You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

બિપરજોય વાવાઝોડું : ભુજ પાસે આખો પુલ ધોવાયો, વાવાઝોડું નબળું થયું પણ હજી ભારે વરસાદનું જોખમ

બિપરજોય વાવાઝોડું ગુજરાત પર ત્રાટક્યું એ બાદ શું થયું, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલી નુકસાની થઈ?

લાઇવ કવરેજ

  1. બ્રેકિંગ, વાવાઝોડું જ્યાં ત્રાટકવાનું છે ત્યાંનો લાઇવ નજારો

    બિપરજોય વાવાઝોડું જ્યાં ત્રાટકવાનું છે ત્યાં હવે તેની જોરદાર અસર દેખાવાની શરૂ થઈ ગઈ છે, જુઓ તેનો લાઇવ નજારો.

    બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારા કચ્છના માંડવી બીચ પરથી પરિસ્થિતિનો ચિતાર આપી રહ્યા છે, ત્યાં જોરદાર પવન ફૂંકાવાનો શરૂ થઈ ગયો છે. સાથે જ જોરદાર વરસાદ પડી રહ્યો છે.

    જુઓ વાવાઝોડા પહેલાંનો લાઇવ નજારો.

  2. બિપરજોય વાવાઝોડાને કારણે પશ્ચિમ રેલવે દ્વારા કેટલીક ટ્રેનો કરાઈ રદ

    અરબ સાગરમાં સર્જાયેલા બિપરજોય વાવાઝોડાને કારણે ગુજરાતનું હવામાન બદલાઈ રહ્યું છે. દરિયાકાંઠે પવન ફૂંકાઈ રહ્યો છે અને ઊંચાં મોજાં ઊછળી રહ્યાં છે.

    સમુદ્રકિનારે ન જવા લોકોને કહેવામાં આવ્યું છે. માછીમારોને પણ દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.

    ભાવનગર રેલવે મંડળના સિનિયર ડિસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર બિપરજોય વાવાઝોડાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ સંભવિત વિસ્તારોમાં સાવચેતીના પગલા તરીકે કેટલીક ટ્રેનો આંશિક રીતે અને કેટલીક ટ્રેનો સંપૂર્ણ રદ કરવાનો નિર્ણય લીધો છે.

  3. વાવાઝોડું ત્રાટકે એ અગાઉ અને એ દરમિયાન શું કરવું?

    • વાવાઝોડા પહેલાં તમારા ઘરની તપાસ કરાવવી જોઈએ અને જરૂર જણાય તો તેનું સમારકામ પણ કરાવવું જોઈએ.
    • રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ વાવાઝોડા પૂર્વે અફવાઓથી દૂર રહીને શાંત રહેવું જોઈએ. ગભરાવવું જોઈએ નહીં.
    • બાળકો સાથે વાત કરો અને તેમને ડરાવ્યા વિના વાવાઝોડા વિશે માહિતી આપવી જોઈએ.
    • વાવાઝોડની જાગૃતિ માટે પરિવાર સાથે વાવાઝોડાની અસરો વિશે ચર્ચા કરો, જેથી દરેકને ખબર પડે કે ઇમર્જન્સીમાં શું કરવું અને શું ન કરવું જોઈએ. તેનાથી તમે ભય અને ચિંતા દૂર કરી શકો છો અને લોકો ઇમર્જન્સી સમયે શું કરવું તેના માટે નિશ્ચિત રહે છે.
    • તમારા જરૂરી દસ્તાવેજો અને કિંમતી સામાન એવા ડબ્બામાં રાખો જેથી પાણીથી નુકસાન ન થાય.
    • તમારું બ્લડગ્રૂપ કયું છે તેની માહિતી પણ સાથે રાખવી જોઈએ.
    • ઘરમાં રેડિયો, ટોર્ચ, ફાનસ સાથે રાખવા ઉપરાંત બૅટરી સેલ પણ રાખવા જોઈએ.
    • બીમાર કે ડાયાબિટીસના દરદી કે બાળકો કે વૃદ્ધો માટે અલાયદું આયોજન કરો.
    • આ સાથે સાત દિવસ ચાલી શકે તેટલી ખાદ્યસામગ્રી, દવા અને પાણી સ્ટોર કરી રાખવું જોઈએ.
    • ઉપરાંત ધાબળા અને કપડાં પણ તૈયાર રાખવાં જોઈએ તેમજ પરિવારના ફોટોની અમુક કૉપી સાથે રાખવી જોઈએ, જેના કારણે વાવાઝોડા બાદ ઓળખ કરવા માટે તે કામ લાગી શકે.
    • આ સિવાય વાવાઝોડાની સ્થિતિમાં બચાવ સુનિશ્ચિત કરવા માટે બારીઓને ઢાંકવા માટે કેટલાક લાકડાના બોર્ડનો સંગ્રહ પણ કરવો જોઈએ.
    • વૃક્ષોનો ખરાબ થઈ ગયેલો ભાગ કાપી નાખો, જેનાથી નુકસાન થવાની શક્યતા ઓછી રહે છે.
    • બારી-બારણાં સાચવીને ખોલવાં જોઈએ તેમજ વધારાનું પાણી સંગ્રહ કરીને રાખવું જોઈએ.
    • આ સાથે સમાચારો અને માહિતીથી સતત અપડેટ રહેવું જોઈએ. અસરગ્રસ્ત વિસ્તારોમાં હોઈએ ત્યારે પહેલી ચેતવણી સમયે જ સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરી લેવું જોઈએ.
    • માછીમારે દરિયો ન ખેડવો અને સામાન્ય નાગરિકે કાંઠા વિસ્તારની મુલાકાત ન લેવી જોઈએ.
    • રાજ્ય સરકાર અનુસાર, વાવાઝોડા સમયે ઘરમાં જ રહેવું. બહાર જવાનું સાહસ ન કરવું. શક્ય હોય તો ગૅસ, વીજ કનેક્શન બંધ રાખવા જોઈએ.
  4. બિપરજોય વાવાઝોડું જખૌથી 180 કિલોમિટર દૂર, ક્યારે પહોંચશે ગુજરાતના દરિયાકાંઠે?

    અરબ સાગરમાં સર્જાયેલ બિપરજોય વાવાઝોડાને કારણે ગુજરાત સરકાર અને ખાસ કરીને કાંઠા વિસ્તારે આવેલા જિલ્લાઓના વહીવટી તંત્ર માટે પડકારજનક સ્થિતિ ઊભી થઈ શકે છે.

    ભારતીય હવામાન વિભાગની અપડેટ અનુસાર ‘અતિ પ્રચંડ સાયક્લૉનિક સ્ટોર્મ’ બિપરજોય 15 જૂન ગુરુવારે જખૌ બદરથી 180 કિલોમિટર, દેવભૂમિ દ્વારકાથી 210 કિલોમિટર, નલીયાથી 210 કિલોમિટર, પોરબંદરથી 290 કિલોમિટર અને કરાચી(પાકિસ્તાન) થી 270 કિલોમિટર દૂર છે.

    બિપરજોય પાછલા છ કલાકથી 6 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.

    વાવાઝોડું ઉત્તર-ઉત્તરપૂર્વ દિશા તરફ આગળ વધી સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ પાકિસ્તાનના દરિયા કાંઠેથી પસાર થશે. હવામાન વિભાગની આગાહી અનુસાર 15 જૂન એટલે કે ગુરુવારે વાવાઝોડું માંડવી કરાચી વચ્ચેથી કચ્છના જખૌ બંદર પાસેથી પસાર થશે.

    વાવાઝોડાના ‘લૅન્ડફૉલ’ વખતે 115-125 કિલોમિટર પ્રતિ કલાકથી 140 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.

  5. બિપરજોય વાવાઝોડું: ગુજરાતમાં ભારે વરસાદ માટેની તૈયારીઓ શરૂ, વીજ પુરવઠો ખોરવાશે

    હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ અનુસાર, બિપરજોય વાવાઝોડું 15મી સાંજ સુધીમાં ઉત્તરપૂર્વ તરફ આગળ વધીને ગુજરાતના કચ્છ જિલ્લાના જખૌ નજીક લૅન્ડફૉલ કરે તેવી શક્યતા છે.

    આ બિપરજોય વાવાઝોડાને કારણે રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ સાથે 120-130 કિમી પ્રતિ કલાકથી 145 કિમી પ્રતિ કલાક સુધીની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે.

    ભારતીય હવામાન વિભાગ અનુસાર, સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાંરેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે નાગરિકોને કામ સિવાય બહાર ન નીકળવાની પણ વિનંતી કરવામાં આવી છે.

    ગુજરાતમાં પ્રભાવિત વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વાવાઝોડાને કારણે કાચા મકાનો, ઊભો પાક, વીજ થાંભલાઓને પણ નુકસાન થવાની શક્યતા છે, તેથી નાગરિકોને ચેતવણી આપવામાં આવી છે કે ઘરની બહાર કામ સિવાય નીકળવું નહીં.

  6. વાવાઝોડાથી બચવા શું કરવું? શું ન કરવું?

    અરબ સાગરમાં સર્જાયેલ ‘સિવિયર સાયક્લૉનિક સ્ટોર્મ’ બિપરજોયની દરેક જતા દિવસે વધતી જતી તીવ્રતા ગુજરાત અને ભારતના કાંઠા વિસ્તારો માટે ‘ચિંતાનો મુદ્દો’ બન્યો છે.

    હવામાન વિભાગ તરફ શૅર કરાયેલ વાવાઝોડાની લેટેસ્ટ માહિતી અનુસાર બિપરજોયની અસર સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના ગુજરાતના દરિયાકાંઠે જોવા મળશે.

    ઝડપી પવનો અને અસરગ્રસ્ત વિસ્તારોમાં વરસાદની આગાહી પણ કરી દેવાઈ છે.

    પાછલા ઘણા દિવસોથી હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયાનું ખેડાણ ન કરવાને લઈને ચેતવણી પણ જાહેર કરી દેવાઈ છે.

    વાવાઝોડાની પરિસ્થિતિને કારણે દરિયો તોફાની બનતાં અસરગ્રસ્ત જિલ્લામાં માનવીય પ્રવૃત્તિઓ નિયંત્રિત કરવા માટે સ્થાનિક તંત્ર દ્વારા તૈયારીઓ કરાઈ રહી હોવાનું કહેવાઈ રહ્યું છે. ત્યારે વાંચો

  7. બિપરજોય વાવાઝોડું : ગુજરાતમાં અહીં ઍલર્ટ, ક્યાં પડશે અતિભારે વરસાદ?

    બિપરજોય વાવાઝોડું અરબી સમુદ્રમાં આગળ વધી રહ્યું છે, જેના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં સીધી અસર થવાની શક્યતા છે.

    આ ઉપરાંત ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ હવામાન પલટાયું છે. ગુજરાતના ઘણા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને સાથે જ જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે.

    આ અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને આગામી દિવસોમાં ક્યાં કેટલો વરસાદ પડશે, એનું અનુમાન આપવામાં આવ્યું છે.

    વરસાદને ધ્યાને રાખીને કેટલાક જિલ્લામાં રેડ ઍલર્ટની જાહેરાત પણ કરાઈ છે. તો ગુજરાતના કયા જિલ્લામાં કેટલો પડશે વરસાદ?

  8. વાવાઝોડા અંગે પળેપળની અપડેટ

    ગુડ મૉર્નિંગ

    બિપરજોય વાવાઝોડું દરિયામાં આગળ વધી રહ્યું છે. આ અંગેની માહિતી માટે જોડાયેલા રહો બીબીસી ગુજરાતી સાથે.

    આ અંગેની માહિતી અહીં અમે તમને સતત આપતા રહીશું.

  9. બીબીસી ગુજરાતીનું લાઇવ પેજ હવે બંધ કરીએ છીએ... દિવસભર અમારી સાથે જોડાવવા બદલ આભાર...

  10. બિપરજોય વાવાઝોડું હાલ કઈ દિશામાં છે?

    હવામાન વિભાગ તરફથી મળતી માહિતી અનુસાર, અતિ ભારે વાવાઝાડું બિપરજોય ઉત્તર પૂર્વ તરફ અરબ સાગરથી પસાર થઈ રહ્યું છે જેના લીધે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકિનારે રેડ સિગ્નલ આપવામાં આવ્યું છે.

    હવામાન વિભાગની માહિતી મુજબ, આ વાવાઝોડું હાલ ઉત્તર પૂર્વમાં અરબ સાગરથી પૂર્વ ઉત્તર પૂર્વ તરફ આગળ વધ્યું છે. હાલ આ વાવાઝોડું છેલ્લા છ કલાકથી 7 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.

    14 જૂને સાંજે સાડા પાંચ વાગ્યા સુધીમાં આ વાવાઝોડું જખૌ બંદરથી 240 કિમી દૂર, દેવભૂમિ દ્વારકાના પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમથી 260 કિમી દૂર, નલિયાથી પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમથી 260 કિમી દૂર, પોરબંદરથી પશ્ચિમમાં 310 કિમી દૂર છે, જ્યારે પાકિસ્તાનના કરાચીના દક્ષિણથી 330 કિમી દૂર છે.

    હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂને સાંજ સુધીમાં આ વાવાઝોડું 120-130થી 145 કિમીની ઝડપે ગુજરાતના માંડવી, જખૌ દરિયાકિનારા અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાય તેવી સંભાવના છે.

  11. કેન્દ્રીય આરોગ્યમંત્રી કચ્છ પહોંચ્યા, કેવી થઈ રહી છે તૈયારી?

    કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા સંભવિત વાવાઝોડા પહેલાં સ્થિતિની સમીક્ષા કરવા માટે કચ્છ પહોંચ્યા હતા.

    અરબી સમુદ્રમાં આગળ વધી રહેલું બિપરજોય વાવાઝોડું કચ્છ જિલ્લામાં ત્રાટકે એવી શક્યતા છે, આ વચ્ચે માંડવિયા કચ્છ જિલ્લાના ભુજ ખાતે પહોંચ્યા હતા. તેમણે તૈયારીઓની સમીક્ષા કરવા માટે ભુજમાં સ્થિત ઍરફૉર્સ સ્ટેશનની મુલાકાત લીધી હતી.

    આ ઉપરાંત તેમણે 108 ઇમર્જન્સી સેવાની તૈયારીઓનું પણ નિરીક્ષણ કર્યું હતું.

  12. સંભવિત વાવાઝોડાને પગલે મોબાઇલ ફોનમાં કોઈ પણ નેટવર્કનો ઉપયોગ કરી શકાશે

    બિપરજોય વાવાઝોડું અરબી સમુદ્રમાં આગળ વધી રહ્યું છે, જેની અસર ગુજરાતના કેટલાક જિલ્લામાં વર્તાવાની શરૂ થઈ ગઈ છે.

    વાવાઝોડું ઉત્તર-પૂર્વ દિશા તરફ આગળ વધી સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ પાકિસ્તાનના દરિયા કાંઠેથી પસાર થશે.

    હવામાન વિભાગની આગાહી અનુસાર 15 જૂન એટલે કે ગુરુવારે વાવાઝોડું માંડવી કરાચી વચ્ચેથી કચ્છના જખૌ બંદર પાસેથી પસાર થશે.

    એવામાં અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થવાની અને મોબાઇલ નેટવર્ક ન પકડવાની ઘટના બને એ સ્વાભાવિક છે. એવામાં ગુજરાત સરકારે રાહતના સમાચાર આપ્યા છે.

    ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતાના સોશિયલ મીડિયા ટ્વિટર એકાઉન્ટ પરથી મોબાઇલ ધરાવતા લોકો માટે સમાચાર આપ્યા છે.હર્ષ સંઘવીના ટ્વીટ અનુસાર, બુધવારથી લઈ 17 જૂન રાત્રે 12 વાગ્યા સુધી જો કોઈ ટેલિકૉમ સેવાથી નેટવર્ક ન આવતું હોય તો મોબાઇલ ફોનના સેટિંગમાં જઈ, સીમ કાર્ડનો વિકલ્પ પસંદ કરી, મોબાઇલ નેટવર્કના વિકલ્પ પર જઈ, મેન્યુઅલી કોઈ પણ ટેલિકૉમ સેવાની પસંદગી કરી શકાય છે.

  13. બિપરજોય વાવાઝોડાને લઈને દ્વારકાના ગોમતીઘાટ પર શું સ્થિતિ છે?

    બિપરજોય વાવાઝોડાને લઈને દ્વારકાના ગોમતીઘાટ પર શું સ્થિતિ છે? દર્શાવી રહ્યા છે સંવાદદાતા તેજસ વૈદ્ય (કૅમેરા : સચીન પીઠવા)

  14. બિપરજોય વાવાઝોડું ક્યાંથી ક્યાં પસાર થશે?

    અરબ સાગરમાં સર્જાયેલા બિપરજોય વાવાઝોડાને કારણે ગુજરાતનું હવામાન બદલાઈ રહ્યું છે. દરિયાકાંઠે પવન ફૂંકાઈ રહ્યો છે અને ઊંચાં મોજાં ઊછળી રહ્યાં છે.

    ભારતીય હવામાન વિભાગની અંતિમ અપડેટ અનુસાર 'અતિ પ્રચંડ સાયક્લોનિક સ્ટોર્મ' બિપરજોય બુધવારે વહેલી સવાર સુધીમાં દેવભૂમિ દ્વારકાથી 290 કિલોમિટર, પોરબંદરથી 350 કિલોમિટર, નલીયાથી 300 કિલોમિટર, કચ્છના જખૌ બંદરથી 280 કિલોમિટર દૂર તેમજ પાકિસ્તાનના કરાચી બંદરથી 340 કિલોમિટર દૂર છે.

    વાવાઝોડું ઉત્તરપૂર્વ દિશા તરફ આગળ વધી સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ પાકિસ્તાનના દરિયા કાંઠેથી પસાર થશે. હવામાન વિભાગની આગાહી અનુસાર 15 જૂન એટલે કે ગુરુવારે વાવાઝોડું માંડવી કરાચી વચ્ચેથી કચ્છના જખૌ બંદર પાસેથી પસાર થશે.

    ભારતીય હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્ર દ્વારા 15 તારીખે ગુજરાતમાં ત્રાટકનારા બિપરજોય વાવાઝોડા અંગે બુધવારે પત્રકારપરિષદ યોજી મહત્ત્વપૂર્ણ જાણકારી આપતાં કહ્યું હતું કે, "વાવાઝોડાને લઈને હવામાન વિભાગે કરેલી આગાહીમાં હાલ કોઈ પરિવર્તન નથી.

  15. બિપરજોય વાવાઝોડું : ગુજરાતના કાંઠે ક્યારે ત્રાટકશે, પાંચ સવાલ અને જવાબ

  16. વાવાઝોડાના પગલે TAT(S)ની પરીક્ષા મોકૂફ, હવે આ તારીખે યોજાશે

    બિપોરજોય વાવાઝોડાની સંભાવનાને ધ્યાને રાખીને શિક્ષક અભિયોગ્યતા કસોટી (માધ્યમિક) TAT(S)ની પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી છે. આ પરીક્ષા 18મી જૂને યોજાવાની હતી, જે હવે 25 જૂન યોજાશે.

    ગુજરાતના શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોરે ટેટની પરીક્ષાને મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી.

    અરબી સમુદ્રમાં બિપરજોય વાવાઝોડું આગળ વધી રહ્યું છે, જેની અસર સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં વધારે જોવા મળશે. આ વાવાઝોડું કચ્છ જિલ્લામાં ટકરાય એવી શક્યતા છે.

    જેના કારણે ગુજરાત સરકાર દ્વારા આ પરીક્ષાને પાછળ ઠેલવાનો નિર્ણય લીધો હતો.

  17. વાવાઝોડું આવે એ પહેલાં જ અસર શરૂ, થાંભલા પડ્યા

    સૌરાષ્ટ્ર અને કચ્છમાં બિપરજોય વાવાઝોડાની અસર વર્તાવાની શરૂ થઈ ગઈ છે.

    બિપરજોય વાવાઝોડું અરબી સમુદ્રમાં આગળ વધી રહ્યું છે અને તે ગુરુવારે ગુજરાત પર ત્રાટકે એવી શક્યતા છે.

    વાવાઝોડું ગુજરાત નજીક પહોંચે, એ પહેલાં જ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં તેની અસર દેખાવાની શરૂ થઈ ગઈ છે.

    સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં પવન ફૂંકાઈ રહ્યો છે અનેઉપલેટામાં મંગળવારથી જ પવન ફૂંકાઈ રહ્યો છે અને વરસાદ પણ શરૂ થઈ ગયો છે.

    જેના કારણે આ ઉપલેટાનાથાંભલા પડી ગયા હતા. વીજથાંભલા પડી જવાથી વીજકંપની પીજીવીસીએલના કર્મચારીઓ ઘટનાસ્થળે આવી ગયા હતા અને કામગીરી શરૂ કરી દેવાઈ હતી.

  18. વાવાઝોડા અંગે નવી આગાહી, કેટલા વાગ્યે ત્રાટકશે?

    બિપરજોય વાવાઝોડા અંગે હવામાન વિભાગ દ્વારા નવી આગાહી કરવામાં આવી છે. વાવાઝોડું અત્યારે અરબી સમુદ્રમાં આગળ વધી રહ્યું છે અને તે ગુજરાતના કચ્છના માંડવી પાસે ટકરાય એવી શક્યતા સેવાઈ રહી છે.

    આ વચ્ચે હવામાન વિભાગે નવી આગાહીમાં શું કહ્યું છે અને હવે શું થવાની શક્યતા છે? બરાબર કેટલા વાગ્યે વાવાઝોડું ત્રાટકશે?

  19. ગુરુવારે દ્વારકાનું પ્રસિદ્ધ મંદિર બંધ

    દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ મંદિરને ગુરુવારે સંભવિત વાવાઝોડાના કારણે બંધ રાખવામાં આવશે. આ અંગે જિલ્લાના એસડીએમ પાર્થ તલસાણિયાએ માહિતી આપી હતી.

    અરબી સમુદ્રમાં બિપરજોય વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને તેની અસર દેવભમિ દ્વારકા જિલ્લામાં વધારે થઈ શકે છે.

    દ્વારકામાં બુધવારથી જ ભારે પવન ફૂંકાવાનો શરૂ થઈ ગયો છે અને સાથે જ વરસાદ પડી રહ્યો છે. જેમાં દ્વારકા મંદિરની ધજાને પણ ક્ષતિ થઈ હતી. આ વચ્ચે ગુરુવારે મંદિરને બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

  20. વાવાઝોડું જ્યાં ટકારાવાનું છે ત્યાંથી લોકોને ખસેડાયા, અત્યારે શું છે સ્થિતિ?

    બિપરજોય વાવાઝોડું જ્યાં ટકરાવાની શક્યતા છે, એ કચ્છ જિલ્લાના દરિયાકાંઠાના ગામને ખાલી કરાવી દેવામાં આવ્યું છે.

    અહીં વાદળો ઘેરાયાં છે અને જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે, આ વચ્ચે કેવી છે પરિસ્થિતિ.