You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

US ચૂંટણી પરિણામ : મહત્ત્વના ગણાતા રાજ્ય મિશિગનમાં બાઇડન આગળ

રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મોટાં ભાગનાં રાજ્યોમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે. કોણ છે આગળ, જુઓ અમેરિકાની ચૂંટણી પર બીબીસીનું લાઇવ રિપોર્ટિંગ

લાઇવ કવરેજ

  1. બીબીસી ન્યૂઝ ગુજરાતીના આ લાઇવ પેજ પર અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટેનું લાઇવ રિપોર્ટિંગ રજૂ કરાયું હતું.

    ભારતીય સમયાનુસાર બુધવાર રાતે બાર વાગ્યા સુધીની અપડેટ અહીં રજુ કરવામાં આવી છે. સૌથી પહેલાં મતદાનનો પ્રારંભ વમૉર્ટ રાજ્યમાં થયો હતો અને એ બાદ અન્ય જગ્યાએ મતદાન શરૂ થયું હતું. આ સંદેશ લખાઈ રહ્યો છે ત્યાં સુધી અમેરિકામાં મતદાન ચાલી રહ્યું છે.

    કેટલીય જગ્યાએ લાંબી કતારોમાં લોકો મતદાન માટે આવ્યા હોવાની તસવીરો સામે આવી હતી તો ન્યૂયૉર્કના અમુક મતદાનમથકો પર મોડે સુધી બહુ મતદારો જોવા મળ્યા નહોતા.

    જોકે, આ દરમિયાન અમેરિકામાં ચૂંટણીનાં પરિણામોને લઈને આંશકાનો માહોલ પણ જોવા મળ્યો તો અમેરિકાના બે પૂર્વ ઍટર્ની જનરલે રાજનેતાઓને હિંસાને પ્રોત્સાહન ન આપવાની ચેતવણી પણ ઉચ્ચારી.

    અત્યાર સુધી બસ આટલું જ. બુધવારે સવારે છ વાગ્યાથી અમેરિકાની મતદાનસંબંધિત તમામ અપડેટ સાથે અહીં જ મળીશું.

    શુભરાત્રી!

  2. ન્યૂયૉર્કમાં પૉલિંગ સ્ટેશન બહાર સન્નાટો, લૉરા ત્રેવેલિયાન, બીબીસી ન્યૂઝ, અમેરિકા

    સ્થાનિક સમય મુજબ સવારે 8.30 ન્યૂયૉર્કના બ્રકલિન હાઇટ્સના સેન્ટ ફ્રાન્સિસ કૉલેજમાં મતદાનમથક પર સન્નાટો જોવા મળ્યો હતો.

    અહીં લોકોને ઊભા રહેવા માટે સ્ટિકરથી માર્કિંગ કરવામાં આવ્યું છે, છ ફૂટના અંતરનું ધ્યાન રાખવામાં આવ્યું છે પરંતુ અહીં મતદારો નથી. જેને પગલે મતદાનમથકના કર્મીઓ આશ્ચર્યમાં મુકાયા છે.

    ન્યૂયૉર્કમાં ‘અર્લી વોટિંગ’ લોકપ્રિય થયું હતુંઅને અત્યાર સુધી દેશમાંદસ લાખથી વધારે લોકો મતદાન કરી ચૂક્યા છે. શક્ય છે કે આ કારણે જ મંગળવારે મતદાનમથક સૂનાં પડ્યાં હોય.

    ઉલ્લેખનીય છે કે ન્યૂયૉર્ક એક સમયે અમેરિકામાં કોરોના સંક્રમણનું હૉટસ્પૉટ હતું અને અહીં દરરોજ કોરોનાના હજારો કેસ દરરોજ સામે આવતા હતા.

  3. કમલા હૅરિસ કોણ છે?

    કમલા હૅરિસે અમેરિકાના રાજકારણમાં એક અશ્વેત નેતા તરીકે છેલ્લાં વર્ષોમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે, પરંતુ કહી શકાય કે તેઓ પોતાનાં ભારતીય મૂળથી દૂર પણ થયાં નથી.

    તામિલનાડુના એક નાના ગામ થુલાસેન્દ્રપુરમમાં મંગળવારે ડૅમોક્રેટિ પાર્ટીના ઉપરાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર કમલા હૈરિસની જીત માટે વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.

    કમલા હૅરિસની ભારતીય મૂળનાં નેતાથી અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખપદનાં ઉમેદવાર સુધી રાજકીય સફર વિશે અહીં વાંચો

  4. કોરોના દર્દી મતદાન કરી શકે?

    કોરોના વાઇરસ મહામારી વચ્ચે દુનિયામાં થનારી ચૂંટણીઓ પણ બદલાઈ ગઈ છે.

    ભારત હોય કે અમેરિકા માસ્ક, ફેસ શિલ્ડ, ગ્લવ્ઝ, સૅનિટાઇઝર એવી ચીજો છે જે ચૂંટણીનો ભાગ બની ગઈ છે.

    ભારતમાં બિહારમાં વિધાનસભા ચૂંટણી માટે મંગળવારે મતદાન થયું તો ગુજરાતમાં આઠ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન થયું.

    કર્ણાટક અને મધ્યપ્રદેશમાં પણ પેટાચૂંટણી માટે મતદાન થયું.

    અમેરિકાની વાત કરીએ કોરોના સંક્રમણનું જોર અહીં હજી ઘટ્યું નથી. હજી અમેરિકામાં કોરોના સંક્રમણના સૌથી વધારે કેસ છે. પરંતુ શું કોરોના સંક્રમિત લોકો વોટિંગ કરી શકે?

    યુએસ સેંટર્સ ફૉર ડિઝિઝ કંટ્રોલ અને પ્રિવેન્શનનાં સૂચનો મુજબ અમેરિકામાં કોરોના સંક્રમિત લોકો પણ મતદાન કરી શકે છે.

    તેમના માટે ચૂંટણી અધિકારીને સંક્રમણની માહિતી આપવા, માસ્ક પહેરવા, 1.8 મિટરનું સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા જેવા નિયમો છે.

    ત્યારે ભારતમાં પણ કોરોના ચેપગ્રસ્ત વ્યક્તિએ મતદાન કરવાની તસવીરો ન્યૂઝ એજન્સી એએનઆઈએ પ્રકાશિત કરી હતી.

    કર્ણાટક રાજ્ય ચૂંટણીપંચે આરઆર નગર પૉલિંગ બૂથની તસવીર જાહેર કરી હતી જેમાં એક કોરોના દર્દી મતદાન માટે પહોંચ્યા હતા.

    જોકે મતદાન પછી પૉલિંગબૂથને સૅનિટાઇઝ કરવામાં આવ્યું હતું.

  5. અમેરિકાની ચૂંટણી 2020 : રાષ્ટ્રપતિ ટ્રમ્પ બનશે કે બાઇડન?

    અમેરિકામાં આગામી રાષ્ટ્રપ્રમુખ ચૂંટવા માટે મતદાન શરૂ થઈ ગયું છે અને એ પૂર્ણ થયે તરત જ મતગણતરી શરૂ થશે.

    જોકે, કોરોનાને કારણે આ વખત ચૂંટણી અગાઉ કરતાં ઘણી અલગ હશે. જાણો કેવી રીતે

  6. અમેરિકાની ચૂંટણીમાં ધર્મનો કેટલો પ્રભાવ?

    દુનિયાની સૌથી મોટી અને મહાન બે લોકશાહી, એક ભારત વસ્તીની દૃષ્ટિએ અને બીજી અમેરિકા વિસ્તાર તથા મહાસત્તાની દૃષ્ટિએ.

    બંને એકંદરે ખૂબ જ ધાર્મિક ગણાય છે. અમેરિકા એટલે યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા સમજવું.

    પ્રજા તો ધાર્મિક હોય તે સ્વાભાવિક છે. અમેરિકામાં 70.6% લોકો ક્રિશ્ચિયન છે, એમાંથી આશરે 25.4% ઇવેજેલિકલ પ્રોટેસ્ટન્ટ, 14.7% મેઇનલાઇન પ્રોટેસ્ટન્ટ, 6.5% હિસ્ટોરીકલી બ્લેક પ્રોટેસ્ટન્ટ છે.

    જ્યારે 20.8% લોકો કૅથલિક છે. મોર્મોન અને બીજા થઈને ત્રણેક ટકા લોકો હશે. ક્રિશ્ચિયન ના હોય એવા ટોટલ 5.9%ની અંદર યહૂદી 1.9%, મુસ્લિમ 0.9%, બૌદ્ધ 0.7% અને હિંદુ 0.7% છે.

    કોઈ પણ ધર્મ સાથે જોડાયેલા ના હોય એવા કુલ 22.8%ની અંદર, એથિઈસ્ટ ૩.૧%, ઍગ્નૉસ્ટિક એટલે અજ્ઞેયવાદી 4% અને 15.8 % અચોક્કસ લોકો છે.

    અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો

  7. મિડલ ક્લાસે આ દેશને બનાવ્યો છે, વૉલ સ્ટ્રીટે નહીં- બાઇડન

    જો બાઇડન પોતાના શહેર પેન્સિલ્વેનિયાના સ્ક્રૈન્ટન પહોંચ્યા હતા.

    માસ્ક પહેરીને તેઓએ લાઉડ સ્પીકરની મદદથી પોતાના સમર્થકો સાથે વાત કરતા કહ્યું, "આપણે આ દેશના કરોડરજ્જુને ઠીક કરવાની છે... મિડલ ક્લાસે આ દેશને બનાવ્યો છે, વૉલ સ્ટ્રીટે નહીં."

    તેઓએ કહ્યું કે તેમને શહેર પાછા આવીને સારું લાગી રહ્યું છે.

    બાઇડન હાલમાં પૉલ્સ અનુસાર આગળ ચાલી રહ્યા છે, પરંતુ તેમના સમર્થકોને ખબર છે કે ટ્રમ્પ ત્યાં 2016માં માત્ર 0.7 ટકાના અંતરથી જીતવામાં સફળ રહ્યા હતા.

  8. ફ્લૉરિડામાં ફર્સ્ટ લેડી મિલાનિયા ટ્રમ્પ મતદાન કરવા પહોચ્યાં

  9. અમેરિકામાં ચૂંટણીને લઈને સંશયનો માહોલ

    અમેરિકામાં ચૂંટણીપરિણામને લઈને શંકાનો માહોલ જોવા મળી રહ્યો છે. બીબીસી નૉર્થ અમેરિકાના સંપાદક જૉન સોપેલે એક તસવીર રિટ્વીટ કરી છે, જેમાં ચૂંટણીના દિવસે બૅવરલી હિલ્સની રોડિયો ડ્રાઇવ નામની જગ્યા ખાલી દેખાય છે.

    તેમણે લખ્યું છે કે 'રાષ્ટ્ર જે પોતાના પર શંકા અનુભવે છે.'

    તેમનું કહેવું છે કે 'આજે જાણવા મળશે કે ડોનાલ્ડ ટ્રમ્પ હારી ગયા છે કે નહીં પરંતુ કેટલાક દિવસો સુધી એ નહીં જાણી શકીએ કે તેમનો વિજય થયો છે. ઑહાયો, ટૅક્સાસ અને ફ્લૉરિડાનાં પરિણામ આવવાં જોઈએ. જો આ રાજ્યોમાંથી એકમાં અથવા બધાં રાજ્યોમાં ટ્રમ્પ હારી જશે તો તેમના માટે જીતવું મુશ્કેલ હશે.'

  10. 'હિંસાને પ્રોત્સાહન ન આપવાની ચેતવણી'

    અમેરિકામાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, 35 સેનેટર, 435 હાઉસ ઑફ રિપ્રેસન્ટેટિવ્ઝ, 13 રાજ્યોના ગવર્નર તથા સરકારી પદોના અધિકારીઓની ચૂંટણી થઈ રહી છે.

    અમેરિકામાં ચૂંટણીપરિણામ વિવાદિત રહેવા ઉપરાંત હિંસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

    ડોનાલ્ડ ટ્રમ્પ તો એમ પણ કહી ચૂક્યા છે કે ચૂંટણીપરિણામ સુપ્રીમ કોર્ટમાં આવે એવું પણ બની શકે છે.

    ત્યારે અમેરિકાના બે પૂર્વ ઍટર્ની જનરલોએ ‘ચૂંટણીપરિણામને સ્વીકારવાનો ઇન્કાર કરવા’ સામે ચેતવણી આપી છે.

    ઍરિક હૉલ્ડર ડેમૉક્રેટિક બરાક ઓબામાના કાર્યકાળમાં ઍટર્ની જનરલ હતા અને માઇકલ મુકેસી રિપલ્બિકન જ્યૉર્જ ડબલ્યૂ બુશના કાર્યકાળમાં ઍટર્ની જનરલ હતા.

    ‘વૉશિંગટન પોસ્ટ’ અખબારમાં પોતાનો મત વ્યક્ત કરતાં તેમણે લખ્યું છે કે કાયદા અને નીતીઓની બાબતમાં તેઓ અસહમતી વ્યક્ત કરતા આવ્યા છે અને આવનારા સમયમાં પણ કરશે.

    તેમણે લખ્યું, “અમે સંયુક્ત રૂપથી કહીએ છીએ કે કારણકે જેમ અમેરિકામાં થતું આવ્યું છે એવી જ રીતે આપણે આવનારા સમયમાં પણ અસહમતી માટે જગ્યા રાખવા માગીએ છીએ.”

    બંનેએ લખ્યું છે કે “પ્રથમ સંશોધન લોકોને પોતાના વિચારને વ્યક્ત કરવાનો અધિકાર આપે છે. તેમને એ અધિકાર નથી આપતું કે રાજનીતિક પરિણામ તેમના અનુસાર ન આવે તો તેમના સાથી નાગરિકો શાંતિપૂર્ણ જીવન ન જીવી શકે.”

    તેમણે કહ્યું, “ એ કહેવાની જરૂર નથી, પરંતુ અમે એ કહેવા માટે મજબૂર છીએ કે રાજકીય નેતાઓ હિંસાને પ્રોત્સાહન ન આપે અને તેની અવગણના પણ ન કરે.”

  11. ટ્રમ્પ અને બાઇડન 'કુકીઝ'

    અમેરિકામાં રાષ્ટ્રપતિના ઉમેદવારો ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડનના સમર્થકોને આકર્ષવા માટે ખાસ કુકીઝ પણ બજારમાં આવી છે.

  12. ચૂંટણી પરિણામ પછી હિંસા ફાટી નીકળવાની ચિંતા બજારો પર છવાઈ

    અમેરિકાની ચૂંટણી અને પરિણામોને લઈને માહોલ બગડવાની આશંકા કેટલી હદે ફેલાયેલી છે એ આ તસવીરોમાં જોઈ શકાય છે.

    ચૂંટણીપરિણામને લઈને અસંતોષ વ્યાપ્તા હિંસા થવાની આશંકાને જોતાં વૉશિંગટન સહિત અન્ય શહેરોમાં લોકો પોતાની દુકાનોને સુરક્ષિત કરતા જોવા મળ્યા હતા.

    એક કાળા અમેરિકન નાગરિક જ્યૉર્જ ફ્લૉઇડની પોલીસના હાથે મૃત્યુ પછી ફાટી નીકળેલી હિંસા અને લૂંટથી અનેક વેપારીઓને નુકસાન વેઠવું પડ્યું હતું.

    ચૂંટણીપરિણામને લઈને અસંતોષની લાગણીને જોતા નાણાબજારમાં પણ આશંકાનો માહોલ છે.

    જોકે સોમવારે યુએસ સ્ટૉક માર્કેટ ઊંચા સ્તરે બંધ થયું હતું.

    હાલ ચૂંટણી અંગેના પૉલ્સમાં જો બાઇડનને રાષ્ટ્રપતિ ટ્રમ્પ કરતાં આગળ બતાવવામાં આવી રહ્યા છે.

    પરંતુ મહત્ત્વપૂર્ણ રાજ્યોમાં મામૂલી લીડ જો બાઇડનને રાષ્ટ્રપતિ બનાવશે એ ચોક્કસપણ ન કહી શકાય. કેટલાંક રાજ્યોમાં પરિણામ પર કાયદાકીય પ્રશ્નો થઈ શકે છે.

  13. અમેરિકાની ચૂંટણી 2020: ટ્રમ્પના કાર્યકાળમાં કેવી રીતે બદલાઈ દુનિયા?

    અમેરિકાના રાષ્ટ્રપતિ માત્ર પોતાના દેશના જ નેતા નથી હોતા, પરંતુ તેઓ કદાચ સમગ્ર વિશ્વના સૌથી વધુ શક્તિશાળી વ્યક્તિ પણ હોય છે. અમેરિકન રાષ્ટ્રપતિના નિર્ણયોની અસર સમગ્ર વિશ્વમાં અનુભવાય છે. ડોનાલ્ડ ટ્રમ્પ પણ તેમાં અપવાદ નથી. એવામાં ટ્રમ્પ કઈ રીતે દુનિયામાં પરિવર્તન લાવ્યા છે એ જોવું મહત્ત્વનું રહેશે.

    વિશ્વ અમેરિકાને કઈ રીતે જુએ છે?

    રાષ્ટ્રપતિ ટ્રમ્પે વારંવાર જાહેરાત કરી છે કે અમેરિકા "વિશ્વમાં સૌથી મહાન દેશ" છે. પરંતુ પ્યૂ રિસર્ચ સેન્ટરના 13 દેશો પર થયેલા તાજેતરના સરવે અનુસાર તેમણે વિદેશમાં આ છબિ સુધારવા માટે ખાસ કંઈ કર્યું નથી.

    ઘણા યુરોપિયન દેશોમાં અમેરિકા અંગે હકારાત્મક વલણ ધરાવતા લોકોની સંખ્યા લગભગ 20 વર્ષના સૌથી નીચા સ્તરે પહોંચી ગઈ છે.

    અમેરિકા વિશે બ્રિટનમાં 41 ટકા લોકો હકારાત્મક અભિપ્રાય ધરાવતા હતા, જ્યારે ફ્રાન્સમાં આ આંકડો 31 ટકા છે જે 2003 પછી સૌથી નીચો અભિપ્રાય છે. જર્મનીમાં માત્ર 26 ટકા લોકો અમેરિકા માટે હકારાત્મક મત ધરાવે છે.

    કયાં પરિબળોએ ચાર વર્ષમાં અમેરિકા અને દુનિયાના દેશોના સંબંધને અસર કરી? અહીં વાંચો

  14. કોરોના વાઇરસ અને ચૂંટણી વચ્ચે 'ચિંતા' દૂર કરવાનો પ્રયાસ

    ચિંતા, દબાણ, નર્વસનેસ, ગુસ્સો, ડર

    અમેરિકામાં ચૂંટણી અંગેની હૅડલાઇન્સમાં આ શબ્દો જોવા મળી રહ્યા છે.

    અમેરિકામાં લોકો ગૂગલ પર 'ઍન્ગઝાઇટી એટલે ચિંતા સાથે કેવી રીતે નિભાવવું?' સર્ચ કરી રહ્યા છે.

    કોરોના વાઇરસ અને એક કડવાશ ભરેલા ચૂંટણીપ્રચાર વચ્ચે ચિંતાનો માહોલ હોય એવું લાગી રહ્યું છે.

    જોકે અમેરિકાની ચૂંટણીમાં કેટલીક પળો એવી પણ જોવા મળી જે લોકોને હળવાશ અનુભવવામાં મદદ કરી શકે છે.

    ક્યાંક મતદારોની ચિંતા દૂર કરવા માટે સંગીત અને નૃત્યનો કાર્યક્રમ થયો તો ક્યાંક લોકો મતદારોને મફત કુકીઝ વહેંચતા દેખાયા.

  15. બાઇડનની દુખભરેલી કહાણી વિશે આ જાણો છો?

    ડેમૉક્રેટિક ઉમેદવાર જો બાઇડન ડેલાવેરના એક ચર્ચમાં પોતાના પરિવાર સાથે પહોંચ્યા હતા.

    આ ચર્ચ તેમના માટે ખાસ છે કારણકે તેમનાં પ્રથમ પત્ની અને નવજાત પુત્રીને અહીં દફનાવવામાં આવ્યાં છે.

    1972માં જો બાઇડન સૅનેટરની ચૂંટણી જીત્યા હતા તે સમયે તેમનાં પત્ની અને પુત્રીનું એક માર્ગદુર્ઘટનામાં મુૃત્યુ થયું હતું.

    બાઇડનના પુત્ર બિયૂ આ દુર્ધટનામાં બચી ગયા હતા પરંતુ 2015માં એક દુર્લભ પ્રકારના કૅન્સરથી તેમનું મૃત્યુ થયું હતું. તેઓ 46 વર્ષના હતા.

    બિયૂ બાઇડનની સાથે જો બાઇડનનાં માતાપિતાને પણ અહીં જ દફનાવવામાં આવ્યાં હતાં.

  16. અમેરિકાના આગામી પ્રમુખ પાસે ભારતને કેવી અપેક્ષાઓ?

  17. મતદાનમથકો પર લાંબી લાઈનો

    અમેરિકામાં મતદારોની લાઇનો સવારથી જોવા મળી રહી છે.

  18. સૅનિટાઇઝરની સમસ્યા

    અમેરિકામાં કોરોના વાઇરસની મહામારીએ પહેલાંથી જ ચૂંટણીમાં મુશ્કેલીઓ સર્જેલી છે પણ હવે તેમાં બૅલેટનો સમાવેશ થઈ ગયો છે. યૂએસ સેન્ટર્સ ફૉર ડિસીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન (સીડીસી)એ ચેતવણી આપી છે કે આલ્કોહોલ ધરાવતાં સૅનિટાઇઝરોથી બૅલેટ પેપરને નુકસાન પહોંચી શકે છે.

    સીડીસીના જણાવ્યા અનુસાર સૅનિટાઇઝરથી ભીનાં થયેલા બૅલેટ વોટિંગ મશીનમાં ખરાબી સર્જી શકે છે. અમેરિકાનાં મતદાનમથકો પર મતદારોની સુરક્ષા માટે સૅનિટાઇઝર રાખવામાં આવ્યાં છે. જોકે, સીડીસીએ મતદારો અને ચૂંટણીઅધિકારીઓને બૅલેટને સૂકા હાથે જ અડવાની ભલામણ કરી છે.

  19. ઉપરાષ્ટ્રપતિપદનાં ડેમૉક્રેટિક ઉમેદવાર કમલા હૅરિસ માટે તમિલનાડુમાં પ્રાર્થના

    જો બાઇડનનાં રનિંગ મેટ અને ઉપરાષ્ટ્રપતિ પદનાં ડેમૉક્રેટિક ઉમેદવાર કમલા હૅરિસ ભારતીય મૂળનાં છે.

    તેમનાં માતા શ્યામલા ગોપાલન ભારતીય હતાં જે અભ્યાસ માટે અમેરિકા ગયાં હતાં અને આફ્રિકન મૂળના ડોનાલ્ડ જે હૅરિસ સાથે લગ્ન કર્યાં હતાં. તેમને બે પુત્રી થયાં જેમાંથી કમલા હૅરિસ મોટાં છે.

    કમલા હેરિસ પ્રથમ આફ્રિકન-ભારતીય મૂળનાં મહિલા છે જેઓ ઉપરાષ્ટ્રપિ પદના ઉમેદવાર બન્યા છે.

    ચેન્નાઈથી 350 કિલોમિટર દૂર આવેલા તેમના ગામ તુલાસેન્દ્રપુરમમાં કમલા હેરિસની જીત માટે ખાસ પૂજાનું આયોજન ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું.

    ગામમાં કમલા હેરિસ માટે બૅનર્સ પણ મૂકવામાં આવ્યા છે.

  20. અમેરિકા વર્લ્ડ સુપર પાવર કેવી રીતે બન્યું?