિકેટે 98 રન કર્યા હતા જેના જવાબમાં 20મી ઓવરના છેલ્લા બૉલ સુધી ઝઝૂમ્યા બાદ મિતાલી રાજની ટીમ એક રનથી પાછળ રહી ગઈ હતી.

આવી જ એક મૅચ બાંગ્લાદેશના સિલહેટ ખાતે 2014ના એપ્રિલમાં રમાઈ હતી. અગાઉના વર્લ્ડકપમાં એક રનથી હાર ખાધા બાદ ભારત માટે બદલો લેવાની આ મૅચ હતી જેમાં તેનો છ રનથી વિજય થયો હતો.

આ વખતે ભારતે પ્રથમ બેટિંગ કરીને 106 રન કર્યા હતા અને ત્યારબાદ પાકિસ્તાનને 100 રનમાં અટકાવી દીધું હતું.

ભારત અને પાકિસ્તાન ટી20 વર્લ્ડકપમાં પહેલી વાર 2009 અને પછી 2010માં રમ્યા ત્યારે પાકિસ્તાનમાં હજી મહિલા ક્રિકેટને ખાસ વેગ આપવામાં આવ્યો ન હતો, જેને પરિણામે ભારત માટે મૅચો જીતવી આસાન રહી હતી.

આ માટે ભારતને ખાસ મહેનત પણ કરવી પડતી ન હતી. 2012 અને 2014ની બે રોમાંચક મૅચ બાદ એમ લાગતું હતું કે હવે ટક્કર ખરાખરીની જામશે.

ત્યારબાદ બંને ટીમ દિલ્હીના ફિરોઝશાહ કોટલા ખાતે માર્ચ 2016માં રમી. આ વખતે ભારતે 96 રન નોંધાવ્યા હતા, પરંતુ મૅચમાં વિઘ્ન આવતાં પાકિસ્તાનનો ટારગેટ બદલાઈને 16 ઓવરમાં 75 થઈ ગયો હતો, જેની સામે તેણે 77 રન નોંધાવ્યા હતા. આમ તેનો બે રનથી વિજય થયો હતો.

વેસ્ટ ઇન્ડીઝમાં 2018માં રમાયેલી મૅચમાં ભારતીય ટીમ અગાઉ કરતાં ઘણી મજબૂત અને સજ્જ હતી, કેમ કે ટીમમાં મિતાલી રાજ અને ઝૂલન ગોસ્વામી જેવાં અનુભવી ખેલાડીઓની સાથે સાથે હરમનપ્રીતકોર અને સ્મૃતિ મંધાના આવી ગયાં હતાં.

અહીં પાકિસ્તાન માટે ખાસ તક રહી નહીં, કેમ કે 134 રનના ટાર્ગેટ સામે રમતાં ભારત માટે ઓપનર મિતાલીએ જ 56 રન ફટકારીને મુકાબલો આસાન કરી નાખ્યો હતો.

13 ટી20માંથી 10માં જીત

આ તો વર્લ્ડકપની વાત થઈ પરંતુ ઑવરઑલ ટી20માં પણ પોતાના કટ્ટર હરીફ સામે ભારત આવી જ મજબૂત સ્થિતિ ધરાવે છે. બંને વચ્ચે કુલ 13 મૅચ રમાઈ છે જેમાંથી ભારતે દસ મૅચ જીતી છે, તો પડોશી ટીમના ભાગે ત્રણ જ વિજય લખાયેલા છે.

પાકિસ્તાન સામેની બેટિંગમાં મિતાલી રાજ હંમેશાં છવાયેલાં રહ્યાં છે. પાકિસ્તાન સામે નોંધાયેલી ચાર અડધી સદીમાંથી બે મિતાલીના નામે છે અને એક અડધી સદી મંધાના અને એક પૂનમ રાઉતે ફટકારી છે.

આ વખતે બીજી ખાસ વાત એ રહેશે કે ભારતીય કૅપ્ટન હરમનપ્રીતકોર પાકિસ્તાનની ટીમ વિશે જેટલું જાણે છે તેટલું કદાચ વિશ્વનાં અન્ય કોઈ ખેલાડી જાણતાં નહીં હોય.

કેમ કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના 13 મુકાબલામાંથી હરમનપ્રીતકોર 12 મૅચમાં રમ્યાં છે અને તેમાં તેમણે 74.22ના સ્ટ્રાઇક રેટથી 144 રન ફટકાર્યાં છે.

જોકે પાકિસ્તાન સામે ટી20માં સૌથી વધુ રન ફટકારવામાં તો મિતાલી આ યાદીમાં મોખરે છે અને તેમણે દસ મૅચમાં 315 રન ફટકાર્યા છે જ્યારે મંધાનાએ આઠ મૅચમાં 187 રન સાથે બીજા ક્રમે રહ્યાં છે.

આ તો થઈ ટી20ની વાત પણ વનડેમાં ભારત અને પાકિસ્તાનની વાત કરીએ તો વર્લ્ડકપમાં ભારતીય ટીમ પાકિસ્તાન સામે ક્યારેય હારી જ નથી.

સ્મૃતિ, શેફાલી પર નજર

પાકિસ્તાન સામેનાં ઉત્કૃષ્ટ પ્રદર્શનની વાત કરીએ તો તેમાં સૌપ્રથમ શેફાલી વર્માની વાત કરવી પડે. હાલમાં શાનદાર ફૉર્મ ધરાવતા શેફાલી સાઉથ આફ્રિકામાં યોજાયેલા અંડર-19 વર્લ્ડકપમાં ભારતીય ટીમનાં સુકાની હતાં અને ભારતે ટાઇટલ જીત્યું હતું.

આમ સાઉથ આફ્રિકાની ધરતી પર તેઓ તાજેતરમાં જ રમીને આવ્યાં છે અને શાનદાર ફૉર્મ પણ ધરાવે છે. તેમની સાથે રિચા ઘોષ પણ એ વખતે રમ્યાં હતાં. આમ આ બંને ખેલાડીનાં ઉત્સાહમાં જરાય કમી નહીં હોય.

માત્ર 18 વર્ષનાં શેફાલી વર્માને ભારતીય ક્રિકેટ જ નહીં પરંતુ વિશ્વ મહિલા ક્રિકેટનું ભવિષ્ય માનવામાં આવી રહ્યાં છે. નાની વયે તેમણે પદાર્પણ કર્યું અને તે સાથે જ તેઓ છવાઈ ગયાં છે.

ટી20માં તો તેઓ આઇસીસી ક્રમાંકમાં મોખરે પહોંચી ગયાં છે. શેફાલી ટી20નાં સૌથી આક્રમક ખેલાડી છે. ટી20માં તેઓ 134.54ના સ્ટ્રાઇક રેટથી 51 મૅચમાં 1231 રન ફટકારી ચૂક્યાં છે.

સાઉથ આફ્રિકાની પિચ પર વર્લ્ડકપમાં તેમની પાસેથી જંગી સ્કોરની નહીં પરંતુ ઝંઝાવાતી પ્રારંભની આશા રખાઈ રહી છે.

આવી જ રીતે કૅપ્ટન હરમનપ્રીતકોર વિશ્વ મહિલા ક્રિકેટના સિતારા બની ગયાં છે. ભારતીય ટીમમાં બેટિંગમાં સૌથી વધુ અનુભવી ખેલાડી હરમનપ્રીતકોરની એક જ સમસ્યા છે અને તે એ કે હાલમાં તેઓ સારા ફૉર્મમાં નથી.

જોકે વર્લ્ડકપમાં તેઓ ફૉર્મ પરત મેળવી લેશે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

26 વર્ષીય સ્મૃતિ મંધાના માત્ર 16 વર્ષની વયે ભારતીય ટીમ માટે વનડે રમ્યાં હતાં અને પ્રારંભથી જ તેમણે સૌને પ્રભાવિત કરી દીધા હતાં.

આ ડાબોડી ખેલાડી ટીમને ઇનિંગ્સનો પ્રારંભ ઝડપી કરવાનો હોય, ઇનિંગ્સને સ્થિરતા પ્રદાન કરવાની હોય અને રન પણ કરવાના હોય ત્યારે હુકમનો એક્કો સાબિત થાય છે.

એક તરફ શેફાલી ઝંઝાવાત સર્જતાં હોય ત્યારે સામે છેડે એવાં ખેલાડીની જરૂર પડે જે વિકેટ બચાવી રાખે. મંધાના આ સારી રીતે કરી શકે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો